સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં રહીશું. – સં.

ભારતમાં શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અજ્ઞાને એમને (સામાન્ય જનને) પશુતુલ્ય બનાવી દીધા છે. આ માણસને માણસ બનાવનારી કેળવણી નથી, એ માત્ર અને પૂર્ણત: અભાવાત્મક કેળવણી છે.’ આપણા દેશની શિક્ષણની વર્તમાન અવસ્થા ખરેખર ચિંતનીય છે. આપણા દેશની વિશાળ જનસંખ્યાનો એક અલ્પાંશ જ સાક્ષારતાના વિસ્તારમાં આવે છે. ૨૦મી શતાબ્દિના મધ્યમાં પાશ્ચાત્યજગતનાં અધિકાંશ રાષ્ટ્રોએ શિક્ષણને પોતાના દેશના લગભગ બધા વર્ગના લોકો માટે સુલભ કરી દીધું છે. એ એક મોટા દુ:ખની વાત છે કે ભારતમાં કેવળ ૧૭% (હાલમાં આ ટકાવારી ૬૫% સુધી પહોંચી છે) જેટલા લોકોને સાક્ષર બનાવી શક્યા છીએ. પશ્ચિમના ઉન્નત દેશોમાં ઘણા સમયથી શિક્ષણ જાગૃત લોકો માટે એક સાંસ્કૃતિક વિલાસિતા માત્ર ન રહેતાં તે રાષ્ટ્રિય ઉન્નતિના એક આવશ્યક સાધન રૂપે સર્વમાન્ય બની ચૂક્યું છે. એમાંથી કેટલાક દેશોના દરેક બાળક-બાલિકાને આઠ વર્ષના પ્રાથમિક પાઠ્યક્રમ પ્રાપ્ય છે અને કાર્ય આરંભ કરી દીધા પછી પણ એક સામાન્ય શ્રમિકને વિશેષજ્ઞતા તથા સામાન્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે વિભિન્ન ઔદ્યોગિક તથા વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો સાથે સંલગ્ન રાત્રીવિદ્યાલયોમાં શિક્ષણ મેળવવું અનિવાર્ય છે. જ્યારે ભારતમાં કરોડો લોકો શિક્ષણથી પૂર્ણત: વંચિત રહી જાય છે. જે સદ્‌ભાગી લોકો સાક્ષર બને છે તેમાંથી કેવળ ગણ્યાંગાઠ્યા લોકો જ તથાકથિત ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે છે અને આ શિક્ષણ પણ પોતાની રીતે અત્યંત અપૂર્ણ અને ખામીભર્યું છે.

સ્વામી વિવેકાનંદે કેળવણીને ‘મનુષ્યની ભીતર રહેલી પૂર્ણતાના પ્રગટીકરણ’ના રૂપે પરિભાષિત કરી છે. વસ્તુત: પાછલી શતાબ્દિનાં શિક્ષણ શાસ્ત્રને લગતાં સંશોધનો પછી પાશ્ચાત્યદેશના શિક્ષણની નીતિરીતિનો સ્વીકાર કરવાની દિશામાં આપણે ઠીકઠીક પ્રમાણમાં આગળ વધી ચૂક્યા છીએ. એમની દૃષ્ટિએ શિક્ષણનો અર્થ આ છે : ‘માનવની વિભિન્ન ક્ષમતાઓનો એવી રીતે વિકાસ કરવો કે જેનાથી તે પોતાના સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિમાં સર્વોત્તમ યોગદાન કરી શકે.’ શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા ન્યૂનતમ પ્રયાસોથી પ્રત્યેક વિદ્યાર્થીની ભીતર રહેલ નિરીક્ષણ, ચિંતન અને ક્રિયાશીલતાની શક્તિઓને વ્યક્ત કરવાં અને તેની સાથે તેને સમુદાયનું એક સ્વસ્થ અને કુશળ એકમ બનાવવાનો સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવામાં આવે છે. સાથે ને સાથે તે પોતાનાં રાષ્ટ્ર, સંસ્કૃતિ તથા પરંપરાઓ પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા દાખવે તે રીતે તેના હૃદયના ગુણોનો વિકાસ થાય તેના તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સંક્ષેપમાં કહીએ તો ઉન્નત દેશોમાં જ્ઞાનાત્મક, ક્રિયાત્મક અને ભાવાત્મક શિક્ષણના એક નિશ્ચિત ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે એક વિશેષ રૂપ આપવામાં આવ્યું છે.

