આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું.

સુવિચાર 1

પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે છે:

“વાસ્તવિક રીતે શુભ અને અશુભ બંને એક જ છે અને આપણા મનમાં જ છે. જ્યારે મન આત્મભાવને અનુભવે છે ત્યારે સારું કે ખરાબ તેને અસર કરી શકતું નથી. સંપૂર્ણ રીતે મુક્ત બનો; ત્યાર પછી બેમાંથી એક પણ મનને કંઈ અસર કરી શકશે નહીં અને આપણે મુક્તિ અને આનંદનો અનુભવ કરી શકીશું. અશુભ એ લોખંડની બેડી છે; શુભ એ સુવર્ણની બેડી છે; પણ બંને બેડીઓ જ છે. માટે મુક્ત બનો; અને હંમેશને માટે જાણી લો કે તમારા માટે કશું બંધન નથી.”1

આપણે હિંદુઓ જ માત્ર ઈશ્વરની કરાલ મૂર્તિની પૂજા કરવાનું સાહસ કરીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવને એક દિવસ દર્શન થયું હતું કે મા કાલી ગંગામાંથી બહાર આવીને એક શિશુને જન્મ આપે છે અને પાછા એ જ શિશુનું ભક્ષણ કરે છે. સૃષ્ટિ, સ્થિતિ, અને સંહાર આ ઈશ્વરના ત્રણ સ્વરૂપ છે.

ખ્રિસ્ત ધર્મમાં ઈવલ (Evil) કે શેતાન (satan) ઈશ્વરથી સંપૂર્ણ ભિન્ન છે અને એ પ્રકારના સમાજ કે એ પ્રકારના વ્યક્તિનું ગઠન સંભવ છે કે જેમાં માત્ર સાત્ત્વિક ગુણ જ હોય અને તામસિક ગુણ ન હોય. પણ આપણને ખબર છે કે સાંખ્યમત અનુસાર સત્ત્વ, રજસ, તમસ અથવા સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય, આપણી સાથે અને આ જગત સાથે હંમેશાં યુક્ત જ રહેલા છે.

સ્વામીજી કહે છે કે આ જગતમાં સારા અને નરસાનું પ્રમાણ હંમેશને માટે સમાન જ રહેશે. એવો સમય ક્યારેય નહીં આવે કે શુભનું પ્રમાણ અશુભ કરતાં વધી ગયું હોય કે અશુભનું પ્રમાણ શુભ કરતાં વધી ગયું હોય. રામરાજ્યમાં પણ ધોબી તો હતો જ, અને છેલ્લાં એક હજાર વર્ષની ગુલામી દરમિયાન પણ આપણી પુણ્યભૂમિએ પ્રત્યેક પેઢીમાં ઈશ્વર-સાક્ષાત્કારી સંત-મહાપુરુષોને જન્મ આપ્યો છે. તુલસીદાસ, તુકારામ, ગજાનન બાપા, નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગૌરાંગ મહાપ્રભુ, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય… આ મહાપુરુષોની એક અવિક્ષિપ્ત શૃંખલાએ ભારતમાં ધર્મને જીવિત રાખ્યો છે.

‘મા કાલી’ કવિતામાં સ્વામીજી ઈશ્વરના કરાલરૂપને અદ્‌ભુતરૂપે આલેખે છે:

તારલા બધા સાવ ભૂંસાયા,
વાદળે ઘેરાં વાદળ છાયાં,
વિભીષણ અંધકારની કાયા,

રૌદ્રગર્જિત ઝંઝાવાતમાં
ધૂણે છે પાગલ ભૂતગણ ઘણા
જેલખાનામાંથી છૂટેલ જ હમણાં
ખેંચી કાઢે છે જળમૂળમાંથી ઝાડવા
કરી મૂકે છે બધું જ રમખાણ માર્ગમાં

દરિયો પણ ભેળાયો પ્રલય-સંહારમાં
ઉછાળી ડુંગર સરીખા મોજાંની રમઝટ
જે ગળે ભેટી ઘનઘોર આકાશમાં

વીજળીના ઝબકાર
ચારે દિક્‌ ઉજાળે મૃત્યુ કરાલ,
હજાર મોઢે ઓકતું કાળાં દુઃખ દાવાનલ;
આનંદ – કેફે નાચે પાગલ!
આવ હે માતા! આવ કરાળી!

અને આ જ હિંદુ ધર્મ આપણને શુભ અને અશુભ બંનેની પાર જવાનો રસ્તો બતાવે છે. સ્વામીજી કહે છે:

“…ધ્યાન-અવસ્થા અસ્તિત્વની સર્વાેચ્ચ સ્થિતિ છે. જ્યાં સુધી મનમાં વાસનાઓ રહેલી છે, ત્યાં સુધી સાચો આનંદ મળી શકે જ નહિ. … પશુઓનું સુખ ઇંદ્રિયોમાં હોય છે, મનુષ્યનું પોતાની બુદ્ધિમાં, અને દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં. આ ધ્યાન પરાયણતાની ભૂમિકાએ પહોંચ્યા હોય કેવળ એ જ સાધક માટે આ જગત મનોરમ બની જાય છે.”

