હિમાલયની પુત્રીઓનું અવતરણ

પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા – નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં નાનાં-મોટાં નદી-નાળાંને પોતાની સાથે લઈને ચાલે છે અને પરિપક્વ – પુષ્ટ બની જાય છે. કેટલાંક સ્થળે સીધે સીધી આગળ તરફ દોડે છે અને વળી બીજી જગ્યાએ અચાનક વળાંક લે છે. એમનું વક્ષ અણગણિત પરપોટા અને લહેરોથી ફુલાઈ જાય છે. કદાચ પોતાની વિભિન્ન દિવ્ય ભાવનાઓને તેઓ ગુપ્ત રાખવા ઇચ્છે છે. કેટલાંક સ્થળે વર્ષો પુરાણા સંગીત-સ્વરો નીપજાવે છે. પુરાણા સંગીતની ધૂનોનો કલકલ નાદ કરે છે તો ક્યાંક તે પોતાની લહેરોના લયબદ્ધ નાદ પર નૃત્ય કરે છે. આ રીતે આગળ વધતાં વધતાં પોતાની આસપાસની નિ :સ્તબ્ધતાને તોડતી આગળ વધે છે અને પ્રભુની પ્રશંસાનાં ગુણગાન ગાય છે. એમની આ બધી ક્રિયાઓ ભક્તોને પરમસ્વર્ગના ક્ષેત્રમાં લઈ જાય છે. પુન : કેટલાંક સ્થળે પોતાના વમળો અને તીવ્રવેગને કારણે આ નદીઓ સમગ્ર વિશ્વને જળાશયમાં પરિવર્તિત કરી દેવાનો જાણે કે ભય દેખાડે છે અને એવું પણ લાગે છે કે આ વિશ્વને તે નરકની ગર્તમાં ધકેલી દેશે. એમનાં ગર્જના કરતાં પાણીની ધમાચકડી દૂર દૂર સુધી સાંભળી શકાય છે. વજ્ર સમાન શક્તિશાળી એવા એમના દાંત ગ્રેનાઈટના પહાડોને વીંધી નાખે છે. આ બધી નદીઓ ઉચ્ચ પર્વતો પરથી નીચે, ઘાટીમાં પોતાની જાતને જોરથી ફંગોળી દે છે અને બધા ભક્તોનાં મનને આશ્ચર્યથી ભરી દે છે. કેવળ ફરીથી પોતાની ભયાનક આકૃતિને પાછી ખેંચી લેવા માટે તેઓ શિવના તાંડવનૃત્યની નકલ કરે છે અને ફરીથી શાંત પ્રવાહે વહેતી સ્પષ્ટ જલધારામાં પરિવર્તિત થઈ જાય છે. ક્યારેક આ નદીઓ ગર્જન કરતી નીચે શિલાઓ પર પડે છે અને પુન : ચોતરફ પોતાના દ્યુતિમાન મધુર સ્મિતથી પ્રસન્નતા પ્રસરાવીને શાંત અને વિનીતભાવે વહેવા લાગે છે. વાસ્તવમાં આ બધી નદીઓ માતાઓ જેવી છે. એ તરસી માનવતાને પોતાના ફેલાયેલા બાહુઓના આલિંગનમાં લઈ રહી છે. વાસ્તવિક રીતે પોતાના વારિથી સમતલ પ્રદેશોમાં રહેનારા ભારતના કરોડો માનવીઓને પોષે પણ છે. નીચે ઊતરતી વખતે રસ્તામાં પ્રાચીન ઋષિઓનાં પાવનકારી સ્થળોમાં ભ્રમણ કરે છે અને ક્યારેક ક્યારેક પોતાના ભ્રમણથી જ નવાં પવિત્ર સ્થળોનું નિર્માણ પણ કરે છે. આ નદીઓ પ્રાચીન સંતોના આશ્રમની પવિત્રતામાં પણ વૃદ્ધિ કરે છે અને આશ્રમોને અધિક ફળદાયી અને ઉન્નત બનાવે છે. વૃક્ષો, છોડ, વેલીઓને સિંચે છે. તેમજ એમને પ્રચુર માત્રામાં ફળતીફૂલતી બનાવે છે. એવું લાગે છે કે જાણે મહાન આશ્રમોનાં ચરણ ધોયા પછી આ નદીઓનો ઉપદ્રવ સમાપ્ત થઈ જાય છે. કેટલાંક