(ગતાંકથી આગળ)

સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્‌-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી એ બધું કેવું ઠંડુગાર થઈ જાય છે! અને અંતે એ બધા શીખે છે શું? બસ એટલું જ ને કે આપણો ધર્મ, આપણા આચારવિચાર, આપણા રીતિરિવાજ બધું ખરાબ છે અને પાશ્ચાત્યની બધી વાતો સારી છે! અને અંતે તો એનાથી તેઓ પોતાની રોટી-રોજી પણ નથી મેળવી શકતા!’

આપણે પહેલા પણ કહ્યું છે કે શિક્ષણની વર્તમાન પદ્ધતિ આપણી પ્રજાની સાંસ્કૃતિક તથા આર્થિક આવશ્કયતાઓની દૃષ્ટિએ ઉપયોગી નથી. શિક્ષણમાં સુધારણાની સલાહ દેતાં પહેલાં આપણે એ આવશ્યકતાઓને સમજી લેવી પડશે. 

ભારતની પોતાની એક વિશિષ્ટ સંસ્કૃતિ છે. પ્રાચીનકાળના ઋષિઓની અનેક શતાબ્દિઓની શોધના પછી પ્રાપ્ત થયેલા કેટલાક વિચારો અને આદર્શોની આધારશીલા પર આ ભારતવર્ષની સભ્યતા ઊભી છે. એ બધા વિચારો અને આદર્શો મનુષ્યના આધ્યાત્મિક વિકાસ સાથે જોડાયેલા છે.

ભીતરના મનુષ્યના વિકાસ પર જ વ્યક્તિ અને સાથે ને સાથે સમાજનું હિત પણ સમાયેલું છે. સાચા આનંદના ઉપભોગ કરતાં કે બીજાના આનંદમાં યથેષ્ટ યોગદાન કરતાં પહેલાં આપણે આપણી પોતાની પાશવી પ્રવૃત્તિઓ પર વિજય કે સંયમ મેળવી લેવો પડશે. પ્રત્યેક વ્યક્તિ આનંદની તથા પ્રત્યેક સમાજ શાંતિની કામના કરે છે, અત: પ્રત્યેક વ્યક્તિના જીવનમાં નિરંતર આત્મશુદ્ધિનો પ્રયાસ ચાલુ રહેવો જોઈએ; કારણ કે એના વિના કોઈ પણ માનવને શાંતિ કે આનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્મશુદ્ધિ પછી માનવ વાસ્તવિક રૂપે દિવ્ય બની જાય છે. ત્યારે તેનો ઉચ્ચતર આત્મા પોતાના અસીમપ્રેમ, જ્ઞાન તથા આનંદના મહિમાથી આલોકિત થઈ જાય છે. આ જ લક્ષ્ય આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠા છે. એના તરફ જ દરેક વ્યક્તિએ સચેતન ભાવથી આગળ વધવું જોઈએ. આધ્યાત્મિક ઉન્નતિની આ પ્રાથમિક આવશ્યકતાની પૂર્તિ માટે હિંદુસમાજે જીવનના પ્રત્યેક સ્તરનું સમાયોજન કરીને એક સુવ્યવસ્થિત સામાજિક માળખું ઊભું કરી દીધું હતું. એનાથી પ્રત્યેક વ્યક્તિ એક સામાન્ય હિત માટે પોતાનું વધારેમાં વધારે પ્રદાન કરતાં કરતાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પણ દૃઢતાપૂર્વક આગળ ને આગળ વધી શકે. જીવનને એક સજીવ સમષ્ટિના રૂપે જોવાયું અને એની બધી ગતિવિધિઓને એવી રીતે નિયંત્રિત કરવામાં આવી. એનાથી સમાજ તથા વ્યક્તિ, બંનેની પૂર્ણતાના આદર્શપ્રાપ્તિના માર્ગ પર પ્રગતિ થઈ શકે.

