(તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલા વ્યાખ્યાનની કૅસેટ પર આધારિત)

મારા વહાલા યુવાન મિત્રો,

તમારી સૌની સાથે થોડી મિનિટ ગાળવા મળ્યાનો મને આનંદ છે. આપણો દેશ સમસ્યાઓથી ઘેરાયેલો છે એ આપણે જાણીએ છીએ. આ સમસ્યાઓના ઉકેલનું ભાથું આપણને આપણી કેળવણીએ આપવું જોઈએ. પણ એમ થતું નથી. આપણી કેળવણી પણ સમસ્યાઓથી ભરી પડી છે. એટલે તમે રામકૃષ્ણ વિદ્યાલયમાં ભણો છો ત્યારે, પરિસ્થિતિ વિશે વિચાર કરવાની અને, આ રાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે આ કેળવણીનો ઉપયોગ કરવાની તક તમને સાંપડી છે.

સ્વાતંત્ર્યનાં ફળનો આનંદ જેમણે માણ્યો નથી એવાં લાખો ભૂખ્યાં, દુર્બળ લોકો છે. કહેવાતા ઉપલા થરના લોકોએ આઝાદીનો બધો મેવો આંચકી લીધો છે. આપણા લોકોમાં શાની ઊણપ છે? આપણી પાસે પૂરતી સાધન સંપત્તિ છે. આપણી પહેલી પંચવર્ષીય યોજના માત્ર રૂા.૨૦૦૦ કરોડની હતી તે, ઉત્તરોત્તર વધતી આજે આઠમી પંચવર્ષીય યોજના રૂા. ૨,૮૦,૦૦૦ કરોડની થઈ છે તે તમે જાણો છો. તો, આ ગરીબાઈ શા માટે? શા માટે કરોડોની આ યાતના? તમારે આ બાબત વિચારવું જોઈએ અને આ સમસ્યાનું નિરાકરણ શોધવું જોઈએ. આ બાબતની વિચારણાને માર્ગે જવામાં હું સહાય કરીશ.

ભારતમાં આપણી પ્રજામાં એક જ બાબતની ઊણપ છે ને, તે છે ચારિત્ર્યની. તમે કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકતા નથી; લોકો માટે નિર્ધારિત જાહે૨ ૨કમો એ રકમોનો વ્યવહાર કરનારાઓ જ આરોગી જાય છે. દરેક નાની બાબત માટે લાંચ-રુશ્વત ઘર ઘાલી ગઈ છે. આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યની આજે આ કરુણદશા છે. સાચું ચારિત્ર્ય આપણાં જીવનનો અંશ બન્યું હોત તો, અત્યાર સુધીમાં, આપણા દેશને આપણે સમૃદ્ધિને શિખરે લઈ જઈ શક્યા હોત.

ચારિત્ર્ય હોય તો, એક રૂપિયો લોકોને દસ રૂપિયા જેટલો લાભ આપી શકે. ચારિત્ર્યને અભાવે સો રૂપિયા દસ બની જાય. પણ આપણે આ ચારિત્ર્ય કઈ રીતે વિકસાવી શકીએ? માનવ ઘડતરનો, ચારિત્ર્ય ઘડતરનો, સ્વામી વિવેકાનંદનો શિક્ષણનો આદર્શ અહીં મહત્ત્વનો છે.

ખરેખર ચારિત્ર્ય શું છે? સમાજલક્ષી ઇચ્છાશક્તિમાં ચારિત્ર્ય કેન્દ્રિત થયેલું છે. તમારી ઇચ્છાશક્તિને સમાજની અને તેના હિતની લગન લાગેલી હોવી જોઈએ. તો તમે ચારિત્ર્ય વિકાસ કરો છો. એટલે ‘સમાજલક્ષી’ થવાનો અર્થ ઓછા આત્મલક્ષી થવું તે છે, માત્ર પોતાની જ પડી હોય તે ભાવ જવો જોઈએ. આપણને બીજાની પણ પડી હોવી જોઈએ કારણ કે, આપણે વ્યક્તિઓના બનેલા સમાજમાં રહીએ છીએ. દાખલા તરીકે, હું કોઈ સરકારી ખાતામાં કામ કરતો હોઉં તો, લોકોના સેવક તરીકે, તેમના હિત માટે હું કામ કરું છું. ભારતમાં લોકોએ આ ખ્યાલ હાંસલ કર્યો નથી. પરદેશોમાં આ ખ્યાલ હાંસલ થયેલો છે ને તેથી ત્યાં ગરીબાઈ નથી અને તેઓ ખૂબ વિકસ્યા છે. એમના બધા ભૌતિક અને બૌદ્ધિક વિકાસની સાથે, બીજાને સહાયરૂપ થવાની વૃત્તિની આ ચારિત્ર્યશક્તિ પણ તેમણે વિકસાવી છે. આપણા દેશમાં આનો અભાવ છે. તમે કોઈ પણ ઑફિસમાં જાઓ, ત્યાંના કારકૂનના હાથમાં તમે કાંઈ પૈસા ન પધરાવો ત્યાં સુધી એને તમારી કંઈ પડી હોતી નથી. આ કઈ જાતની સંસ્કૃતિ? કેટલી નીચી કક્ષાનું આ ચારિત્ર્ય!

એટલે જ, આપણે ચારિત્ર્ય પ્રાપ્ત કરવું જોઈએ. એ કયાંથી આવે છે? જેને તમે ધર્મ કહો છો તેમાંનું ઘણું બધું ખરાબ છે, નુકસાનકારક છે અને અર્થહીન છે. અંત વગરના ક્રિયાંકાડો, વિધિઓ અને વારંવારના ચમત્કારો ચારિત્ર્યની ઉ-કૃષ્ટતામાં ન પરિણમતું હોય તો આ બધું વ્યર્થ છે. એક અમેરિકન મહિલા શ્રીમતી ઑલી બુલને તા. ૨૧મી માર્ચ ૧૮૯૫ના પત્રમાં સ્વામી વિવેકાનંદે જણાવ્યું છે:

“મારા ગુરુ (શ્રીરામકૃષ્ણ) કહેતા કે હિંદુ, ખ્રિસ્તી જેવાં આ બધાં નામો માણસ માણસ વચ્ચે ભાઈચારાની લાગણીની ખૂબ આડે આવે છે. પ્રથમ આપણે એમને તોડવાની કોશિશ કરવી જોઈએ. એમની બધી સારી શક્તિઓ એમણે ગુમાવી છે અને જેના મલિન જાદુ હેઠળ આપણામાંના ઉત્તમ લોકો પણ દાનવ જેમ વર્તે છે તેવી દુષ્ટ અસરો થઈને તે ઉભાં છે. વારુ, આપણે વધારે મહેનત કરવી પડશે અને ફતેહ મેળવવી પડશે…”

“માનવજાતને સહાય કરવા ચાહતા હોય તેમણે પોતાનાં સુખ અને દુઃખ, નામ અને કીર્તિ અને બધા સ્વાર્થોને લઈ, તેમનું એક પડીકું કરી તેમને દરિયામાં ફેંકી દેવાં જોઈએ અને પછી પ્રભુ પાસે આવવું જોઈએ. બધા પયગંબરોએ આમ કહ્યું છે ને કર્યું છે.”

