આજના ખૂબ ઝડપથી બદલાઈ રહેલા જટિલ અને સ્પર્ધાત્મક યુગમાં જો મનુષ્ય પાસે મનની શાંતિ અને સ્વસ્થતા ન હોય તો સમસ્યાઓના કળણમાં ઊંડા ઊતરતા જવાનો ડર હંમેશા રહે છે. તો શું વિવિધ પ્રવૃત્તિઓ અને પરિસ્થિતિઓના સતત ફરતા રહેતા ચક્રની વચ્ચે મનની શાશ્વત શાંતિ મેળવવી શક્ય છે ખરી? કઠોપનિષદ કહે છે, ‘શાશ્વત શાંતિ તેને જ મળે છે જે વિવેકી છે અને એ ઈશ્વર કે જે બધા ભૂતોનો અંતરાત્મા સ્વરૂપ છે, તેને હૃદયમાં અનુભવે છે; જે ક્ષણભંગુરતામાં શાશ્વત તરીકે વ્યાપેલા અને જાગ્રત લોકોની ચેતનારૂપે રહેલા ઈશ્વરને હૃદયમાં અનુભવે છે.’ (૨/૨/૧૨-૧૩) આપણા જેવા સંસારમાં રહેલા મનુષ્યો અદ્વૈત વેદાંતનો આ તત્ત્વવિચાર બૌદ્ધિક રીતે સમજી શકે, પણ હૃદયમાં તેવી ધારણા થવી ખરેખર મુશ્કેલ છે. આ હકીકતને દૂરદ્રષ્ટા સ્વામી વિવેકાનંદ સ્પષ્ટરૂપે જોઈ શક્યા હતા, અને આવનારા યુગોમાં જિજ્ઞાસુ લોકોને આ ભેળસેળ વગરના શાશ્વત સત્યને આત્મસાત કરાવવા તેમણે માયાવતી અદ્વૈત આશ્રમની સ્થાપના કરી.

હિમાલયને ખોળે એક એવો આશ્રમ સ્થાપવાની સ્વામીજીની ઘણા લાંબા સમયની ઇચ્છા હતી, કે જે અદ્વૈતને જ પૂરેપૂરો સમર્પિત હોય, જ્યાં વિધિપૂર્વકની ઉપાસનાને સ્થાન ન હોય, અને જ્યાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય દેશોમાંથી વેદાંતને ચાહનારા લોકો આવી, તેમની સમક્ષ રહેલાં ઉન્નત, હિમાચ્છાદિત શિખરોના સાનિધ્યમાં અખંડ સત્યની ધારણા કરી શકે. સ્વામીજીના આ આદર્શે તેમનાં બે અંગ્રેજી શિષ્યો કેપ્ટન અને મિસીસ સેવિયરને પ્રભાવિત કર્યાં. લંડનમાં ઈ. સ. ૧૮૯૬માં તેમણે સ્વામીજીને સૌ પ્રથમ સાંભળ્યા અને તરત જ તેમને લાગ્યું કે આખી જિંદગી જેની શોધ હતી એ જ આ માનવ છે અને એ જ આ તત્ત્વજ્ઞાન છે. સ્વામીજીની સાથે ભારતમાં આવી તેમણે સ્વામીજીના સ્વપ્નને સાકાર કરવા કુમાઉં-હિમાલયમાં ૬૫૦૦ ફૂટની ઊંચાઈએ ૧૯મી માર્ચ, ૧૮૯૯માં શ્રીરામકૃષ્ણદેવના જન્મદિને આ સુંદર આશ્રમની સ્થાપના કરી. ઈ. સ. ૧૯૦૧ના જાન્યુઆરી મહિનાના પહેલા ૧૫ દિવસો સ્વામીજીએ અહીં ગાળ્યા હતા. આ તેમની માયાવતીની પહેલી અને છેલ્લી મુલાકાત હતી.

