ગતાંકથી આગળ…

ક્રોધનો જ વિચાર કરો. આપણે ક્રોધ શા માટે કરીએ છીએ? કારણ કે આપણે જેને પોતાના ભોગનો વિષય સમજીએ છીએ એની પ્રાપ્તિના માર્ગમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુ અંતરાયરૂપ બને છે. આ જ આપણા બધા પ્રકારના ક્રોધનું કારણ છે. આપણને હંમેશાં જાણવા મળે છે કે ક્રોધનો પ્રબળ વ્યક્તિત્વ-બોધ અથવા અત્યધિક મહત્ત્વ અપાયેલા અહંકાર સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. પ્રબળ અહંકાર અને શારીરિક અથવા માનસિક ભોગોની અસ્વાભાવિક ઇચ્છા વગર ક્રોધ આપણા હૃદયમાં ઉત્પન્ન જ થઈ શકતો નથી. તેથી આ અહંકાર, આ ભોગેચ્છા જ આપણા ક્રોધનું એકમાત્ર કારણ છે. જો આપણે ભોગ ન ઇચ્છિએ અથવા આપણે કોઈ પાસે અપેક્ષા ન રાખીએ પરંતુ માત્ર આપતા રહીએ તેમજ બદલાની આશા વગર કર્મ કરતા રહીએ તો ક્રોધ ક્યારેય ઉદ્ભવશે નહીં. તેથી આપણે આપણા ક્રોધ પર ક્રોધિત થવું જોઈએ, બીજા પર નહીં. આપણે ભોગની વાસના પર ખૂબ ક્રોધ કરવો જોઈએ, ભોગ-વિષયો પર નહીં. ક્રોધનું ઉદાત્તીકરણ કરીને અંતે તેનો નાશ કરી દેવો એ એકમાત્ર વ્યાવહારિક ઉપાય છે. અને ક્રોધ તથા અન્ય સંબંધિત દુર્ગુણોને દૂર કર્યા વિના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થઈ શકતી નથી. કામ અને ક્રોધ આધ્યાત્મિક માર્ગના બે મહાન શત્રુ છે. તેથી બધા સાધકોએ સાવધાનીપૂર્વક તેમને દૂર રાખવા જોઈએ.

તેથી જ્યાં પણ ક્રોધ હોય છે, ત્યાં કંઈક ને કંઈક આસક્તિ અથવા અત્યંત રાગ અથવા ઇચ્છાઓ હોય છે. સાચું પૂછો તો કોઈ વસ્તુ અથવા વ્યક્તિ સાથેની આસક્તિ વિના કોઈપણ પ્રકારનો ક્રોધ થઈ જ ન શકે. ભોગની આપણી ઇચ્છા પૂરી ન થવાને કારણે જ ક્રોધ ઉદ્ભવે છે. પરંતુ એને સ્થૂળ અર્થમાં નહીં, સૂક્ષ્મ ભાવથી સમજવો જોઈએ. એ જરૂરી નથી કે કોઈ સ્થૂળ ભોગેચ્છા ક્રોધના મૂળમાં હોય.

કેટલાક લોકો ત્યાગનો અભ્યાસ કરવામાં આક્રમક બની જાય છે. આ એટલા માટે બને છે કે આસક્તિનું ખેંચાણ ઓછું થવાથી દ્વેષનું ખેંચાણ અધિક થઈ જાય છે. અનેક સાધકો સાધનાની પ્રાથમિક અવસ્થામાં ચિડિયા અને ગરમ મિજાજના થઈ જાય છે. આ તેમના ત્યાગના અધૂરા પ્રયાસની પ્રતિક્રિયા છે. બાહ્ય ત્યાગની સાથે હંમેશાં માનસિક અનાસક્તિ વિદ્યમાન હોતી નથી. માનસિક આસક્તિનો બાહ્ય ત્યાગ સાથે સંઘર્ષ થાય છે, જેને કારણે તણાવ પેદા થાય છે. વાસ્તવિક ત્યાગ તો રાગ અને દ્વેષ એ બન્નેનો ત્યાગ છે.