પરંતુ દુર્ભાગ્યવશ આપણા દેશનું શિક્ષણ એવા સર્વાંગીણ વિકાસના આદર્શથી માઈલો દૂર છે. આપણું શિક્ષણ જનજીવન તથા પરિવેશથી પૂરેપૂરું કપાયેલું છે. લોર્ડ રોનાલ્ડસે પોતાની ‘Heart of Aryavarta’ – આર્યાવર્તનું હૃદય- નામના પુસ્તકમાં લખે છે : ‘આ શિક્ષણપ્રણાલી ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓથી પૂર્ણત: વિચ્છિન્ન છે. માધ્યમિક તથા પૂર્વસ્નાતકના પાઠ્યક્રમ મૂળત: પાશ્ચાત્ય છે. આ પાઠ્યક્રમોને અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાંના ભારતીય જીવન સાથે કોઈ લેવા દેવા નથી. તે અગમ્ય રીતે યંત્રવત્‌ છે અને એમાં શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે એક અંતરંગ સંબંધનો પૂર્ણ અભાવ છે. આ અંતરંગ સંબંધ ભારતીય પ્રણાલીનું એક વિશિષ્ટ લક્ષણ હતું. ભારતીય વિદ્યાર્થીનું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પણ તેના મનના વાસ્તવિક વિચારો તથા આકાંક્ષાઓથી લગભગ પૂર્ણપણે અસંબદ્ધ છે.’ આપણા દેશનું શિક્ષણ વિદ્યાર્થીના વિકાસના મહત્ત્વપૂર્ણ આયામોને સ્પર્શતું નથી. કેવળ બુદ્ધિનો વિકાસ કરવો એ જ એનું લક્ષ્ય છે. ઉપર્યુક્ત ગ્રંથમાં લોર્ડ રોનાલ્ડસે કહે છે : ‘બંગાળ તથા ગ્રેટ બ્રિટનની પરિસ્થિતિઓની વચ્ચે અન્ય વિરોધાભાસોથી પણ સેડલર કમિશન ઠીકઠીક અજ્ઞાત હતું. ઈંગ્લેન્ડનું શિક્ષણ વિવિધલક્ષી હતું. ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિક્ષણ મેળવી રહ્યા હતા અને એમની સરખામણીમાં જે વિશુદ્ધ સાહિત્યિક – વિનયન અભ્યાસક્રમ કરતા હતા તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હતી. પરંતુ આ બાજુએ બંગાળમાં (અરે પૂરા ભારતમાં) બીજા કોઈ પણ દેશની સરખામણીમાં કંઈક અલગ વાત હતી. અહીં શિક્ષિત વર્ગનો ઘણો મોટો ભાગ વિશ્વવિદ્યાલયની ઉપાધિને જ પોતાની સહજ મહત્ત્વકાંક્ષાનું કેન્દ્ર બનાવીને ભણે છે.’ અને આ લક્ષ્યની પ્રાપ્તિના સાધન રૂપે તે એવા શિક્ષણને અપનાવે છે ‘જે મહદંશે પૂર્ણપણે સાહિત્યિક છે, એને લીધે વિદ્યાર્થીઓને એ શિક્ષણ ભાગ્યે જ કોઈ પ્રત્યક્ષ વ્યાવસાયિક પ્રશિક્ષણ આપે છે.’

આ રીતે લગભગ સોળ વર્ષના શૈક્ષણિક જીવન વીતાવ્યા પછી ભારતીયતા પ્રત્યેનો પોતાનો બધો વિશ્વાસ ગુમાવીને અને જીવનસંગ્રામને માટે ઉપયોગી નીવડે તેવી કોઈ ઉપલબ્ધિ મેળવ્યા વિના જ મોટા ભાગના યુવાનો વિશ્વવિદ્યાલયમાંથી બહાર નીકળતા. સાંસ્કૃતિક આત્મહત્યા તથા આર્થિક અસહાયતા જ એવી શિક્ષણ વ્યવસ્થાનું સુનિશ્ચિત ફળ હોય છે, અને આ શિક્ષણને આપણે કહીએ છીએ ઉચ્ચશિક્ષણ! વળી આપણે ત્યાં અપાતું બૌદ્ધિક શિક્ષણનું સ્તર પણ ઠીકઠીક નીચું છે. આપણાં વિશ્વવિદ્યાલયો અત્યારે પણ એ જ અસ્વાભાવિક, અવૈજ્ઞાનિક, અત્યંત હાનિકારક અને પાશ્ચાત્ય દેશોએ ઘણાં વર્ષો પહેલાં ત્યજી દીધેલ શિક્ષણ-પ્રણાલીઓને વળગી રહ્યાં છે. આ રીતે એક બાજુએ શિક્ષણના અભાવે અસંખ્ય લોકોને નિરંતર રોગ, નિર્ધનતા અને સામાજિક અત્યાચારનો શિકાર બનાવી દીધા છે, તો બીજી બાજુએ કેટલાક ગણ્યાગાઠ્યા લોકો અનુપયોગી શિક્ષણ મેળવીને શારીરિક દુર્બળતા, આર્થિક અસહાયતા, સાંસ્કૃતિક વિચ્છિન્નતા અને મોટેભાગે નૈતિક વિકૃતિની જાળમાં ફસાઈ જાય છે. બ્રિટિશ શાસન દ્વારા શરૂ થયેલી આ શિક્ષણ પ્રણાલીના બીજા કેટલાક સ્પષ્ટ દેખાતા દોષો વિશે ચર્ચા કરીએ તો આપણને વસ્તુસ્થિતિનું વધુ સ્પષ્ટરૂપ સમજાશે.

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.