ભારતના રાષ્ટ્રપતિશ્રી ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે હૈદરાબાદમાં તાજેતરમાં જ આપેલા વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

ભાવિ ભારત વિશે મારી નજર સમક્ષ ત્રણ દર્શનો આવે છે. આપણા ૩૦૦૦ વર્ષના ગતઇતિહાસકાળમાં વિશ્વભરમાંથી લોકો આવ્યા, આપણા પર આક્રમણો કર્યાં, આપણી ભૂમિ પર વિજય મેળવ્યો અને આપણને બૌદ્ધિક રીતે પણ જીતવાનો પ્રયત્ન કર્યો. સિકંદરથી માંડીને શક, હૂણ, ગ્રીક, તૂર્કો, મોગલ, પોર્ટુગિઝ, અંગ્રેજો, ફ્રેંચ, ડચ, વલંદા – આ બધા લોકોએ આપણે ત્યાં આવી એમણે એક લૂટ ચલાવી અને આપણું જે કંઈ હતું તે લઈ લીધું – ઝૂંટવી લીધું. આપણા રાષ્ટ્રે આવું ક્યાંય કર્યું નથી. આપણે બીજા રાષ્ટ્ર પર વિજય મેળવવાનો પ્રયત્ન કર્યો નથી. આપણે બીજાની ભૂમિ, સંસ્કૃતિ – સભ્યતા કે ઇતિહાસને હડફી લીધાં નથી. આપણી જીવનરીતિને કોઈ પ્રજા પર લાદવાનો પ્રયત્ન કર્યો નથી, શા માટે? કારણ કે આપણે હંમેશાં બીજાની આઝાદીને સન્માનીએ છીએ. એટલા માટે જ મારાં ભાવિ ભારતના ત્રણ દર્શનોમાં પહેલું દર્શન છે: આ આઝાદીની ભાવના. હું માનું છું કે ભારતને આ પ્રથમ દર્શન ૧૮૫૭માં આઝાદીની લડત શરૂ કરતી વખતે લાધ્યું હતું. આ એ જ આઝાદી છે કે જેને આપણે સંરક્ષવી જોઈએ, સંવર્ધિત કરવી જોઈએ. જો આપણે મુક્ત નહિ હોઈએ તો આપણા પ્રત્યે કોઈ સન્માન નહિ રાખે.

ભારત વિશેનું મારું બીજું દર્શન છે : વિકાસ. છેલ્લા પચાસ વર્ષોથી આપણો દેશ એક વિકસતું રાષ્ટ્ર રહ્યું છે. હવે આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો, આપણી જાતને વિકસિત પ્રજા તરીકે ઉપસાવવાનો સમય પાકી ચૂક્યો છે. જી.ડી.પી.ની દૃષ્ટિએ વિશ્વમાં આપણે આજે મોખરાના પાંચ રાષ્ટ્રોમાં ગણાઈએ છીએ. મોટા ભાગનાં ક્ષેત્રોમાં ૧૦% જેટલો વિકાસ દર આપણા રાષ્ટ્રમાં જોવા મળે છે. આપણી ગરીબાઈનું ધોરણ પણ હવે સુધર્યું છે. આપણી સિદ્ધિઓ હવે વૈશ્વિક સ્તરે પોતાની આગવી પહેચાન ઊભી કરતી થઈ છે. છતાંય આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર, સ્વાવલંબી રાષ્ટ્ર, નિશ્ચયાત્મક રાષ્ટ્ર રૂપે ઉપસાવવામાં આપણામાં હોવી જોઈતી આત્મશ્રદ્ધાનો અભાવ છે. શું આ ખોટું થતું નથી?

