હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના આ પ્રાચીનતમ યુગની અત્યંત પ્રાચીન-કથાના વિષયમાં યુરોપના આધુનિક પુરાતત્ત્વ સંશોધક (antiquarian-researchers) આવું વર્ણન કરે છે.

એ સમયે જંગલી જગત અંધકારથી ભરેલી અમાસની રાત્રિની જેમ ઘોર અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલું હતું. જ્યાં નજર પડે ત્યાં સઘળે તમસ્શક્તિની સાથે રજસ્શક્તિનો ઘોર સંગ્રામ ચાલી રહ્યો હતો. જે રીતે મનુષ્યના સ્થૂલ માંસપિંડના શરીર કરતાં તેની અંદરમાં રહેલું મન ખૂબ વધારે શક્તિવાળું છે, એ જ રીતે બાહ્ય પ્રકૃતિની સ્થૂલ સૃષ્ટિઓમાં, તેમાં રહેલો મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ સર્જન છે. સૃષ્ટિમાં રહેલા આ શ્રેષ્ઠ સર્જન એવા મનુષ્યમાં આ સંગ્રામ વિશેષરૂપે રહેલો હતો. ભૂખની પીડા, વધારે ઠંડી, ગરમી, તોફાન, આગની જ્વાળાઓ, અને જંગલી પશુઓના ભયથી રક્ષણ કરવાનો સતત પ્રયત્ન અને કામેચ્છા વગેરે પ્રેરણાઓથી માનવીની અંદર રહેલો રજોગુણ ધીમે ધીમે પ્રગટ થઈને જીવનસંગ્રામમાં વિજયી બનવા લાગ્યો. ભોજન માટે ફળ, કંદમૂળની શોધ થવા લાગી. જ્યારે એ મેળવવાં મુશ્કેલ બન્યાં તો પશુવધ કરીને કાચું માંસ ખાવાનું શરૂ થયું. પર્વતોની ગુફાઓ અને માટીની બખોલોની શોધ થઈ. ત્યાર બાદ ઠંડીથી રક્ષણ મેળવવા સુરક્ષિત રહેઠાણ બનાવવાનો પ્રયત્ન થવા લાગ્યો. ગુફાનું અનુકરણ કરીને પર્ણકુટિર રચાવા લાગી. ઓ દેવી માનુષી, તમોગુણમયી બનીને, આત્મ સ્વરૂપ પ્રગટ કરવા છતાં પણ તું ત્યારથી જ તે જંગલી મનુષ્યોની સહચરી બની છે.

તે વખતે ખાદ્યપદાર્થાેનો સંગ્રહ અનિશ્ચિત હતો. ખાદ્યપદાર્થાે મેળવવાના પ્રયત્નથી ધીમે ધીમે પશુપાલનની પ્રવૃત્તિ વિકસી. માનવજાતિની સંખ્યા પહેલાં કરતાં ઘણી વધારે થઈ ગઈ હતી. પરંતુ તે સમયે આધુનિક વિવાહ પ્રથાનું નામનિશાન ન હતું. એ ટોળીઓમાં કામેચ્છા જ પ્રજોત્પત્તિના કારણરૂપ હતી. કામદેવ જ પુરોહિત હતો અને છળ, કપટ-બળ વગેરે જ તેનાં મંત્ર-તંત્ર હતાં. તે પછી ઘણા સમય બાદ પણ ‘દેવરેણ સુતોત્પત્તિ: – દિયરથી પુત્રની ઉત્પત્તિ’ વગેરે નિયમથી તથા આદિ પ્રજાપતિ મનુએ લખેલા નવ પ્રકારના વિવાહ અને નવ પ્રકારના પુત્રોની વાતથી આ બાબતની સાબિતી મળે છે. પશ્ચિમમાં નૂહવંશના સરદારની બે પુત્રીઓએ બીજો પુરુષ ન મળતાં પોતાના પિતાને મદ્યપાન કરાવીને તેના દ્વારા જ ગર્ભધારણ કર્યો હતો. (Genesis XIX 30-38) આ રીતે બીજા પણ અનેક પ્રકારના સંબંધોથી શરૂઆતમાં માનવજાતિનો વિસ્તાર થયો. સદા નિર્વિકાર ઈશ્વર સિવાય આપણા જેવા સામાન્ય મનુષ્યોમાં કોણ એવું હોય કે જેનું મન આવી વિકૃતિઓ જોઈને અપાર શરમ અને ઘૃણાથી ભરાઈને સમગ્ર માનવજાતિને સેંકડો વાર ન ધિક્કારે ?

