* સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે તે ઈશ્વરને તરત જ પામે છે.

* સંસારમાં રહેવું કે સંસારનો ત્યાગ કરવો તે ઈશ્વરની ઇચ્છા પર અધીન છે. માટે, બધું એને સોંપી કર્મ કરો. બીજું તમે શું કરી શકો?

* ખુલ્લા ખેતરમાં છીછરા ખાડામાંનું પાણી, કોઈ વાપરે નહીં તોપણ, તરત સુકાઈ જશે. એ રીતે, ઈશ્વરની કરુણાને અને કૃપાને બધું સોંપી દઈને પાપી માણસ પણ કદીક વિશુદ્ધ થઈ જાય છે.

* પ્ર: આ સંસારમાં મુકાયા પછી અમારે શું કરવું?

ઉ: બધું એને સોંપી દો, તમારી જાત એને સમર્પિત કરી દો પછી તમારે કશી તકલીફ ઉઠાવવી નહીં પડે. પછી તમે સમજી શકશો કે બધું એની ઇચ્છા પર જ આધારિત છે.

* ‘બ-કલમ’ (મુખત્યારનામા) કરતાં બીજો કોઈ વધારે સહીસલામત અને સરળ માર્ગ નથી. અહીં ‘બ-કલમ’નો અર્થ છે એ સર્વશક્તિમાનની ઇચ્છાને અધીન પોતાની જાત સમર્પિત કરી દેવી અને ‘મારું કાંઈ નથી’ તેવો ભાવ અનુભવવો.

* વાંદરી હલનચલન કરતી હોય ત્યારે એનું બચ્ચું માને શરીરે વળગી રહે છે. એથી ઊલટું, બિલાડીનું બચ્ચું ‘મિયાઉ’, ‘મિયાઉ’ કરતું પડ્યું રહે છે અને એની મા એ બચ્ચાને ડોકથી પકડી લઈ જાય છે. વાંદરીનાં બચ્ચાની પકડ છટકી જાય તો, એ નીચે પડી ઇજા પામે છે. કારણ, એ પોતાની શક્તિ ઉપર આધાર રાખે છે. પણ બચોળિયાને એવો ભય નથી કારણ, મા જાતે જ એને ફેરવાફેરવ કરે છે. આત્મનિર્ભરતા અને ઈશ્વરની ઇચ્છાને સર્વસમર્પણ વચ્ચે આ તફાવત છે.

* એક બાપ પોતાના બે દીકરાઓ સાથે ખેતરમાંથી જઈ રહ્યો હતો. એકને એણે પોતાની કાંખમાં તેડ્યો હતો, અને બીજો દીકરો બાપની આંગળી પકડીને ચાલતો હતો. એમણે એક પતંગ ઊડતો જોયો. આંગળી પકડીને ચાલતા દીકરાએ બાપનો હાથ છોડી, તાળી પાડી અને બોલ્યો, ‘જુઓ, બાપા, પતંગ ઊડે!’ પણ એ તરત ગડથોલિયું ખાઈ ગયો અને એને વાગ્યું, બાપે જેને તેડ્યો હતો તે છોકરાએ પણ તાળી પાડી પણ, એ પડ્યો નહીં કારણ, એને એના બાપે તેડી રાખ્યો હતો. આંગળી પકડીને ચાલતો દીકરો આધ્યાત્મિક બાબતોમાં સ્વાશ્રય બતાવે છે અને બીજો ઈશ્વરને જાતનું સમર્પણ બતાવે છે.

* શ્રીમતી રાધાને એક વાર પોતાનાં સતીત્વની કસોટી દેવી પડી. સહસ્ર છિદ્રોવાળા ઘડામાં પાણી ભરી લાવવાનું એને કહેવામાં આવ્યું. પાણીનું એક પણ ટીપું પાડ્યા વિના ઘડો ભરી લાવવામાં એ સફળ થઈ અને સૌએ એને વધાવતાં કહ્યું કે, ‘આવી સતી ન ભૂતો ન ભવિષ્યતિ.’ એટલે રાધાએ કહ્યું, ‘મારાં વખાણ શા માટે કરો છો? એને બદલે કહો કે, ‘જય હો કૃષ્ણનો! કૃષ્ણનો જય હો! જય હો! હું તો કેવળ એમની દાસી છું.’

* સંપૂર્ણ ઈશ્વરાલંબન કેવું હોય? આખા દહાડાના સખત પરિશ્રમ પછી તકિયે માથું મૂકી થાકેલો શ્રમજીવી નિરાંતથી હુક્કો ગડગડાવે એના જેવું એ હોય. પછી બધી ચિંતાઓ અને ઉપાધિઓ દૂર હોય.

* એકી પતરાવળની જેમ સંસારમાં રહેવું. એ પવનની દયા પર આધાર રાખે છે; પવન એને અહીં ને ત્યાં ઉડાડે; કેટલીક વાર અહીં ને કેટલીક વાર બહાર ગંદી જગ્યાઓમાં. વારુ. આજ તમે અહીં છો તો અહીં રહો. અને ઈશ્વર તમને કોઈ સારે સ્થળે લઈ જાય તો ત્યાં આનંદથી રહો અને, એની ઇચ્છાને પૂરા તાબે થાઓ. બધું એની મેળે થઈ રહેશે.

( ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી )

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.