મારું ભાવિ ભારત વિશેનું ત્રીજું દર્શન છે : ભારતે વિશ્વમાં શ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે ઊભરવું જોઈએ. જો ભારત વૈશ્વિક સ્તરે એક શ્રેષ્ઠ રાષ્ટ્ર રૂપે નહિ વિકસે તો આપણને ક્યાંયથી આદરમાન મળશે નહિ. સામર્થ્ય જ સામર્થ્યને આદરમાન અર્પે છે. આપણે માત્ર લશ્કરી દૃષ્ટિએ જ સશક્ત બનવું ન જોઈએ પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ એટલા જ સશક્ત બનવું પડશે. આ બંને પ્રક્રિયાઓ એકી સાથે ચાલવી જોઈએ. મારું એ સદ્‌ભાગ્ય રહ્યું છે કે મેં ભારતની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાઓ સાથે કામ કર્યું છે. અવકાશક્ષેત્રના તજ્‌જ્ઞો ડો.વિક્રમ સારાભાઈ, પ્રો. સતીષ ધવન, અણુ સાધન સામગ્રીના પિતા સમા ડો. બ્રહ્મપ્રકાશ જેવા વિજ્ઞાનમનીષિઓ સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે. આમાંના ત્રણ સાથે મને નિકટતાથી કામ કરવાનો અવસર મળ્યો એને હું મારું મોટું સદ્‌ભાગ્ય ગણું છું.

મારી કારકીર્દીમાં મેં ચાર સીમાસ્તંભો જોયા છે: (૧) ‘ઈસરો’માં મેં ૨૦ વર્ષ ગાળ્યાં છે. એસએલ-વી૩ ભારતના આ પ્રથમ સેટેલાઈટ લોંચ વ્હીકલના (જેના દ્વારા રોહિણીને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો) પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મને કામ કરવાની તક આપવામાં આવી હતી. આ વીસ વર્ષોએ મારા વૈજ્ઞાનિકજીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

(૨) ઈસરો પછી હું ડી.આર.ડી.ઓ. (સંરક્ષણ ખાતાનું સંશોધન ક્ષેત્ર)માં જોડાયો. આને લીધે ભારતના મીસાઈલ કાર્યક્રમમાં જોડાવાની મને તક મળી. ૧૯૯૪માં ‘અગ્નિ’ મીસાઈલના સફળ પ્રયાણ પ્રયોગ એ મારા જીવનની બીજી આનંદઘડી હતી.

(૩) ૧૧ મે અને ૧૩ મેના તાજેતરના અણુપ્રયોગોની સફળતા એ અણુશક્તિવિભાગ અને સંરક્ષણખાતાના સંશોધનવિભાગનું ભવ્ય અને સહિયારું મહાન કાર્ય હતું. મારા જીવનની આ ત્રીજી પરમાનંદની પળ હતી. આ કાર્યમાં મારી ટુકડી સાથે કાર્ય કર્યાનો અને ભારત પણ આવું કરી શકે છે અને હવે ભારત વિકસતું રાષ્ટ્ર નથી રહ્યું પરંતુ એ પણ વિશ્વના મહાન રાષ્ટ્રો જેવું વિકસિત રાષ્ટ્ર છે, એ વિશ્વને બતાવી આપવાનો આનંદ હતો. આ કાર્યથી એક ભારતીય તરીકે હું ખૂબ ગર્વ અનુભવું છું. આપણે તાજેતરમાં જ અગ્નિ માટે રીએન્ટ્રીસ્ટ્રક્ચર વિકસાવ્યું છે અને એના માટે આ નવું મટીરિયલ વિકસાવ્યું છે એ હવે એક હકીકત બની ગઈ છે. આ હળવું મટીરિયલ કાર્બન-કાર્બનને નામે જાણીતું છે.

