૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ તટ, જમણા હાથ પર નર્મદામૈયા લગભગ 300 મીટર દૂર. અહીં ચોમાસામાં ખૂબ જ પાણી ભરાઈ જતાં હોવાથી તટથી દૂર દૂર આશ્રમો છે. અહીં બાવળનો વગડો હતો, સ્પષ્ટ કેડી તો હતી નહીં, એટલે શોધતાં શોધતાં ગમે તેમ કરીને પોઇચાના નીલકંઠધામમાં પહોંચી ગયા. કાંચનવન આશ્રમથી નીલકંઠધામનું અંતર કંઈ ખાસ દૂર હતું નહીં; માંડ એક કિલોમીટર હશે. અપૂર્વ શિખરબદ્ધ મંદિર, જાણે કે સ્વર્ગલોકમાં આવી ગયા હોઈએ! મંદિરમાં શ્રીપ્રભુનાં દર્શન કર્યાં અને થોડી વાર નટ મંદિરમાં બેઠા. સવારની પ્રાર્થના ચાલતી હતી; તે પણ એક અદ્ભુત નજારો! ગુરુકુળનાં બાળકો દ્વારા સુંદર મધુર સ્વરે આરતી સાથે અપૂર્વ નૃત્ય ચાલી રહ્યું હતું. શ્રીપ્રભુને રીઝવવા માટે જીવ, પ્રકૃતિ, જડ-ચેતન બધાં જ જાણે મથામણ કરી રહ્યાં છે! આરતીમાં પરમ આનંદનો અનુભવ થયો. હવે, ઉદરપૂર્તિ થઈ જાય તો કેવું સારું! આવડા મોટા આશ્રમમાંથી ખાલી હાથે કેવી રીતે જવાય! પરિક્રમાવાસીઓ માટે એવી કોઈ વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ કરી, આગળ એક સ્વયંસેવકે સૂચન કર્યું કે સેવકો માટે વ્યવસ્થા છે, ત્યાં તમે બાલભોગ લઈ શકો છો. અન્ન-બ્રહ્મને પ્રાપ્ત કરવાનું હતું; તે માટે ત્યાં ગયા. ત્યાગીજી નિર્વિકાર રહ્યા, કારણ કે તેઓ ચા પીતા નહીં, અને રોજનું એકટાણું જ હોય એટલે એમને તો અત્યારે ખાલી હવા જ ખાવાની હતી. ભીડવાળી જગ્યામાં સાધકને ગમે નહીં, તેથી ઉદરપૂર્તિ થયા પછી આગળ વધ્યા. લગભગ દોઢેક કિલોમીટર પછી પૂતિકેશ્વર મહાદેવ તીર્થસ્થાન આવ્યું. એવું લાગ્યું કે જાણે કોઈના ઘરમાં આ તીર્થસ્થાન છે! તેનું માહાત્મ્ય જાણી આગળ વધ્યા.
આગળ એક અવાંછનીય ઘટના બની. ત્યાગીજી, ‘પેલી જગ્યાએ રોકાઈ જવું જોઈએ, ત્યાં રોકાઈ જવું જોઈએ’ એવી રીતે ગોળ ગોળ વાતો કરવા લાગ્યા. સંન્યાસીએ કહ્યું, ‘તમારે તો બસ, દૂધ મળે ત્યાં રોકાઈ જાવું, પછી ભલેને પરિક્રમા પણ બાજુમાં રહી જાય!’ પરંતુ ત્યાગીજી આજે આડોડાઈ કરતા હતા. સંન્યાસીએ ત્યાગીજીને ફરી કહ્યું, ‘તમે સારી રીતે જાણો છો કે અસા ગામમાં બે સાધુઓ આપણી રાહ જોઈ રહ્યા છે. આપણે ત્યાં વહેલામાં વહેલું પહોંચવાનું છે.’ છતાં પણ ત્યાગીજી તર્ક-વિતર્ક કરીને બળતરા કરાવવા લાગ્યા. અંતે સંન્યાસી અત્યંત ક્રોધિત થઈ ગયા અને ત્યાગીજીને કહ્યું, ‘સાધુએ તો સરળ બનવું જોઈએ, બીજાનાં સારાં કાર્યોમાં સાથ-સહકાર આપવો જોઈએ.’ અને અંતે અતિ આવેશમાં આવી જઈને સંન્યાસીથી બોલાઈ ગયું, ‘તમને ભગવત્-પ્રાપ્તિ નહીં થાય.’
