ગતાંકથી આગળ…

પ્રાચીન શૂળપાણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સર્વ પાપ ને દુઃખોનો નાશ કરનાર રુદ્રકુંડ બહુ ઊંડો હતો. એમાં જળ બહુ ભર્યું રહેતું હતું.

ચેદી દેશના રાજા વીરસેનની યુવાન રાજપુત્રી ભાનુમતી યુવાનીમાં જ વૈધવ્યને પામી હતી. વ્રતનિયમ પાળી એણે આ શૂળભેદતીર્થમાં પવિત્ર રુદ્રકુંડ પાસે આવી તપ આદર્યું હતું અને શિવલોક પામી હતી.

શ્રીનર્મદામૈયાનો મહિમા અને તેમની કૃપાપ્રાપ્તિની ઘટના પૂજ્ય મોટાના જીવનમાં જ્વલંત રીતે બની હતી તેનું વર્ણન તેઓના પુસ્તક ‘જીવન અને કાર્ય’માં આલેખિત થયેલું છે. તે અહીં ઉદ્ધૃત છે-

‘નર્મદા નદીના મોખડીઘાટની પાર એક રણછોડજીનું મંદિર છે ત્યાં થોડાક દિવસ રહેવાનું કરેલું. ત્યાં એક સાધુ-મહાત્મા રહેતા હતા. તેમની હું રોજ સેવા-ચાકરી કરું. આ શરીરને ત્યાં પણ ચાર-પાંચ વાર ફેફરું થયું હતું. નીકળતી વખતે તે સાધુ-મહારાજને હું પગે લાગ્યો અને તેમના આશીર્વાદ માગ્યા. તેઓએ મને ભગવાનનું સ્મરણ કર્યા કરવાનું કહ્યું ને તેથી રોગ મટી જશે એમ પણ કહ્યું હતું, પરંતુ જ્યારે મારા મને એમ વિચાર્યું કે આ સાધુ-મહાત્માએ જંગલની કોઈક જડીબુટ્ટી આપી હોત તો મને વિશ્વાસ બેસત, પરંતુ ભગવાનના માત્ર સ્મરણથી રોગ મટી જાય એવું બિલકુલ સાચું અને શ્રદ્ધાપ્રેરક લાગ્યું ન હતું. વળી, પેલા સાધુ-મહારાજે મને એમ પણ કહેલું કે એક વર્ષ પછી તને કોઈ સદ્ગુરુ મળી આવવાના છે, તે તારા જીવનનો વિકાસ કરશે, પરંતુ તે વખતે ‘જીવન’ ને ‘વિકાસ’ એ મારા માટે તો માત્ર શબ્દ જ હતા. દેશની સેવા કરવાની ઉત્કટ ધૂન મારા માટે તદ્દન સાચી હતી. સેવાની એ ઉત્કટ ધૂનથી પ્રેરાઈને ગરીબાઈની સ્થિતિમાં ટકી રહેવાનું બની શક્યું ન હતું. પાછા વળતાં નર્મદા નદીમાં ઝંપલાવીને શરીરનો અંત આણી દેવાનો વિચાર કર્યાે.

ગરુડેશ્વરથી આગળ જતાં નર્મદામૈયાને કિનારે એક ઊંચી ભેખડ આવે છે. તે ભેખડની ધારથી જરા પાછા હઠીને એકદમ દોટ મૂકીને શ્રીનર્મદામૈયાના ખોળામાં પડતું મૂકેલું. નર્મદામૈયાના જળના પુનિત પ્રવાહનો પગને સ્પર્શ થયેલો, તેનું અત્યારે પણ તાદૃશ્ય ભાન છે અને તેનું જીવંત ચિત્ર હજી ખડું છે. તે મૃદુ, કોમળ, શીતળ સ્પર્શ થયો ન થયો ત્યાં તો પાણીના પ્રવાહમાંથી એક પ્રચંડ વંટોળ પ્રગટ્યો! તે વંટોળે શરીરને ઉછાળીને ભેખડથી ક્યાંયે દૂર ફેંકી દીધું. તે વંટોળની મધ્યમાં અદ્‌ભુત દર્શન થયેલું. તે દર્શનનું સ્વરૂપ કોઈ સ્થૂળ પ્રકારની માતા જેવું ન હતું. તે દર્શન અલૌકિક પ્રકારનું હતું. તે વેળાએ ચમત્કારિક રીતે બચી જવાનું બન્યું ત્યારથી જ દિલમાં ઊગી ગયું કે, ‘By His Grace I am meant for something’.

