ગતાંકથી આગળ…

પોતાના સાધનાકાળમાં જો આપણે સારા, પવિત્ર, ગહન, આધ્યાત્મિક ભાવસંપન્ન અને બુદ્ધિમાન લોકોનો સંગ ભલે મેળવી ન શકીએ, પરંતુ મૂર્ખાઓ અર્થાત્ સાંસારિક ભાવમાં લિપ્ત લોકોની પાસે જવું ન જોઈએ અને તેમનો સંગ પણ ન કરવો જોઈએ. એમનાં અપવિત્ર, અનૈતિક સ્પંદન આપણી વર્તમાન સ્થિતિમાં આપણને પ્રભાવિત કરે છે. પછી ભલે એની ખબર આપણને ન પડે કે આપણને કંઈ જ નથી થયું, એમ વિચારતા રહીએ. વરાહનગર મઠમાં જ્યારે શ્રીરામકૃષ્ણના કેટલાક યુવાન શિષ્યોએ સ્વામી વિવેકાનંદને ફરિયાદ કરતાં કહ્યું કે તેઓ હજી સુધી ભગવત્-દર્શન કરવામાં સફળ થયા નથી, એટલે એમણે પોતાના પરિવારોમાં પાછા ફરીને ગૃહસ્થોની જેમ રહેવું જોઈએ. એ સાંભળીને સ્વામીજીએ પ્રત્યુત્તર આપ્યો, ‘જો હું રામને ન મેળવી શકું તો શું એટલા માટે મારે શ્યામા (સ્ત્રી)ની પાસે જવું જોઈએ ? ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ, એનો અર્થ શું એ છે કે હું સંસારમાં પાછો ફરું ? ના, ક્યારેય નહીં.’ બધાએ આવો મનોભાવ જાળવી રાખવો જોઈએ. પરંતુ સામાન્યત : લોકો કોઈ ને કોઈનો સંગ રાખવા ઇચ્છે છે, પછી ભલે એ કુસંગી પણ કેમ ન હોય. તે એકલા રહેવા ઇચ્છતા નથી. આ જ મુખ્ય સમસ્યા છે.

આધ્યાત્મિક પ્રગતિનું એક અસંદિગ્ધ લક્ષણ એ છે કે ભક્ત કેવળ પરમાત્મા તથા આધ્યાત્મિક વિષયોને સાંભળવાનું તેમજ તેની ચર્ચા કરવાનું ઇચ્છે છે. જો કોઈ ભક્ત સાંસારિક લોકો તથા સાંસારિક વાતોમાં રુચિ રાખે, તો તેની ભક્તિમાં કંઈક ગરબડ છે તથા તેની નિષ્ઠા સંદેહાત્મક છે. કોઈ બાહ્ય વસ્તુ મને ત્યારે જ આકર્ષી શકે છે, જ્યારે તેને માટે મારું મન લાલાયિત બને અને તેને માટે મારી આંતરિક સ્વીકૃતિ પણ હોય. એક જ વિચારના મનુષ્ય સાથે રહે છે, કારણ કે એમના સ્વભાવમાં સમાનતા હોય છે. સાચા આધ્યાત્મિક માનવો સાંસારિક વ્યક્તિઓની વાતચીત અને તેમના સંગમાં રસ લઈ શકે નહીં. સાંસારિક મનોભાવવાળા લોકો ઘણા ચતુર તેમજ બૌદ્ધિક દૃષ્ટિએ વિકસિત હોવા છતાં પણ તેઓ અબોધ હોય છે અને સાધકે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તે આવા મૂર્ખાઓની સંગતમાં પોતાનો સમય વ્યર્થ ન ગાળે; આ અત્યંત આવશ્યક છે, હું તમારામાંથી કેટલાક લોકોને આ વાત વારંવાર શા માટે કહું છું, એ હું જાણું છું.

આત્માનં સતતં રક્ષેત

શું તમે કેટલાક લોકોને બીજાનો ‘ઉદ્ધાર’ કરવામાં વ્યસ્ત જોયા છે ? આવા લોકો પાશ્ચાત્ય દેશોમાં મોટે ભાગે જોવા મળે છે. કેટલાક લોકો હંમેશાં બીજાના આત્માને નરકના અગ્નિથી બચાવવામાં વ્યસ્ત રહે છે. તમે એવું ન ધારો કે તમે સંત બની ગયા છો અને પોતાની ઇચ્છાનુસાર બધાંની સંગત કરી શકો છો. બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, શ્રીરામકૃષ્ણ જેવા લોકો જ પાપીઓ પાસે જઈ શકે છે અને તેમનો સંગ કરી શકે છે. સાથે ને સાથે તેમને તારી પણ શકે છે. તમારી વાત ભિન્ન છે. તમે પોતાના ઉદ્ધાર માટે પણ પર્યાપ્ત ક્ષમતા પ્રાપ્ત કરી નથી. જો મારી વાત સમજમાં ન આવી હોય, તો જાઓ અને પાપીઓનું પરિવર્તન કરવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ તમારી કેવી દશા થાય છે. તમારે અત્યારે પોતાની સાધનામાં મંડી રહેવું જોઈએ. આધ્યાત્મિક જીવનની પ્રારંભિક અવસ્થાઓમાં તમારે પોતાના આત્મા અને પરમાત્મા સિવાય બીજી કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ. એક ચોક્કસ હેતુ માટે તીવ્રતા અને લગન સાથે પોતાની સાધના કરો. જપ, ધ્યાન અને સ્વાધ્યાયમાં વધારેને વધારે સમય કામે લગાડૉ. અને ત્યારે જો તમે આધ્યાત્મિક જીવનમાં પર્યાપ્ત પ્રગતિ કરી લેશો, તો તમે પણ બીજાની આધ્યાત્મિકતામાં સહાયક બની શકશો.