પ્રાચીનકાળમાં સામાજિક સ્તરનું નિર્ધારણ ધન કે બાહુબળથી નહિ પરંતુ આધ્યાત્મિક વિકાસ દ્વારા થતું. આધ્યાત્મિક વિકાસના રક્ષક બ્રાહ્મણોને આ સામાજિક માળખાના શીર્ષસ્થાને રાખવામાં આવ્યા હતા. સૈન્ય, ધનસંપત્તિ તથા શ્રમનું પ્રતિનિધિત્વ કરવાવાળા ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર; આ બધા આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નત બનેલા વર્ગ દ્વારા રચેલા નિયમો પ્રમાણે ચાલતા હતા. વિભિન્ન સામાજિક વર્ગોને અનિશ્ચિત રૂપે સૈન્યનિરંકુશતા, વ્યાવસાયિક લોભ અથવા દાસોચિત મૂર્ખતાથી બરબાદ થતાં બચાવી લેવાતા, એમની વિભિન્ન સામાજિક શક્તિઓને નિયંત્રિત કરીને વ્યક્તિગત પૂર્ણતા તથા એક સામાન્ય હિતની મુખ્ય આવશ્યકતા પ્રત્યે એમને પરિચાલિત કરવામાં આવતા. સુસંસ્કૃત વર્ગના પ્રત્યેક વ્યક્તિનું જીવન વ્યવહારિક રૂપે આધ્યાત્મિક સાધનાના ચાર સ્તરો દ્વારા ત્યાગ તેમજ સેવાના આદર્શનો એક ક્રમિક વિકાસ હતું. ગૃહસ્થ માટે ઇન્દ્રિયપરતાની મુક્ત પરવાનગી નહિ પરંતુ વૈયક્તિક પૂર્ણતા તથા સામાજિક હિત માટેની એક આવશ્યક સાધના એટલે વિવાહ. સંપત્તિને ઇન્દ્રિયભોગના એક અસીમ સાધન રૂપે નહિ પરંતુ એક ન્યાસ-થાપણની જેમ રાખવામાં આવતી. મનુષ્યના જીવનનો ઉદ્દેશ માત્ર ખાવુંપીવું અને મોજમજા માણવાનો જ ન હતો. માત્ર ભૌતિક ઉત્કર્ષ માટે તે પોતાની બધી શક્તિઓ તથા ઉચ્ચતર ભાવોને ખર્ચી ન નાખતો. આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નત થવા માટે મનુષ્ય જીવન ધારણ કરી શકે એ હેતુની પૂર્તિ માટે ભોજનને આવશ્યકતા માનવામાં આવતું. ભારતે એવો અનુભવ કર્યો હતો કે કેવળ સ્થૂળદેહના પોષણ માટે અંતરાત્માને ભૂખ્યો રાખવો ઉચિત નથી, કારણ કે તેનાથી નિશ્ચિત રૂપે વ્યક્તિ તથા તેના સામુદાયિક જીવનમાં દુ:ખોની સૃષ્ટિ રચાશે. એટલે સંપત્તિ મેળવવી તથા તેના ઉપયોગને એવી રીતે સુનિયોજિત કરવામાં આવતા કે તે સંપત્તિ આંતરિક વિકાસમાં બાધક ન નીવડે.

આ નૈતિક પ્રશિક્ષણનો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત હતો – જીવનયાપન માટે ઉચિત સાધન. આર્થિક ક્ષેત્રે લડાઈ-ઝઘડા, સંઘર્ષ-સ્પર્ધાને સારા પ્રમાણમાં નિયંત્રિત કરી લેવાયાં હતાં. પ્રત્યેક ગ્રામસમુદાયને એક સ્વાવલંબી એકમ બનાવી દીધું હતું. વિશિષ્ટ જાતિના વર્ગો માટે વિભિન્ન વ્યવસાય નક્કી કરી દેવામાં આવ્યા હતા અને ખેતી સાર્વભૌમિક રૂપે આવકનો એક પરિપૂરક સ્રોત હતો. રોટીરોજી કમાવાનું એટલું સહજ બનાવી દેવાયું હતું અને જેથી બધાને આત્મોન્નતિ માટે પૂરતો સમય મળી શકે. આ રીતે આપણા પૂર્વજો ગામડાના શાંત વાતાવરણમાં આજીવિકા માટે ન્યૂનતમ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અધિકતમ ચિંતાતુરતા સાથે એક સહજ તથા સંતોષપૂર્ણ જીવન વિતાવતા હતા.

ત્યાગ અને સેવાને એક એવો પથ બનાવી દીધો હતો કે એ પથ પર ચાલીને આપણું રાષ્ટ્રિયજીવન હજારો વર્ષો સુધી પ્રવાહિત થતું રહ્યું. સ્વાર્થ તથા વિષયભોગો પ્રત્યે આપણા સ્થૂળ શરીરનું સ્વાભાવિક આકર્ષણ હોવાની સાથે, ચોક્કસપણે સમયે સમયે આ રાષ્ટ્રિય ધારામાં ઓછપ-ઉણપ અને ક્યારેક તો અવરોધ પણ આવી જતાં. પરંતુ એના પસંદગીના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપવા આધ્યાત્મિક પથપ્રદર્શકોના અવતરણમાં ક્યારેય વિલંબ નથી થયો. બદલતા પરિવેશમાં માગ પ્રમાણે બાહ્ય રૂપો, અનુષ્ઠાનો તથા સામાજિક માળખાને પુન: સમાયોજિત કરી લેવાયાં; પરંતુ માનવીય પરિપૂર્ણતાના આદર્શ, સત્ય-પવિત્રતા-પ્રેમ અને ભક્તિના સિદ્ધાંત અને ત્યાગસેવાની પ્રણાલીનો ક્યારેય ત્યાગ કરવામાં ન આવ્યો.