(૪) નિઝામ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી હાડકાના સર્જન મારી પ્રયોગશાળાની મુલાકાતે આવ્યા. એમણે આ પદાર્થ (કાર્બન-કાર્બન)ને ઉપાડ્યું અને એને એ એટલું બધું હળવું લાગ્યું કે તે મને તેમની હોસ્પિટલે લઈ ગયા અને એમના દર્દીઓ બતાવ્યાં. આ હોસ્પિટલમાં નાનાં છોકરા અને છોકરીઓ હતા. એમના પગે ભારે વજનવાળું ધાતુનું ટેકણ હતું અને આ બાળકો પોતાના પગને આ વજનને કારણે ઢસળીને ચાલતા હતા. તેમણે મને કહ્યું: ‘મારા આ દર્દીઓના દુ:ખને દૂર કરવામાં મદદરૂપ બનો.’ ત્રણ અઠવાડિયામાં ૩૦૦ ગ્રામ વજનની પગની ટેકણ ફલોર રિએક્શન ઓર્થોસિસ બનાવી આપી અને એ લઈને અમે ઓર્થોપેડિક સેન્ટરમાં ગયા. બાળકોને માટે તો આ એક આશ્ચર્ય જેવું બની ગયું. પહેલાં તો ત્રણ કિલોના વજન સાથે તેઓ પોતાના પગ દ્વારા ઢસડાતા હતા એને બદલે હવે તેઓ આરામથી ગોળ ગોળ ફરી પણ શકતા! એમના મા-બાપની આંખમાં હર્ષના અને ઋણસ્વીકારના આંસું છલકી ઊઠ્યાં. આ હતું મારું ચોથું આનંદપર્વ.

અહીં આપણા દેશમાં જનસમૂહ માહિતી માટેના સાધનો આટલાં બધાં અભાવાત્મક વિચારોવાળા કેમ હશે? ભારતમાં આપણી પોતાની શક્તિમત્તા, અને આપણી પોતાની સિદ્ધિઓને ઓળખવામાં આપણે આટલા બધા શા માટે મુંઝાઈએ છીએ? આપણી પાસે પણ અચંબામાં નાખી દેતી સફળતાની ઘણી વાતો છે પણ આપણે એને ઓળખવાનો, એને લોકો સમક્ષ મૂકવાનો ઈન્કાર કરીએ છીએ. આવું શા માટે? દૂધ ઉત્પાદનમાં આપણું રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર છે. આપણી પાસે ઘણા રિમોટ સેન્સીંગ સેટેલાઈટ છે. ઘઉંના ઉત્પાદનમાં આપણું રાષ્ટ્ર વિશ્વમાં બીજા નંબરે આવે છે. ચોખામાં પણ આપણે આવું જ સ્થાન ધરાવીએ છીએ. ડો. સુદર્શન તરફ નજર નાખો, એમણે આદિવાસી ગામડાને સ્વાવલંબન અને પોતાની મેળે જ સર્વસંચાલન કરતું ગામડું બનાવી દીધું છે. આવી તો લાખો સિદ્ધિઓ હશે. પણ, આપણા જાહેર પ્રચાર-પ્રસારનાં સાધનોને તો માત્ર અભાવાત્મક અને મૂઆના સમાચારો, આપણી નિષ્ફળતાઓ અને આપણી આપત્તિઓની જ પડી છે! 