વળી, ૧૮૯૬ની ૭મી જૂને લંડનથી ભગિની નિવેદિતાને લખેલા પત્રમાં સ્વામીજીએ કહ્યું છે

“લોકો સમક્ષ મારો આદર્શ બહુ થોડા શબ્દોમાં વ્યક્ત કરી શકાય અને તે છે:

લોકોને તેમની દિવ્યતાનો ઉપદેશ આપવો અને જીવનની પ્રત્યેક ગતિવિધિમાં તેને કેવી રીતે પ્રગટ કરવી…

જગતના ધર્મો નિર્જીવ મશ્કરીઓ બની ગયા છે, જગતને જરૂર છે ચારિત્ર્યની. જેમનું જીવન નિઃસ્વાર્થ પ્રેમની જ્યોત હોય તેવાઓની જગતને જરૂર છે, એ પ્રેમ દરેક શબ્દમાં વીજળીની ગર્જના પ્રગટાવશે.”

ચારિત્ર્યના એ વિકાસ માટે સ્વામીજીએ આપણને વેદાંતનો સંદેશ આપ્યો છે. ઉપનિષદોના એ મહાન સંદેશમાં તમને કોઈ પણ વસ્તુને માની લેવાનું કહેવામાં આવ્યું નથી પણ, પ્રશ્નો કરવા, ચર્ચા કરવા અને જાણે સત્ય તારવવાનું અને જીવવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે. ઉપનિષદોની અને ગીતાની એ તો શાસ્ત્રીય મહત્તા છે. એ મહાન ગ્રંથોમાં ઋષિમુનિઓએ પોતાના અનુભવના નિચોડરૂપે સમગ્ર માનવ જાતને માટે ચારિત્ર્યનો પાયો રોપી આપ્યો છે; તે એ છે કે પગલે પગલે ચાલી આપણે સાક્ષાત્કાર કરીએ કે સદા નિર્મળ, સદા મુક્ત, અને, અનંત આત્મા આપણામાં છે અને, એ જ આપણો સ્વભાવ છે; દિવ્યતાની જ્યોત સૌમાં ઝબકે છે, માત્ર માનવીઓમાં નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિમાં. પરંતુ, આ સત્યનો આવિષ્કાર કરવાની શક્તિ કેવળ મનુષ્યોને વરેલી છે. આ સત્ય તમારે જાતે શોધવું રહ્યું. તમારા જીવનમાં, તમારા વ્યવહારમાં અને વર્તનમાં તમારે તેનો આવિષ્કાર કરવો રહ્યો. દેહ મનના સંકુલ પાછળ, એક ગહન આધ્યાત્મિક પરિમાણ છે. જે અનંત હોઈ આપણા સૌમાં છે; વિશુદ્ધ જ્ઞાન અથવા ચિત્ત તમારામાં છે, મારામાં છે અને સૌમાં છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આપણે સૌ એક છીએ. વેદાંતનો એ બોધ છે; એ અદ્વૈતનું તત્ત્વજ્ઞાન છે. ગીતામાં પણ એ જ બોધ સાંપડે છે. ચારિત્ર્ય વિકાસનો સ્રોત અને પાયો એ છે. માત્ર દૈહિક ભાનથી ભેદભાવ જન્મે છે. પછી મારી ભાવનાઓ સ્વાર્થી અને સ્વકેન્દ્રી બની જાય છે; તમારી સાથે એક નાની મારી ભાવના જોઈએ અને એ આપણી નિત્યની આધ્યાત્મિક પ્રવૃત્તિમાંથી આવે છે. ભૌતિક રીતે હું તમારાથી ભિન્ન છું. હું ખાઉં છું તેથી તમારું પેટ ભરાતું નથી, તમે ખાઓ છો તેથી મારું પેટ ભરાતું નથી કારણ આપણે જુદા છીએ. આ માત્ર ભૌતિક કક્ષાએ છે; પરંતુ આત્માની કક્ષાએ વિશુદ્ધ ચેતનાની કક્ષાએ આપણે સૌ એક છીએ.

આપણું આ શરી૨ જનીન તત્ત્વોના પડીકાનું બનેલું છે. આપણી દૈહિક પ્રકૃતિ આપણને તંદુરસ્ત અને શક્તિશીલ બનવામાં સહાય કરે. પણ એ આપણને નીતિનાં કે સદાચારનાં મૂલ્યો આપી શકે નહીં. જનીનો – બીજો – મૂળે સ્વાર્થી છે – આ શબ્દો બરાબર ધ્યાનમાં રાખજો. હું એક વૈજ્ઞાનિક, રિચાડૅ ડૉકિન્સના ૧૯૭૬માં પ્રકાશિત પુસ્તક ‘ધ સેલ્ફિશ જીન’ (સ્વાર્થી જનીન-બીજ)માંથી અવતરણ આપું છું (પૃ. ૨-૩, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૯૦, નવી આવૃત્તિ):