હવે એક પ્રકારના સ્વાર્થને લઈને મનુષ્ય જુદી જુદી જગ્યાએ ટોળામાં રહેવા લાગ્યો. તેણે જોયું કે જંગલી પશુઓ પોતપોતાની જાતિ સાથે ટોળામાં રહે છે અને તેથી તેમને રક્ષણ મળે છે. વળી તેણે અનુભવ કર્યો કે એકલો મનુષ્ય હિંસક પશુઓથી પોતાની સ્ત્રી અને પાલક પશુઓનું રક્ષણ કરવામાં તે વારંવાર ક્ષતિગ્રસ્ત અવસ્થામાં રહે છે. ત્યારે એને સમજાયું કે સાથે મળીને રહેવાથી બળ વધે છે અને બીજા પણ લાભ થાય છે. એટલે મનુષ્ય ધીમે ધીમે નાના નાના સમૂહોમાં રહેવા લાગ્યો. આ ટોળાંના સભ્યો એક સાથે પશુઓને ચરાવતા અને રાત્રે એક જ સ્થળે બાંધતા. આને લઈને પછી એક સ્થળે વસવાટની પ્રથા શરૂ થઈ. વળી ટોળામાં સહુથી વધારે બુદ્ધિમાન પુરુષનું બધાં ઉપર વર્ચસ્વ ચાલવા લાગ્યું અને પછી એના નામથી જ એ સમૂહ ઓળખાવા લાગ્યો. આ રીતે ગોત્રો રચાયાં. એ સમયે ગોત્રની પ્રત્યેક સ્ત્રી ગોત્રપતિની વિશેષ રૂપે અને ગોત્રના અન્ય પુરુષોની પણ સમાન રૂપે ઉપભોગ્યા ગણાવા લાગી. આ રીતે ગોત્રની સાથે સ્ત્રીનો પ્રથમ વિવાહ સંબંધ સ્થપાયો. દ્રૌપદી સમાન નારી તે સમયે એક સાથે પાંચ પતિઓનું મનોરંજન કરવામાં રત બની. અસહાય, એકાકી, મનુષ્યનાં સુખદુ:ખમાં સમાન રૂપે સહાય કરનારી, તેની પહેલાંની સહચરી હવે સમૂહના બળવાન અને અહંકારી મનુષ્યોની પાશવી વૃત્તિઓને તૃપ્ત કરવામાં કુશળ એવી એક પરાધીન દાસીમાં પરિણમી !

ધીરે ધીરે ભિન્ન ભિન્ન ગોત્રોમાં પ્રતિદ્વન્દ્વિતાની ભાવના દૃઢ બની, લગભગ તે બધાં એકબીજાનાં વિરોધી બની બેઠાં. ક્યારેક એવુંય બનતું કે એક ગોત્રવાળા બીજા ગોત્રની સ્ત્રીઓ અને ગાયોને છળકપટથી પોતાના અધિકારમાં લઈ લેતા અને ક્યારેક તો યુદ્ધ કરીને બીજા ગોત્રના બધા પુરુષોની હત્યા કરી તેમની સ્ત્રીઓ અને પશુઓને પોતાના અધિકારમાં લઈ લેતા. આમ કેટલાંય ગોત્રોનાં નામ સુધ્ધાં લોપાઈ ગયાં છે. અસહાય અબળા નારી ત્યારે બળવાન પુરુષોના હાથનું રમકડું બની ગઈ ! એટલે દેવરાણી શચીની જેમ પોતાના ઓઠ પર મરકલડું ફરકાવીને જ્યારે જે ઇંદ્ર બને એની વામ બાજુએ બેસીને તેનું મનોરંજન કરવામાં લીન રહેતી.

હવે પશુપાલન અને ખાદ્યસંગ્રહ માટે ગણબળ સહિત દૂર દૂર સુધી ફરી વળતું ગોત્ર પશુઓના ચારાના ઉત્પાદન માટે પ્રયત્નશીલ બન્યું. આ રીતે ખેતીની શરૂઆત થઈ. ધીમે ધીમે ખેતીનો વિસ્તાર વધવા લાગ્યો પરિણામે અહીં તહીં નિત્ય ભટકતા, ઘરબાર વિહોણા માનવ સમૂહો કોઈ વિશિષ્ટ સ્થાને ગામ બનાવીને રહેવા લાગ્યા. આ રીતે ગામડાંનો ઉદ્ભવ થયો. ગ્રામોદ્ભવથી દેશોદ્ભવ થયો. પણ માણસની પરિસ્થિતિની ઉન્નતિ કરવાથી શું થાય? હે માનવદેવી, તારી અવસ્થામાં તો પરિવર્તન ન આવ્યું. તું તો દાસીની દાસી જ રહી. પશુપ્રભૃતિ ધનની જેમ સૌંદર્યભૂષિતાનારી પાશવીબળના ગર્વના નશામાં ચકચૂર નરસ્વામીના એક રત્નમાં તેની ગણતરી થવા લાગી.