કેટલાક લોકો બીજાના કરતાં વિપરીત લિંગ આકર્ષણથી વધારે પ્રભાવિત થાય છે. કેટલાક લોકોમાં બીજાની અપેક્ષાએ કામ અને પ્રલોભનોની પ્રતિક્રિયા જલદી થાય છે. આવા લોકોએ બીજાના સંગ વિશે, પ્રલોભનોના વિષયોની વચ્ચે જવામાં અધિક સતર્ક રહેવું જોઈએ. શ્રીરામકૃષ્ણના લાટુ નામના એક શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણને મળ્યા તે પહેલાં પોતાની કિશોર અવસ્થામાં એક ગરીબ ગોવાળના બાળકની જેમ સમાજના નિમ્ન વર્ગમાં જીવ્યા હતા. તેઓ લોકોને નિત્ય દારૂ પીતા હોય એવી અવસ્થામાં જોવા ટેવાયેલા હતા. શ્રીરામકૃષ્ણના સંસ્પર્શમાં આવ્યા પછી યુવક લાટુ એક દિવસ એક મદિરાલય પાસેથી પસાર થયા. એને લીધે એમની કિશોરવયની સ્મૃતિઓ જાગ્રત થઈ અને મન ચંચળ થઈ ગયું. બીજાના વિચારોને જાણવા-સમજવામાં સમર્થ શ્રીરામકૃષ્ણે લાટુની અશાંતિનું કારણ તત્કાલ જાણી લીધું અને તેમને મદિરાલયની નજીક ન જવાની ચેતવણી આપી. ત્યાર પછી યુવક લાટુએ શરાબની દુકાનવાળી સડકથી જ નહીં, પરંતુ તેની પાસેની અનેક સડકો પરથી આવવા-જવાનું બંધ કરી દીધું. એને બદલે તેઓ ફરી ફરીને લાંબે રસ્તેથી આવતા જતા, પછી ભલે એમ કરતાં એમને વધારે ચાલવું પડે ને વધારે કષ્ટ પણ ભોગવવું પડે. કાલાન્તરે તેઓ જ્ઞાનીઓમાં અગ્રગણ્ય બની ગયા, એમ કહેવામાં આશ્ચર્ય નથી. સંત સદૈવ પોતાના જીવનના બધા પક્ષોમાં એવા જ પાકા હોય છે.

સડક પર ચાલતાં ક્યારેક ક્યારેક હું લોકોને જોઈને આશ્ચર્યચકિત થઈ જાઉં છું. એમના ચહેરા પર એટલી બધી કામુકતા અને લોલુપતા રહેલી હોય છે કે એમની નિકટથી પસાર થતાં એમનાં સ્પંદનો મને આઘાત પહોંચાડે છે. આવા લોકોની સાથે વ્યવહાર કરવામાં આપણે કેટલા બધા સતર્ક રહેવું જોઈએ!

એક આવારાની મજાની વાત છે. એણે ઊછળતી નદીમાં ધાબળા જેવું કંઈક તરતું જોયું. એ તો તરત જ નદીમાં કૂદી પડ્યો અને એ વસ્તુની નિકટ તરીને તે વસ્તુને પકડી લીધી, પરંતુ એ સાથે તે મદદ માટે બરાડા પાડવા લાગ્યો. કિનારે ઊભેલા લોકોએ રાડો પાડીને તેને એ ધાબળો છોડીને પાછો આવી જવા કહ્યું. પેલા આવારાએ જવાબ આપ્યો, ‘મેં તો એને છોડી દીધો છે, પણ એ મને નથી છોડતો.’ જેને એણે ધાબળો માન્યો હતો તે ધાબળો નહીં પણ રીંછ હતું. આપણી સાથે પણ એવું જ થાય છે. આપણે કેટલીક વસ્તુઓ કે વ્યક્તિઓ પાછળ દોડીએ છીએ, પછી આપણને ખબર પડે છે કે હવે આપણે એનાથી છૂટી શકવાના નથી. (ક્રમશ 🙂

Total Views: 317

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.