ગતાંકથી આગળ

હવે ઘડગાઉં આવ્યું. જાણે નાની બજાર! વળી એક શાકભાજીવાળાએ ત્યાગીજીને કેટલાંય શાકભાજી પણ આપ્યાં. તપાસ કરતા માલૂમ પડ્યું કે અત્યંત નજીક નદી કિનારે એક આશ્રમ છે, હનુમાનજી મહારાજ અને ગણેશદાદાનું મંદિર છે. બપોર થઈ ગયા હતા. મંદિરના પૂજારીજી એકલા પોતાનો બપોરનો ભોજન-પ્રસાદ લેતા હતા. મંદિરમાં દર્શન કરી, નાના આશ્રમના નાનાશા સુંદર બગીચાનાં દર્શન કરવા લાગ્યા.

એટલામાં પૂજારીજી આવી ગયા અને પૂછ્યું, ‘કેટલી મૂર્તિ, શું બનાવશો? અહીં તો સદાવ્રત છે એટલે કાચું સીધું મળશે.’ ત્યાગીજીએ કહ્યું, ‘ખીચડી બનાવીશું.’ એટલે એ પ્રમાણે ચાર મૂર્તિ માટે ચોખા-દાળ, તેલ, મરચું, રામરસ, હળદર, બટાકા, વાસણ વગેરે આપ્યાં. અમે લોકો પણ ત્યાગીજીને મદદ કરવા લાગી ગયા અને ચૂલા પર સ્વાદિષ્ટ ખીચડી બનાવવાનું શરૂ કર્યું. સંન્યાસી પૂજારી પાસે ગયા અને કહ્યું, ‘બીજી છરી હોય તો આપોને, આ શાકભાજી કાપી શકાય.’ ત્યાં તો પૂજારીજી મોટા અવાજે ગરજી ઊઠ્યા, ‘છરી ના કહેવાય, ‘પ્રેમકટારી’ કહેવાય, અને કાપવાનો તો બકરાને હોય, શાકભાજીને અમન્યા કરવાની છે તેમ કહેવાય.’ પૂજારી પાસે ભૂલની ક્ષમા માગી. આ સાધુ-ભાષા છે. આ બધું શીખી લેવું જોઈએ.

ઘડગાઉં રાત્રીવાસ કરી બીજે દિવસે સવારના નિત્ય ઉપાસના પૂર્ણ કરી ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ વધ્યા. કુંડલ નામનું ગામ આવતાં બપોર થઈ ગયો હતો. તપાસ કરતાં માલૂમ પડ્યું કે પરિક્રમાવાસીઓની સેવા કરે તેવાં મંદિર કે આશ્રમ કે સંતકુટિયા કશુંય ન હતું. બધાંનો ઉદાસીન ભાવ. તેઓમાંથી એક સદ્ગૃહસ્થ આગળ આવ્યા અને તેમને ઘેર ભોજન લેવાનું આમંત્રણ આપ્યું. ભોજન તૈયાર થતું હતું. થોડા સમય પછી તેમના ઘરની પરસાળમાં, બહારના ભાગમાં જ્યાં અમે બેઠા હતા ત્યાં તેઓ આવ્યા. વાતો થવા લાગી. તેઓ ‘એક શિક્ષક છે’, બની શકે તેટલું સત્કાર્ય કરે છે. એ દરમિયાન તેમના જીવનમાં છવાયેલ નિરાશા અને ગમગીની સ્પષ્ટરૂપે પ્રગટ થઈ આવ્યાં. તેમનાં પત્નીને અસાધ્ય રોગ થઈ ગયો છે. ખૂબ જ દવા-ઔષધિ વગેરે ચાલે છે, પણ કંઈ અસર થતી નથી. પી. સ્વામીએ તેમની પાસે લઈ જવાની વિનંતી કરી. શરીર થોડું કૃશ થઈ ગયું હતું. વર્ણન કરતાં શિક્ષક અને ઘરનાં બીજાં દુ :ખથી ગદ્ગદ થઈ ગયાં, ડૂબતો તરણું ઝાલે એવા ભાવથી સાધુ લોકોને ભોજન-ભિક્ષા પ્રદાન કરીને રોગનું કંઈક નિવારણ આવી જાય એટલે ભોજન માટેનું આમંત્રણ આપ્યું હતું. ઈશ્વર સમક્ષ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીશું એમ અમે જણાવ્યું. નિષ્ઠાવાન કર્મકાંડી બ્રાહ્મણ પંડિતજી કરુણાવશ થઈ ગયા અને તેમને ૨૧ દિવસના કર્મકાંડના એક અનુષ્ઠાનની વાત કરી અને વિધિ બતાવ્યો અને કહ્યું કે પોતે તેમના માટે ૨૧ દિવસ થોડા જપ કરશે. ભોજન-પ્રસાદ ગ્રહણ કરી ભાવભીની વિદાય લીધી.