આ વાક્ય માત્રથી સંન્યાસીના શરીર-મનમાં એક માનસિક ભૂકંપ ઊભો થયો! કોઈપણ જાતના ખાડા વગર કે ઠેસ વાગ્યા વિના સંન્યાસીને તેના જમણા પગની પાનીમાં એક મોટો સબાકો આવ્યો, અને એનો ઝબકારો તેની બુદ્ધિમાં થયો! અને સ્વગત બોલવા લાગ્યા, ‘અરે રે! આ શું બોલાઈ ગયું, જેના માટે જીવનભર વિધિ-વિધાન, વ્રત-તપ કરે છે; તેની જ પ્રાપ્તિ ન થાય! ક્રોધ અને વાણીના સંયમ વિના આવી વાત નીકળી ગઈ. ક્રોધ તો ચાંડાળ છે, જે પોતાને તથા અન્યને; બંનેને નુકસાન કરે છે. ધૈર્ય, ક્ષમા અને સહનશીલતાના પાઠ તો જાણે બાજુમાં જ પડ્યા રહ્યા! વળી, ત્યાગીજી તો અતિ પ્રિય સાધુભ્રાતા! ક્યારેય અવજ્ઞા ન કરે; માત્ર તર્ક કરે. સંન્યાસીને બહુ પસ્તાવો થયો. ક્ષમા! ક્ષમા! ઓ નર્મદા મૈયા! ક્ષમા કરો, ઓ ભગવાન રામકૃષ્ણદેવ, ક્ષમા કરો! આ ઘટનાથી સંન્યાસીએ જીવનમાં એક બહુ મોટો બોધપાઠ ગ્રહણ કર્યો.
થોડી વાર ત્યાગીજી શાંત થઈ ગયા! સંન્યાસીના માનસિક ભૂકંપની તેમને કદાચ જાણ પણ નહીં હોય!
પરિક્રમામાં આગળ નળેશ્વર મહાદેવ તીર્થ આવ્યું. અહીં નીલવાનરે તપસ્યા કરી હતી. આ કોઈ પંડિતજીનો નિજસ્વ આશ્રમ હતો. બપોર થઈ ગયો હતો. ચાતકની જેમ ભોજન માટે આતુર હતા. લગભગ અડધો કલાક પછી પંડિતજીએ કહ્યું કે, ‘ભોજનપ્રસાદ તૈયાર થાય છે, થોડી વાર લાગશે. લસણ, ડુંગળીનો ઉપયોગ કરાશે.’ અહીં પણ ત્યાગીજીને મુશ્કેલી થઈ! પોતાના વ્રત પ્રમાણે તેઓ લસણ-ડુંગળી લેતા ન હતા. પરંતુ પંડિતજીએ પાછળથી તેમના માટે થોડાં ફળની વ્યવસ્થા કરી. બપોરે થોડો વિશ્રામ કરી સંન્યાસી અને ત્યાગીજી નર્મદા પરિક્રમામાં આગળ વધ્યા. આગળ વધતા પહેલાં સંન્યાસીએ પોતાની પાસેનાં થોડાં ગરમ કપડાંની નાની બેગ પંડિતજીની પાસે મૂકી રાખી અને કહ્યું કે સામેના તટે આવશે ત્યારે તે મંગાવી લેશે અને તેમના ફોન નંબર પણ લઈ લીધા.
One Comment
Leave A Comment
Your Content Goes Here
સરસ લેખ