“આ પુસ્તકની રજૂઆત એ છે કે આપણે અને બીજાં સૌ પ્રાણીઓ, આપણાં જનીનો-બીજો-એ સર્જેલાં યંત્રો છીએ. શિકાગોના સફળ મવાલીઓની માફક, કાતિલ હરીફાઈની દુનિયામાં આપણાં જનીનો જીવિત રહી શક્યાં છે, કેટલાક કિસ્સાઓમાં તો લાખો વર્ષો પર્યંત. આપણાં જનીનો પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખવા માટે આ બાબત આપણને અધિકારી બનાવે છે. મારી દલીલ એવી છે કે વિજેતા જનીનનો આગળ પડતો ગુણ નિષ્ઠુર સ્વાર્થનો છે. આ જનીન સ્વાર્થવૃત્તિ સામાન્ય રીતે વ્યક્તિના વર્તનમાં સ્વાર્થવૃત્તિ પ્રે૨શે. પરંતુ, આપણે જોશું કે, પ્રાણી વ્યક્તિઓમાં મર્યાદિત સ્વરૂપનો ૫૨માર્થ પોષી જનીન પોતાનો સ્વાર્થી હેતુ કેવા વિશિષ્ટ સંજોગોમાં સિદ્ધ કરે છે. આથી ઉલટી વાતને માનવા આપણે ગમે તેટલું ઈચ્છીએ તો પણ, વૈશ્વિક પ્રેમ અને સમગ્ર જાતિના હિતના ખ્યાલો ઉત્ક્રાંતિ પરંપરામાં બંધબેસતા નથી.

“(આ વાત મને મારા પ્રથમ મુદ્દા ભણી લઈ જાય છે જેને વિશે આ પુસ્તક નથી.) ઉત્ક્રાંતિ આધારિત નીતિની હું વકીલાત કરતો નથી.

વૈશ્વિક નિષ્ઠુર સ્વાર્થના જનીન કાનૂન પર આધારિત માનવ સમાજ, જીવવું અઘરું થઈ પડે તેવો સમાજ હશે એવી મારી ભાવના છે… બરાબર સમજી લેજો કે જે, વ્યક્તિઓ ઉદારતાથી અને નિઃસ્વાર્થતાથી સામૂહિક હિતાર્થે સહકાર આપે એમ મારી માફક તમે ઈચ્છતાં હો તો, જૈવિક પ્રવૃત્તિ પાસેથી બહુ અપેક્ષા રાખતા મા. આપણે જન્મજાત સ્વાર્થી છીએ એટલે, આપણે ઉદારતાના અને પરમાર્થના પાઠ ભણાવવા જોઈએ. આપણાં સ્વાર્થી જનીનો શું કરવા ચાહે છે તે આપણે બરાબર સમજી લઈએ જેથી એમની યોજનાને ફેરવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ; બીજી યોનિ જે કદી ઘારી ન શકે તેવી આ વાત છે.”

લેખકે જે કહ્યું છે તે બરાબર ધ્યાનમાં રાખો:

“આપણે જન્મજાત સ્વાર્થી છીએ એટલે, આપણે ઉદારતાના અને પરમાર્થના પાઠ ભણાવવા જોઈએ.”

ચારિત્ર્ય માટેની શિક્ષા આપણે ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ? ભારતના પ્રાચીન સંતોએ આ પ્રશ્ન પૂછ્યો છે. આપણે આપણી અંદર ખોજ આરંભીએ. ભૌતિક પ્રવૃત્તિને ઊંડાણનું પરિમાણ છે તે તમે જાણો છો. પ્રારંભમાં પાશ્ચાત્ય વિજ્ઞાન પ્રકૃતિની સપાટીને સ્પર્શતું હતું. પણ પછીથી વિજ્ઞાન વધારે ઊંડે ગયું. આપણી ઊર્જાનો આપણે દાખલો લઈએ. પ્રારંભમાં વિજ્ઞાને બળતણથી ઉત્પન્ન થતી ઊર્જાશક્તિ આપી. પરંતુ એ મામુલી હતી. એટલે વિજ્ઞાન પ્રકૃતિમાં ઊંડેરું ગયું અને વીજળી ઊર્જાની શોધ થઈ. એ વધારે સમર્થ અને વધારે સૂક્ષ્મ હતી. પરંતુ વિજ્ઞાનને એથીયે સંતોષ ન હતો. ‘પ્રકૃતિમાં હજી મને વધારે ઊંડે જવા દો,’ તેણે કહ્યું અને અણુશક્તિ શોધી. આમ પાશ્ચાત્ય વિજ્ઞાને ભૌતિક પ્રવૃત્તિમાં ઊંડે ઊતરવાનું કાર્ય કર્યું છે. મનુષ્ય પ્રાણીમાં, મનુષ્ય પ્રકૃતિમાં ઊંડે જવાનું તેવું કાર્ય ઉપનિષદના ઋષિઓએ ચાર હજાર વર્ષ પહેલાં કર્યું છે.

આપણે માનવપ્રાણીની અંદર ઊંડે જઈએ અને ત્યાં ગોપિત રહેલાં સત્યો અને શક્તિઓને શોધવા પ્રયત્નો કરીએ એમ તેમણે પોતાની જાતને કહ્યું. તમારી ઉપલી સપાટી પર તમારું શરીર છે, જનીન તંત્ર છે ને એના સ્નાયુઓ વગેરે બીજા ભાગો છે. તેઓ વધારે ઊંડે ઊતર્યા ત્યારે, તેમને જ્ઞાનતંતુની શક્તિ લાધી, એ સ્નાયુની શક્તિ કરતાં વધારે સૂક્ષ્મ અને વધારે મોટી છે. થોડું વધારે ઊંડે જતાં, તેમને માનસિક શક્તિ લાધી જે, જ્ઞાનતંતુની શક્તિ કરતાં વધારે સૂક્ષ્મ અને વધારે ચડિયાતી જણાઈ. હજી વધારે ઊંડે જતાં, એ ઋષિમુનિઓએ વિશુદ્ધ ચેતનાનો દિવ્ય સ્ફુલ્લિંગ શોધી કાઢ્યો, આત્માની અનંત શક્તિની, આત્માની શોધ કરી. આમ આપણા સંતોએ આ મનુષ્ય પ્રાણીના અંતરતમ ઊંડાણમાં પ્રવેશ કર્યો અને પછી, ‘છાંદોગ્ય ઉપનિષદ’ (૬-૧૨-૩)માં કહ્યા પ્રમાણે મહાન સત્યની ઘોષણા કરી: ‘તત્ ત્વં અસિ,’ ‘તે તું છો.’

