સમાધિ અને મૂર્છામાં ભેદ
શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી બહુ લાંબે સમયે વિવેકાનંદ એ બાબતમાં કહેતા કે તેઓ (શ્રીરામકૃષ્ણ) ઘોર અંધારી રાતે કોઈ કોઈ વખત પીડાને લીધે જમીન પર પડી આમતેમ છટપટ કરતા. પ્રાર્થના કરતા કે તેઓ એક જીવને પણ કંઈ સહાયતા કરી શક્તા હોય તો, તેઓ ફરી પૃથ્વી પર કૂતરાની યોનિમાં પણ જન્મ લઈને આવશે. કોઈ કોઈ વાર જ્યારે તેઓ પોતાના મનની વાત બીજા સામે થોડી ઘણી પ્રગટ કરી શક્તા, ત્યારે તેઓ કહેતા કે ઉચ્ચ ઉચ્ચ દર્શન આવીને તેઓને સેવાભાવથી હઠી જવાને પ્રલોભિત કરતાં હતાં. તેમના શિષ્યો એમના ગુરુદેવ ક્યારેક ક્યારેક ઊંડી સમાધિનો ભંગ થયા પછી જે બે-ચાર વાતો પોતાના મન સાથે બોલતા, તે પણ આ વિષયની છે, એમ નિશ્ચય કરતા. તે વખતે તેઓ બાળકની માફક માની પાસેથી દોડી જઈ રમત રમવા જવા દેવા માટે જગન્માતાને કાકલૂદી કરતા. ‘બસ એક જ વધારે જીવ-સેવાકાર્ય’ અથવા ‘બસ એક વધારે નાની સરખી ચીજનો ઉપભોગ’ કરીશ, એમ વાયદો કરતા અને હઠ પકડતા. પરંતુ સમાધિમાંથી આવા વ્યુત્થાન સમયે તેમનામાં સર્વદા અનન્ત પ્રેમ અને ગંભીર અન્તર્દૃષ્ટિનો એવો પરિચય જોવા મળતો કે જેવો ઈશ્વરમાં પૂર્ણ તન્મયતાપ્રાપ્ત વ્યક્તિમાં હોઈ શકે. જ્યારે વિવેકાનંદે હાર્વર્ડમાંના તેમના ભાષણ વખતે ઉપર જણાવેલી બે વાતનો જ સમાધિજનિત બાહ્યજ્ઞાનશૂન્યતા તથા વાઈ રોગની બાહ્યજ્ઞાનશૂન્યતા બેની વચ્ચેનાં લક્ષણના તફાવત તરીકે નિર્દેશ ર્ક્યાે ત્યારે અમે સમજી શક્યાં કે એમના ગુરુદેવના જીવનમાં સમાધિસ્થિતિ અને ફરી તેમાંથી સામાન્ય સ્થિતિમાં પ્રત્યાવર્તન – એ બન્નેનું સદા તેમને પ્રત્યક્ષ દર્શન થયું હતું, તેથી જ તેમના દરેક શબ્દોમાં આ જાતનો દૃઢ વિશ્વાસ રહેલો હતો.
શ્રીરામકૃષ્ણની બીજી પણ અનેક વિશેષતાઓ હતી. પોતાના સ્નાયુઓની ક્રિયા ઉપર તેમની અજબ સત્તા હતી. તેનું એક દૃષ્ટાંત આ કે તેમની છેલ્લી માંદગી વખતે તેઓ ગળા પરથી મનને સંપૂર્ણ રીતે ઉઠાવી લઈને, તેના પર શસ્ત્રક્રિયા કરવાની અનુમતિ આપી શક્યા હોત, જાણે કે શરીરના તે અંગને સંજ્ઞાહીન બનાવી દેવાયું હોય. તેમની અવલોકનશક્તિ પણ અસાધારણ હતી. શારીરિક ગઠનની બારીકમાં બારીક વિગત પણ તેમને માટે અર્થપૂર્ણ બની જતી, તે દ્વારા તેમને શરીરની અંદર રહેલા જીવનની પ્રકૃતિનો કંઈ ને કંઈ ખ્યાલ આવી જતો. નવા આવેલા શિષ્યને તેઓ એક જાતની સંમોહન જેવી નિદ્રામાં નાખી દેતા તેમજ એના અવચેતન મનમાંથી થોડીક મિનિટોમાં જ ત્યાં દૂર દૂરના ભૂતકાળથી જે બધા સંસ્કારો રહેલા છે, તે પણ જાણી લેતા. લોકોનાં સામાન્ય કાર્યો અને વાતો કે જે બીજાની દૃષ્ટિએ નજીવાં લાગે, તે બધાં તેમની સમક્ષ ચરિત્રરૂપ મહાપ્રવાહમાં તણાતાં તૃણખંડોની જેમ એ સ્રોતની ગતિનો નિર્દેશ કરી દેતાં. તેઓ કહેતા કે ‘કોઈ કોઈ વાર એવી એક અવસ્થા થાય કે જ્યારે નરનારીઓ કાચની બનેલી ચીજ જેવાં લાગે અને તેમની અંદર-બહારનું બધું હું જોઉં.’
