* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ. ‘આ લોકો ભગવાનના વ્યક્ત રૂપને માણે છે, અવ્યક્તને નહીં,’ એમ બોલી તમારે ખભા હલાવવા જોઈએ નહીં. અને તેમને ધિક્કારવા જોઈએ નહીં કે; તેઓ ખ્રિસ્તી, હિંદુ કે મુસલમાન છે, માટે ખરાબ લાગણી સેવવી જોઈએ નહીં. ઈશ્વર ઇચ્છે છે તેટલું જ માનવી તેને સમજી શકે છે.

વળી, માનવીઓની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે એ જાણ્યા પછી એમની સાથે ભળી શકો એટલા તમારે ભળવું જોઈએ. તમારે સહુ પર સ્નેહ રાખવો જોઈએ. પછી ખાસ (હૃદયમાં) તમે આનંદ પામી શકશો, ત્યાં તમારું સાચું સ્વરૂપ દેખાશે.

* દરેકે પોતાના ધર્મને અનુસરવું; ખ્રિસ્તીએ ખ્રિસ્તી ધર્મને અને મુસલમાને ઇસ્લામને. હિંદુઓ માટે આર્ય, ઋષિઓનો જૂનો માર્ગ ઉત્તમ છે.

* ધર્મનું સત્ય રીતે પાલન કરનારે સમજવું જોઈએ કે બીજા ધર્મો પણ સત્યને પામવાના ભિન્ન ભિન્ન પંથો છે. બીજા ધર્મો પ્રત્યે આદર દાખવવો.

* વિવાદ નહીં કરો. તમારી આસ્થામાં તમે સુદૃઢ હો તે રીતે, બીજાઓ-ને પણ પોતાની શ્રદ્ધામાં અને મતમાં દૃઢ રહેવાની છૂટ હોવી જોઈએ. માત્ર વિવાદ કરીને તમે બીજાને એની ભૂલની ખાતરી નહીં કરાવી શકો. ઈશ્વરની કૃપા ઊતરતાં સૌ પોતાની ભૂલો સમજી શકશે.

* એક દિવસે પ્રભુમસ્તીમાં મસ્ત હાલતમાં ઠાકુર ભવતારિણી સાથે વાતો કરતા હતા: ‘મા, દરેક માણસ કહે છે, ‘મારી ઘડિયાળ જ સાચો સમય કરે છે.’ ખ્રિસ્તીઓ, હિંદુઓ, મુસલમાનો સૌ કહે છે, ‘મારો ધર્મ જ સાચો છે.’ પણ, મા, કોઈની ઘડિયાળ ચોક્કસ સમય બતાવતી નથી. પણ, કોઈ તને વ્યાકુળ હૃદયથી પોકારે તો એ તારી કૃપાથી તને પામે જ, પછી એનો ધર્મ ગમે તે હોય.

* ઊંચી આધ્યાત્મિક સિદ્ધિવાળી કેટલીક વ્યક્તિઓને શાક્તો અને વૈષ્ણવોના ગુહ્યાચાર આચરતા જોઈ ઠાકુરના કેટલાક કટ્ટર નીતિવાદી શિષ્યોએ વાંધો ઉઠાવ્યો કારણ, એ આચારો નીતિના દૃઢ નિયમોનો ભંગ કરતા હતા. ઠાકુર એમને કહેતા: ‘એમનો દોષ ન જુઓ. કારણ, પોતે જે પંથે વિચરે છે તે ઈશ્વર સમીપ લઈ જાય છે એની પાકી ખાતરી તેમને છે. ઈશ્વરને પામવાના માર્ગ તરીકે કોઈ અમુક માર્ગને ઉત્કટતાપૂર્વક માને તો તેનો દોષ નહીં કાઢવો. કોઈ સાધકના વલણની ઘૃણા ન કરવી કારણ, નિષ્ઠાથી અનુસરાયેલું પ્રત્યેક વલણ ચોક્કસ ઈશ્વર પાસે જ લઈ જાય છે. બધી વૃત્તિઓની પૂર્તિ ઈશ્વરમાં જ થાય છે. તમારી પોતાની રીતે ઈશ્વરને સાદ કરો અને બીજાના પંથની નિંદા ન કરો તેમ જ, એને અપનાવો નહીં.’

* ગુપ્ત સાધનામાર્ગો પ્રત્યેના પોતાના શિષ્યોના વિરોધને દૂર કરવાના હેતુથી, એ માર્ગો વિશેના પોતાના અભિપ્રાયને આ રીતે વ્યક્ત કરતા: ‘વારુ, એ પંથો માટે તમારે શા માટે તિરસ્કાર સેવવો જોઈએ? ગંદા હોય તોયે એ માર્ગો સાચા છે. એક ઘરને ઘણા દરવાજા હોઈ શકે – આગળનો દરવાજો, પાછળનો દરવાજો અને, ઘરનાં જાજરૂ વગેરે સાફ કરવા આવનાર મહેતર માટેનો દરવાજો પણ. આ બધા ગુપ્ત પંથો આ છેલ્લા પ્રવેશદ્વાર જેવા સમજો. માણસ ગમે તે દરવાજેથી દાખલ થાય પણ, એક વાર ઘરમાં દાખલ થયા પછી, એ બીજાઓ પહોંચે છે તે જ સ્થાને પહોંચે છે. તેથી શું તમે એ લોકોને અનુસરશો અને એમની સાથે હળશો-મળશો? ચોક્કસ નહીં. પણ એમને ધિક્કારવાની જરૂર નથી.’

( ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી )

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.