સાચા ત્યાગનો અભ્યાસ કરવાથી આપણને માલૂમ પડે છે કે આપણે અત્યાર સુધી કેટલું બધું ઘૃણાજનક જીવન વિતાવી રહ્યા હતા. આપણે એવું પણ અનુભવીએ છીએ કે ભૂતકાળનું આકર્ષણ જ હવે સૌથી મોટું વિઘ્ન છે. તેના પરિણામે ગ્લાનિ અને પશ્ચાત્તાપ થાય છે. થોડી માત્રામાં સ્વસ્થ અને પુરુષોચિત આત્મવિશ્લેષણ ભલે હોય, પરંતુ હાનિકારક અથવા નકારાત્મક ભાવુકતા ક્યારેય ન હોવી જોઈએ. ‘ઓહ! હું કેવો પાપી છું, કેવો અધમ છું’, આવું ક્યારેય ન કહો. પરંતુ એવું કહેતાં શીખો : ‘મેં પહેલાં ભલે ઘણું ખરાબ કાર્ય કર્યું હોય, પરંતુ અત્યારે તે સમાપ્ત થઈ ગયું છે. મેં જાણ્યું છે કે મેં ભૂલ કરી છે, પરંતુ અત્યારે તેનું ચિંતન કરવાની આવશ્યકતા નથી. હવે મારે નવો અધ્યાય શરૂ કરવો છે તથા ભવિષ્યમાં વધુ સારું જીવન વ્યતિત કરવું છે. ભવિષ્યમાં વિશેષ સજાગ રહીને પશુ જેવું જીવન જીવવાને બદલે મારે માનવ બનવાનું શીખવું છે.’ આ સાચો રસ્તો છે. આપણે ભલે વૃદ્ધ કે યુવાન હોઈએ, પરંતુ આપણે બધાએ આત્માના રાજ્યમાં નવો જન્મ લઈને સત્ય તરફ પોતાની પ્રગતિનો પ્રારંભ કરી દેવો જોઈએ.

પ્રારંભમાં સાવધાની રાખો :

પ્રારંભમાં સાધનાનાં સારાં અને માઠાં બન્ને પ્રકારનાં પરિણામ હોય છે. બગીચામાં પાણીનું સિંચન કરતાં, સુંદર સુગંધિત ગુલાબના છોડ ઊગે છે, પરંતુ તેની સાથે સાથે નકામું ઘાસ અને કાંટાળા અન્ય છોડ પણ ઊગે છે. તેથી નિંદામણને કાઢી નાખવું પડશે, કાંટાને દૂર કરવા પડશે. ત્યાગ એ આંતરિક જંગલની નિરંતર સફાઈનું કાર્ય છે.

ક્યારેક આપણા હૃદયમાં ત્યાગની નાનકડી આગ પ્રજ્વલિત થાય છે. પરંતુ આપણે તે આગ ઉપર સાંસારિકતાનો ભીનો કચરો ફરીથી નાખી દઈએ છીએ અને પરિણામે તે આગ બુઝાઈ જાય છે. સંસાર પ્રત્યેનો લગાવ પરમાત્મા પ્રત્યેના આપણા થોડા ઘણા પ્રેમ અને ઉત્સાહને ખતમ કરી દે છે. આ ત્યાગ અને વૈરાગ્યની અગ્નિને નિરંતર પ્રજ્વલિત રાખવી જોઈએ, કારણ કે બાહ્ય અને માનસિક કુસંગ તથા આપણા અપવિત્ર મનની બધી બહિર્મુખી પ્રવૃત્તિઓથી તેની બુઝાઈ જવાની સદા સંભાવના બની રહે છે. પ્રારંભમાં વૈરાગ્યનો છોડ ખૂબ કોમળ હોય છે, તેથી તેની ચારે તરફ વાડ કરી દઈને તેજ હવા અને અન્ય પશુઓથી રક્ષા કરવી પડે છે, નહીંતર તે તોફાનોમાં અડગ રહેનારું દૃઢ વૃક્ષ બની શકતું નથી. વ્યક્તિગત સંબંધો, પ્રતિક્રિયાઓ અને આસક્તિઓથી મુક્ત બનીને આપણે આંતરિક વૈરાગ્યનો મહાન અગ્નિ પ્રજ્વલિત કરવામાં સમર્થ થઈએ છીએ અને આ રીતે સંસારથી મુક્ત થઈ જઈએ છીએ.