શ્રીરામકૃષ્ણનો સ્પર્શ
સર્વોપરી, તેઓ સ્પર્શમાત્રથી લોકોનાં જ્ઞાનચક્ષુ ઉઘાડી દેતા અને તેથી એ લોકોનાં સમગ્ર જીવન એક નવીન શક્તિપ્રભાવથી ગઠિત અને પરિચાલિત થતાં. તેમની સમાધિ બાબતમાં આ વાતની બધાયને ખબર છે, ખાસ કરીને દક્ષિણેશ્વરમાં જે સ્ત્રીઓ તેમને મળવા આવતી તેમની બાબતમાં. પરંતુ આ સિવાય પણ એક સાદી સીધી પ્રકૃતિના માણસે મને શ્રીરામકૃષ્ણના જીવનના છેલ્લા થોડાક માસમાંના એક દિવસની એક ઘટનાની વાત કરી હતી.
તે દિવસે કાશીપુરના બગીચામાં ફરતાં ફરતાં તેમણે ભેગા થયેલા કેટલાક ભક્તોનાં મસ્તિષ્ક પર હાથ મૂકી કોઈકને કહ્યું, ‘ચૈતન્ય થાઓ’, વળી કોઈને કહ્યું, ‘આજે રહેવા દો.’ આમ બધાને કહ્યું. આ પછી તરત જ કૃપાપાત્ર ભક્તોમાંના પ્રત્યેકને એક એક જુદી જુદી જાતની અનુભૂતિ થવા લાગી. એક જણના મનમાં અસીમ વ્યાકુળતા જાગી ઊઠી; બીજા એક જણને આસપાસની બધી ચીજો છાયાની જેમ અવાસ્તવ જણાવા લાગી, તેમજ કોઈ એક ભાવની વ્યંજક બની ગઈ; ત્રીજી વ્યક્તિને આ કૃપા અપાર આનંદરૂપે અનુભવમાં આવી, આનંદ ક્યાંય સમાય જ નહીં; કોઈએ વળી એક દિવ્યજ્યોતિ જોઈ, કે જે તેના જીવનની પ્રત્યેક ગતિવિધિમાં સાથે જ રહી. પરિણામે જ્યારે તે કોઈ મંદિરમાં કે રસ્તાની બાજુના દેવાલય પાસે થઈને જાય, ત્યારે તેને એ જ્યોતિમાં એક મૂર્તિ બેઠેલી દેખાય; વળી એવું દેખાય કે એ વખતે તેને માટે જેવું જોવાનું યોગ્ય હોય, તે પ્રમાણે એ મૂર્તિ કોઈ વાર હસે, કોઈ વાર ઉદાસીન છે. એ મૂર્તિને તે ‘વિગ્રહમાં વિરાજિત પરમાત્મા’ તરીકે ઓળખે અને તે જ રીતે એની બાબતમાં વાત કરે.
આમ દરેકની અંદર જે કંઈ શ્રેષ્ઠ અને સાર વસ્તુ રહેતી હોય, તેને ઉદ્બોધિત કરી દઈ અથવા તો તે સમયે જે જેટલું ગ્રહણ કરી શકે એમ હોય, તે પ્રમાણે પોતાની અનુભૂતિ એમની અંદર સંચારિત કરી દઈને શ્રીરામકૃષ્ણ એ દૃઢ સત્યપરાયણતા તેમજ પ્રબળ વિચારબુદ્ધિનો સૂત્રપાત તથા તેનું પોષણ કરી દેતા કે જે તેમના દ્વારા જીવન-ઘડતર પામેલ બધા શિષ્યોની અંદર આપણે જોઈએ છીએ. તેઓમાંના એક શિષ્ય રામકૃષ્ણાનંદે કહ્યું હતું કે ‘ગમે તે હોય પણ એની ક્સોટી ર્ક્યા વિના અમે વિશ્વાસ કરીએ નહીં; ઠાકુર અમને એમ કરવાનું શીખવી ગયા છે.’ અને જ્યારે મેં તેમના બીજા એક શિષ્યને પૂછ્યું કે આ શિક્ષણનું રૂપ કેવું હતું, ત્યારે ઊંડો વિચાર કરીને તેમણે કહ્યું કે શ્રીરામકૃષ્ણ તેમને ચરમ તત્ત્વનો કંઈ ને કંઈ આભાસ કરાવી દેતા, એમાંથી જ દરેક શિષ્યને એવું એક જ્ઞાન મળી જતું કે જેને કોઈ દિવસ ભ્રાંતિ ઊપજે જ નહીં. વિવેકાનંદે તેમનાં શરૂઆતનાં ભાષણોમાંથી એકમાં કહ્યું છે કે ‘આપણા પોતાના પ્રયત્નથી કે કોઈ સિદ્ધ મહાપુરુષની કૃપાથી આપણે એ સર્વોચ્ચ લક્ષની પ્રાપ્તિ કરીએ છીએ.’
