૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે.

૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું છે પણ બરફ જોયો નથી તે રીતે, ઘણા ધર્મગુરુઓએ ઈશ્વરના ગુણો વિશે માત્ર ચોપડીઓમાં વાંચ્યું છે પણ પોતે તેનો સાક્ષાત્કાર નથી કર્યો. ને બીજા કેટલાકે બરફ જોયો છે પણ ચાખ્યો નથી તેમ, કેટલાય ધર્મગુરુઓએ ઈશ્વરના ઐશ્વર્યનું દર્શન કર્યું છે પણ, એનું સાચું તત્ત્વ સમજી શક્યા નથી. માત્ર જેણે બરફ ચાખ્યો છે તે જ કહી શકે કે એ કેવો છે. એ જ રીતે, દાસ્ય, સખ્ય અને મધુર એમ વિવિધ ભાવે જેણે ઈશ્વરસેવન કર્યું છે તે જ ઈશ્વરના વિભિન્ન ગુણધર્મો વર્ણવી શકે.

૧૭૮. કોઈ માણસને એવો ખ્યાલ આવે કે પોતે નેતા છે અને પછી સંપ્રદાય સ્થાપે તો એનો ‘હું’ ‘કાચો’ છે. પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા પછી કોઈને ઈશ્વર તરફથી આદેશ મળે અને પછી ઉપદેશ દે તો, કશું નુકસાન નથી. પરીક્ષિતને ભાગવત કહેવાનો આવો આદેશ શુકદેવને મળ્યો હતો.

૧૭૯. ઘડો પૂરો ભરેલો હોય તો એ જરાય અવાજ નથી કરતો. એ જ રીતે ઈશ્વર સાક્ષાત્કાર પામેલ મનુષ્ય બહુ બોલ બોલ નથી કરતો. તો પછી નારદ અને એવા બીજાઓનું શું? હા, નારદ, શુકદેવ અને એવા બીજા થોડાક સમાધિ પ્રાપ્ત કર્યા પછી થોડાંક પગથિયાં નીચે ઊતરી આવ્યા હતા અને કરુણા તથા પ્રેમથી પ્રેરાઈ એમણે મનુષ્યજાતને બોધ આપ્યો.

૧૮૦. જગતમાં સિદ્ધ પુરુષોના બે પ્રકાર છે — જ્ઞાનપ્રાપ્તિ પછી મૂંગા થઈ જાય અને, બીજાનો કશો વિચાર કર્યા વિના પોતે મસ્તીમાં રહે તે એક પ્રકાર અને, જ્ઞાનપ્રાપ્તિ પછી, એનો લાભ એકલા પોતાના પૂરતો મર્યાદિત રાખવામાં આનંદ નહીં માણતાં, રણશિંગું ફૂંકી બધાને કહે છે: ‘અરે, આવો અને, અમારી સાથે સત્યનો આનંદ લૂટો.’

૧૮૧. વાયુ ચોમેર ફૂલોની સૌરભ ફેલાવે એટલે મધમાખીઓ આપોઆપ પ્રફુલ્લિત પુષ્પો પાસે જાય છે. મીઠાઈ હોય ત્યાં કીડીઓ જાતે જ દોડી આવે છે. મધમાખીને કે કીડીને નોતરાની જરૂર નથી. એટલે એક માણસ વિશુદ્ધ અને પૂર્ણ થાય છે ત્યારે, એના ચારિત્ર્યની સુગંધ ચોમેર ફેલાય છે અને, સત્યને શોધનાર સૌ કુદરતી રીતે એની ભણી ખેંચાય છે. એણે શ્રોતાઓની શોધમાં જવું પડતું નથી.

[હવે પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.