આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને તેમનાં લશ્કરોથી દેશને તરબોળ કરી દે, કોઈ પરવા નહીં. ઊઠો ભારત, અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વ પર વિજય મેળવ!

1947માં જ્યારે આપણને આઝાદી મળી હતી એ દિવસે આપણો ભારત દેશ એક દયનીય અવસ્થામાં હતો. સો વર્ષનું બ્રિટિશરાજ અને એ પહેલાં સતત થતાં રહેલ વિદેશી આક્રમણોએ ભારતની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી હતી. પણ મા ભારતીનો તેજોપ્રતાપ અને મહિમા અપરંપાર છે. આજે, આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે ફરીથી વિશ્વનું પ્રથમ હરોળનું રાષ્ટ્ર બની ચૂક્યા છીએ.

જે ગણ્યાગાંઠ્યા દેશોએ ચંદ્ર અને મંગળ ગ્રહ ઉપર વૈજ્ઞાનિક સંશોધન માટે અવકાશયાન મોકલ્યું છે એમાં આપણું નામ છે. હજુ ટૂંક સમય પહેલાં તો આપણી અર્થવ્યવસ્થા રોકડાં-નાણાં પર નિર્ભર હતી. પણ જેવો આપણે મોબાઈલ ફોન દ્વારા કેશ-લેસ-ઈકોનોમી (રોકડહીન અર્થવ્યવસ્થા) નો પ્રારંભ કર્યો કે તુરત જ સમગ્ર દેશે આ વ્યવસ્થા વધાવી લીધી. 2019માં UPI દ્વારા 9 લાખ કરોડનો વિનિમય થયો હતો. 2022માં આ જ આંકડો 85 લાખ કરોડને પહોંચવાની આશા છે. ફાર્માસ્યૂટીકલ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે અવ્વલ નંબરે છીએ. મોટા દેશોમાં આપણે જ એક એવા છીએ કે જેનો બૌદ્ધિક એક્સપોર્ટ અર્થાત્‌ સોફ્ટવેર સર્વિસ, ભૌતિક એક્સપોર્ટ અર્થાત્‌ મેન્યુફેક્ચરિંગ કરતાં વધુ છે. 1990ની આર્થિક કટોકટીના સમયે આપણું વિદેશી નાણાંનું ભંડોળ એટલું ઓછું થઈ ગયું હતું કે આપણે માત્ર પાંચ અઠવાડિયાં પૂરતી પેટ્રોલ અને ખાદ્ય સામગ્રી જેવી અતિ આવશ્યક વસ્તુઓ ઈમ્પોર્ટ કરી શકીએ એમ હતા. આજે આપણું ભંડોળ 600 બિલિયન ડોલરથી પણ વધુ છે.

સ્વામીજીનું કથન “પ્રાણશક્તિનું પ્રથમ પ્રત્યક્ષ પરિણામ છે વિસ્તાર. જો તમારે જીવવું હોય તો તમારે વિસ્તાર કરવો પડશે. જે ઘડીએ તમે વિસ્તૃત થતા બંધ પડ્યા, તે ઘડીએ જ તમારું મૃત્યુ આવ્યું સમજો…” (4.180) આપણે એ સત્ય સાબિત કરીને બતાવ્યું છે. જે ક્ષણે આપણી પ્રાણશક્તિ જાગૃત થઈ એ જ ક્ષણે આપણે સામાજિક અને આર્થનૈતિક વિસ્તાર આરંભી દીધો.