ચેતનાની સીમાઓ
ગુરુનું જીવન જ શિષ્યના હાથમાંની રત્નસંપત્તિ છે; તેમજ આમાં અણુમાત્ર સંદેહ નથી કે માનવીની મનોવૃત્તિઓ કેટલી હદ સુધી પ્રસાર પામી શકે, તે વિશે પોતે જે જોયું હતું અને અનુભવ્યું હતું, તે બધાનું તરત જ સ્વામીએ વિશ્લેષણ ર્ક્યું હતું. એટલે જ પશ્ચિમના દેશોની મનોરાજ્યવિષયક ગવેષણાઓના સંસ્પર્શમાં આવતાંવેંત સમગ્ર જ્ઞાનરાશિને તેઓ અવચેતન, ચેતન તેમજ અતિચેતન અથવા સમાધિ- આ ત્રણ શ્રેણીમાં વિભક્ત કરી શક્યા હતા. પહેલા બે શબ્દો યુરોપ-અમેરિકામાં સારી રીતે પ્રચલિત હતા, ત્રીજો શબ્દ તેમણે પોતે પોતાની નિપુણ સૂક્ષ્મ દૃષ્ટિ તેમજ જીવનની અનુભૂતિના આધારે મનસ્તત્ત્વ વિષયક શબ્દોની અંદર ઉમેરી દીધો હતો. તેમણે એક્ વાર કહ્યું હતું કે ‘અવચેતન તથા અતિચેતન રૂપી મહાસાગરોની વચ્ચેનું એક પાતળું આવરણમાત્ર- ‘ચેતન’ કહેવાય છે.’ તેમણે વિસ્મયપૂર્વક આમ પણ કહ્યું હતું કે, ‘જ્યારે હું પશ્ચિમની પ્રજાઓને ‘ચેતન’ની આટલી બડાઈ કરતી સાંભળું છું, ત્યારે હું મારા કાનનો વિશ્વાસ કરી શક્તો નથી. ‘ચેતન’? ‘ચેતન’માં શું આવે જાય? તેની નીચે જે અગાધ સાગર જેવું ‘અવચેતન’ રહ્યું છે, તેમજ તેની ઉપર જે ઊંચા ઊંચા પર્વત જેવું ‘અતિચેતન’ રહ્યું છે, એની તુલનામાં તો એ કંઈ નથી. આમાં મારી ભૂલ થવાની કોઈ જ સંભાવના નથી, કારણ કે શું મેં શ્રીરામકૃષ્ણ પરમહંસને દસ મિનિટની અંદર લોકોના ‘અવચેતન’માંથી તેમનો સમગ્ર ભૂતકાળ જાણી લેતા, તેમજ તે પરથી તેમનું ભવિષ્ય, તેમજ અંદરની શક્તિનું નિરૂપણ કરતા જોયા નથી?’
‘ખરા અતીન્દ્રિય જ્ઞાન (અતિચેતન) સાથે કદી પણ વિચારબુદ્ધિનો વિરોધ હોઈ શકે નહીં’ – ‘રાજયોગ’માં લખાયેલાં આ વચનોની સત્યતા પણ નિ :સંદેહ સ્વામીની આ જાતની બધી જ્ઞાનભૂમિની સર્વ સમાવેશક ક્ષમતામાંથી જન્મેલ છે. દક્ષિણેશ્વરના આ તપસ્વીમાં વિવિધ અસાધારણ ઉપાય દ્વારા અતીન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ હતી, એમાં સંદેહ નથી. પરંતુ તેઓ કદીય તેનાથી ઉત્પન્ન થતા વૃથાભિમાને કારણે આત્મભાન ભૂલી જઈ જેનો સાધારણ ઉપાયે નિશ્ચય થઈ શકે, તે જાણવા માટે અસાધારણ ઉપાયનું અવલંબન કરવાનો પ્રયાસ કરતા નહીં.