આજકાલના બુદ્ધિયુગના જમાનામાં આવી હકીકતને કોઈ માને નહિ એ સ્વાભાવિક છે. આવી હકીકતને બહાર મૂકવી એમાં કેટલાકને ડહાપણ પણ ન લાગે, પરંતુ જે સાચો અનુભવ થયો હોય, તે જગતની આગળ પ્રેમભાવે નમ્રતાથી મૂકવો તે જરૂરનું લાગે છે. આપણે માનતા હોઈએ તે જ માત્ર સાચું છે અને બીજું સાચું નથી એવી માન્યતામાં એક પ્રકારનો જડ મતાગ્રહ રહેલો છે. ઉપર દર્શાવેલ અનુભવ માત્ર hallucination ઉત્કટ કલ્પનાનું સર્જન હતું એવું મુદ્દલેય નથી. તે દર્શનમાંથી પ્રભુકૃપાથી પ્રેરણા મળેલી છે. ઉપરાંત, સાહસ, હિંમત, ધીરજ, સહનશક્તિ, મક્કમતા વગેરે ગુણ અને તેની શક્તિ પણ મળેલાં છે. તે અનુભવથી ઓચિંતું આપોઆપ જીવનનું વહેણ બદલાયું તે કંઈ નાનોસૂનો પ્રસંગ ન ગણાય. આવું માત્ર કલ્પનાના કે ઊર્મિના ઉત્કટપણામાંથી જીવનમાં ઉદ્‌ભવવું શક્ય નથી.’

એવા રુદ્રકુંડના પાછળ થોડે છેટે, દેવોએ ગિર્વાણ નામની દેવશિલા નીર્મી હતી. અહીં તપ કરી ઘણા મુક્તિ પામ્યા હતા. શૂળભેદમાં સ્નાન કરી, દેવશિલા પર જે પિતૃતર્પણ કરે તેના પિતૃઓ પ્રલયપર્યંત તૃપ્તિને પામે, એવો એ શિલાનો અપાર મહિમા કહેવાયો છે.

રુદ્રકુંડ, માર્કન્ડેયમુનિની ગુફા, દેવશિલા વગેરે સર્વ પાવનકારી સ્થળ શૂળપાણેશ્વર મહાદેવના શિવાલયની પાછળ હતાં. શિવાલય પહાડીના આગળના ભાગમાં આવેલું હતું. સર્વ સ્થળો બહુ પાસે હતાં; પણ પરિક્રમાવાસી એ રીતે લાભ લઈ શકતા ન હતા. શિવાલયનાં દર્શન કરી, પાસેનો ભૃગુત્તુંગ પહાડ ચડી-ઊતરીને, એણે રુદ્રકુંડમાં આવવું પડતું હતું. ભૃગુત્તુંગ ભૈરવજાપ ટોચે પહોંચી, પહાડ ઊતરીને, એણે રુદ્રકુંડ આવ્યા પછી દેવનદી પાર કરી, થોડું ચાલીને, બીજી પહાડી પર આવેલા રણછોડજીના પ્રાચીન મંદિરે પહોંચવું પડતુંું.

આજે તો શિવાલયમાં બિરાજતા ભગવાન શૂળપાણિનો તથા માર્કન્ડેયમુનિની ગુફાનાં દર્શનનો જ લાભ મળ્યો. શિવાલય કોણે અને કયારે બંધાવ્યું હશે એ ચોક્કસપણે જાણવા ન મળ્યું. ગાયકવાડી રાજ્યના કોઈ સૂબાએ એ બંધાવ્યું હતું, એવું કોઈએ કહ્યું. અહીંના શિલાલેખોની ભાષા વાંચીને સમજવી સરળ ન હતી. પશ્ચિમાભિમુખ આ શિવાલયનો જીર્ણાેદ્ધાર સંવત ૧૮૨૯માં વિંધ્યાચળાધિપતિ રાજા રાજસિંહે કરાવ્યો હતો. મુખ્ય મંદિર મોટું, મજબૂત અને સ્વચ્છ હતું; પણ અન્ય નાનાં મોટાં મંદિરો જીર્ણ દશાને પામ્યાં હતાં. શિવાલયને ફરતો કોટ પણ તાત્કાલિક જીર્ણાેદ્ધારની રાહ જોતો હતો. ધર્મશાળામાં ભૂતવાસો કરે એવી હાલત હતી.

