સખત ઉપાય આવશ્યક :

આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત તકલીફવાળી બની ગઈ છે, એટલા માટે ગરમ દવાઓની જરૂર છે. વેદાંત બીમારીનો કઠોર ઉપચાર બતાવે છે. પ્રભાવશાળી ઇન્જેકશન અને વધારે માત્રામાં એલોપથી દવાઓની જરૂર છે. વેદાંતમાં હોમિયોપથી જેવી કોઈ વસ્તુ નથી. વેદાંત માટે હોમિયોપથી ઇલાજ કામ કરશે નહીં કારણ કે પ્રભાવશાળી બનવા માટે વેદાંતને પાણી મેળવીને પાતળું કરી શકાતું નથી. શું તમે જોતા નથી કે અંતહીન પાતળા બનાવવામાં ઈશુના ઉપદેશોના શા હાલ થઈ ગયા? વાસનાઓ અને ઇન્દ્રિયો આપણા ચિર શત્રુઓ છે. આથી એક નિયંત્રિત અને અનુશાસિત જીવન યાપન કરવું અત્યંત જરૂરી છે. વાસનાની સર્વગ્રાહી શક્તિની કોઈ સીમા નથી અને જ્યાં સુધી આપણે આપણી ઉપર એના પ્રભુત્વને ચાલુ રહેવા દઈશું, ત્યાં સુધી મહાપુરુષો દ્વારા આપવામાં આવતા કોઈ પણ આધ્યાત્મિક ઉપદેશનું પાલન કરી શકશું નહીં. આ તથ્યને જાણ્યે-અજાણ્યે છુપાવવું જોઈએ નહીં.

પ્રત્યેક ઇચ્છાને એક એક કરીને દૂર કરવી આપણા માટે સંભવ નથી. આથી એનો સામાન્ય નિર્મમ સંહાર આવશ્યક છે. પરમાત્મા તરફ જવાથી, એમના દ્વારા આપણી અંદર દૈવી પ્રકાશ કરી દેવાથી સમગ્ર અંધકાર તાત્કાલ નષ્ટ થઇ જશે. ત્યારે તેઓ સ્વયં યુદ્ધભૂમિમાં આવીને આપણા માટે યુદ્ધ કરશે. પ્રભુ પોતાનું કાર્ય કરે છે, પરંતુ જ્યાં સુધી આપણામાં વ્યક્તિત્વબોધ છે, જ્યાં સુધી આપણે પોતાને આપણાં કર્માેના કર્તા સમજીએ છીએ, ત્યાં સુધી આપણે પણ આપણી ભૂમિકા અદા કરવી જોઈએ. આપણે આ દૃશ્ય જગતથી આપણી અશક્તિનો ત્યાગ કરવો જોઈએ. આપણે સમસ્ત દૈહિક અને સાંસારિક વાસનાઓ ત્યાગવી જોઈએ. આપણે સમસ્ત આસક્તિઓ અને એના સંબંધી કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ. સંસારની સમસ્યાઓ અને દુ:ખોથી બચવાનો તથા પ્રકાશને બંધ કરી રહેલા અંધકારને દૂર કરવાનો આ જ એક માત્ર રસ્તો છે. આપણે પરમાત્માને આપણું રૂપાંતરણ કરવાની તથા ઉચ્ચતર જીવન યાપન કરવાની ક્ષમતા પ્રદાન કરવા દઈએ. સંસારને ‘નિતાન્ત આવશ્યકતા’થી અધિક મહત્ત્વ પણ ન આપીએ. ચાહે મઠમાં રહો અથવા બહાર, આપણે હંમેશાં સંસારમાં જ છીએ. આપણે સંસારમાંથી પલાયન કરી શકતા નથી. પણ આપણે સંસારને પૂર્ણ રીતે આપણને પકડમાં લેવા દેવો ન જોઈએ. જેમ શ્રી રામકૃષ્ણ કહેતા હતા, ‘હોડી પાણીમાં રહે પણ પાણી હોડીમાં ન રહે.’

આત્મચિંતન કરો :

વાસ્તવિક પવિત્રતા મેળવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય આમ વિચાર કરવાનો છે કે આપણે સ્વરૂપત: પવિત્ર છીએ. પાપ, અપવિત્રતા, દુર્બળતા અને અપૂર્ણતાનું ચિંતન ક્યારેય પણ કરવું ન જોઈએ. આપણે બધા જ સ્વરૂપત: પૂર્ણ છીએ. પરંતુ આપણે પોતાની ચિરંતન પૂર્ણતાને ભૂલી ગયા છીએ અને એટલે જ અનંત ભૂલો કરતા રહીએ છીએ. પણ જેવા જ આપણે આપણા વાસ્તવિક સ્વરૂપની ઉપલબ્ધિ ફરીથી પ્રાપ્ત કરીએ કે તરત જ અપવિત્રતા, પાપ, અપૂર્ણતા કેવળ થોડાંક સ્વપ્ન માત્ર બનીને રહી જશે.

આ પવિત્રતા અંદરથી ઊઠતી રહે છે, કારણ કે તે આપણી પોતાની છે અને અનાદિ કાળથી આપણી રહી છે. એ બહારથી આવતી નથી. એ ઉપરથી જોડવામાં આવેલી નથી અને ન તો એને નવેસરથી સર્જવાની. આધ્યાત્મિક જીવનનો અર્થ આ અંદરનો વિકાસ છે. પણ એ ખરેખરી રીતે તો વિકાસ નહીં પણ અનાવરણ માત્ર છે, કેમ કે જો પૂર્ણતા અને પવિત્રતા આપણા સ્વભાવમાં ન હોય, તો આપણે ક્યારેય પૂર્ણ બની શકીએ નહીં, ક્યારેય પણ આપણો છુટકારો થઈ શકે નહીં.