હું એક વખત તેલઅવીવમાં ઈઝરાયલના સમાચારપત્રો વાંચતો હતો. આગલે દિવસે કેટલાય લશ્કરી આક્રમણો, બાઁબમારા, ઘાતક હુમલા વગેરે થયા હતા અને ઘણા માણસો મૃત્યુ પામ્યા હતા. આ બધા હુમલા હમાઝ નામની આતંકવાદી સંસ્થાએ કર્યા હતા. પણ એ સમાચારપત્રના મુખ્ય પૃષ્ઠ પર એક યહૂદી સદ્‌ગૃહસ્થે પાંચ વર્ષમાં વેરાન રણ પ્રદેશની ભૂમિને રંગબેરંગી ફૂલોવાળાં ફૂલછોડ, શતાવરી અને ધાન્ય ઉપજાવતો પ્રદેશ બનાવી દીધો. આ સદ્‌ગૃહસ્થનું ચિત્ર પણ સાથે હતું. આ પ્રેરકચિત્ર સૌ કોઈને જગાડી દે તેવું હતું. અંદરના પાના પર મારામારીની, બાઁબમારાની, ભીષણ હત્યાકાંડની વગેરે વાતો હતી. ભારતમાં, આપણે ત્યાં તો પ્રથમ પાને કે છેલ્લા મુખ્ય પાને મૃત્યુ, માંદગી, આતંકવાદ, ગુન્હાખોરી, લાંચ-રિશ્વતખોરીની જ વાતો હોય છે! આપણે આટલા બધા નકારાત્મક વિચારવાળા કેમ છીએ? એક બીજો પણ પ્રશ્ન છે – એક રાષ્ટ્ર કે પ્રજા તરીકે આપણને બધાને પરદેશી ચીજવસ્તુની આટલી બધી આસક્તિ કેમ રહે છે? આપણને સૌને તો વિદેશનું ટીવી, વિદેશના ખમીસ ગમે, પરદેશની ટેક્નોલોજીની આપણે જરૂર છે, વિદેશમાંથી આયાત કરેલી દરેક બાબતો પ્રત્યેની આપણી આ ધૂન શા માટે છે? સ્વાવલંબન કે સ્વાશ્રય સાથે જ સન્માન રહે છે, એ વાતનો આપણને અનુભવ થતો નથી શું? હું હૈદરાબાદમાં એક વખત વ્યાખ્યાન આપતો હતો ત્યારે એક ચૌદ વર્ષની બાળકીએ મને ઓટોગ્રાફ-હસ્તાક્ષર કરી આપવા વિનંતી કરી. મેં બાળકીને પૂછ્યું: ‘બહેન, તારું જીવનધ્યેય શું છે?’ તેણે જવાબમાં કહ્યું: ‘હું વિકસિત ભારતમાં જીવવા માગું છું.’ એ બાળકી માટે તમારે અને મારે આ વિકસિત ભારતની સંરચના કરવી પડશે. તમારે ઉદ્‌ઘોષણા કરવી પડશે : ભારત વિકાસશીલ કે અવિકસિત રાષ્ટ્ર નથી પરંતુ, એ ઉચ્ચકક્ષાએ વિકસિત રાષ્ટ્ર છે. મને પેલી ઝેરેલીવૃત્તિ સાથે વાત કરવા દો :

તમે કહો છો કે આપણી સરકાર કાર્યક્ષમ નથી. તમે કહો છો કે આપણા કાયદાઓ જૂનાપુરાણા થઈ ચૂક્યા છે. તમે એમ પણ કહો છો કે આપણી નગરપાલિકા કચરો-ગંદકી ઉપાડતી નથી. તમે એમ પણ કહો છો કે આ ફોન કામ કરતો નથી, રેલગાડી તો મશ્કરીરૂપ છે, વળી એરલાયન્સ તો દુનિયામાં સૌથી ઊતરતી કક્ષાની છે. ટપાલ વગેરે તો એના મૂળ સ્થળે ક્યારેય પહોંચતા જ નથી. ‘આપણો દેશ સાવ નકામો, નમાલો છે, નિ:સત્ત્વ છે’ તમે આમ તેમ ઘણું કહો છો, કહ્યે રાખો છો. પણ તમે આ બધા વિશે શું કરો છો?