ચંપાવત ખીણના સર્પાકારે ઉપર ચડતા રસ્તા ઉપરથી પસાર થતાં ચોતરફના પહાડો, ખીણો, ઘાટા લીલા રંગનાં પાઈન અને દેવદારનાં જંગલો અને ઠંડી સ્ફૂર્તિદાયક હવાને મન ભરીને માણતાં જ દિલ્હીથી લોહાઘાટની ૧૬ કલાકની અમારી મુસાફરીનો થાક પળભરમાં જ અદૃશ્ય થઈ ગયો અને લોહાઘાટથી માયાવતીનો ૮ કિ. મી.નો ચઢાણવાળો રસ્તો પૂરો કરીને, આશ્રમમાં પહોંચતાં જ લાગ્યું કે શું આ પૃથ્વી જ છે કે અસીમ શાંતિ અને પરમ સુખથી વીંટળાયેલ સ્વર્ગ! આશ્રમનું સુંદર મકાન ત્રણ દિશાઓમાં પહાડોથી ઘેરાયેલ છે; અને એ પહાડો કંઈ ભારતમાં મોટા ભાગની અન્ય જગ્યાઓએ જંગલો કપાવાથી વંધ્ય લાગતા બીજા પહાડો જેવા નથી. આ પહાડો તો ઓક, દેવદાર અને પાઈન વૃક્ષોથી પૂરેપૂર આવૃત થયેલાં છે. આશ્રમનો બગીચો, પોતાનાં પૂર્ણ ખીલેલાં રંગબેરંગી ગુલાબ, કેલેન્ડયુલા, પીટુનિયા, નાસ્ટ્રુસિયમ અને વૈવિધ્યપૂર્ણ કેક્ટસથી હસીને અમારું સ્વાગત કરી રહ્યો હતો! ઉત્તર દિશાએ જરા આગળ ચાલતાં તો અમે સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા! લગભગ ૨૫૦ માઈલ સુધી પથરાયેલાં નંદાદેવી, ત્રિશૂળ, નાંદકોટ, કામેટ વગેરે કાયમ હિમાચ્છાદિત રહેતાં હિમાલયનાં શિખરો પોતાની શુદ્ધતા, પવિત્રતા, ગરિમા અને ભવ્યતાને પ્રગટ કરતાં સૂર્યના સોનેરી પ્રકાશમાં ઝગમગાટ કરી રહ્યાં હતાં! આશ્રમના સંન્યાસીઓ પણ એવા જ શાંત સ્વસ્થ અને ગરિમાપૂર્ણ! આમ ચોમેરથી સંવાદી સહઅસ્તિત્વનો એક્તાન સૂર ગુંજી રહ્યો હતો. અને આ અપાર્થિવ વાતાવરણ અપૂર્વ શાંતિથી આવૃત! થોડા કલાકો પહેલાં આવેલી વર્ષામાં ધોવાઈ, સ્વચ્છ થયેલાં અને પવનમાં ફરફરતાં પર્ણોનો મર્મરધ્વનિ અને કોઈક પક્ષીના લયબદ્ધ સુમધુર ટહૂકાનો અવાજ આ શાંતિને નવો જ આયામ અર્પી રહ્યો હતો. સમગ્ર મન આપોઆપ જ આ શાંતિનો એક ભાગ જ બનીને તેનો કેફ અનુભવવા લાગે છે. જિંદગીની બધી જ તુચ્છ બાબતો ભૂલી જવાય છે. શબ્દો જાણે અહીં છીછરા અને બિનજરૂરી લાગે છે. ભીતર બહાર બધું જ એકાકાર થયેલ લાગે છે. શું આ જ અદ્વૈત છે? અને તરત જ વિચાર આવે છે, ‘મનની આ જ સ્થિતિનું સતત મનન રોજ-બ-રોજના જીવનમાં કરવાનું છે અને વિવિધ કાર્યો, વિરોધાભાસો અને સંઘર્ષોની વચ્ચે પણ આજ રીતે આવી અમાપ શાંતિના વચમાં – અસ્તિત્વને લપેટાયેલ રાખી બધે જ એકત્વનાં દર્શન કરવાનાં છે!’ મહાન આર્ષદ્રષ્ટા સ્વામી વિવેકાનંદે આજ હેતુથી આ આશ્રમની સ્થાપના કરી છે. આ વિષે તેમણે જાન્યુઆરી ૧૯૦૦ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખ્યું, “અદ્વૈત, (વેદાંત) એક જ એવી પદ્ધતિ છે કે જે મનુષ્યને પોતાના ઉપર સંપૂર્ણ નિયંત્રણ બક્ષે છે, પરતંત્રતા અને તેની સાથે જોડાયેલ બધી અંધશ્રદ્ધાને દૂર હઠાવે છે અને આપણને સહન કરવા તેમ જ કાર્ય કરવા હિંમતવાન બનાવી, લાંબા ગાળે પૂર્ણ સ્વતંત્રતા બક્ષે છે. માનવ-જીવનને ઉત્કર્ષના માર્ગે લઈ જવાના સાધન તરીકે આ સત્યને પૂર્ણ સ્વતંત્ર લક્ષ્યબિંદુ બનાવી શકાય એ માટે હિમાલયની ટોચ ઉપર કે જે અદ્વૈતનું સર્વોચ્ચ સ્થાન છે, ત્યાં અમે આ અદ્વૈત આશ્રમની સ્થાપના કરી રહ્યા છીએ.” માયાવતીમાં જાણે સ્વામીજીના શબ્દો આસપાસથી આંદોલિત થઈને સંભળાય છે. ‘આત્મામાં સ્થિર રહો! તો જ આપણે વિશ્વને ખરેખર ચાહી શકીશું. ખૂબ જ ઉચ્ચ અભિગમ કેળવો આપણે આપણા સનાતન સ્વભાવને જાણી પ્રતિક્ષણ બદલાતી દુનિયાને સંપૂર્ણ સ્વસ્થતાથી જોવી જોઈએ.’ 3

