બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે, ઈશ્વરદર્શન માટે, આત્મસાક્ષાત્કાર માટે. એટલે જ જો હાસ્યવિનોદની સાથે નિષ્ઠાનો સમન્વય કરી આત્મસાક્ષાત્કાર થઈ શકતો હોય તો આ જ સમન્વયથી બોર્ડની પરીક્ષા તો સહજે ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરી શકાય.

હમણાં જ UPSCનું પરિણામ જાહેર થયું, જેઓ સારા માર્ક્સ સાથે પાસ થયા એમને અભિનંદન મળ્યા અને જેઓ નાપાસ થયા એમને આશ્વાસન મળ્યું કે આનાથી પણ વધારે મહેનત કરો તો અવશ્ય પાસ થશો. આ વિષયે મને એક વાત યાદ આવી ગઈ.

હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા એક મિત્રના મમ્મીએ સલાહ માગી હતી: “મારા દીકરાને દોડાદોડી કરવામાં અને રમવામાં જ વધારે રસ છે. એ ભણવામાં નબળો છે અને વચમાં વચમાં નાપાસ થાય છે. તો એણે સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરવા માટે શું કરવું જોઈએ?”

એમને ઉત્તર મળ્યો: “તમારો દીકરો સાંજે સાંજે ભલે રમવા જાય, પણ સવારે એક સમય નક્કી કરી એને નિયમિત અભ્યાસ કરવાનું કહો. એ કેટલો સમય ભણે છે એના કરતાં એ કેટલી નિયમિતતાથી અને કેટલી નિષ્ઠાથી ભણે છે એ વધારે મહત્ત્વનું છે.”

એ બહેનને ખૂબ આશ્ચર્ય થયું: “તમે એમ કહો છો કે એ ભલે રમતો! એને આખો દિવસ ભણવાની જરૂર નથી? એ તો હવે બોર્ડની પરીક્ષા આપવાનો છે.”

“હા બહેન, હસી-મજાક, હાસ્યવિનોદ, અને રમતગમતની સાથે નિષ્ફળતાને કોઈ સંબંધ નથી. નિષ્ફળતાનો સંબંધ છે એકાગ્રતાના અભાવની સાથે.”

બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે, ઈશ્વરદર્શન માટે, આત્મસાક્ષાત્કાર માટે. એટલે જ જો હાસ્યવિનોદની સાથે નિષ્ઠાનો સમન્વય કરી આત્મસાક્ષાત્કાર થઈ શકતો હોય તો આ જ સમન્વયથી બોર્ડની પરીક્ષા તો સહજે ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરી શકાય.

યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવ સ્વયં એમની પાસે આવતા બાળક-શિષ્યોની સાથે હાસ્યવિનોદ કરતા. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને એક અદભુત પ્રસંગ વાંચવા મળે છે:

ઠાકુર શ્રીરામકૃષ્ણ શુદ્ધાત્મા ભક્તોને મળવાથી આનંદમાં તરી રહ્યા છે. અને નાની પાટ પર બેઠાં બેઠાં તેમને કીર્તન ગાવાવાળીના ચેનચાળાની નકલ કરી બતાવીને હસી રહ્યા છે. ગાવાવાળી બની-ઠનીને પોતાના સાજવાળાઓની સાથે ગાયન ગાઈ રહી છે. હાથમાં રંગીન રૂમાલ; વચ્ચે વચ્ચે ખોટી ખોટી ઉધરસ ખાય છે અને નાકની નથ ઊંચી કરીને થૂંકે છે. એટલામાં વળી કોઈ શ્રીમંત વ્યક્તિ આવી ચડે તો ગીત ગાતાં ગાતાં જ તેનું સ્વાગત કરે છે અને બોલે છે, ‘આવો, આવો!’ વળી વચ્ચે વચ્ચે હાથ પરનું લૂગડું બાજુએ સરકાવીને કડાં, પહોંચી, બાજુબંધ વગેરે અલંકાર દેખાડે છે.

એ નકલ જોઈને ભક્તો બધા ખડખડાટ હસવા લાગ્યા. પલટુ હસી હસીને જમીન પર આળોટવા લાગ્યો.

ઠાકુર પલટુની તરફ જોઈને માસ્ટરને કહે છે કે ‘સાવ છોકરું ખરો ને, એટલે હસી હસીને આળોટી પડ્યો છે.’

શ્રીરામકૃષ્ણ (પલટુને, હસતાં હસતાં) – તારા બાપને જઈને આ બધું કહેતો નહીં. નહિતર જે જરાક મારા પ્રત્યે આકર્ષણ છે એય જશે. એક તો એ બધા ઇંગ્લીશમેન (અંગ્રેજી ભણેલા).

(મધ્યાહ્નનો જપ અને ગંગાસ્નાન સમયે વાતચીત)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – ઘણાય માણસો સંધ્યા-પૂજા કરતી વખતે આખી દુનિયાની વાતો કરે. પણ વાતો તો કરવી ન જોઈએ, એટલે હોઠ બંધ કરીને દરેક જાતના ઇશારા કર્યા કરે, ‘ઉંહ્, આ લઈ આવો, પેલું આપો, ઉંહ્, ઉંહું’ એમ બધું કરે. (હાસ્ય).

‘કોઈ વળી જપમાળા કરવા બેસે, ત્યારે જપ કરતાં કરતાં વળી રીંગણાંનો ભાવ કરે! કાં તો જપ કરતાં કરતાં જ આંગળીથી બતાવી દે કે ‘પેલું રીંગણું નાખ!’ બધીયે ગણતરી બરાબર એ જ વખતે. (સૌનું હાસ્ય).