સ્થળે તટ પર બેઠેલા ઋષિઓ દ્વારા ઉચ્ચારિત વૈદિક મંત્રોની સાથે આ નદીઓ પણ મધુર સંગીતની ધૂન રચી દે છે. આ એમનો વારિરાશિ જ્યાં થોડી ક્ષણો માટે પણ સ્થિર થઈ ગયો હોય ત્યાં જાણે કે આ પવિત્ર આશ્રમોને છોડીને જવાનું એમનું મન ન માનતું હોય એવું લાગે છે. અહીંતહીં પહાડી ભૂમિને નરમ અને ઉપજાઉ બનાવી દે છે. એને લીધે પુષ્કળ પ્રમાણમાં ફળ, શાકભાજી અને અનાજ ઉગાડી શકાય છે. આ નદીઓ પિતા હિમાલયના કઠોર અને પથ્થરવાળા દેહ માટે રંગબેરંગી સુગંધી પુષ્પો અને મખમલ જેવા ઘાસનો સુંદર રંગીન પોશાક બનાવી દે છે. બહારથી કઠોર અને સખત દેખાતું સ્વરૂપ વાસ્તવમાં હિમાલયનું સાચું સ્વરૂપ નથી. કદાચ આ વાત આ નદીઓ આપણને બતાવવા માગે છે. જે સર્વાધિક સંવેદનશીલ, ગૌરિ, શુદ્ધિસ્વરૂપા ગંગા અને સ્નેહમયી યમુનાના પિતા છે એવા હિમાલયના હૃદયની ગહનતા, કોમળતા અને સમૃદ્ધિની કલ્પના તો કરો! સંભવત : હિમાલયે આ પહાડી પથ્થરવાળા દેહના અંતરતમ ભાગમાં પોતાના હૃદયને છુપાવી રાખ્યું છે, જેથી મર્ત્યલોકોની દૃષ્ટિ એના પર ન પડી શકે. હિમાલયની આ બધી પુત્રીઓ – મહાન નદીઓ – પર્વતરાજના કઠોર દેખાતા અને બહારથી પથ્થરમય દેહને કોમળ અને સજીવ બનાવવાનો પ્રચુર પ્રયત્ન કરે છે. પોતાનું કામ પૂરું કરીને એ બધી નદીઓ એક એક કરીને ગંગામાં પૂર્ણતયા વિલીન થઈ જાય છે. પ્રારંભિક મૂળ શક્તિ સેંકડો વિભાગોમાં વહેંચાઈ ગયા પછી પુન : એકતામાં વિલીન થઈ ગઈ છે.

યમુનાના જીવનનો ઉદ્દેશ્ય

ઉત્તરાખંડમાં વહેતી આ બધી નદીઓએ હિમાલયનાં સૌંદર્ય અને વિશાળતામાં ચોતરફ વૃદ્ધિ કરી દીધી છે. પોતાના આ કર્તવ્યને પૂરું કર્યા પછી એ બધી ભાગીરથીમાં મળી જાય છે. ગંગા અને યમુના બંને સ્વર્ગમાંથી ઊતરી છે અને આ દેશની સમસ્ત ભૂમિ પર વહે છે તેમજ પોતાના શીતળ સ્પર્શથી કરોડો લોકોને સંતુષ્ટ કરતી રહે છે. આ બંને નદીઓ ભિન્ન ભિન્ન સ્થાનોમાંથી નીકળીને અત્યંત દૂર સુધી રમતી-ભમતી વહે છે અને જ્યાં એમને પોતાના જીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવાનો છે એવા એક સ્થાને પહોંચે છે. જેના દ્વારા મનુષ્ય સ્વર્ગમાં પહોંચી શકે છે એવી ગંગા સગરના પુત્રોને પવિત્ર કરવા ઇચ્છતી હતી અને તે બધાને પ્રસન્નતા પમાડતી પૂર્વના સમુદ્ર તરફ દોડતી જાય છે. જાણે કે ભગવાન કૃષ્ણની વ્રજલીલામાં ભાગ લેવા માટે જે રીતે શ્રીકૃષ્ણની બંસરીના દિવ્ય અને દૈવી સંગીતથી ગોપીઓ ખેંચાઈને ચાલી આવતી હોય તેમ કાલિન્દી એટલે કે યમુના પણ વૃંદાવનથી આગળ ભાગતી ભાગતી વહે છે. જાણે કે એ રીતે યમુના પણ વ્રજ તરફ આવવાનો ઇન્કાર કરી શકતી નથી એટલે