માયાવતીમાં સંન્યાસીઓ અભ્યાસ કરે છે, ધ્યાન કરે છે, સંપાદકીય કાર્ય કરે છે, લખે છે. ચેરિટેબલ હોસ્પિટલમાં, ગોશાળામાં, શાકભાજીના બગીચામાં કે રસોડામાં કામ કરે છે અને આમ, તેઓ ‘ફક્ત બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે’ એવા જ સિદ્ધાંતમાં રાચતા નથી. પણ ચોતરફની આ સૃષ્ટિમાં પોતાના જ આત્માનું દર્શન કરવા અને માનવી અસંખ્ય પ્રવૃત્તિઓને મનુષ્યની દિવ્યતાના પ્રગટીકરણ રૂપે જોવા માટેનું તેમને શિક્ષણ મળેલું છે.’ અને આ શિક્ષણ જેમણે પચાવેલ છે એવા સંન્યાસીઓ પાસેથી આપણને આ ઉચ્ચતમ કક્ષાનું શિક્ષણ પ્રત્યક્ષ થાય છે.

અહીંથી જ સ્વામી વિવેકાનંદે અદ્વૈતના જ્ઞાનને જીવનમાં અપનાવવાનો સંદેશ ‘પ્રબુધ્ધ ભારત’ દ્વારા સમગ્ર વિશ્વને આપવાનો શરૂ કર્યો અને અહીં જ પત્રકાર સ્વામીજીએ પત્રકારિત્વનું છેલ્લું કાર્ય કર્યું. આશ્રમના મકાનની બરાબર સામે ‘પ્રબુદ્ધ ભારત’નું ઐતિહાસિક મકાન છે. અદ્વૈત આશ્રમ અને પોતાના ૯૫મા વર્ષમાં પ્રવેશેલ વેદાંતની પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’નું, બંનેનું સંધાન સ્વામીજીએ હેતુપૂર્વક કર્યું હતું અને આ બંને તેમના જીવનનાં અવિસ્મરણીય પ્રકરણો છે.