કોઈ વળી ગંગાસ્નાન કરવા આવે; ત્યારે ભગવાનનું નામ લેવું તો એક બાજુએ રહ્યું, અમથી ગપ્પા મારવા બેસી જાય! આખી દુનિયાની વાતો! તારા દીકરાનાં લગ્નમાં તેઓએ શું ઘરેણું કર્યું? અમુકને ભારે મંદવાડ; અમુકનો સસરો ઘેરથી આવ્યો કે નહિ? અમુક કન્યા જોવા આવ્યા હતા; તે લોકો લગ્ન પ્રસંગે ખૂબ કરિયાવર કરશે. હરીશ અમારો બહુ જ જિદ્દી. હરીશ મારી સાથે બહુ જ હળી ગયેલો છે. એક ઘડીયે આઘો ખસે નહિ. આટલા દિવસ આવી શકી નહિ, બાઈ; કારણ કે અમુકની દીકરીના સગપણના કામમાં બહુ રોકાયેલી હતી.

જુઓ તો ખરા, ગંગા-સ્નાન કરવા આવીને દુનિયા આખીની વાતો!

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 41, અધ્યાય 6)

કોઈપણ બાળકનું મન ગમે એટલું સશક્ત હોય, એકાગ્ર હોય, અને નિષ્ઠાવાન હોય પણ જો એની પાસે સતત એક જ કાર્ય કરતા રહેવાની અપેક્ષા કરવામાં આવે તો એ પણ એક દિવસે થાકી જશે અને કંઈક અજુગતું કરી બેસશે. ઠાકુર કહે છે:

“હું આ લોકોને (છોકરાઓને) એકલું કોરું દઉં નહિ. વચ્ચે વચ્ચે ઘીનો ધાબો દીધેલુંય જરા જરા આપું. નહિતર આવે શેના?”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 27, અધ્યાય 14)

અર્થાત્‌ જો તેઓ સતત માત્ર દર્શનશાસ્ત્ર, આધ્યાત્મિક ઉપલબ્ધિ, અને સાધનાપદ્ધતિની જ વાતો કર્યા કરે તો યુવા છોકરાઓ બધા કંટાળી જાય અને નિયમિત આવવાનું બંધ કરી દે.

સ્વામીજી જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે કેટલાક અમેરિકન પાદરીઓ સ્વામીજીને કહેતા: “સ્વામીજી! તમે તો ધર્મોપદેશક છો. આમ સામાન્ય માણસની પેઠે તમારે ઠઠ્ઠામશ્કરીઓ કરવી ન જોઈએ. આવી છૂટ તમને શોભતી નથી.” સ્વામીજી ઉત્તર આપતા: “આપણે તો આનંદનાં સંતાનો છીએ; આપણે શા માટે ચીડિયા અને ગમગીન રહેવું?”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. 8 પૃ. 392)

સાથે સાથે જ હાસ્ય વિનોદનો અતિરેક પણ ન કરવો.. ગંભીરતા એ ચરિત્રનું આભૂષણ છે. સ્વામીજી કહે છે:

“હર્ષના અતિરેકનો પણ ત્યાગ કરવો જોઈએ. આનું નામ છે અનુદ્હર્ષ, હર્ષનો અતિરેક આપણને ગંભીર ચિંતન માટે અયોગ્ય બનાવે છે; મનની શક્તિઓને તે નિરર્થક વેડફી નાખે છે. ઇચ્છાશક્તિ જેટલી વધુ બળવાન તેટલી મનની ઊર્મિઓને તે ઓછી વશ થાય છે. વધુ પડતા ગાંભીર્યની પેઠે વધુ પડતો હર્ષ પણ હાનિકારક છે; સર્વ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ તો મન જ્યારે સ્થિર, શાંત, સમતોલ સ્થિતિમાં હોય ત્યારે જ સંભવે છે. ઈશ્વરની ભક્તિ કઈ રીતે કરવી તે શીખવાનો સાધક આ રીતે આરંભ કરી શકે છે.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. 3 પૃ. 41)

આ પ્રમાણે સંયમમાં રહીને હાસ્ય વિનોદ કર્યા બાદ હવે આપણને જરૂર છે નિષ્ઠા, એકાગ્રતા, અને સંકલ્પશક્તિની. આ ત્રણેયનો આધાર છે ત્યાગ. ઘણા લોકો ત્યાગ કરવા માટે એકાદશી જેવા કોઈ વ્રતનું પાલન કરે છે. હવે વ્રત લેવું તો કાંઈ ખોટું નથી એનાથી આપણી સંકલ્પશક્તિની ચકાસણી થાય છે. પરંતુ આપણે યાદ રાખીએ કે ઠાકુર શું કહે છે:

“પાન ખાવું, માછલી ખાવી, તમાકુ પીવી, શરીરે તેલ લગાવવું એ બધામાં દોષ નહિ. એકલાં એ બધાંનો ત્યાગ કર્યે શું વળે? કામિની-કાંચનના ત્યાગની જ જરૂર. એ ત્યાગ જ ખરો ત્યાગ. સંસારીઓ અવારનવાર નિર્જન સ્થળે જઈને સાધન-ભજન કરી, ભક્તિ-પ્રાપ્તિ કરીને મનથી ત્યાગ કરે. સંન્યાસીઓ બહારથી ત્યાગ અને મનથી ત્યાગ, એમ બંને ત્યાગ કરે.”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 15, અધ્યાય 25)

Total Views: 1,124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.