એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી કીમત નથી. એ જ રીતે, એકરૂપ ઈશ્વરને જીવ વળગી ન રહે તો, તેનું કશું જ મૂલ્ય નથી કારણ, આ લોકમાં સર્વ પદાર્થાેને ઈશ્વર સાથેના તેમના જોડાણથી જ મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ સંસાર પાછળ મૂલ્ય આપનાર ઈશ્વર રહેલ છે અનેજ્યાં સુધી જીવ એને વળગી રહે છે ત્યાં સુધી અને ઈશ્વર માટે જ બધાં કર્મ કરે છે ત્યાં સુધી જ, એ વધારે ને વધારે શ્રેય પ્રાપ્ત કરે છે; એથી ઊલટું, ઈશ્વરને વીસરી જઈને, પોતાની કીર્તિ માટે મોટાં મોટાં કાર્ય કર્યે જાય તો, એને કશું પ્રાપ્ત થતું નથી.

જેમ તેલ વિના દીવો બળતો નથી તેમ, ઈશ્વર વિના માનવ જીવી શક્તો નથી.

લોખંડ માટે લોહચુંબક છે તેમ માનવી માટે ઈશ્વર છે. આમ છે તો, એ માણસને આકર્ષતો કેમ નથી ? કાદવથી ખૂબ ખરડાયેલું લોખંડ લોહચુંબકથી આકર્ષાતું નથી તે જ રીતે, માયામાં લપેટાયેલો જીવ ઈશ્વરનું આકર્ષણ અનુભવી શક્તો નથી. પણ પાણીથી કાદવ સાફ થઈ જતાં લોખંડ આકર્ષણ અનુભવતું થાય છે, બરાબર તેમ જ સતત પ્રાર્થના અને પશ્ચાત્તાપનાં આંસુ જીવને સંસાર સાથે જકડીને રાખતો માયાનો મેલ ધોઈ નાખે છે ત્યારે તુરત જ એ ઈશ્વર તરફ ખેંચાય છે.

જીવાત્માનું પરમાત્મા સાથેનું જોડાણ ઘડિયાળના કલાકના અને મિનિટના કાંટાના દર કલાકે થતા જોડાણ જેવું છે. બન્ને પરસ્પર સંબંધિત તથા આશ્રિત છે અને સામાન્યતયા બન્ને વિભક્ત હોવા છતાં અનુકૂળ તક મળતાં બન્ને એટલી વાર યુક્ત થઈ જાય છે.

બંધનમાંનો જીવ મનુષ્ય છે પણ (માયાના) બંધનથી મુક્ત પરમાત્મા છે.

જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ શો છે ? વચ્ચે લાકડી મૂકવાથી પાણીના પ્રવાહ બે ભાગમાં વિભાજિત લાગે તેમ માયાની મર્યાદાને લઈને જીવાત્મા અને પરમાત્મા જુદા દેખાય છે. -શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૫-૬

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.