શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે ૯.૦૦ વાગ્યે ખાવાનું પામે છે, કેટલાક બપોરે, કેટલાક બપોરના ૨.૦૦ પછી અને બીજા વળી સાંજે સૂર્યાસ્ત પછી. એ જ રીતે, એક કે બીજે સમયે, આ ભવમાં કે કેટલાક ભવ પછી સૌ ભગવાનને પ્રાપ્ત કરશે, કરવો જ જોઈએ.

ઘરની ઓસરીમાં બાળકો ઢીંગલાંથી મન ફાવે તેમ; કશી ચિંતા કે કશા ભય વિના બેફિકર રમતાં હોય છે. પણ જેવી મા ઘરે આવી કે પોતાનાં રમકડાંને ફેંકીને, ‘મા,’ ‘મા’ કરતાં એને વળગી પડે છે. માનવી ! તું પણ એ રીતે સંસારમાં પૈસાનાં, માનનાં, કીર્તિનાં રમકડાં સાથે રમી રહ્યો છો અને કોઈ ભય કે ચિંતા તને નથી. પણ જો એક વાર ભવતારિણી માનાં દર્શન પામે તો પછી તને આમાં કશામાં રસ નહીં રહે. આ બધું છોડી તું મા પાસે જ દોડી જઈશ.

દરિયામાં ઊંડે મોતી પડ્યાં છે પણ એ મોતી મેળવવા માટે તમારે જાનનાં જોખમ ખેડવાં પડે. એક ડૂબકીએ એ હાથ ન લાગે તો દરિયામાં મોતી નથી એમ નિર્ણય ન બાંધી લો. ફરી ફરી ડૂબકી મારો અને અંતે તમે એ પ્રાપ્ત કરશો જ. એ રીતે ઈશ્વરની ખોજમાં એને જોવાનો પહેલો પ્રયત્ન સફળ ન થાય તો હતાશ ન થતા. ખંતપૂર્વક કોશિશ કર્યે જાઓ અને અંતે તમને એમનાં દર્શન થશે જ.

ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ ઈશ્વરનું ધ્યાન ધરો અને તમને આનંદપ્રાપ્તિ થશે. આ આનંદ સનાતન છે, માત્ર એ અજ્ઞાનથી આચ્છાદિત અને અદૃશ્ય રખાયેલ છે. ઇન્દ્રિય-વિષયોનો મોહ જેટલો ઓછો તેટલી ઈશ્વરપ્રીતિ વધુ.

માણસની પાસે પૈસો હોય તેથી એ સમૃદ્ધ નથી બની જતો. સમૃદ્ધ માણસના ઘરની નિશાની એ છે કે એના ઘરના ઓરડે ઓરડામાં દીવા બળતા હોય.

આ દેહમંદિરને અંધારામાં રાખવું જોઈએ નહીં; જ્ઞાનદીપથી એને પ્રજ્વલિત રાખવું જોઈએ. ‘જ્ઞાનપ્રદીપ જલાવી ઘરમાં, મા કેરું મુખ દેખોને.’ દરેક વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જીવાત્મા છે અને પરમાત્મા છે. દરેક જીવાત્મા પરમાત્મા સાથે સંલગ્ન છે. દરેક ઘરમાં ગેસનું જોડાણ છે અને ગેસ કંપની પાસેથી ગેસ મળી શકે છે. માત્ર યોગ્ય અધિકારીને અરજી કરો અને તમને ગેસ મળે. પછી તમારા ઘરમાં ગેસના દીવા ચાલુ થશે.
-શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૫-૬

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.