‘કઠ ઉપનિષદ’ (૩-૧૦-૧૧)ના પોતાના ભાષ્યમાં શંકરાચાર્ય ગહન સત્યનું પ્રતિપાદન કરતાં કહે છે કે, પ્રત્યેક મનુષ્યમાં શક્તિઓ ચડતા ક્રમમાં ગોઠવાયેલી હોય છે: બાહ્ય પરિમાણથી આરંભાઈ ‘સૂક્ષ્મતા, મહત્તા અને આંતરિકતા’ના આંતર પરિમાણો સુધી તે હોય છે – ‘સૂક્ષ્મ, મહતશ્ચ, પ્રત્યગાત્મા – ભૂતશ્ચ.’

પ્રત્યેક મનુષ્ય તત્ત્વત: નિત્ય શુદ્ધ, નિત્યમુક્ત, નિત્ય પ્રકાશમાન અને અદ્વૈત આત્મા છે. ચેતનાનું બહુવચન થતું નથી. એ સદા એકવચનમાં જ હોય છે. કેટલું ગહન સત્ય છે એ! જેમ અવકાશનું બહુવચન નથી તેમ અવકાશનું વિભાજન કરી શકતા નથી; અવકાશ અવકાશ જ છે, હંમેશાં એક વચનમાં, તમે એને ખંડિત કરી શકો જ નહીં. તમે ચાર ભીંત ઊભી કરી એક ઓરડો ખડો કરો ત્યારે, તમે માનો છો કે તમે અવકાશને ખંડિત કરેલ છે. પરંતુ અવકાશનું સર્વવ્યાપિત્વ જતું નથી; એ અંદર છે, બહાર છે, મધ્યમાં અને સર્વત્ર છે, એવી રીતે વિશુદ્ધ ચૈતન્ય અથવા ચિત્ત સ્વરૂપ અથવા, ચિત્તશક્તિ એક અને નિર્દ્વંદ્વ છે. ઋષિઓ તેને ‘બ્રહ્મ’ કે ‘આત્મા’ કહેતા. સમગ્ર વિશ્વ એમાંથી ઉપજ્યું છે, એમાં આખું વિશ્વ રહેલું છે અને એમાં જ વિશ્વ લય પામશે. તમારામાં, મારામાં અને સર્વમાં એ અનંત બ્રહ્મ કે આત્મા વસે છે. તમારા જીવનમાં એ દિવ્ય શક્તિનો કિંચિત આવિષ્કાર થાય તો, તમે ઉચ્ચ ચારિત્ર્યને પ્રાપ્ત કરો છો. અતિની જરૂર નથી પણ, થોડોક એ દિવ્ય શક્તિ સ્રોત વૈયક્તિક કે સામૂહિક માનવસિદ્ધિ પ્રાપ્ત કરી શકે. આજે ભારતમાં એ આધ્યાત્મિક શક્તિની મોટી ઊણપ વરતાય છે. એ આધ્યાત્મિક પરિમાણમાંથી બધાં મૂલ્યો નિષ્પન્ન થાય છે અને પ્રત્યેક માનવીમાં તેના આવિષ્કરણની જીવંત શક્તિ રહેલી છે. આધ્યાત્મિકતાનું વિજ્ઞાન આ છે.

ધારો કે તમારી પાસે કોઈ હજાર રૂપિયાની લાંચ લઈને આવે છે તો, તમારો પ્રતિભાવ શો હશે? તમે જનીનતંત્રમાં જ માનતા હશો તો તમે એ રકમ સીધી લઈ લેશો. તમારા બૌદ્ધિક તંત્ર પર આધાર રાખશો તો પણ તમે તે લઈ જ લેશો કારણ એ બે તંત્રો પાસે લાલચનો પ્રતિકાર કરવાની કે, અનૈતિક અને ગેરકાનૂની કામ અને લોભનો પ્રતિકાર કરવાની શક્તિ નથી. પરંતુ તમારો થોડો પણ આધ્યાત્મિક વિકાસ થયો હશે તો, તમે જોરપૂર્વક કહી શકશો: ના, મને નથી પડી; હું અહીં લોકોની સેવા માટે છું. આપણા મોટા ભાગના લોકોમાંથી આ આઘ્યાત્મિક શક્તિ પરવારી ગઈ છે. આપણે એ ફરીથી પ્રાપ્ત કરવાની છે. જીવન ઉપર આધ્યાત્મિકતાની એ અસર છે. ભીતરની એ દિવ્યતાનો આવિષ્કાર કરવાનો દરેક માનવીનો જન્મજાત અધિકાર છે. માટે તો, સ્વામી વિવેકાનંદ વિધિઓ કે ક્રિયાંકાડો તરીકે નહીં, જાદુ કે વહેમ તરીકે નહીં પણ, ‘મનુષ્યમાં નિહિત રહેલી દિવ્યતાનો આવિષ્કાર’ તરીકે ધર્મની વ્યાખ્યા કરે છે. આપણામાંના પ્રત્યેકમાં દિવ્ય સ્ફુલ્લિંગ છે. માનવ વ્યક્તિત્વને ગહનતાનું ઊંડાણનું – પરિમાણ છે. નવજાત શિશુની આંખોમાં જુઓ. તમને એમાં ઊંડાણ દેખાશે. એ ઊંડાણનું પરિમાણ શું છે તે તમારે શોધી કાઢવું જોઈએ. તમે ઢીંગલીની આંખો જુઓ. એમાં ઊંડાણ નથી, કેવળ સપાટી પરિમાણ જ છે. સજીવ શિશુની આંખમાં ગહન ઊંડાણનું પરિમાણ જોઈ શકાશે. બધાનાં હૃદયમાં વિભુને શોધવા માટે માનવ મનના અતલ ઊંડાણમાં ભારતના સંતોએ ડૂબકી મારી એ તેમની મહત્તા છે. એટલે જ તો, ગીતામાં આપણે શ્રીકૃષ્ણને અર્જુનને કહેતા સાંભળીએ છીએ: ‘બધાં ભૂતોનાં હૃદયમાં રહેલો આત્મા હું છું’ – અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ’.

