અત્યાર સુધીમાં બહાર તાપ નીકળ્યો હતો. મંદિરની સામે આ તડકામાં ઊભા ઊભા સ્તોત્રાદિ પાઠ કર્યા પછી મંદિરનાં ધ્યાનપૂર્વક દર્શન કરવા લાગ્યો. મુખ્ય મંદિર પર મોટા અક્ષરોમાં લખાયું હતું- ‘રાવણેશ્વર વૈદ્યનાથ.’ આ જ્યોતિર્લિંગ વિષયક એક રોચક કહાની સાંભળવા મળી. એક વખત રાવણે કૈલાસમાં જઈને તપસ્યા દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા તથા તેમની પાસેથી વરદાન મેળવ્યું કે તેઓ લંકામાં નિવાસ કરે. આથી દેવતાઓ ગભરાયા. તેથી શિવજીએ રાવણ સમક્ષ એક શરત મૂકતાં કહ્યું, ‘લંકેશ, મારાં દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના આ કામનાલિંગને લઈ જઈને લંકામાં સ્થાપિત કરી શકો છો, પરંતુ એ ધ્યાનમાં રહે કે જો એને રસ્તામાં ક્યાંય નીચે મૂકશો તો તે ત્યાં જ સ્થિર થઈ જશે, પછી ઊખડશે નહીં.’ દેવતાઓ એવી ચાલ ચાલ્યા કે શિવલિંગને લઈ જતી વખતે રાવણને જોરથી લઘુશંકા થઈ. ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા એટલે રાવણે શિવલિંગ તેમના હાથમાં પકડાવી દીધું અને લઘુશંકા કરવા ગયો. (જ્યાં આ ઘટના ઘટી તે હરિલા જોડીના નામથી હરિ-હરના મિલન માટે પ્રસિદ્ધ છે.) બ્રાહ્મણવેશધારી ભગવાન વિષ્ણુએ ચિતાભૂમિ વૈદ્યનાથપુરીમાં આ શિવલિંગને સ્થાપિત કરી દીધું. આ બાજુ રાવણ સાત દિવસ સુધી લઘુશંકા કરતો જ રહ્યો. પછીથી તેને આકાશવાણી મારફત સઘળું વૃત્તાંત્ત જાણવા મળ્યું. હવે તે શિવલિંગ સુધી જવા માગતો હતો. એ પહેલાં સ્નાન દ્વારા દેહશુદ્ધિ કરી પવિત્ર બનવા માટે જળની આવશ્યકતા ઊભી થઈ. જ્યારે જળ ક્યાંય નજરે પડ્યું નહીં ત્યારે તેણે ક્રોધિત થઈને જમીન પર મુક્કો માર્યાે. જમીન ફોડીને પાતાળમાંથી જળની ધારા પ્રગટ થઈ. તેમાં તેણે સ્નાન કર્યું. (આ જળાશય ‘શિવગંગા’ના નામે પ્રખ્યાત છે તથા તે મંદિરના પાછળના ભાગે આવેલ છે.) શિવલિંગને ઉપાડીને લઈ જવામાં રાવણ સમર્થ થયો નહીં એટલે તે ફરી પાછો શિવ-આરાધનામાં પ્રવૃત્ત થયો. આ માટે તેણે એક કૂવો ખોદીને બધાં તીર્થાેમાંથી જળ લાવીને એકત્રિત કર્યું. (આ કૂવો ‘ચંદ્રકૂપ’ના નામે મંદિરના પ્રાંગણમાં આવેલ છે.) રાવણ દ્વારા આ રીતે શિવલિંગ સ્થાપિત કરાયેલ હોવાથી તેનું નામ ‘રાવણેશ્વર’ પડ્યું. એ તો ઠીક, પરંતુ ‘વૈદ્યનાથ’ નામ કેવી રીતે પડ્યું? પૂછતાં, એના પાછળની એક મજાની કથા સાંભળવા મળી. બૈજૂ નામનો એક ભીલ આ શિવલિંગની પૂજા કરતો હતો. તેની પૂજા પદ્ધતિ અત્યંત નિરાળી હતી. દરરોજ સાંજના ગાય ચરાવીને પાછા ફર્યા પછી બ્રાહ્મણોના આ શિવલિંગ પર દંડા માર્યા પછી જ ભોજન કરતો હતો. એક દિવસ ગાય ખોવાઈ ગઈ હોવાથી સાંજે પાછા ફરવામાં મોડું થઈ ગયું અને તે શિવલિંગ પર દંડા મારવાનું ભૂલી ગયો. ભોજન કરવાનું શરૂ તો કર્યું, પણ એટલામાં તેને એ વાત યાદ આવી ગઈ. તરત દોડતો જઈને શિવલિંગ પર દંડો મારવા લાગ્યો. શિવજી તેની નિષ્ઠાથી પ્રસન્ન થયા તથા તેની ઇચ્છાનુસાર એ વરદાન આપ્યું કે તેના જ નામથી શિવલિંગ વિખ્યાત થશે. એટલા માટે એનું નામ ‘બૈજૂનાથ’ કે ‘વૈજનાથ’ કે ‘વૈદ્યનાથ’ થયું. બૈજૂનું સમાધિ મંદિર મુખ્ય મંદિરના પશ્ચિમભાગમાં બજારની નજીક જોવા મળ્યું.