માયાવતીમાં સમય નવાં નવાં રૂપો ધારણ કરે છે. સાંજ પડતાં જ વાતાવરણમાં શાંત, ચિંતનશીલ ભાવ ઊતરી આવે છે. આશ્રમની ઉત્તરે આવેલ પુરાતન ઓક વૃક્ષના ઓટલે બેસીને (જ્યાં બેસી સ્વામી વિવેકાનંદ ધ્યાન કરતા) પ્રકાશને અંધકારમાં ઓગળતો અનુભવી શકાય છે. આશ્રમની ઉપરના ભાગે ટેકરી ઉપર આવેલ ગૌશાળાની ગાયોના કંઠે બાંધેલ ઘંટડીનો રણકાર સ્તબ્ધ વાતાવરણ ને મધુરતા બક્ષે છે અને આશ્રમના ગોળ કમરામાં (કે જ્યાં સ્વામી વિવેાનંદ રહ્યા હતા) ફાયર પ્લેસની સામે બેસતાં જ મન ઊંડી, એકાગ્રતામાં લીન થઈ જાય છે. આવો અનુભવ લાખ પ્રયત્નો છતાંય રોજબરોજની જિંદગીમાં નથી થઈ શકતો. આ ગોળ કમરામાં રાત્રિભોજન બાદ આદરણીય સ્વામીજીઓ સ્વામી વિવેકાનંદનાં લખાણોનું વાચન કરે છે. વાચન પૂરું થયા બાદ બહાર આવતાં જ સામે કૃષ્ણ-પક્ષની રાત્રિ પોતાના સૌમ્ય રૂપ સાથે હાજર છે! સ્વચ્છ, પ્રદૂષણવિહીન આકાશ અને ગાઢ અંધકારમાં ટમટમતા અસંખ્ય તારાઓ જાણે આ સ્વર્ગીય, પવિત્ર માહોલને મૂક સાક્ષીભાવે જોઈને, ખૂબ તીવ્રતાથી પ્રકાશીને રોમાંચિત થઈ રહ્યા છે!

આમ, સમયના બંધન વગરનો સમય ક્યાં પસાર થઈ ગયો અમને તેની ખબર પણ ન રહી! જીવનમાં માયાવતી જવાની તક આપવા બદલ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા અને સ્વામી વિવેકાનંદ પ્રત્યેની ભક્તિથી હૃદય પ્લાવિત થઈ જાય છે. આ યાત્રા દૃઢ શ્રદ્ધા, આંતરિક બળ, આત્મવિશ્વાસ અને નૂતન ઉત્સાહને પ્રેરનારી બની રહી. ત્યાં ગાળેલા સમયની સર્વોત્કૃષ્ટ ક્ષણોએ કરાવેલ જીવનનું યથાદર્શન અને સ્પષ્ટ સૂઝ હમેશા અમીટ રહે અને અસ્તિત્વને નવો અર્થ આપી, નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા, જેમ માયાવતી આશ્રમે અનેકોને આપી છે એમ હંમેશા મળતી રહે એવી શ્રીરામકૃષ્ણદેવનાં શ્રીચરણોમાં હાર્દિક પ્રાર્થના છે.

સંદર્ભ-સૂચિ

૧. પ્રબુદ્ધ ભારત (અદ્વૈત આશ્રમ, માયાવતી) ૧૯૭૦, પૃ. ૨૮૦

૨. પ્રબુદ્ધ ભારત (અદ્વૈત આશ્રમ, માયાવતી) ૧૯૭૦, પૃ. ૨૮૧

૩. ધી કમ્પ્લીટ વર્ક ઓફ સ્વામી વિવેકાનંદ (માયાવતી મેમોરિયલ એડીશન) ભાગ-૭, પૃ. ૧૧

૪. પ્રબુદ્ધ ભારત (અદ્વૈત આશ્રમ, માયાવતી) ૧૯૮૯, પૃ. ૭

Total Views: 183

One Comment

  1. ભરતસિંહ વાળા જુનાગઢ August 3, 2022 at 4:48 am - Reply

    ચેતના વાંચવાથી જો અદ્વેત શાંતિ નો અનુભવ થતો હોય તો માયાવતી સ્થળ પર કેટલી અલૌકિક શાંતિ હશે અભિનંદન સરળ અને સરસ વર્ણન શૈલી માટે

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.