આજે આપણે એક સાંસ્કૃતિક વિધ્વંશના કિનારે ઊભા છીએ. વિશ્વના ઉન્નતદેશોની ભૌતિક સમૃદ્ધિએ આપણી આંખોને આશ્ચર્યથી આંજી દીધી છે અને આપણે આપણી પોતાની સાંસ્કૃતિક આધારભૂમિથી ચ્યુત થતા જઈએ છીએ. ઉન્નતદેશોના લોકોની સભ્યતા ધન તથા સત્તાના પ્રાથમિક સિદ્ધાંતો પર આશ્રિત છે. અહમિકા જ એમના વ્યક્તિગત તથા રાષ્ટ્રિયજીવનનો મૂલમંત્ર છે. ત્યાંના મોટાભાગના લોકો માટે ધર્મ મનને બહેલાવવા માટે એક અનુષ્ઠાન છે. નૈતિકતા વ્યક્તિગત જીવનનું એક આભૂષણ માત્ર છે. એમની દૃષ્ટિએ જીવન ઇન્દ્રિયો તથા બુદ્ધિ દ્વારા અંકુશિત-મર્યાદિત બનવું જોઈએ. કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રની સફળતા તેના દ્વારા સંચિત ધન તથા અન્ય પરની તેની સત્તાને આધારે મપાય છે. એટલે આધુનિક રાષ્ટ્ર, પ્રજા – ત્યાગસેવાના સ્થાને જ અહમિકા તથા સ્પર્ધાના માર્ગ પર જ પરિચાલિત થઈ રહ્યા છે. આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી એક આવી જ સંસ્કૃતિ પર આધારિત છે. એટલે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી કે આજનું શિક્ષિત ભારત આધુનિક સભ્યતાની સંમોહનજાળમાં પડીને, પોતાના બંને હાથ પહોળા કરીને એ સંસ્કૃતિનું સ્વાગત કરે છે. આપણા મોટાભાગના દેશવાસીઓ ભારતીય સંસ્કૃતિમાં જરાપણ સારું કે શ્રેષ્ઠ તત્ત્વ જોઈ શકતા નથી અને તેઓ આપણી પૂરેપૂરી સામાજિક આર્થિક સંરચનાને નવી રીતે આધુનિક રાષ્ટ્રોનાં બીબાંમાં ઢાળવા માટે તૈયાર છે. બીજી તરફ આપણા સમુદાયનો એક અન્યવર્ગ આત્મશુદ્ધિ દ્વારા આધ્યાત્મિક વિકાસની મૂળભૂત અને મુખ્ય આવશ્યકતાને નજર-અંદાજ કરીને, હરેક પ્રકારનાં બાહ્ય રૂપો તથા સંરચનાત્મક વિવરણને હઠપૂર્વક પકડીને બેઠો છે. આધ્યાત્મિક જીવનની અંતર્દૃષ્ટિવિહોણી બાહ્યાકૃતિઓના લગાવને લીધે એક સાંસ્કૃતિક વિરોધાભાસ જન્મ્યો છે. ઘૃણા, દ્વેષ, અસહિષ્ણુતા, ક્રૂરતા, મિથ્યાચાર, સ્વાર્થ, વગેરેએ ધર્મનો છદ્મવેશ ધારણ કરી લીધો છે. એણે સમાજમાં વિધ્વંસાત્મક શક્તિઓને ઉન્મુક્ત કરી દીધી છે. કેન્દ્રિય એકતાના સૂત્રને ગુમાવી દેવાને લીધે જ આજે એક સંપ્રદાયના લોકો બીજા સંપ્રદાયના લોકો સાથે અને એક જાતિના લોકો બીજી જાતિના લોકો સાથે સંઘર્ષમાં ઊતરી પડ્યા છે. આપણી મહિમામય સંસ્કૃતિનાં તાત્પર્યોથી અજાણ લોકો આધ્યાત્મિક દૃષ્ટિએ દુર્બળ બની ગયા છે અને નીચલીકક્ષાનો અહમ્‌ એમના માનસ પર કાબૂ જમાવીને બેઠો છે. આધ્યાત્મિક સંસ્કૃતિના અભાવે તે લોકો દિનપ્રતિદિન સ્વાર્થકેન્દ્રિત ભૌતિક દૃષ્ટિકોણ તરફ ખેંચાતા જાય છે. એને પરિણામે ધન કે સત્તાના આકર્ષણને લીધે તેમના પોતાના સાંસ્કૃતિક લોકથી વધુને વધુ દૂર થઈ જાય એવી સંભાવના વધી રહી છે. આ ગતિ પહેલેથી જ આરંભ થઈ ચૂકી છે અને આપણું વર્તમાન સામાજિક માળખું એટલું બધું જર્જર બની ગયું છે કે તે આ ગતિને રોકવા સક્ષમ નથી. આપણા સમાજનું એક અંગ જાણી જોઈને આધ્યાત્મિક વિકાસના આ કેન્દ્રિતભાવને ત્યજી રહ્યું છે અને બીજા અંગની નિર્જીવ આંગળીઓની વચ્ચેથી આધ્યાત્મિકતા અજ્ઞાતભાવથી છટકતી જાય છે. આ દેશમાં એવી કોઈ સર્વમાન્ય સત્તા પણ નથી કે જે આ સાંસ્કૃતિક વિઘટનથી ઊભા થતા ભયંકર ખતરા તથા તેને કારણે જન્મતી જાતિની વિલુપ્તિથી સમાજનું રક્ષણ કરી શકે. ઉન્નત રાષ્ટ્રોના સંમિલિત ઔદ્યૌગીકરણવાદે આપણા સમાજને આવી અવદશાએ પહોંચાડી દીધો છે. અને સ્વાવલંબી ગ્રામ્ય સમુદાયને બચાવી રાખવાનું કાર્ય ઠીક ઠીક પ્રમાણમાં અસંભવ બનાવી દીધું છે.