પરંતુ ભૌતિક વિકાસની આ હોડમાં આપણે સ્વામીજીનું એક બીજું વચન પણ યાદ રાખવાની જરૂર છે, “…બ્રહ્મચર્ય એ જ રાષ્ટ્રનો પ્રાણ છે. તમે ઇતિહાસમાં જોતા નથી કે રાષ્ટ્રના મૃત્યુની પહેલી નિશાની વ્યભિચાર છે? જેવો એ પ્રવેશ્યો, એવો જ સમજો કે પ્રજાનો અંત નજર સમક્ષ છે.” (2.344)

ભૌતિક સુખસમૃદ્ધિ રાષ્ટ્રના નિર્માણ માટે અતિ આવશ્યક છે. એ દ્વારા જ એક રાષ્ટ્ર વૈજ્ઞાનિકો, દાર્શનિકો, સાહિત્યકારો, રમતવીરો, સંગીતજ્ઞો, સાધુ-સંન્યાસીઓ, નૃત્ય અને કલાના તજ્‌જ્ઞોને કેળવણી આપી શકે છે, એમને પ્રોત્સાહન આપી શકે છે, અને તેઓ આર્થિક ચિંતામાંથી મુક્ત બની પોતપોતાના ક્ષેત્રમાં મન દઈને કાર્ય કરે એ સુનિશ્ચિત કરાવી શકે છે.

માનવપ્રજાના ઇતિહાસમાં એ જ રાષ્ટ્રોનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરાયો છે કે જેમણે સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, કળા, અને ધર્મના ક્ષેત્રમાં અતિ મૂલ્યવાન યોગદાન આપ્યું છે.

પરંતુ વ્યક્તિગત જીવનમાં ધનવૈભવ એક નશો બની જાય એ વાતનો એક મોટો ભય છે. ઇન્દ્રિય-સુખનો લોભ ગમે તેટલા સારા વૈજ્ઞાનિક કે દાર્શનિક કે સાધુ-સંતને ચિંતન અને સાધનાના ઉચ્ચ માર્ગેથી જમીન પર પછાડી શકે છે.

સ્વામીજી કહે છે કે, “…કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર આધ્યાત્મિકતામાં જેટલો આગળ હોય તેટલો તે વધારે સંસ્કારી ગણાય. પશ્ચિમની આજની સંસ્કૃતિ દિવસે દિવસે લોકોની જરૂરિયાતો અને હાડમારી વધારતી જાય છે, જ્યારે બીજી બાજુ લોકોને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ બતાવીને પ્રાચીન હિંદની સંસ્કૃતિ, ભલે તેની ભૌતિક જરૂરિયાતો કાયમને માટે દૂર ન કરી શકી, છતાં…નિઃસંશય સફળ થયેલી.” (8.391)

અહીં આધ્યાત્મિકતાની વ્યાખ્યા ઈશ્વરની આરાધના પૂરતી મર્યાદિત નથી. વૈશ્વિક વ્યાખ્યા અનુસાર આધ્યાત્મિક જીવન એટલે ઇન્દ્રિય-સંયમ અને ઉચ્ચ વિચારોનું સેવન. એક આધ્યાત્મિક વ્યક્તિ ધાર્મિક જીવનમાં જેટલી સફળ થશે, એટલી જ સફળ એ સાંસારિક જીવનમાં પણ થશે. એક સાચાે સાધુ સહજતાથી એક ઉચ્ચકોટિનાે વૈજ્ઞાનિક કે દાર્શનિક પણ બની શકે છે.

બીજા બધા ધર્મોમાં આધ્યાત્મિકતા અને બાકી બધાં ક્ષેત્રોમાં એક વિરોધાભાસ સર્જવામાં આવ્યો છે. માત્ર હિંદુ ધર્મમાં જ વિશ્વનો ત્યાગ નહીં પણ વિશ્વને આધ્યાત્મિકતાના રંગમાં રંગવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સ્વામીજી કહે છે, “સમસ્ત જગતને પ્રકાશની જરૂર છે; તેને માટે એ આશાભરી મીટ માંડી રહ્યું છે! એ પ્રકાશ કેવળ ભારતવર્ષની પાસે જ છે અને તે જાદુઈ જંતરમંતર કે ચાલાકીમાં નહિ, પણ સાચા ધર્મના હાર્દની અર્થાત્ સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યની મહત્તાનો ઉપદેશ આપવામાં.” (6.241)