પોતાના પિયર અને બધી પ્રિય ભગિનીઓને પાછળ છોડીને આવી જાય છે. તે સ્વયંને ભગવાન શ્રીકૃષ્ણમાં આત્મસાત્ કરી શકે અને તેમની પૂજા કરી શકે (એમની સાથે તાદાત્મ્ય સ્થાપિત કરી શકે) એટલે હિમાલયના શુદ્ધ ધવલ હિમમાંથી ઉત્પન્ન થઈને યમુના થોડો ઘેરો રંગ ધારણ કરી લે છે. કદાચ એવું પણ હોય કે જ્યારે તે પોતાના પ્રભુ શ્રીકૃષ્ણને આલિંગન કરી રહી હોય ત્યારે તેને કોઈ ઓળખી ન જાય એવું પણ તે ઇચ્છતી હોય ! એવું પણ બની શકે કે ભગવાન શ્રીકૃષ્ણે સ્વયંને એના હૃદયમાં છુપાવી લીધા હોય અને એમના નીલરંગની આછી એવી લહેરથી એના કાચ જેવા સ્પષ્ટ હૃદયને ભેદી નાખ્યું હોય ! સંભવત : તેણે શ્રીકૃષ્ણમાં સમાઈ જવાની કામના રાખતી ગોપીઓના હૃદયમાં સદૈવ ધધકતા અગ્નિને શાંત, તૃપ્ત કરવાનો નિર્ણય કર્યો હોય એટલે યમુનાને ‘ઉત્તાપ સમાપક’, ઉત્તાપને શાંત કરનારી કહેવામાં આવે છે. કદાચ યમુના એવું ઇચ્છતી હતી કે ગોપીઓ એના શ્યામલ જલને જોઈને પ્રસન્ન રહે અને પોતાના નીલ-આસમાની વર્ણના પ્રિયતમ સ્વામીને યાદ કરતી રહે. સંભવત : યમુનાએ વ્રજની ગોપીઓને આલિંગન કરીને, પોતાના જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનું વિચાર્યું હોય તેમ તે એકલી જ આ સ્થાન પર વહેતી આવી છે. જે રીતે વ્રજની ગોપીઓ શ્રીકૃષ્ણની બંસરીના મધુર લયથી આકર્ષાઈને એક ચાંદની રાતે પોતાના પતિ અને પ્રિય બાળકોના આલિંગનપાશને છોડીને શ્રીકૃષ્ણને આલિંગન કરવા દોડતી આવી હતી તે રીતે યમુના પણ પોતાની સુધબુધ ભૂલી ગઈ અને તેણે શ્રીકૃષ્ણની બંસરીની મધુર ધૂન સાંભળી અને તે પોતે વ્રજ ભૂમિ તરફ વળી. જેવી રીતે એક કુલીન કુટુંબની સ્ત્રી પોતાનો બધો સમય મહેલના અંદરના પ્રાંગણમાં જ વિતાવે છે તેવી રીતે અત્યાર સુધી યમુના કેવળ જંગલોમાં જ ઘૂમી રહી હતી પરંતુ હવે તે પોતાની એ બધી શિષ્ટતાને ભૂલીને વ્રજની ભૂમિ તરફ ચાલી નીકળી હતી. પોતાની ભગિની જાહ્નવીને તેના વિયોગનો અનુભવ કરવો પડ્યો હતો. યમુના પ્રભુનાં નામરટણ અને જપની પ્રસન્નતામાં લીન થઈ ગઈ. તે ગોપીઓનાં કમળનયનોમાંથી વહેતાં પ્રેમાશ્રુમાં સ્નાન કરી રહી હોય એવું લાગે છે. વાસ્તવમાં યમુનાએ વ્રજભૂમિને ભક્તિના અમૃતથી પરિપૂર્ણ કરી દીધી છે. આ રીતે ભક્તિના પૂરે એક વાર ચૈતન્ય મહાપ્રભુના રૂપે બંગાળની સમસ્ત પાવન ભૂમિને ભીંજવી દીધી હતી. સમુદ્રની શક્તિશાળી આસમાની લહેરોને નિહાળીને મહાપ્રભુ સમાધિસ્થ થઈ ગયા હતા. એમના હૃદયમાં થનારા મહાપરિવર્તન – ઊઠનારા ભયંકર ભૂચાલ સમયે એમની સન્મુખ યમુનાના મધુર નામનું ઉચ્ચારણ કર્યું હશે તેની શું તમે સૌ કલ્પના કરી શકો છો ખરા ?