વિજ્ઞાને ચમત્કારોની એક સૃષ્ટિ રચી દીધી છે. દૂરનાં રાષ્ટ્રો આજે જાણે કે આપણા પડોશીઓ બની ગયા છે. પ્રાકૃતિક સીમાઓ કોઈ દેશ કે રાષ્ટ્રને બાકીના વિશ્વથી અલગ રાખી શકતી નથી. કોઈ રાષ્ટ્રનું આર્થિક જીવન માત્ર એ જ રાષ્ટ્ર સુધી સીમિત નથી રહ્યું. એણે વિશ્વની આર્થિક શક્તિઓનો સામનો કરવો પડશે. દૂરસુદૂરના કોઈ ભારતીય ગામડાના ગાડીવાળાને એ કારણે મોટર ચાલકોની સેનામાં પ્રવેશવું પડે છે કે હવે એની પડોશના ગાડીવાળાથી પેલા અમેરિકી મોટરનરેશનો પ્રભાવ કંઈક વધારે પ્રમાણમાં પડે છે.

સમગ્ર જગત વસ્તુત: એક વિશાળ બજાર બની ગયું છે. અહીં સ્પર્ધા જ કોઈપણ રાષ્ટ્રના જીવન કે મૃત્યુને નક્કી કરે છે. વ્યાવહારિક રીતે જોઈએ તો વિશ્વબજાર ઉન્નત રાષ્ટ્રોના અધિકાર અને અંકુશમાં છે. પોતાના આર્થિક ક્ષેત્રનો અવિરામ વિસ્તાર કરતાં રહેવું એ જ એમનું મુખ્ય ધ્યેય લાગે છે અને એની પૂર્તિ કરવા માટે એ બધા બેહિસાબ પૂંજીનું કેન્દ્રીકરણ કરી રહ્યા છે. એ ઉન્નત રાષ્ટ્રો સુવ્યવસ્થિત પ્રશિક્ષણ કે તાલીમ દ્વારા શ્રમકૌશલ્ય વધારી રહ્યા છે; શારીરિક શ્રમ બચાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ પણ કરી રહ્યા છે; સાથે ને સાથે ઉદ્યોગ તથા વાણિજ્યનાં વિશાળ સંગઠનોનું નિર્માણ પણ કરી રહ્યા છે. કાચા માલની શોધમાં તેઓ પૃથ્વીના ખૂણેખૂણા ખૂંદી વળ્યા છે અને તૈયાર માલનાં બજાર મેળવવા માટે પ્રયાસ કરવામાં કંઈ બાકી રાખતા નથી.

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.