‘બધાં પ્રાણીઓનાં હૃદયમાં હું છું; અર્થાત્, તમે અને હું એક છીએ. આપણે જુદાં નથી. શરીર આપણને એકબીજાથી જુદા પાડે છે; જનીનતંત્ર તમને જુદાઈનો અનુભવ કરાવે છે અને, જુદાઈની એ ભાવના સ્વાર્થવૃત્તિ, સ્વકેન્દ્રિતા અને શોષણને જન્મ આપે છે. એથી ઊલટું, એકત્વની ભાવના પ્રેમ, અનુકંપા અને સેવા પેદા કરે છે. ચારિત્ર્યનો ઉદ્ગમ અહીં થાય છે. ઉચ્ચ ચારિત્ર્ય વિકાસ માટે આપણી આધ્યાત્મિક અભિન્નતાને આપણે હાંસલ કરવી રહીં. ‘છાંદોગ્ય ઉપનિષદ’ (૬-૧૨.-૧-૩)ના અગાઉના પ્રખ્યાત અવતરણમાં માનવજાતિને આ જ સત્ય આપવામાં આવ્યું છે:

પિતા, ઋષિ આરુણિ, પોતાના પુત્ર શ્વેતકેતુને આત્માને લગતા અનુભવમાં સહભાગી બનાવે છે; ઘણો રસિક, ઘણો જ શાસ્ત્રીય અને ક્રમિક એ બોધ છે.

બાર વર્ષના પુત્ર શ્વેતકેતુને પોતાના શિક્ષણ માટે, તત્ત્વદર્શી પિતા આરુણિ ગુરુ આશ્રમે મોકલે છે. તેને લગતા સંવાદથી એ ઉપનિષદ આરંભાય છે. બાર વર્ષ ગુરુ ગૃહવાસ કર્યા પછી, શિક્ષા પ્રાપ્ત કરીને શ્વેતકેતુ પાછો આવે છે. પુત્રના પુનરાગમને પિતાનો પ્રશ્ન અને પુત્રને પિતા આરુણિ તરફથી અપાતા વધારે જ્ઞાનનું મહત્ત્વ આજના સમયના આપણા શિક્ષણને નવો ઘાટ આપવામાં ઘણું છે.

ઉપનિષદ કથા આ પ્રમાણે ચાલે છે:

“બારવર્ષની વયે ગુરુગૃહે ગયેલો શ્વેતકેતુ ચોવીસ વર્ષનો થયો ત્યારે પોતાને ઘેર પાછો આવ્યો. ગુરુએ જે કાંઈ શીખવ્યું હતું એ બધું ભણીને એ આવ્યો હતો; પોતાને ખૂબ ચતુર, તુમાખીભર્યો અને વેદજ્ઞ માનનાર શ્વેતકેતુને પિતાએ આમ કહ્યું:

“રે શ્વેતકેતુ, હું તને વધારે પડતો ચતુર, તુમાખીભર્યો અને તારા જ્ઞાનનો ગર્વ કરતો જોઉં છું: પણ હે પ્રિય, જેનાથી અશ્રુત શ્રુત થાય છે, અવિચાર્ય વિચાર્ય બને છે અને અજ્ઞાન જ્ઞાત થાય છે એને વિશે તારા ગુરુ પાસેથી તેં આદેશ માગ્યો છે?

“હે વડીલ, એ આદેશ કયા પ્રકારનો છે?” શ્વેતકેતુએ પૂછ્યું.

“હે સૌમ્ય, માટીના એક ઢેફાને જાણવાથી માટીમાંથી  બનેલા સર્વ પદાર્થો વિશે જાણી શકાય છે. બધાં રૂપો કે રૂપાંતરો માત્ર શબ્દોમાંથી જન્મતાં પાપ છે અને બધું જ માટી છે એ જ્ઞાન સત્ય છે તેમ, હે સૌમ્ય, એ આદેશ છે.”

“મારા પૂજ્ય ગુરુ આ જાણતા નહીં હોય; કારણકે, જો તેઓ જાણતા હોત તો મને શા માટે એ જ્ઞાન ન આપત? આપ જ કૃપા કરી મને તે આપો.”

“તથાસ્તુ, સૌમ્ય” પિતા બોલ્યા.

ઘણાં દ્દષ્ટાંતો અને દલીલો વડે એ વિષય સમજાવ્યા પછી, પિતાના આદેશને વર્ણવતાં એ ઉપનિષદ કહે છે:

“પેલા વડના ઝાડમાંથી એક ફળ લાવ.”

“પિતાજી, આ રહ્યું.”

“એને ભાંગ”

“આ ભાંગ્યું, પિતાજી”

“તને શું દેખાય છે ત્યાં?”

“અણુ જેવડા સૂક્ષ્મ કણો, પિતાજી.”

“એમાંથી એકને ભાંગ.”

“ભાંગ્યું એ, પિતાજી.”

“હવે તને એમાં શું દેખાય છે?”

“પિતાજી, કશું જ નહીં.”

પછી એના પિતાએ એને કહ્યું: “હે સોમ્ય, બીજના જે પરમાણુને તું ભાળી શકતો નથી તેમાંથી જ, ખરે, તે પરમાણુ જેવડા બીજમાંથી જ તે વિશાળ વટ વૃક્ષનું અસ્તિત્વ છે. શ્રદ્ધત્સ્વ, સોમ્ય-હે સોમ્ય, શ્રદ્ધા રાખ!”

અર્વાચીન અણુવિજ્ઞાનમાં ‘ક્ષેત્ર’ના ખ્યાલને સમજવાના આજના વિદ્યાર્થીના અભિગમને આ સંવાદ બરાબર લાગુ કરી શકાય. અણુકણો જેમાંથી ઉદ્ભવે છે તે અને જેમાં લય પામે છે તે ક્ષેત્ર છે. એ વ્યાપાર સૂક્ષ્મ છે અને ઈન્દ્રિય પરીક્ષાથી પર છે અને, અ-વસ્તુ હોઈને તે સર્વવસ્તુ છે.

અંતમાં, ‘સત્યસ્ય સત્ય, પ્રાણ વૈ સત્યં, તેષં એષ સત્યમ્’ – સત્યનું સત્ય, વૈશ્વિક ઊર્જાઓ સત્ય છે; આ (આત્મા) એ શક્તિઓનું સત્ય છે એમ વર્ણવતા બીજા ઉપનિષદ ‘બૃહદારણ્યક’ની વાતને સમજાવતાં પિતા કહે છે:

‘સ ય એષાં અણિમા, એતદ્ આત્મ્યં ઇદં સર્વં, તત્ સત્યં, સ આત્મા, તત્ ત્વં અસિ, શ્વેતકેતો ઇતિ- “આ પરમાણુ જેવું સૂક્ષ્મ જે તત્ત્વ છે, આ આવિષ્કૃત સર્વ જે કંઈ છે તે આત્મા છે; એ સત્ય છે અને, આ શ્વેતકેતુ, તું પણ તે છે.”