સુવિચાર 2

“દુનિયામાં સદા દાતાની સ્થિતિ ગ્રહણ કરો. સર્વ કંઈ આપો પણ વળતરની આશા ન રાખો. પ્રેમ આપો, સહાય આપો, સેવા આપો; જે કંઈ નાની વસ્તુ તમારાથી બની શકે તે આપો. પણ તેમાંથી ‘વળતરની ભાવના બાદ રાખો.’ કશી શરતો ન મૂકો, તો તમારા ઉપર કોઈ શરત લાદવામાં આવશે નહીં. જેમ ઈશ્વર ઉદારતાથી આપણને આપે છે તેમ આપણે પણ ઉદારતાથી આપીએ.” ( સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 3, પૃ.246)

1899ની સાલમાં કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો. સ્વામીજીએ પોતાના શિષ્યો અને ગુરુભ્રાતાઓને પ્લેગના દર્દીઓની સેવા કરવાનો આદેશ આપ્યો. અર્થબળનો અભાવ થાય તો શું કરવું, એ પ્રશ્ન જ્યારે આવ્યો ત્યારે પોતાની વર્ષોની મહેનત બાદ સ્થાપિત બેલુર મઠની સંપત્તિ અને જમીન સુધ્ધાં વિક્રય કરીને પૈસા ભેગા કરવા સ્વામીજી તૈયાર થઈ ગયા હતા.

સુવિચાર 3

“ઈશ્વર જ એક માત્ર દાતા છે; બાકીની દુનિયા આખી દુકાનદાર માત્ર છે. ઈશ્વરની હૂંડી મેળવો એટલે તે સર્વ જગ્યાએ સ્વીકારાશે જ. ‘ઈશ્વર એ અનિર્વચનીય, વાણીથી પર એવો પ્રેમનો સાગર છે.’ તે જાણી શકાય પણ તેની વ્યાખ્યા કરી ન શકાય.”2

ઈશ્વરની હુંડી સર્વ જગ્યાએ સ્વીકારાય છે, એનો અર્થ ઈશ્વરના આશીર્વાદ આપણી સાથે સતત રહે છે.

ઈશ્વરે શામળશાનું રૂપ ધરી શ્રીદ્વારિકાધામમાં નરસિંહ મહેતાની હુંડીની રક્ષા કેવી રીતે કરી હતી, એ વાત તો આપણે સહુ જાણીએ જ છીએ.

ઈશ્વર આપણું માન તો રાખે જ છે પણ સાથે જ આપણી રક્ષા પણ કરે છે. શ્રીરામકૃષ્ણદેવના આશીર્વાદપ્રાપ્ત સ્વામીજી વિદેશમાં વેદાંત-પ્રચાર માટે ગયા હતા ત્યારે અનેક ઈર્ષ્યાળુ લોકોએ એમને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. એક દિવસ સ્વામીજી એક જગ્યાએ નિમંત્રણ મળ્યું હતું. ત્યાં કોઈએ સ્વામીજીને કોફી પીવા માટે આપી. સ્વામીજી જેવા કપને મોંની પાસે લાવ્યા તેવા જ ઠાકુરે કપમાં પ્રગટ થઈને કહ્યું, ‘નરેન, આ કોફી પીઈશ નહીં, આમાં ઝેર છે.’ તરત જ સ્વામીજીએ કપ બાજુમાં રાખી દીધો.

ઈશ્વર જ એક માત્ર દાતા છે; બાકીની દુનિયા આખી દુકાનદાર માત્ર છે. આપણે પોતે ક્યારેય દાતાનું ભાન ન રચવું. એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવ વૈષ્ણવ ધર્મના ઉપદેશ ‘ઈશ્વરના નામ-જપમાં રુચિ, જીવ ઉપર દયા, અને વૈષ્ણવપૂજન’ સમજાવતા હતા. ‘સર્વ જીવો પર દયા’ એમ બોલતાં જ તેઓ એકાએક સમાધિસ્થ થઈ પડ્યા અને કહેવા લાગ્યા: ‘જીવ પર દયા, જીવ પર દયા? હટ્‌ સાલા! મગતરામાં મગતરું તું, તે જીવ પર દયા કરવાનો? દયા કરનારો તું વળી કોણ? ના, ના, જીવ પર દયા નહીં; શિવજ્ઞાને જીવની સેવા!’

‘ઈશ્વર એ અનિર્વચનીય, વાણીથી પર એવો પ્રેમનો સાગર છે.’ તે જાણી શકાય પણ તેની વ્યાખ્યા કરી ન શકાય. ઠાકુર કહે છે કે બધું જ એંઠું થઈ ગયું છે એક માત્ર બ્રહ્મ એંઠો નથી થયો, અર્થાત્‌ બ્રહ્મ એ કેવો એ હજુ સુધી મુખથી બોલાયું નથી.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં ઠાકુર એક મજાની વાત કહે છે:

“જેઓ કેવળ પંડિત, અને જેમની ભગવાનમાં ભક્તિ નહિ, તેમની વાતો ગોટાળાભરી હોય છે. સમાધ્યાયી નામે એક પંડિતે કહ્યું, ‘ઈશ્વર નીરસ, તમે તમારી પ્રેમ-ભક્તિ દ્વારા તેને સરસ કરો. જુઓ તો, વેદમાં જેને રસ-સ્વરૂપ કહેલ છે, (રસો વૈ સઃ), તેને તે નીરસ કહે છે! એથી સમજી શકાય કે એ વ્યક્તિએ ઈશ્વર શી ચીજ, તે ક્યારેય જાણ્યું નથી. એટલે જ એવી ગોટાળાભરી વાત!

‘એક જણ કહે કે ‘મારા મામાને ઘેર ગૌશાળા ભરીને ઘોડા છે! એ વાતથી સમજવું જોઈએ કે ઘોડા મુદ્દલ નથી, કારણ કે ઘોડા ગૌશાળામાં રહે નહિ.’ (સૌનું હાસ્ય).”

Footnotes

  1. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 3, પૃ.246)
  2. ( સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 3, પૃ.247)
Total Views: 617

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.