એક્વાર એક અદ્‌ભુત સાધુ-વેશધારીએ દક્ષિણેશ્વરના બગીચામાં આવીને કહ્યું કે તે આહાર વિના જીવન ટકાવી શકે છે. તેની પરીક્ષા કરવા માટે શ્રીરામકૃષ્ણે કોઈ અલૌકિક દર્શનની સહાયતા લેવાનો પ્રયત્ન ન ર્ક્યાે, માત્ર કેટલાક ચતુર લોકોને તેનું ધ્યાન રાખવા કામે લગાડી દીધા, તેમજ એમને કહી દીધું કે એ વ્યક્તિ શું ખાય, તેમજ ક્યાં ખાય તે બધું એમને કહી દેવું.
કોઈ વસ્તુની પરીક્ષા ર્ક્યા વિના તેને સ્વીકારી લેવી ચાલશે નહીં, તેમજ સાધારણ લોકો સ્વપ્ન, ભાવિ ઘટનાઓ પહેલેથી જોવી, તેમજ એ સંબંધી ભવિષ્ય-વાણી કહેવી ઇત્યાદિ એ બધી રીતે એકબીજા ઉપર પ્રભાવ પાડવાનો આટલો બધો પ્રયત્ન કરે, તે બધા પ્રત્યે સ્વામી વિવેકાનંદ તેમના દેહત્યાગના દિવસ સુધી બહુ તિરસ્કારની નજરે જોતા. લોકો આવું બધું મોટા પ્રમાણમાં તેમની સમક્ષ રજૂ કરતા; એમ થાય જ, પરંતુ તેઓ તો હંમેશાં એ બધાને અગ્રાહ્ય તરીકે ઉડાવી દેતા, તેમજ કહેતા કે જો એ બધું સત્ય હોય, તો પોતે ન માનતા હોય તોપણ એ પોતપોતાનું સત્ય પ્રગટ કરશે જ. તેઓ કહેતા કે કોઈ ભવિષ્યવાણી કાર્યક્ષેત્રમાં સાચી પડશે કે નહીં, એ વાત તેમને માટે તો જાણવી અસંભવિત હતી. તેઓ આ બાબત ધ્રુવ સત્ય તરીકે ચોક્કસ જાણતા હતા કે જો તેઓ એક્ વાર એ બધું માને, તો પછી તેઓ કદી પણ એના પંજામાંથી બચી શકે નહીં, સ્વતંત્ર થઈ શકે નહીં.
અતીન્દ્રિય જ્ઞાનની ઉપયોગિતા
શ્રીરામકૃષ્ણ વિશે આ હંમેશાં જ જોવામાં આવતું કે તેમનાં અલૌકિક દર્શનાદિ કેવળ પારમાર્થિક બાબતમાં જ પ્રયુક્ત થતાં. તેઓ કદિ પણ જીપ્સીની માફક – જોશ જોનારાઓની માફક એને ઐહિક બાબત ગણવા દેતા નહીં; તેમજ એમના શિષ્યોના મત અનુસાર આ પ્રમાણે ભવિષ્ય કહેવું એ શક્તિનો ઓછો-વધતો ખોટો ઉપયોગ જ સૂચિત કરતી હતી.
સ્વામી કહેતા કે ‘આ બધી અટપટી અને ગૌણ વાતો છે, એ કંઈ યોગ નથી. અપરોક્ષ રીતે આપણી વાતોની સત્યતા પ્રમાણિત કરે, એટલે એમનું થોડું ઘણું મહત્ત્વ હોઈ શકે. થોડા સામાન્ય આભાસથી પણ માનવીને વિશ્વાસ બેસે કે સ્થૂલ, જડ જગતની બહાર કંઈક છે. પરંતુ જેઓ આ બધી વસ્તુઓ લઈને વખત બગાડે તેમને માથે મોટો ભય છે.’ વળી એક બીજી વાર તેઓ અસહિષ્ણુતાથી બોલી ઊઠ્યા હતા, ‘આ સત્ય અને અસત્ય વચ્ચેની સીમા અંગેની સમસ્યાની વાતો છે! (frontier questions) એની મદદથી કોઈ નિશ્ચિત કે દૃઢ જ્ઞાન મળે નહીં. શું હું કહેતો નથી કે આ બધી સમસ્યાઓની વાતો? સત્ય અને અસત્યની સીમા હંમેશાં બદલાતી રહે!’
(ભગિની નિવેદિતા કૃત પુસ્તક ‘મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ’માંથી પૃષ્ઠ – ૨૩૮)

Total Views: 390

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.