આમ, ભારતના સંતોએ શોધેલું આ ‘તત્ત્વં અસિ’ મહાન આધ્યાત્મિક સત્ય છે. અણુશક્તિ માટે આઈન્સ્ટાઈને પોતાનું સૂત્ર આપ્યું હતું: E=MC2 ભૌતિક પ્રકૃતિ માટેનું એ એક અદ્‌ભુત સૂત્ર છે, એ જ રીતે, માનવપ્રકૃતિ વિશે વેદાંતમાં આપણને આ મહાન સૂત્ર સાંપડે છે: તત્ સ્વં અસિ, તું તે છે, ‘તે’ એટલે અનંત બ્રહ્મ, જેમાંથી આ આખું વિશ્વ ઉપજ્યું છે. અને બ્રહ્મ વિશુદ્ધ ચેતના છે. એ અવિભાજ્ય છે – અખંડ છે અને સચ્ચિદાનંદ છે, અર્થાત્ અસ્તિત્વ, ચેતના અને આનંદ છે. એ તમારામાં છે, મારામાં છે અને સર્વ પ્રાણીઓમાં છે. એટલે, મારા અંતરમાં પ્રવેશું ત્યારે, ત્યાં નિત્ય વસતી મારી આધ્યાત્મિક પ્રવૃત્તિના સંપર્કમાં હું આવું છું અને એ પરિમાણમાંથી પ્રાપ્ત આધ્યાત્મિક શક્તિને મારે મારા જીવનમાં, મારા વ્યવહારમાં અને લોકો સૌના સંબંધમાં પ્રગટ કરવી રહી. એમ કર્યેથી જ, નાગરિકતાના ગુણો, સામાજિક ઉત્તરદાયિત્વ, બીજાઓ માટે લાગણી, કાર્યપ્રવીણતા અને સેવાભાવનાનો વિકાસ હું સાધી શકીશ. એનો થોડો પણ આવિષ્કાર ઉચ્ચ ચારિત્ર્ય વિકસાવશે. ગીતાના બીજા અધ્યાયમાં આપણને આ ઉપદેશ સાંપડે છે:

સ્વલ્પમધ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્-

‘આ ધર્મનો નાનો અંશ પણ લોકોને મોટા ભયમાંથી બચાવશે.’

આ આધ્યાત્મિક વિકાસના એક કે બે ટકા આપણે હાંસલ કરી શકીએ તો પણ, આપણે ભયથી મુક્ત બની જશું અને બીજાને માટે ભયરૂપ થતાં અટકી જશું. જરૂર આટલાની જ છે. વ્યક્તિના શાળાના કે કૉલેજના શિક્ષણ સાથે આ થવું જોઈએ. આત્મ વિકાસ કે આધ્યાત્મિક વિકાસ થશે નહીં તો, શિક્ષિત મગજ ભયરૂપ બનશે. આધ્યાત્મિક વિકાસના અનુબંધ વિના મગજ ચારિત્ર્ય ઘડતર કરી શકે નહીં. આપણી જાતને અને સમાજને માટે આપણે મોટી સમસ્યા માત્ર બનીએ. વર્તમાન ભારતની બધી સમસ્યાઓ આધ્યાત્મિક વિકાસ વગરના ભણેલા લોકોએ ઊભી કરેલી છે. આખા જગત માટે એ સત્ય છે પરંતુ, આપણા દેશ માટે એ વધારે ઘેરું સત્ય છે. આમ, શાસ્ત્રીય દૃષ્ટિએ જોતાં, ધર્મ એટલે અંતરમાંની દિવ્યતાનું પ્રાકટ્ય છે; કેટલો સુંદર વિચાર છે! તમે કેટલું ચારિત્ર્ય પ્રગટ કરો છો તેના પરથી આધ્યાત્મિક વિકાસનું માપ નીકળી શકે. જેટલું વધારે ચારિત્ર્ય તેટલો દિવ્ય આવિર્ભાવ તમારામાં વધારે. વેદાંતનાં વ્યવહારિક રહસ્યોને કેમ સમજવાં, વ્યાવહારિક વેદાંતને આધારે ભારતીય સમાજ કેમ વિકસાવવો તે સ્વામી વિવેકાનંદે આપણને પ્રબોધ્યું; સ્વાતંત્ર્ય, સમાનત્વ માનવ વ્યક્તિત્વનું ગૌરવ અને પરસ્પરના સંબંધોના ઉત્તમ સ્વરૂપ તરીકે સેવાધર્મ: આવો સમાજ જોઈએ.

એમણે એમ પણ કહ્યું કે ત્યાગ અને સેવા રાષ્ટ્રીય આદર્શો છે; રાષ્ટ્રને આ દિશામાં જોરથી વાળો, બીજી બાબતોનું થઈ રહેશે.

એટલે, તમે વિદ્યાર્થી હો ત્યારે, તમારે આ રીતે પણ વિચારવું જોઈએ. આ મહાન મનુષ્ય – જીવનનું ધ્યેય માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા મોટા પગારની નોકરી અંકે કરવી અને મોટા દાયજાવાળું લગ્ન કરવું એ નથી. એનાથી કયાંય મોટી વસ્તુ આપણે સિદ્ધ કરવાની છે. આપણા સમાજના નબળા વર્ગોનાં આંસુ લૂછવાં, એમને સુખી કરવા એ આપણો મુદ્રાલેખ હોવો ઘટે. આપણે એક છીએ એવી રાષ્ટ્રવ્યાપી જાગ્રતિ આણવી જોઈએ; બીજાં સુખી ન હોય ત્યાં સુધી હું સુખી કેમ થઈ શકું? બંધુત્વની આ ભાવના, માનવજાત માટેની જાગ્રતિ આપણા સૌમાં આવવી જોઈએ. ગીતા (૬.૩૨)માં શ્રીકૃષ્ણ કહે છે:

આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન।

સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મત:।।

“તારી જાત પ્રત્યે જે દૃષ્ટિથી જુએ તે જ દૃષ્ટિથી બીજાંને જો; એમનું સુખ એ તારું સુખ છે અને એમનું દુઃખ તારું દુઃખ છે. તત્ત્વતઃ આપણે સૌ એક જ છીએ. આ સત્યને જે યોગી પામે તે પરમ યોગી છે.”

