શ્રીરામકૃષ્ણ શ્રીયુત અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગા-પૂજા મહોત્સવ છે, એટલે એ ઠાકુરને આમંત્રણ આપીને તેડી આવ્યા છે.

આજ બુધવાર, ૧૦મી ઓક્ટોબર, ઈ.સ. ૧૮૮૩ ભક્તોમાં બલરામના પિતા, અને અધરના ભાઈ તથા પેન્શનર શાળા-નિરીક્ષક સારદાબાબુ આવ્યા છે. અધરે પાડોશીઓ અને સગાંઓને નવરાત્રી પ્રસંગે આમંત્રણ આપ્યાં છે. તેઓમાંથીય ઘણાય આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ સંધ્યાકાળની આરતીનાં દર્શન કરીને ભાવપૂર્ણ થઈને દેવતાવાળી ઓસરીમાં ઊભા છે. ભાવમગ્ન થઈને માતાજીને ગીત સંભળાવી રહ્યા છે.

અધર છે ગૃહસ્થ ભક્ત. તેમ જ કેટલાય ગૃહસ્થ ભક્તો હાજર છે, બિચારા ત્રિતાપી તાપિત. એથી જાણે કે શ્રીરામકૃષ્ણ સહુના મંગળને માટે જગન્માતાનું સ્તવન કરે છે:

ગીત: તારો તારિણી, આ વેળા તારો ત્વરા કરીને,
તપન-તનય-ત્રાસે ત્રાસિત, આવે મા! પ્રાણિ…
જગત-અંબે, જનપાલિની, જનમોહિની, જગતજનની,
યશોદા-જઠરે જનમ લઈને, સહાય હરિ-લીલામાં….
વૃંદાવનમાં રાધા વિનોદિની,
વ્રજ-વલ્લભ-વિહાર-કારિણી,
રાસ-રંગિની રસમયી થઈ, રાસ કરિયો લીલા પ્રકાશ…
ગિરિજા, ગોપજા, ગોવિંદ-મોહિની,
તમે મા ગંગા ગતિ-દાયિની,
ગાંધર્વી ને ગૌરવર્ણી ગાયે ગોલોકમાં ગુણ તવા…
શિવે, સનાતની, શર્વાણી, ઈશાની,
સદાનંદમયી સર્વ સ્વરૂપિણી
સગુણા, નિર્ગુણા, સદાશિવ-પ્રિયે, કોણ જાણી શકે
મહિમા તવ…

શ્રીરામકૃષ્ણ અધરના મકાનના બીજે માળે આવેલા દીવાનખાનામાં જઈને બેઠા છે. ઓરડામાં કેટલીયે આમંત્રિત વ્યક્તિઓ આવેલી છે.

બલરામના પિતા અને સારદાબાબુ વગેરે પાસે જ બેઠેલા છે.

ઠાકુર હજીયે ભાવમગ્ન. આમંત્રિત વ્યક્તિઓને સંબોધન કરીને બોલે છે, ‘અરે બાબુઓ, મેં ખાધું છે, હવે તમે લોકો પ્રસાદ લો.’

અધરનાં નૈવેદ્ય, પૂજા માએ સ્વીકાર્યાં છે, એટલે શું શ્રીરામકૃષ્ણ જગન્માતાને આવેશમાં બોલે છે કે ‘મેં ખાધું છે, હવે તમે લોકો પ્રસાદ લો?’

ઠાકુર ભાવમગ્ન થઈને જગન્માતાને કહે છે : ‘મા હું ખાઉં? કે તમે ખાશો? મા કારણાનંદરૂપિણી!’

શ્રીરામકૃષ્ણ જગન્માતાને અને પોતાને એક જુએ છે? જે મા તે જ શું સંતાનરૂપે લોકોપદેશ કરવાને માટે અવતર્યા છે? એટલે શું ઠાકુર ‘મેં ખાધું છે’ એમ કહે છે?

હવે ઠાકુર ભાવ-આવેશમાં દેહની અંદર ષટ્ચક્રો તથા તેની અંદર માતાજીને દેખી રહ્યા છે. એટલે વળી ભાવમાં મગ્ન થઈને ગીત ગાય છે.

ગીત : ભૂવન ભુલાવિયું મા, હર-મોહિની,
મૂલાધાર-મહોત્પલે, વીણા-વાદ્ય-વિનોદિની…
આધારે ભૈરવ રાગ, ષડ્‌દલે શ્રી-રાગ ગાય,
મણિપુરમાં મહ્‌લાર, વસંત હત્પ્રકાશિની…
વિશુદ્ધ હિડોલ-સુરે, કર્ણાટક આજ્ઞા-પૂરે,
તાન- લય-માન -સુરે, ત્રિસપ્ત-સુર-ભેદિની…
મહામાયા મોહપાશે, બહુ કરો અનાયાસે,
તત્ત્વ લઈ તત્ત્વાકાશે, સ્થિર છો ઓ સૌદામિની…
શ્રીનંદકુમાર કહે, તત્ત્વ ન નિશ્ચય થાય,
તવ તત્ત્વ ગુણ ત્રણ, કાકીમુખ આચ્છાદિની…

અભયાના શરણાગત થયે સર્વ ભય જાય; એટલે જાણે કે ભક્તોને અભય આપે છે અને ગીત ગાય છે : ‘અભય પદે પ્રાણ સોંપ્યા છે… વગેરે.’

શ્રીયુત સારદા બાબુ પુત્ર-શોકથી દુ:ખિત છે. તેથી તેના મિત્ર અધર તેમને ઠાકુરની પાસે લઈ આવ્યા છે. એ છે ગૌરાંગ મહા પ્રભુના ભક્ત. તેમને જોઈને શ્રીરામકૃષ્ણને શ્રીગૌરાંગનું ઉદ્દીપન થયું છે. ઠાકુર ગાય છે :

‘મારું અંગ શાને ગૌર થયું…’ વગેરે.

બલરામના પિતા પણ વૈષ્ણવ. એટલે શ્રીરામકૃષ્ણ ગોપીઓના ઉદ્‌ભ્રાન્ત પ્રેમનું ગીત ગાય છે : ‘શ્યામનો પાર પામી નહિ હું…’ વગેરે.

[શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૧ (૧૯૮૨) પૃ. સં ૨૯૭-૨૯૯]
Total Views: 945

2 Comments

  1. Deviben vyas October 2, 2022 at 1:29 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj pranam samsta jagat numangal krnara thakurmharaj kripalu ma tamaro sda jy Thao

    • jyot October 16, 2022 at 3:34 am - Reply

      જય ઠાકુર

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.