ધારો કે કોઈ ભારતીય સિંગાપુરની યાત્રાએ જાય છે. ધારો કે તે તમે ‘પોતે’ જ છો. તેને તમે તમારો ચહેરો, તમારું નામ આપો. તમે જેવા સિંગાપુરના વિમાનમથકેથી બહાર નીકળો કે તરત જ તમારો રૂઆબ, માનમોભો એક આંતરરાષ્ટ્રિય વ્યક્તિનો બની જાય છે. સિંગાપુરમાં તમે બીડી-સિગારેટનાં ઠૂંઠાં રસ્તા પર ન ફેંકી શકો અને સ્ટોરમાં ખાઈ પણ ન શકો. તમે ત્યાંના અત્યંત આધુનિક સબ-વે (ભૂગર્ભ માર્ગ) જોઈને એક સિંગાપુરવાસીના જેટલો જ ગર્વ અનુભવશો. તમે પાંચ ડોલર, એટલે કે આશરે ૬૦ રૂપિયા ભરો અને સાંજના પાંચથી રાતના આઠ વચ્ચે ઓચાર્ડ રોડ (જે માહિમ કોઝવે કે પેડર રોડ જેટલો લાંબો છે) પર મોટરયાત્રા કરી શકો. તમે ગમે તેવા મોભાદારો હો છતાં પણ જો તમે કોઈ ખરીદી કેન્દ્ર પર કે રેસ્ટોરાંમાં વધારે વખત રોકાણ કર્યું હોય તો જ્યારે તમે પાર્કિંગ લોડ પર પાછા આવો ત્યારે તમારે તમારી પાર્કિંગ ટિકિટને પંચ કરાવવાની હોય છે. અને તમે એ ટિકિટ કશુંય બોલ્યાચાલ્યા વિના પંચ કરાવો છો. સિંગાપુરમાં તમે કંઈ બોલી શકતા નથી, બોલી શકો છો ખરા?