જ્યારે હું દૈવી ગંગા અને યમુનાના શુદ્ધ વહેતા પાણીને નીરખું છું ત્યારે મારા સ્મૃતિ પટલ પર અસંખ્ય સુખદ સ્મૃતિઓ ઊભરી આવે છે. ચિરકાળથી આ બંને નદીઓના પવિત્ર તટ પર મહાન ઘટનાઓ બની છે. એ મહાન ઘટના પ્રસંગોને યાદ કરવા એ પણ લાભપ્રદ જ છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ બંને નદીઓના તટે ભૂતકાળમાં જે કંઈ પણ બન્યું છે તેનો જોટો પૂરા વિશ્વના ઇતિહાસમાં ક્યાંય નથી. આપણા ધાર્મિક ગ્રંથોમાં બંને નદીઓની સુયોગ્ય પ્રશંસા થઈ છે. આપણા પ્રાચીન ઋષિઓ દ્વારા પ્રતિપાદિત કરેલા લાભપ્રદ ઉચિત સૂત્રાત્મક જ્ઞાન તેમજ વિભિન્ન વિજ્ઞાનોને આજે પણ પરખી શકાય છે. ગંગા અને યમુનાના તટ આજે પણ પ્રાચીન સત્ય અને પ્રેમના સંદેશને ગુંજિત કરી રહ્યા છે. ભગવાન પોતે પણ આ મહાન નદીઓના કિનારે કેટલીયે વાર અવતર્યા છે અને સમસ્ત ભૂમિને આવા જ પ્રેમના પૂરમાં ડુબાડી દીધી છે. એનો પ્રતિકાર કોઈ ન કરી શકે. આ શાશ્વત નદીઓના કિનારે વસેલી અને વિનાશ પામેલી સંસ્કૃતિઓની ગણતરી ભલા કોણ કરી શકે ? જે યમુના મજબૂત પહાડી પથ્થરવાળી શિલાઓને ભેદી શકતી હતી એ યમુના સંવેદનશીલતાથી પીગળી ગઈ અને એણે આપણી માતૃભૂમિને ઘણા મોટા પ્રમાણમાં લીલીછમ હરિયાળીથી ભરેલાં મેદાનોથી ભરી દીધી. આ ભૂમિને એણે જે સમૃદ્ધિ અર્પી છે તે સમગ્ર વિશ્વ માટે એક આશ્ચર્યનો વિષય છે. યમુનાએ વિશ્વને એ બતાવી દીધું છે કે આ ભૂમિની મહાન અને ગૌરવમય પરંપરા રહી છે. જ્યારે એણે દુ :ખ સાથે આ ભૂમિના પ્રાચીન ગૌરવને યાદ કર્યું ત્યારે સંભવત : યમુનાનું પાણી શ્યામલ રંગમાં પરિવર્તિત થઈ ગયું. પ્રયાગમાં પોતાની ભગિનીને આલિંગન કર્યા પછી આ ભૂમિની પ્રાચીન ગરિમા અને વર્તમાનની બદનામી અને અપયશની વાત જાણીને એણે પોતાના સાધારણ અસ્તિત્વને વચ્ચેથી જ જાણે કે કાપી નાખ્યું હોય એવું જણાય છે.

(‘દેવતાત્મા હિમાલય’ પુસ્તક પૃ. ૯૧)

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.