પછીથી એક જ સ્વાર્થની પૂર્તિ માટે અનેક ગોત્રો સાથે મળ્યાં અને એમાંથી ‘સુમેર’ જાતિ ઉદ્ભવી. સમય જતાં બૅબિલોન સામ્રાજ્યની સ્થાપના થઈ. દમૂજી અને આદુનેઈ જાતિએ જે પૂજાનો પ્રચાર કર્યો હતો, તેમાં સકામ પ્રવૃત્તિમાર્ગની પૂજા રહેલી છે. જીવસૃષ્ટિમાં લિંગ અને યોનિની આવશ્યકતાનો નિત્ય અનુભવ કરતા તંત્રગ્રંથોમાં પિતૃમુખ અને માતૃમુખ રૂપે વર્ણવાયેલાં લિંગ તથા યોનિની પૂજા પ્રચલિત બની. દેવીના મંદિરમાં અપરિચિત પુરુષની સાથે એક જ શય્યા પર શયન કરવાના રૂપમાં નારીવિવાહની પ્રથા શરૂ થઈ.

સતત વિકાસ પામતી ‘સુમેર’ જાતિનો જ એક ભાગ વસવાટ માટે સુજલા-સુફલા ભૂમિની શોધમાં નીકળી પડ્યો. ફરતાં ફરતાં, સ્ત્રી-પુરુષ ચિહ્નોની પૂજા લઈને હિંદમાં પ્રવેશ્યો. તેણે સમૃદ્ધ બનીને લાંબા સમય સુધી હિંદમાં નિવાસ કર્યો. પછી એ જ લોકોની એક શાખા મલબારના સમુદ્રકિનારેથી મોટી મોટી હોડીઓમાં બેસીને મિસર દેશમાં (ઇજિપ્ત) પહોંચી અને ત્યાં નાઇલ નદીના કિનારે એક બીજા મહાન સામ્રાજ્યની સ્થાપના કરી. આ રીતે ધન-ધાન્ય-સંપત્તિ અને ગૌરવમાં મનુષ્યની દૈવીશક્તિ પણ હમેશાં માનવની સાથે રહીને, તેનાં બાળકો, પાળેલાં પશુઓ વગેરેનાં પાલન, પોષણ અને રક્ષણમાં સહાય કરીને તેને પોતાની સ્થિતિને વધારે ઊંચે લઈ જવાની પ્રેરણા આપતી રહી. એટલા માટે પ્રાચીનકાળથી જ પૃથ્વીના અનેક ભાગોમાં અસંખ્ય લોકો સકામ ભક્તિથી તેની અનેક રીતે પૂજા-ઉપાસના કરવા લાગ્યા. એ પૂજા-ઉપાસનાનું મૂળ કારણ હતું, મનુષ્યના સ્વાર્થ-સુખની શોધ અને તે દેવીની જરૂર હતી માત્ર મનુષ્યની ભોગતૃપ્તિ સુધી જ. પરંતુ એમ કરવાથી આખરે શું થાય છે ?

દુર્ગંધવાળા, ગંદા કાદવમાં ઉત્પન્ન થતાં, મધુર સુગંધથી ભરેલાં, દેવોના ઉપભોગ્ય, ખીલેલાં શતદલ કમલની જેમ મનુષ્યની ઇન્દ્રિયોના સુખની ઇચ્છા, ભોગલાલસા અને કામલિપ્સાથી ભરેલી આ આગ્રહપૂર્ણ સકામ ભક્તિથી જ સમય જતાં માનવમન નારી પ્રતિમામાં જગદંબાની આહ્લાદિની શક્તિની ઉપાસના કરવાનું શીખ્યું. સમય જતાં ત્રણેય લોકની સર્જિકા શક્તિ, વિરાટ નારી સ્વરૂપની કલ્પના કરીને તેના આધારે માનવમન જગન્માતાની ઉપાસના કરતાં શીખ્યું અને એમ તે કૃતાર્થ બન્યું.