દુબઈમાં તમે રમઝાનમાં જાહેરમાં ખાઈ શકવાની હિંમત ન કરી શકો. ઝેદ્દાહમાં તમારા માથાને ઢાંક્યા વિના તમે બહાર ન નીકળી શકો. દસ-પાઉન્ડ એટલે કે ૬૫૦ રૂપિયા દર મહિને બક્ષિસ કે લાંચ આપીને ‘ભાઈ, તું આટલું જોજેને કે મારા એસ.ટી.ડી. અને આઈ.એસ.ડી. કોલ કોક બીજાના ફોનના ચાર્જમાં ચડે’ લંડનના ટેલિફોન એક્સચેંજના કોઈ પણ કર્મચારીને તમે ખરીદવાની હિંમત પણ ન કરી શકો. વોશિંગ્ટનમાં ૮૮ કિ.મી.થી વધુ ઝડપે વાહન ચલાવીને પેલા ટ્રાફિક પોલિસને ‘જાનતા હૈ સાલા, મેં કૌન હૂં. હું ફલાણાનો દીકરો છું. તમારા બે-પાંચ લઈ લો અને જવા દો ને’ એમ કહેવાની હિંમત નહિ કરી શકો. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડના બીચ પર નાળિયેર પાણી પીને પછી ખાલી નાળિયેર કચરાપેટી સિવાય બીજે ક્યાંય તમે નહિ ફેંકો. ટોકિયોની શેરીઓમાં પાનની પીચકારી મારવાની તમે હિંમત કેમ નથી કરતા? બોસ્ટનમાં જો તમે હો તો પરીક્ષામાં છેતરપીંડીની રીતો કેમ અજમાવતા નથી? અને બોગસ સર્ટિફિકેટ કેમ ખરીદતા નથી? આપણે હજીયે પેલા ‘તમે’ની વાત કરીએ છીએ. ‘તમે’ કે જે બીજા દેશોમાં વિદેશી પદ્ધતિ-વર્તન-રીતભાતોને સ્વીકારો છો પણ તમારા પોતાના ભારત દેશમાં આ શિસ્ત-રીતભાતો-વર્તનોને કેમ આચરણમાં મૂકતા નથી. તમે જેવા ભારત ભૂમિ પર પાછા ફરીને ઊતરો છો કે તરત જ કાગળના ટૂકડા, પાનની પિચકારીઓ અને સિગારેટના ઠૂંઠાં ફેંકવા માંડશો. જો તમે પરદેશમાં ત્યાંના કાયદા-કાનૂન, વ્યવસ્થા, રીતભાતને માન આપતા હો તો અહીં ભારતમાં આવીને એવું વર્તન – શિસ્ત કેમ જાળવી શકતા નથી? એક વખત એક મુલાકાતમાં મુંબઈના નિવૃત્ત મ્યુનિ. કમિશ્નર શ્રીતિનૈકર સાથે વાતચીત થઈ ત્યારે એમણે એક મુદ્દો કહ્યો : ‘પૈસાદાર લોકોના કૂતરાં આ શેરી પર ચાલે છે અને અહીં તહીં પોતાની હગાર છોડી જાય છે. આ જ લોકો પાછા તંત્રની ટીકા કરે છે અને તંત્રની કાર્યક્ષમતાના અભાવ તેમજ રાહદારીને ચાલવાની ગંદી પગથીઓ વિશે ટીકાભરી વાતો કરે છે. તેઓ અધિકારીઓ પાસે શું શું કરવાની અપેક્ષા રાખતા હશે? શું દરરોજ સાવરણા લઈને મંડી પડવાનું ઇચ્છતા હશે? અમેરિકામાં દરેકેદરેક કૂતરાંના માલિકે પોતાના પાલતુ કૂતરાંની આવી ગંદકી પોતે સાફ કરવી પડે છે. જાપાનમાં પણ આવું જ છે. શું ભારતના લોકો અહીં આવું કરશે ખરા?’ તિનૈકરની વાત સાચી છે. આપણે સરકારની પસંદગી કરવા માટે મત આપીએ છીએ અને ત્યાર પછી બધી જવાબદારીઓ ખંખેરી નાખીએ છીએ. આપણે તો પાછલી સીટે બેસીને કોક આપણને લાડ લડાવે અને સરકાર આપણા માટે બધું જ કરી લે એવી અપેક્ષા સેવીએ છીએ, જ્યારે રાષ્ટ્રને આપણું પ્રદાન તદ્દન નહિવત્‌ જેવું અને અભાવાત્મક હોય છે. આપણે તો તંત્ર કે સરકાર બધી સાફ-સફાઈ કરે એવી અપેક્ષા રાખીએ છીએ અને સાથે ને સાથે શેરીઓ ગલીઓમાં સર્વત્ર કચરાનો ઢગલો કરતાંય અટકતાં નથી. રસ્તા પર પડેલા કોઈ એક કાગળના ટૂકડાને ઉપાડીને કચરા ટોપલીમાં ફેંકતા નથી. રેલવેતંત્ર સ્વચ્છ બાથરૂમ પૂરાં પાડે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ, પણ આપણે એ બાથરૂમનો ઉપયોગ કેમ કરવો તે શીખવાનો પ્રયત્ન પણ કરતા નથી. ઈન્ડિયન એરલાયન્સ અને એર ઇન્ડિયા આપણને ઉત્તમ ભોજન વ્યવસ્થા અને બાથરૂમની સુવિધાઓ આપે એમ ઇચ્છીએ છીએ. પરંતુ, નાની નાની ચીજવસ્તુઓની ચોરી કરી લેવાની એક પણ તક આપણે જવા દેતા નથી. આ બધું કર્મચારીગણને પણ લાગું પડે છે કે જેઓ લોકોને પૂરતી અને સારી સેવાઓ આપતા નથી. આપણા સમાજની સળગતી સમસ્યાઓ જેવી કે નારીજગતને લગતી દહેજપ્રથા અને બાળકી ન હોવી જેવી સમસ્યાઓ જોઈએ છીએ ત્યારે આપણા દીવાનખાનામાં તેના વિશે ઉગ્ર અને આક્રમક સૂચન-કથન-વિરોધ રજૂ કરીએ છીએ પરંતુ આચરણ તો એનાથી તદ્દન જુદું જ હોય છે. આ માટે આપણાં બહાના તો જુઓ : ‘શું કરીએ, આખી જીવનપદ્ધતિ – સમાજપદ્ધતિ બદલવી પડે! આપણામાંથી હું એકલો જ મારા પુત્રને મળતા દહેજનું પરિણામ સ્પષ્ટ રીતે જોઉં અને વિરુદ્ધમાં જઉં તો એમાં શું વળવાનું છે?’ તો પછી આ રીતરિવાજોને બદલશે કોણ? આ રીતરિવાજો શેના બનેલા છે, શા માટે બનેલા છે? આ બધું આપણા પડોશીઓ, બીજા ગૃહસ્થો, બીજા શહેરો, બીજા સમાજો અને સરકાર કે સંચાલન તંત્રનું બનેલું છે. પરંતુ એ મારા કે તમારા માટે નથી. જ્યારે ભાવાત્મક-રચનાત્મક પ્રદાનનો સમય આવે છે ત્યારે આપણે આપણા કુટુંબ સાથે કોઈ સલામત કોશેટામાં બેસી જઈએ છીએ, બંધ કરીએ છીએ અને દૂરદૂર રહેલા દેશ કે પ્રજા તરફ દૃષ્ટિ રાખીએ છીએ. આપણે એવી અપેક્ષા પણ રાખીએ છીએ કે શ્રીમાન સુંદર અહીં આવે અને પોતાના હાથમાંની જાદુઈ સાવરણીથી કંઈક જાદુઈ ચમત્કારભર્યું કામ કરી જાય! અથવા આપણે દેશ છોડીને ભાગી જઈએ છીએ. ચારે બાજુ ભય વિટંબણાથી ઘેરાયેલા કોઈ પ્રમાદી, કાયર, બાયલાની જેમ આપણે અમેરિકા દોડી જઈએ છીએ અને એ દેશની ગૌરવગરિમા અને તેની રીતરસમની પ્રશંસાના ગીત ગાવા મંડી જઈએ છીએ. જ્યારે ન્યુયોર્ક અસહિસલામત શહેર બની જાય ત્યારે આપણે ઈંગ્લેન્ડ દોડી જઈએ છીએ અને જ્યારે ઈંગ્લેન્ડમાં કામધંધો-નોકરી-રોજગાર ન મળે ત્યારે બીજી જ ફ્‌લાઈટમાં આપણે ગલ્ફના દેશોમાં ચાલ્યા જઈએ છીએ. અને ગલ્ફમાં જ્યારે લડાઈ ભડકી ઊઠે ત્યારે આપણે ભારતની સરકાર પાસે બચાવવાની માગણી કરીએ છીએ અને ભારતની સરકાર આપણને પાછા વતનમાં લાવે છે.