છતાં ભગવાન શૂળપાણિના નામે પ્રસિદ્ધ પહાડી-ઝાડીના અધિષ્ઠાતા દેવનું શિવાલય, ચોપાસનું અનુપમ દૃશ્ય વગેરે જોતાં જાણે એમ જ લાગે કે કોઈ પરમ શાંત, શીતળ, સાત્ત્વિક અને સુખદ સ્થાને આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. માતા નર્મદાજીનાં રમણીય રૂપનું દર્શન હરી લે એવું હતું. દેવનદી અને નર્મદાજીના સંગમનું દર્શન પણ પુણ્યશાળી જીવને જ થાય. ઊંચી ને વાંકીચૂકી પહાડીમાંનું નિર્મળ નીલવર્ણું નર્મદાજળ, સૂર્યાસ્ત સમયે સાધારણ લાલ અને પીળા પડી જતા સૂર્યદેવનું દર્શન, લીલાંછમ વૃક્ષોની ઘટા, માળામાં પાછાં ફરતાં પંખીઓનો આનંદ આપતો સૂરીલો કલરવ, શીતળ વાયુની લહેરો, આથમતા સૂર્યદેવની કિરણાંગુલિઓથી ઓપતું આસમાન વગેરે દર્શનાર્થીને ત્યાં જ જકડી રાખે એવાં હતાં. ચિત્ત ઠરી જાય અને અતિ સુખદ પ્રસન્નતા પ્રક્ટે એવું આ પ્રાચીન અને અતિ પવિત્ર સ્થળ સૌંદર્ય અને સાત્ત્વિક આંદોલનોથી છલક્તું હતું. અહીં જ રહી પડું તો?

પહાડમાં પાસે જ મણાવેલી ગામ હતું. એના મુખી પટેલ સેવાભાવી હતા. ઘણા સંત મહાત્માઓનાં દર્શનનો તથા સત્સંગનો લાભ લીધો હતો. એથી પ્રેમ, સેવા, સરળતા અને પ્રભુભજનની ભૂખ એમના મુખભાવનાં સ્પષ્ટ લક્ષણો હતાં. એમણે પોતાનાં અનેક વરસોના અનુભવોની વાત કહી. ભગવાન શૂળપાણેશ્વરના આ દિવ્યસ્થાનમાં ગુપ્ત સિદ્ધમહાત્માઓનો આજે પણ વાસ છે, દેવતાઓનો પણ નિવાસ છે. દિવ્યતા તો ચોપાસ ભારોભાર ભરેલી લાગે. અધિકારીને તરત જ અનુભવ મળે છે. શૂળપાણિ તીર્થ મહાપવિત્ર ને પાવનકારી છે.

એમના દીકરાએ સાથે આવીને શૂળપાણિના પ્રાચીન શિવાલયનું દર્શન કરાવ્યું. શિવાલય પશ્ચિમાભિમુખ હતું. મુખ્ય શિવાલયની ઉત્તરે કમલેશ્વર, દક્ષિણે રાજરાજેશ્વર, પાછળ પાંડવોનાં નાનાં મંદિર, કમલેશ્વરની દક્ષિણે સપ્તઋષિનાં મંદિર વગેરે હતાં.

રાજાશાહીના જમાનામાં અહીં ગાયકવાડી રાજય તરફથી સાધુ-યાત્રિકની સેવા થતી. આ દેશને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું એટલે હવે સાધુ-યાત્રિકને હવા ખાઈને જ અહીં મોજ માણવાની હતી ! જો કે એ શિવલિંગનું દર્શન થતાં જ કોઈ અનોખી તૃપ્તિ થયાનો અનુભવ મળતો હોવાથી આનંદનું અહીં પૂછવું જ શું ? પછી અન્ય વ્યવસ્થાની સાધુ-યાત્રિક પરવાહ પણ શા માટે કરે ? હિમાલયના કૈલાસનું તો દર્શન થાય ત્યારે ખરું, પણ શૂળપાણેશ્વર તીર્થરૂપી આ કૈલાસનું દર્શન કરી, મારું અંતર આનંદના મહાસાગરમાં ડૂબી ગયું. સમાધિનો આનંદ અહીં આપોઆપ મળ્યો. સાધના-ઉપાસના માટેનું એક ઉત્તમ આધ્યાત્મિક સ્થળ એટલે શૂળપાણેશ્વર.