‘રાવણેશ્વર વૈદ્યનાથ’ના મુખ્ય મંદિરના પ્રાગંણમાં બીજાં બાવીશ મંદિર છે જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે- મુખ્ય મંદિરની બરાબર સામે આવેલ પાર્વતી મંદિર કે જે ગઠબંધન દ્વારા મુખ્ય મંદિર સાથે જોડાયેલું છે. પાર્વતી મંદિરમાં જયદુર્ગા અને ત્રિપુરાસુંદરીની સુંદર મૂર્તિઓ છે. આ એકાવન શક્તિપીઠોમાંનું એક છે. શક્તિપીઠો અંગેની કથા સર્વવિદિત છે. એક વખત સતીના પિતા દક્ષે પોતાને ત્યાં એક યજ્ઞનું આયોજન કર્યું જેમાં શિવજીને આમંત્રણ આપવામાં આવ્યું નહીં.

સતીના હૃદયમાં માતૃસદન જવાની લાલસા જાગી અને હઠપૂર્વક શિવજીની અનુમતિ લઈ યજ્ઞ મંડપમાં ગયાં. પરંતુ ત્યાં શિવજીના યજ્ઞભાગનું સ્થાન ન જોઈને પોતાના પિતાને તેનું કારણ પૂછ્યું. જવાબમાં જ્યારે દક્ષે શિવજીની અનેક પ્રકારે નિંદા કરી ત્યારે સતી ક્ષુબ્ધ થઈને યોગાગ્નિમાં કૂદી પડ્યાં.

શિવજીએ આ સમાચાર સાંભળીને ક્રોધિત થઈ ઉગ્રમૂર્તિ વીરભદ્રને દક્ષયજ્ઞનો વિનાશ કરવાનો આદેશ કર્યાે તથા પછીથી જ્યોતિર્મય સતીદેહને પોતાના ખભા પર લઈને શિવે ભૂમંડળ પર વિચરણ કરવાનો પ્રારંભ કર્યાે. સર્વત્ર હાહાકાર મચી ગયો. ઇન્દ્રાદિદેવ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને સતીના દેહની ગતિ માટે કોઈ ઉપાય શોધી કાઢવાનો અનુરોધ કર્યાે કે જેથી શિવજી દેવકાર્યમાં સંલગ્ન થાય.

વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા હર-સ્કંધ સ્થિત સતીના દેહના ટુકડે ટુકડા કરી દીધા. સતીનાં અંગ જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું. અહીંયાં સતીનું હૃદય પડ્યું હતું તેથી આ ધામને ‘હાર્દપીઠ વૈદ્યનાથ’ પણ કહે છે. પૃથ્વી પર આ એક એવું ધામ છે કે જ્યાં શક્તિપીઠ તથા જ્યોતિર્લિંગ એકી સાથે છેે.

Total Views: 525

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.