સાંજ સુધીમાં કાઠી ગામમાં આવેલ રામ-જાનકી-હનુમાનજીના મંદિરે પહોંચી ગયા. મંદિરમાં દર્શન કરી વ્યવસ્થાપનમાં રહેલ અને ત્યાં બેઠેલ સીધા-સાદા સરળ લોકોને ‘નર્મદે હર’ કહી વાતોએ વળગ્યા. ગામના શ્રદ્ધાવાન તથા ભક્તજનો ચાર સાધુઓને એક સાથે મળેલા જોઈને ઘેલા બની ગયા અને તેઓ તત્કાલ મંદિર પાસેના ઓરડાની સફાઈ કરીને જાતે રસોઈમાં લાગી ગયા. અમૃત સમાન ભોજન ગ્રહણ કરી, આજે ખૂબ જ થાકી ગયેલ પરિક્રમાવાસીઓ તરત જ પોઢી ગયા.

માર્ચ, ૨૦૧૫ની શરૂઆતના દિવસો. પરોઢિયે નિત્યક્રમ-ઉપાસના પૂર્ણ કર્યાં અને સુંદર ચાની સેવા સ્વીકારી. પછી ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં રવાના. સવારના દશ-સવા દશ વાગ્યે મોગલીગાંવ પહોંચ્યા. વિશાળ લાંબી બજાર. તાલુકા ક્ષેત્રમાં હોય તેમ વિભિન્ન પ્રકારના નાના-મોટા વેપારીઓની, જથ્થાબંધ ભાવની, પરચુરણ વિભિન્ન સામાન, કરિયાણાવાળા વગેરેની દુકાનો. થોડા દિવસમાં હોળીનો મહોત્સવ આવતો હોવાથી આસપાસના ગામડાંના આદિવાસી લોકોનાં ટોળાંથી બજાર ચિક્કાર ભરેલી હતી. અહીં પણ કરુણામયી મા ભગવતી નર્મદામાના ભક્તો હાજર જ હતા!

એક વેપારીએ પોતાની દુકાનની ગીરદી વચ્ચે દુકાન પાસેના બાંકડા પર અમને સૌ પરિક્રમાવાસીઓને બેસાડી ચા પિવડાવી તથા પાસેના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી જે કોઈ જરૂરિયાતની વસ્તુઓ લેવી હોય તે લેવાનું સૂચન કર્યું. વળી આ રોડ પર જ શિવાલયમાં દર્શન કરો, બપોરનો ભોજન-પ્રસાદ ત્યાં જ પહોંચાડી દેશે તેવી તેમણે અરજ કરી. અમે લોકો તો ખૂબ જ આનંદિત થઈ ગયા. બધાએ પોતપોતાની જરૂરિયાત અને સ્વભાવ અનુસાર ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી ચીજવસ્તુઓ ખરીદી. સંન્યાસીએ ટોર્ચના બે પેન્સીલ સેલ લીધા. થોડા આગળ વધતાં બજારની એક બાજુ દુકાનોની હારમાળા વચ્ચે જ બે દુકાનની જગ્યા જેટલા ક્ષેત્રમાં શિવાલય! ત્યાં દર્શન કર્યાં અને પછી થોડા પગ મોકળા કર્યા. બપોરનો પ્રસાદ ગ્રહણ કરી આશરે ૧૦ કિ.મી. જેટલું અંતર કાપી મંડળી સુરગસગાંવ પહોંચી.