ભગવાન શિવજીના ત્રિશૂળને લાગેલા ડાઘ અહીં ગયા. ભાવિક મુમુક્ષુનાં આધિ-વ્યાધિ-ઉપાધિ પણ અહીં તપ કરવાથી નાસી જાય. મળ-દોષ-આવરણ પણ અહીં ધોવાય. અહીં તો જીવના કલ્યાણ માટે શિવ વિરાજે છે. શૂળપાણેશ્વર તીર્થ એટલે માનવજીવનનું કલ્યાણ કેન્દ્ર આધ્યાત્મિક અનુભૂતિ માટેનું મોટું મથક. જન્મ-મરણનું શૂળ મટાડી મુક્તિ આપતું આ શૂળભેદ તીર્થ.નર્મદા-બંધ યોજના થતાં આ દેવમંદિરનું શું થશે તે તો બંધના યોજકો જાણે ! કળિયુગમાં કારખાનાં, બંધો વગેરે જ દેવમંદિર મનાતાં થઈ જાય પછી આધ્યાત્મિક આંદોલનોથી સભર એવાં પ્રાચીન-પૌરાણિક દેવમંદિરોનો કોણ વિચાર કરે? કારખાનાં, બંધો વગેરે દેશની આર્થિક ઉન્નતિ કરી શકે, પેટનો ખાડો પૂરી શકે; પરંતુ આત્માને અજવાળવા તો આધ્યાત્મિક આંદોલનોથી સભર એવાં કેન્દ્રોની જરૂર રહે. નર્મદાબંધ યોજના પાર પડી છે અને દેવો, સિદ્ધમહાત્માઓ, મહાદિવ્ય આધ્યાત્મિક કેન્દ્ર પૂર્ણપણે જળમાં જાણે ઓગળી ગયાં લાગે! હજારો વર્ષાેથી દિવ્યતાભર્યાે ચેતનાનો એક પરમ ભંડાર જળરાશિમાં ડૂબી ગયો છે.

એક સંન્યાસી તેમજ મંડળી કણજીથી નીકળ્યા પછી સાંજના લગભગ ચારેક વાગ્યે માથાસર ગામે પહોંચ્યા. ચારેય તરફ તરંગાકારે નાના નાના ડુંગરાઓ. એક ડુંગરા પર વિશાળ સમથળ જગ્યામાં હોળીની રજાઓને કારણે કેટલાય કિશોરો અને યુવાનો ક્રિકેટ રમતા હતા. થોડા થોડા અંતરે ચારેય તરફ નાનાં નાનાં કાચાં-પાકાં મકાનો અને આદિવાસી લોકોની ઝૂંપડીઓ હતી. તપાસ કરતાં જાણ થઈ કે અહીંના સરપંચને ત્યાં પરિક્રમાવાસીઓ રોકાતા હોય છે. અને દૂરથી સરપંચનું મકાન પણ બતાવ્યું. નાનું સરખું પાકું મકાન હતું. બહાર ઓટલે અમે લોકો બેસી ગયા. કેટલાંય છોકરા-છોકરીઓ અને કેટલાંય સ્ત્રી-પુરુષોની અવરજવર ચાલુ હતી. એમાં કોણ મકાનમાલિક તેની ખબર પણ પડતી ન હતી. બધાય ઉદાસીન ભાવથી અમારી તરફ જોતા હતા.

સંધ્યા આગત એટલે અહીં રોકાયા સિવાય અમારા માટે અન્ય કોઈ વિકલ્પ ન હતો. આ મકાનથી થોડે દૂર મોટા ઝાડના એક ઓટલા ઉપર અમે બેસી ગયા અને અમારી મંડળીના પંડિતજીએ તપાસ કરીને પાણીની વ્યવસ્થા જોઈ એટલે સંધ્યાપૂજનની તૈયારીના ભાગ રૂપે સ્નાન કરી લીધું.

અમે લોકોએ સાંજ સુધી ઓટા પર બેસી, અંધારું થયું ત્યાં સુધી અમારાં જપ-ધ્યાન અને સંધ્યાપૂજા આટોપ્યાં અને પાછા તે સરપંચના ઓટલા પર આવી ગયા. (ક્રમશઃ)

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.