સમદુષ્ટિ, સમભાવ – એકતાની, અભિન્નતાની ભાવના. ચારિત્ર્ય ઘડતર એ રીતે થાય છે. આપણા શિક્ષણમાં સ્વામી વિવેકાનંદ ચારિત્ર્ય ઘડતરનો સમાવેશ ઈચ્છતા હતા. ચારિત્ર્ય વિનાનું શિક્ષણ ભયંકર છે. આ માનવ બુદ્ધિ આખા જગતનો નાશ કરી શકે છે. ખૂબ ભણેલા લોકો વડે કેટલાં બધાં પંખી નાશ પામ્યાં છે, કેટલાં બધાં વૃક્ષોનો સોથ વળી ગયો છે, બીજી જાતનાં કેટલાં બધાં પ્રાણીઓનો વિનાશ કરવામાં આવ્યો છે તે આપણે જાણીએ છીએ. હવે, રિયો દી – જાનેરોમાં મળેલી ધરતી પરિષદ (અર્થ કોન્ફરન્સ)થી એ જાગ્રતિ આવી છે. લોકો હવે પહેલીવાર, સમસ્ત પ્રકૃતિ અને માનવજાત પ્રત્યે પોતાની જવાબદારી સમજતા થયા છે. મનુષ્યો અને પ્રાણીઓ સૌ પ્રત્યે આપણી જવાબદારી છે. અહીં આપણે વેદાંતનો ઘોષ સાંભળીએ છીએ. આપણા દેશના તત્ત્વજ્ઞાનની એ મહત્તા છે. પરંતુ, દુર્ભાગ્ય આજે માત્ર થોડા પંડિતો અને સાધુ પુરુષો વેદાંતનો અભ્યાસ કરે છે અને, બાકીની આપણી પ્રજા પોતાના આ તેજસ્વી વારસાના ઘોર અજ્ઞાનમાં રાચે છે.

આપણા જીવનમાં આપણે અનુસરી શકીએ તે વ્યવહારુ વેદાંતનું ઉત્તમ પુસ્તક ‘ભગવદ્ગીતા’ છે. આપણા ભણેલા લોકોને તે પુનઃ ભણાવી શકે છે અને તેમને પ્રવીણ કાર્યકરો અને રાષ્ટ્ર ઘડવૈયાઓ બનાવી શકે છે. આપણા સમગ્ર રાષ્ટ્રના ઉદ્ધાર માટેની શક્તિ આપણા ભણેલા વર્ગમાંથી પ્રગટવી જોઈએ. ઈંગ્લેંડ શિક્ષણ દ્વારા જ મહાન રાષ્ટ્ર બની શક્યું હતું. ત્યાંની પબ્લિક સ્કૂલોમાં અને યુનિવર્સિટીઓમાં, રાષ્ટ્રહિતને લક્ષમાં રાખીને તેઓએ જ્ઞાનોપાસના કરી. તગડા થવા માટે વિદ્યા ભણનારા આપણે એક જ છીએ. પ્રજાસત્તાકના નાગરિકો તરીકે આપણી જવાબદારીઓની જરીય દરકાર આપણે કરતા નથી. ૧૮૯૪માં માઈસોરના તે સમયના મહારાજા ચમરાજા વડિયારને સ્વામી વિવેકાનંદે અમેરિકાથી એક પત્ર લખ્યો હતો. એમાંથી હું અહીં એક જ વાક્ય આપું છું. એના મર્મને બરાબર સાચવી રાખજો, એ વિશે મનન કરજો અને એને આત્મસાત કરજો. આ વર્ષે, નવેમ્બર ૧૯૯૨માં, સ્વામી વિવેકાનંદની માઈસોર – મુલાકાતની શતાબ્દી ઉજવાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ અહીં ૧૮૯૨માં, નવેમ્બરમાં આવ્યા હતા. અત્યારે ૧૯૯૪નું વર્ષ ચાલે છે. એ પત્રમાં સ્વામીજી લખે છે (કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ. ૪, આ. ૯મી, ૧૯૬૬, પૃ. ૩૬૩)

“આ જીવન અલ્પ છે: જગતના મોજશોખો નાશવંત છે; પરંતુ બીજા માટે જીવનારા જ જીવે છે; બાકીનાઓ જીવતાં કરતાં વધારે મૂએલા છે.”

જીવતા હોવું એટલે બીજાઓનું હિત હૈયે હોવું અને, પોતાની શક્તિ અનુસાર બીજાઓની સેવા કરવી. આધ્યાત્મિકતાના ઊંડાણમાંથી એ પ્રગટે છે. દરેક જીવંત વ્યક્તિએ ચેતનવંત, ઉત્સ્ફૂર્ત અને માનવતાવાદી બનવું જોઈએ.

ભારતના અર્વાચીન ઈતિહાસનો અભ્યાસ કરશું તો, આવા હજારો જીવંત માણસો વિશે આપણને જાણવા મળશે. એમણે દેશનો અને તેના હિતનો વિચાર કર્યો હતો. એમણે દેશની સેવા કરી હતી, દેશની સ્વતંત્રતા માટે લડ્યા હતા અને તેમણે ખૂબ યાતના વેઠી હતી. એથી, સ્વામીજીનું જીવંત વ્યક્તિઓનું કથન એમને બરાબર લાગુ પડે છે. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી, આપણે ત્યાં વધારે મરેલા લોકો છે. જેઓ તદ્ન સ્વકેન્દ્રી છે અને જેમને રાષ્ટ્રની કશી પડી નથી. તો આપણો અંતર્નિહિત દિવ્ય સ્વભાવ કેવી રીતે આપણા જીવનમાં અને માનવ સંબંધોમાં પ્રગટાવવો તેના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અનુકંપા ન હોય તો પંડિતનું ભેજું નકામું છે. દુર્ભાગ્યે, આ વિચારો આપણી કૉલેજોમાં અને શાળાઓમાં આપવામાં આવતા નથી. આપણે સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ કૃતિઓ, ઉપનિષદો અને ગીતા પાસે જવું પડશે. સૌને માટે એ કિતાબો ખુલ્લી છે. ભારતના આ દાર્શનિક અને આધ્યાત્મિક ગ્રંથો માટે પશ્ચિમના લોકો ભૂખ્યા છે. અમેરિકામાં કે બીજા પશ્ચિમના દેશોમાં, ઉપનિષદો કે ગીતા પર તમે એક વાર્તાલાપ આપશો તો, શ્રોતાઓ તમને પ્રણામ કરશે અને, પોતે જેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા તેવા અનુગ્રહપૂર્વક તમારે ચરણે ડોલરો ધરશે. આ મેં યુરોપ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં જોયું છે. આધ્યાત્મિક જ્ઞાનનો મહાન વારસો આપણી પાસે છે. પરંતુ, આપણા લોકો એને ખોળતા નથી; કેવી કરુણતા!