અંતરમાં રૂપાંતરણ લાવો, પછી આ રૂપાંતરણ અનાયાસ બહારના જગતમાં અભિવ્યક્ત થશે. આપણા સંપૂર્ણ સ્વભાવને પવિત્ર કરવાનો છે. એ ધ્યાનમાં રાખો કે તમે કેવળ ઉપરનું લીંપણ સાફ જ ન કરો. સર્વપ્રથમ બહારના પોપડાઓને ઘસી ઘસીને કાઢવા જોઈએ. એ પછી સુચારુરૂપે જમીનને ફરીથી તૈયાર કરવી જોઈએ. તીવ્ર સાધના કરો. આ તમને તમારા ખોટા વ્યક્તિત્વથી, જે અપવિત્ર છે, તેનાથી ઉપર ઊઠવામાં સહાયક બનશે. તમારા ખોટા વ્યક્તિત્વ(અહંકાર)થી તમારા વિચારો કલુષિત અને અપવિત્ર થઈ જાય છે. જો તમારું વાસ્તવિક વ્યક્તિત્વ અપવિત્ર હોય તો તમે ક્યારેય પવિત્ર બની શકો નહીં અને તમારામાંથી કોઈનો ઉદ્ધાર થવાની આશા ન બને. પણ આપણું વાસ્તવિક સ્વરૂપ નિતાન્ત પવિત્ર, સ્વપ્રકાશ છે અને આપણે એને ફરીથી પ્રાપ્ત કરવાનું છે. શુભ વિચાર, કર્માે અને વચન બહુ જ સહાયક બને છે. પરંતુ નિરંતર સાધના વિના એ પર્યાપ્ત થતા નથી અને તે તમને એવા કોઈ રૂપમાં પરિવર્તિત ક્યારેય કરી શકતાં નથી, જે તમે અત્યારે નથી.

પોતાના પ્રત્યે, જગતના પ્રત્યે આપણા મનમાં ઊઠી રહેલાં બધાં માનસિક ચિત્રો અને સ્મૃતિઓના પ્રત્યે એક પૂર્ણત: નવો દૃષ્ટિકોણ હોવો જોઈએ. મલીન વિચારો મનમાં ઊઠવાથી આપણને ખેદ થવો જોઈએ, પરંતુ એના દ્વારા આપણને આગળ વધવાની પ્રેરણા મળવી જોઈએ તથા આપણે હજુ વધારે દૃઢનિશ્ચયી બનવું જોઈએ. આપણે આભારી થવું જોઈએ કે આપણા મનમાં પડેલી આવી અપવિત્ર વાતોની આપણને જાણકારી મળી છે. જો આપણને એનું જ્ઞાન ન હોય તો આપણે એની સામે ક્યારેય સફળતાપૂર્વક લડી શકીએ નહીં. જેટલી વધુ તકલીફો હોય, એટલું જ અધિક પુરુષોચિત યુદ્ધ હોવું જોઈએ, એટલાં જ વધારે એને દૂર કરવાનાં આપણાં સંકલ્પ અને અંતહીન દૃઢતા હોવાં જોઈએ.

આપણા મનમાં મેલ અને કચરો છે, તો આપણે એ તથ્યને જાણવું જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે તે કેટલો ખરાબ છે. કોઈ પણ ખરાબીને જાણવી એ અડધું યુદ્ધ જીતવા બરાબર છે. આપણને આપણા મન દ્વારા મહાન મુશ્કેલી ઊભી થવાની સંભાવનાની જાણકારી હોવી જોઈએ, જેથી આપણે સાવધાન રહીએ અને છેતરવાની એની નાપાક કોશિશો પ્રત્યે પૂર્ણ સજાગ રહીએ. કામ, ક્રોધ, લોભ, હિંસા વગેરે ભાવના દ્વારા પોતાને પરિચાલિત થવા દઈને માણસ પોતાને અને બીજાઓને માટે કેટલાં મહાન દુ:ખોની સૃષ્ટિ ઊભી કરે છે! અને આ સમસ્ત વાસનાઓ આપણા મનની અંદર જ ઊંડે સુધી છુપાયેલી રહેશે, જો આપણે એને જાણીને ઉખેડી ન દઈએ. પોતાના મનને સચેતન રૂપથી ઉચ્ચતર જીવનની તરફ ન ફેરવવીએ ત્યાં સુધી તે એનાથી હંમેશાં ભરાયેલું રહેશે.

સાધકને માટે સચેતન રૂપથી પોતાના ચેતનાના કેન્દ્રને સ્થાનાંતરિત કરવું એ આધ્યાત્મિક જીવનનું એક સૌથી મહત્ત્વપૂર્ણ પગલું છે. સામાન્ય રીતે આપણું વ્યક્તિત્વ કોઈ એક કેન્દ્ર- શારીરિક, માનસિક અથવા આધ્યાત્મિક કેન્દ્રની ચારે બાજુ કાર્ય કરે છે. કોઈક લોકો, જેવા કે ખાઉધરા અને શરાબીઓમાં ‘પેટ’ ચેતનાનું કેન્દ્ર રહે છે. બીજાઓમાં તે હૃદયની નીચે, સાંસારિક ભાવનાઓનું સ્થાન રહે છે.

Total Views: 564

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.