અહીં આશ્રમશાળા હતી. શાળાના મોટા ઓરડામાં સફાઈ કરીને આસન લગાવ્યાં. અહીં સદાવ્રત એટલે કાચું સીધું મળે, તેની જાતે રસોઈ બનાવી લેવાની. હમણાં બાળકો વેકેશનમાં ગયા હોવાથી આ સુવિધા પ્રાપ્ત બની. ચારે તરફ વૃક્ષો અને થોડી ઘણી સફાઈ હતી. અહીં પાણીની ખૂબ જ સારી વ્યવસ્થા હતી. આશ્રમના વ્યવસ્થાપકના મનોભાવ જાણીને કપડાં વગેરે ધોવા માટે એક દિવસ અહીં રોકાઈ જવાનો નિર્ણય લેવાયો. અમારી મંડળીમાંના યુવાન કર્મકાંડી પંડિતજી અને અમારી વચ્ચે, વિશેષ કરીને પી. સ્વામી સાથે તર્કવિતર્ક, વાદ-વિતંડાવાદ, ગરમાગરમ ચર્ચા વગેરે થતાં રહેતાં. વાસ્તવમાં પરિક્રમાવાસીઓ કહે, ‘એકલા ચાલો તો સ્વાનંદમાં રહો, બે પરિક્રમાવાસી હોય તો સુખી, ત્રણમાં મતભેદ અને ચારમાં ઝઘડૉ.’ જો કે અમારે ઝઘડો થતો નહીં પરંતુ આટલા દિવસો સાથે રહેવાથી એકબીજાના મનોભાવ-દુ :ખતી નસ જાણી લીધાં હતાં તેથી એકબીજાને ઉશ્કેરીને નિર્દાેષ આનંદ લેતા રહેતા.

પરંતુ એક દિવસ વાત વણસી ગઈ હતી તેથી ત્યાર બાદ કામ સિવાય એકબીજા સાથે વાત ન કરવાનો નિર્ણય લેવાયો. આ જે હોય તે, પણ પંડિતજી પોતાનાં વિધિવિધાન, સંધ્યા-ઉપાસનામાં ખૂબ જ નિષ્ઠાવાન હતા. સાંજના ગમે તે જગ્યાએ, ગમે તેમ કરીને ઓછામાં ઓછું એક બાલટી જળ મેળવી લઈ તેનાથી પણ સ્નાન કરીને શિવમહિમ્ન સ્તોત્ર તથા બીજાં સ્તોત્રો તેમજ માળા વગેરે નિયમિત કરતા.

આગલા દિવસે નિત્યક્રમ-ઉપાસના પૂર્ણ કરી, ચા અને બાલભોગ(નાસ્તો)લઈ સાંજ સુધીમાં આનંદ કરતાં કરતાં સૂર્યાસ્ત સુધીમાં ૧૭-૧૮ કિ.મી. દૂર વડફળીગાંવ પહોંચી ગયા. અહીં પણ નાની આશ્રમશાળા. અલગ અલગ ઓરડાઓ અને મકાન હતાં. એક ઓરડામાં, મારી પાસે જેવો પૂજામાં નર્મદામૈયાનો ફોટો છે તેવો જ મોટી સાઈઝનો ફોટો ત્યાં પૂજિત થતો હતો. મને ઘણો જ આનંદ થયો. અહીં રાત્રી ખૂબ જ આનંદથી પસાર થઈ.

થોડા દિવસો પહેલાં શૂલપાણેશ્વરની ઝાડીમાં મધ્યપ્રદેશના ભાદલ ગામમાં રાત્રીવાસ કર્યો હતો. તેના પછી તરત જ મહારાષ્ટ્રનું ભાદલ શરૂ થયું હતું. ત્યાંથી છેક આ વડફળી સુધી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો લગભગ ૧૩૫ કિ.મી.નો વિસ્તાર હતો. હવે એક ગામ છોડીને કણજીથી ગુજરાતની સીમા શરૂ થવાની હતી. ગુજરાત! ભક્તિભાવ અને ઉદાર દાતાઓનો પ્રદેશ. વિશેષ કરીને પુરાણમાં વર્ણિત અનેક વિશિષ્ટ તીર્થાેનો સમાવડૉ. સ્વાભાવિક રીતે સંન્યાસીના હૃદયમાં અનેરો થનગનાટ હતો. (ક્રમશ 🙂

Total Views: 412

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.