તો સ્વામીજીનો આ બોધ સ્મરણમાં રાખોઃ માત્ર નોકરી મેળવી આપવાની નહીં પણ, મનુષ્ય બનાવતી, ચારિત્ર્ય ઘડતી, રાષ્ટ્ર ઘડતી કેળવણી. તમારું ધ્યાન આ તરફ દેશો એવી હું આશા રાખું છું. મહાભારતે આપેલા શક્તિના ત્રણ વર્ગો હું તમને કહું. દરેક મનુષ્યમાં ત્રણ પ્રકારની શક્તિ રહેલી છે. પહેલો પ્રકાર છે બાહુબલ – શારીરિક શક્તિ; બીજો પ્રકાર છે બુદ્ધિબલ – માનસિક શક્તિ; અને ત્રીજો પ્રકાર છે આત્મબલ – આધ્યાત્મિક શક્તિ. બાહુબલ અતિ સામાન્ય છે; બુદ્ધિબલ એનાથી ચડિયાતું છે; પણ આત્મબલ સૌથી શ્રેષ્ઠ છે. માટે, બાહુબલ અને બુદ્ધિબલની સાથે થોડું આત્મબલ વિકસાવવા પ્રત્યન કરો. સર્જન માટે બુદ્ધિબલ આવશ્યક છે પણ, તેની પાછળ આત્મબલ હોય તો જ; આત્મબલ ન હોય તો એ ભયપ્રદ અને નુકસાનકારક છે. આજના લૂંટારાઓ પણ સારું ભણેલા હોય છે. એ તમે જાણતા હશો. લોકોને લૂંટવાની બધી પ્રયુક્તિઓ તેઓ જાણતા હોય છે બર્ટ્રેણ્ડ રસેલ જેવા અજ્ઞેયવાદી પાશ્ચાત્ય ચિંતકો પાસેથી આ સત્ય આપણને સાંપડે છે (‘ઈમ્પેક્ટ ઑફ સાયન્સ ઑન સોસાયટી, પૃ. ૧૧૦, અનવિન પેય્પર બેક્સ, ૧૯૭૬ આવૃત્તિ-માં) એ કહે છે:

“સામાન્ય રીતે કહીએ તો, સાધનો પ્રત્યેનું માનવી કૌશલ અને ધ્યેયો પ્રત્યેની માનવીની મૂર્ખતા વચ્ચેની દોડમાં આપણે છીએ; ધ્યેયોમાં મૂર્ખતા વધે છે. તેમ, એમને સિદ્ધ કરવા માટેનું પ્રત્યેક કૌશલ દુષ્ટતા ભણી લઈ જાય છે, આજની ઘડી સુધી આદમજાત જીવતી રહી છે તે અજ્ઞાનને અને અણ આવડતને કારણે; પરંતુ જ્ઞાન અને આવડત મૂર્ખતાની સાથે ભળશે ત્યારે, જીવન સાતત્યની કોઈ ખાતરી નહીં રહે. જ્ઞાન શક્તિ છે જ પરંતુ એ મંગલ માટે છે તેટલું જ અમંગલ માટે છે. આથી નિષ્પન્ન થાય છે કે, માણસ જ્ઞાનમાં વધે છે તેટલો શાણપણમાં નહીં વધે તો, જ્ઞાનવૃદ્ધિ દુઃખવૃદ્ધિ થશે.”

તો આ બુદ્ધિ લોકોને છેતરવા માટે, તેમનું બૂરું કરવા માટે કે, તેમનું કલ્યાણ કરવા માટે અને તેમને સહાય કરવા માટે વાપરી શકાય. આત્મબલથી રચેલું બુદ્ધિબલ જાતને માટે અને અન્યોને માટે કલ્યાણકારક છે. આ બધા વિચારો અને આદર્શો તમારી વિચારણા માટે અને તમારા જીવનમાં વણી લેવા માટે છે.

વિવેકાનંદ સાહિત્ય, ઉપનિષદો અને ગીતાના વાચનથી તમને શક્તિ અને અભય પ્રાપ્ત થશે. “પાને પાનેથી ઉપનિષદો મને બલનો સંદેશો આપે છે.” એમ સ્વામી વિવેકાનંદે પોતાના મદ્રાસના એક વ્યાખ્યાનમાં કહેલું છે. એ જ રીતે આત્મશ્રદ્ધાનો વિચાર છે. ઓછામાં ઓછાં, ‘કઠ ઉપનિષદ’ જેવાં બે કે ત્રણ ઉપનિષદો તમારે વાંચવાં જોઈએ. તમે જાણતા હશો કે, સ્વામીજીની પ્રચંડ ઉદ્ઘોષણા માટે ‘કઠ ઉપનિષદ’ પ્રખ્યાત છે (૧.૩.૧૪) – સ્વામીજીએ એનો મુક્તાનુવાદ કર્યો છે:

“ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્તિબોધત”-

“ઊઠો, જાગો અને, ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.”

ઉન્નત કરે તેવા અનેક વિચારો ઉપનિષદોમાં તમને સાંપડશે. આમ, ચારિત્ર્યઘડતર માટે પુસ્તકોની અછત નથી. તમે એમનો પૂરો ઉપયોગ કરો. માત્ર ડીગ્રી માટેનો વ્યાપાર નહીં બનાવતાં, તમારા શિક્ષણને સાચું શિક્ષણ તમે બનાવો. આપણા દેશમાં, રાજકારણમાં, શિક્ષણ સંસ્થાઓમાં, વૈજ્ઞાનિક સંશોધનમાં, વેપારમાં, ઉદ્યોગમાં અને કેન્દ્રીય કે રાજ્યની સેવા સંસ્થાઓમાં પછીથી જોડાઈ, નૈતિક સ્તરને અને આપણા દેશના માનવ વિકાસને ઊર્ધ્વમુખી બનાવશો ત્યારે, આ સંસ્થાને તમારે માટે ગૌરવ થશે. મારો પ્રેમ અને શુભેચ્છાઓ તમને પાઠવું છું.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 367

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.