બૌદ્ધ ધર્મના પ્રાદુર્ભાવ સમયે આપણે એક ગોથું ખાઈ ગયા. ભગવાન બુદ્ધે રાજ્યનો ત્યાગ કરી સંન્યાસ અપનાવ્યો, એટલે આપણે એમ સમજી બેઠા કે રાજ્ય-વહીવટ અને નિર્વાણપ્રાપ્તિ માટેની સાધના તદ્દન વિરોધાભાસી માર્ગો છે. આપણે ભૂલી ગયા કે રાજા જનકે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને રાજ્ય-વહીવટ સંભાળ્યો હતો. ઈશુ અને બુદ્ધનું નિરૂપણ ત્યાગી સંન્યાસીઓના રૂપમાં થયું છે પણ રામ અને કૃષ્ણે આત્મજ્ઞાનની અનંત મહિમામાં પ્રતિષ્ઠિત થઈ રાજ્ય પણ ચલાવ્યું હતું અને યુદ્ધ પણ કર્યું હતું.

સ્વામીજી કહે છે, “ઉચ્ચ આધ્યાત્મિક સત્યના પવિત્ર, સનાતન જળપ્રવાહથી જગતને વારંવાર તરબોળ કરનાર ધર્મસંસ્થાપકોએ અતિ પ્રાચીન કાળથી આ ભૂમિ પરથી જ આરંભ કર્યો હતો; પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહા જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને-જડવાદને આધ્યાત્મિક ઓપ આપનાર જુવાળનો આરંભ પણ હવે અહીંથી જ થવો જોઈએ.” (4.4)

બહુ થયું કે આપણે પશ્ચિમી આદર્શોથી અંજાઈ જઈ આધ્યાત્મિકતાના ભોગે આર્થનૈતિક, સામાજિક, અને રાષ્ટ્રિય વિકાસ સાધવાનો પ્રયાસ કરતા રહ્યા. હવે ચાલો, પાછા ફરીએ, એ રામ, કૃષ્ણ, રાજા જનક, અને આર્યભટ્ટની ભૂમિમાં, કે જ્યાં ધર્મ, વિજ્ઞાન, કળા, અને અર્થશાસ્ત્ર એકબીજાનાં પૂરક હતાં, નહીં કે વિરોધી.

સ્વામીજી કહે છે, “આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને તેમનાં લશ્કરોથી દેશને તરબોળ કરી દે, કોઈ પરવા નહીં. ઊઠો ભારત, અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વ પર વિજય મેળવ!” (4.184)

Total Views: 1,385

3 Comments

 1. Subodhchandra August 15, 2022 at 11:12 pm - Reply

  આપણાં દેશની મહત્તા અગાઉ કરતા અનેક ગણી વધે એવી શ્રધ્ધા સાથે ભારતનું ઘડતર થાય એ સંકલ્પ સાથે આગળ વધવા પ્રયત્નો કરીએ.

 2. Dabhi Lakhubhai .P. August 14, 2022 at 1:16 pm - Reply

  લેખ વાંચી ખૂબ આનંદ થયો,સ્વામીજીના અવતરણો વાંચી પ્રાચીન વારસો,આધ્યાત્મિકતા ની સમજ અઘ્યત્મિકતા જ દેશનો પ્રાણ છે અને એ અધ્યાત્મિકતાજ દેશ ને સફળતાનાં શિખરે પહોંચાડશે.
  આપને પ્રણામ.

 3. Deviben vyas August 4, 2022 at 1:40 am - Reply

  Jythakur jyma jyswamiji Maharaj khub smjva jevo Leah Maharaj swamiji ni deshbhkti thodik pn smjay to pn ghnu privrvtn aave thanku Maharaj aape lekh dvara chetana jagrit kri

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.