દરેકેદરેક નાગરિક દેશને ભાંડવા માટે અને બળજબરીથી બધું દેશમાંથી લૂટી લેવા માટે તૈયાર છે. કોઈ આ પ્રણાલીને સારી સમૃદ્ધ બનાવવાનું વિચારતું નથી. આપણે અંતરાત્માને ધનદોલત માટે ગિરવે મૂકી દીધો છે. મિત્રો, આ વક્તવ્ય કે લેખ એ પ્રત્યક્ષ પ્રમાણ પર નિર્ધારિત વિચારોવાળો છે. એ ઘણું અંતર્નિરીક્ષણ કરવાનું આહ્‌વાન કરે છે. તે કોઈનાય અંતરાત્માને ખૂંચે અને કાર્ય કરવા પ્રેરે એવો છે. હું અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જે.એફ. કેનેડીના શબ્દોનો પ્રતિઘોષ આપણા ભારતીયોને સંબોધીને કરું છું: ‘આપણે ભારત માટે શું કરી શકીએ એ વિશે પૂછો અને અમેરિકા અને બીજા પશ્ચિમના રાષ્ટ્રો આજે જે છે એ શ્રેષ્ઠ પરિસ્થિતિએ ભારતને મૂકવા માટે આપણાથી બનતું બધું આપણે કરી છૂટીએ.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.