આપણા મનને શુદ્ધ અને સ્વચ્છ રાખવાને બદલે તેમાં બધા પ્રકારના વ્યર્થ અને અપવિત્ર વિચારોથી ભરી દેવાને કારણે આપણે અનાસક્ત અને સુસંગતરૂપે ચિંતન કરવાની ક્ષમતા ખોઈ દીધી છે. આપણાં મન અવ્યવસ્થિત વ્યાકુળ સ્થિતિમાં રહે છે. તેથી આપણને નિરંતર એક પ્રકારનો અસંતોષ દુ:ખ આપ્યા કરે છે. આપણી પાસે ઘણા બધા વિચારો છે, સારા વિચારો પણ છે પરંતુ નિષ્પક્ષ અનાસક્ત અને ક્રમબદ્ધ રૂપે તેનો વિચાર કરવાની ક્ષમતા નથી. મોટે ભાગે આપણે એકની એક વાત વારંવાર વિચાર્યા કરીએ છીએ પરંતુ તે બધું વ્યર્થ જ છે. મનને નિયંત્રિત કરવા માટે તમારે એક પ્રશિક્ષણ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. શરૂઆતમાં સાધના માટે નિશ્ચિત સમય નક્કી કરી લો અને યથાસંભવ એકાંતવાસ કરો. વગર વિચાર્યે લોકોની સાથે હળવા-મળવાનું બંધ કરો. પહેલાં પહેલાં જુદા જુદા પ્રકારના ઘણા બધા ચિંતનપ્રવાહો કે જે તમારા મનમાં એકબીજાને નિષ્ક્રિય બનાવી રહ્યા છે તેમને દૂર કરો, નહીંતર તમે સંતુલિત અને નિર્લિપ્ત મન:સ્થિતિ રાખી શકશો નહીં. વૈરાગ્ય, સાચો વૈરાગ્ય આધ્યાત્મિક પ્રગતિ માટે અતિ આવશ્યક છે. આપણે ઇચ્છિએ છીએ તેવી નહીં, પરંતુ વસ્તુસ્થિતિ જેવી છે તેવી રાખીને આપણે તેનો યથાયોગ્ય સામનો કરવો જોઈએ.

સાચો ત્યાગ એટલે ભગવત્ પ્રેમ :

આધ્યાત્મિક જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ભગવત્ પ્રેમની સાથે હોવા જોઈએ. ભગવત્ પ્રેમને તીવ્ર બનાવ્યા વિના એકલા ત્યાગની તીવ્રતાને કારણે જ ઘણા બધા લોકો માટે આધ્યાત્મિક જીવન કઠિન બની જાય છે. જો ત્યાગની સાથે પરમાત્મા પ્રત્યેનો તીવ્ર અનુરાગ હોય તો આધ્યાત્મિક જીવન એક અત્યંત આનંદદાયક ઉપક્રમ બની જાય છે. ભગવદ્ ભક્તિ પૂર્ણતા પ્રદાન કરે છે. તેથી જે પરમાત્માને સાચે જ પ્રેમ કરે છે, તેના માટે સાચું પૂછો તો કોઈ ત્યાગ નથી, પરંતુ સંપન્નતા જ છે. વાસ્તવિક ભગવત્ પ્રેમ કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યેના પ્રેમને બદલે બધાના પ્રત્યેના વ્યાપક પ્રેમના રૂપમાં અભિવ્યક્ત થાય છે. આ નવો દૃષ્ટિકોણ વિકસિત થતાં આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે કારણ કે આ નવીન દૃષ્ટિકોણ બધા અવરોધોને દૂર કરી દે છે અને બધાં બંધનોને કાપી નાખે છે. જીવને બધી રીતે બાંધવાનો અને અવરુદ્ધ કરવાનો કર્મનો સ્વભાવ છે. પરંતુ બધાં કર્મફળને પરમાત્માને સમર્પિત કરી દઈએ તો આ જ કર્મ બધા અવરોધોેને દૂર કરી દેશે અને બધાં બંધનોનો નાશ કરી દેશે. ત્યારે આપણે ઈશ્વરના હાથમાં યંત્રરૂપ બની જઈશું તથા એ જાણી લઈશું કે આપણે કર્મોના કર્તા નથી. આપણે પરમાત્મા માટે મઠમાં, સંસારમાં અને સર્વોપરીપણે તો આપણા હૃદયમાં સ્થાન બનાવી દેવું જોઈએ.

તેથી સાચા ત્યાગનો અર્થ છે, નિરંતર પરમાત્મા દ્વારા હૃદયને પરિપૂર્ણ રાખવું. સામાન્ય રીતે આપણું મન વાસનાઓ અને ઇચ્છાઓથી કાયમ દબાયેલું રહે છે અને જેટલી માત્રામાં આપણે આ બોજને હલકો કરવામાં સમર્થ બનીશું, તેટલી જ માત્રામાં હૃદયમાં પરમાત્માના પ્રકાશનો અનુભવ થશે. આપણે ચેતનાના કેન્દ્રને ‘સ્વયં’થી દૂર કરીને પરમાત્મામાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે આપણે જાણીશું કે પરમાત્મામાં આપણા તથા બધાના માટે સ્થાન છે.

(ક્રમશ:)

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.