પ્રકૃતિના જટિલ જંગલમાં આ રીતે મનુષ્ય જ્યારે દિઙ્મૂઢ થઈ રહ્યો હતો જ્યારે માનવીનાં તન-મનની સુંદર કાંતિથી પૂર્ણ રીતે આકર્ષાઈને પણ તે તેની અંદર ‘સૂર્યકોટિપ્રતીકાશ ચન્દ્રકોટિસુશીતલ’ દેવીમૂર્તિનું દર્શન કરી શકતો ન હતો, ત્યારે ભારતના દેવો દેવદારવૃક્ષોથી સુશોભિત ગગનચુંબી હિમાલયના શિખર ઉપર વિશ્વની સમગ્ર નારીઓનાં તન-મનને સમાવી લેતી સમષ્ટિરૂપે હેમવતી ઉમાની ઉજ્જ્વળ સ્વર્ણિમ આભાવાળી મૂર્તિનાં પ્રથમ દર્શન કરી ધન્ય બન્યા હતા. દેવજગતના સ્તબ્ધ હૃદયથી બાલ અરુણ જેવા રંગવાળી, અનંતકોટિ-બ્રહ્માંડની સર્જિકા, બ્રહ્મશક્તિ દેવી માનુષીને નીલગગનના સુખાસન પર વિરાજમાન જોઈ અને તેના શ્રીમુખે તેનો મહિમા સાંભળ્યો.

અહં રાષ્ટ્રી સંગમની વસૂનાં ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ્—।

મયા સોઽન્નમત્તિ યો વિપશ્યતિ ય: પ્રાણિતિ ય: ઈં શૃણોત્યુક્તમ્।।

અમન્તવો માં ત ઉપક્ષિયન્તિ શ્રુધિ શ્રુત શ્રદ્ધિવં તે વદામિ ।

યં કામયે તં તમુગ્રં કૃણોમિ તં બ્રહ્માણં તમૃષિં તં સુમેધામ્ ।।

(ઋગ્વેદ – ૧૦/૧૨૫ દેવીસૂક્ત)

‘હું જ સમગ્ર વિશ્વની સામ્રાજ્ઞી છું. મારા જ ઉપાસકો ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. હું જ બ્રહ્મા છું અને બ્રહ્મજ્ઞાનથી સંપન્ન છું; સર્વયજ્ઞોમાં પ્રથમ પૂજા સ્વીકારવાનો અધિકાર મને મળેલો છે. આ પ્રાણીજગતનાં દર્શન, શ્રવણ, અન્નગ્રહણ, શ્વાસોચ્છ્વાસ વગેરે સઘળાં કાર્યો મારી જ શક્તિથી થઈ રહ્યાં છે. જે મનુષ્ય આ જગતમાં શુદ્ધભાવે મારી ઉપાસના કરતો નથી અને મારી અવગણના કરે છે, તે દિવસો દિવસ દુર્બળ બનવા લાગે છે અને અંતે તેનો નાશ થાય છે. હે સખા, હું જે કંઈ કહી રહી છું તે ધ્યાનપૂર્વક સાંભળ – ‘શ્રદ્ધાથી જે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, તે હું છું. મારી કૃપાથી જ મનુષ્ય શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે છે. મારી કૃપાથી જ મનુષ્ય સ્રષ્ટા, ઋષિ અને મેધાવી બને છે.’

દેવતાઓએ જ ભારતના મંત્રદ્રષ્ટા ઋષિઓને નારી મૂર્તિમાં કામરહિત પૂજા કરવાનું સર્વ પ્રથમ શીખવ્યું. ઉપનિષદોના પ્રાણ સમા ઋષિઓએ દેવીના મહિમાની હૃદયમાં પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાયું –

અજામેકાં લોહિતશુક્લકૃષ્ણાં બહ્વી: પ્રજા: સૃજમાનાં સરૂપા: —।

અજો હ્યેકો જુષમાણોઽનુશેતે જહાત્યેનાં ભુક્તભોગામજોઽન્ય: ।।

(શ્વેતાશ્વતર ઉપનિષદ્ ૪/૫)

‘શ્વેત, કૃષ્ણ અને રક્તવર્ણવાળી, સત્ત્વ, રજસ્ અને તમોગુણવાળી એક અપૂર્વ અજન્મા નારીએ એક અજન્મા પુરુષ સાથે મળીને પોતાને અનુરૂપ અસંખ્ય પ્રજાઓની સૃષ્ટિ ઉત્પન્ન કરી.’

આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત દેવીના મહિમાનો પ્રત્યક્ષ અનુભવ કરીને એમણે શિક્ષણ આપ્યું :

‘ન વા અરે જાયાયૈ કામાય જાયા પ્રિયા ભવતિ, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતિ ।’

(બૃહદારણ્યક ઉપનિષદ્ ૬/૫/૫)

પત્નીમાં આત્મસ્વરૂપિણી દેવી જ વિદ્યમાન છે, એટલા માટે લોકોને પત્ની આટલી પ્રિય લાગે છે.

ઋષિઓનાં પગલાંનું અનુસરણ કરીને ધન્યતા અનુભવતા વૃદ્ધ મનુ મહારાજે ગાયું કે :

દ્વિધા કૃત્વાત્મનો દેહમર્ધેન પુરુષોઽભવત્ ।

અર્ધેન નારી તસ્યાં સ વિરાજમસૃજત્ પ્રભુ: ।।

(મનુસંહિતા ૧-૩૨)

– સૃષ્ટિના પહેલાં ઈશ્વરે પોતાની જાતને બે ભાગોમાં વહેંચીને એક ભાગથી પુરુષ અને બીજા ભાગથી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. પછી બંનેનો સંયોગ થઈ ગયો. ત્યારથી સ્ત્રી વિરાટ બ્રહ્માંડને પોતાનો દેહ માનીને એવો અનુભવ કરી રહી છે કે એ પુરુષે તેને ગર્ભવતી કરી.

બળના અભિમાનમાં ડૂબેલા માનવે આજ સુધી પોતાનાં સુખ અને સ્વાર્થ માટે જ નારીનું પાલન અને રક્ષણ કર્યું હતું. વયોવૃદ્ધ મનુએ નારીને સહધર્મિણી માનીને સન્માનની દૃષ્ટિથી જોતાં શીખવ્યું અને એ રીતે તેમણે નારીપૂજાની દિશામાં એક પગલું આગળ ભર્યું.

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: ।

યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલા: ક્રિયા: ।।

(મનુસંહિતા ૩-૫૬)

‘જે ઘરમાં નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનું આનંદથી આગમન થાય છે અને જે ઘરમાં નારીઓનું સન્માન થતું નથી ત્યાં દેવતાઓ માટે કરવામાં આવેલા યજ્ઞ, હોમ વગેરેનું કંઈ ફળ મળતું નથી.’

આ રીતે ભારતના ઋષિઓએ સમગ્ર વિશ્વમાં નારી-મહિમાનો સહુથી પહેલો અનુભવ કર્યો અને તેમણે તેનો પ્રચાર પણ કર્યો. કામનાયુક્ત જગતે અવાક્ અને આતુર બનીને એમની પવિત્રવાણી સાંભળી. તે આશ્ચર્યચકિત ચિત્તથી નારીરૂપ પ્રતીકમાં કામગંધરહિત માતૃપૂજા અને દેવીપૂજાને નિહાળતું રહ્યું અને મુગ્ધ બની તેનું શક્ય તેટલું અનુસરણ કરવાનો તેણે સંકલ્પ કર્યો. હે દેવી માનુષી, આ રીતે ભારત જ જગતમાં સર્વ પ્રથમ તારી દેવમૂર્તિની નિષ્કામ પૂજા કરી ધન્ય બન્યું અને બધાનું શિરમોર બન્યું. એ દિવસથી ભારત કુળદેવીના રૂપમાં ઘરે ઘરે તારી પૂજા કરતું આવ્યું છે ને તને સન્માન આપતું આવ્યું છે.

તે સન્માન, તે પૂજા અને તે શ્રદ્ધાનું ફળ ભારતને પ્રત્યક્ષ રૂપે મળ્યું છે. લજ્જા તથા સૌંદર્યથી વિભૂષિત સીતા, સાવિત્રી, દ્રૌપદી, દમયંતી વગેરે ઉજ્જવળ દેવી-પ્રતિમાઓએ સર્વ પ્રથમ ભારતમાં જ આવિર્ભાવ પામીને આ દેશને પવિત્ર કર્યો અને તેને પુણ્યશાળી ધર્મક્ષેત્રમાં પલટાવી દીધો. (‘ભારતમાં શક્તિપૂજા’ પુસ્તકમાંથી)

Total Views: 365

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.