(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)

સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું, ‘અત્યારે અમારે કયો આદર્શ અનુસરવો?’ પ્રત્યુત્તરમાં સ્વામીજીએ કહ્યું, ‘અત્યારે હનુમાનના ચરિત્રને તમારો આદર્શ બનાવવાનો છે. જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો. તેમને જીવન કે મરણની પરવા ન હતી. તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને અદ્‌ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત સેવાના આ મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈએ. તે દ્વારા બીજા બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઊતરી આવશે. સામો પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્ય-સેવન એ સફળતાનું રહસ્ય છે, હનુમાન એક બાજુએ જેમ સેવાના આદર્શ પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. રામચંદ્રના હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી દેતાં, તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. સેવા સિવાય બીજી બાબતો તરફ—વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ—તેઓ અત્યંત બેપરવા રહ્યા છે!

સ્વામી વિવેકાનંદે હનુમાનજીના આદર્શો-સેવા અને ઇન્દ્રિયનિગ્રહ—ની ઉપર્યુક્ત કથનોમાં જે અત્યધિક પ્રશંસા કરી છે, તેના અનુસંધાનમાં હનુમાનજીના જીવનના તદ્‌વિષયક બે પ્રસંગો જોઈએ.

સીતા-શોધમાં નીકળેલ હનુમાનજીના સમુદ્ર-ઉલ્લંઘનના માર્ગમાં જલપ્લાવિત મૈનાક પર્વત સમુદ્રની સપાટી પર ઊઠી આવ્યો અને તેમને વિશ્રામ કરવાની આજીજી કરી. ત્યારે હનુમાનજીએ આપેલ જવાબ રામ-સેવાની સર્વોચ્ચ મહત્તા સૂચવે: ‘राम काजु कीन्हे बिनु मोहि कहाँ बिश्राम।’ હનુમાનજીનું સમગ્ર જીવન ‘राम-काज’ અર્થે જ હતું. સત્સંગ-કથા દરમિયાન એક પ્રસંગ સાંભળવા મળે છે. રાજ્યાભિષેક બાદ શ્રીરામ અયોધ્યામાં નિવાસ કરી રહ્યા હતા. હનુમાનજીને રામ-સેવાનું વ્યસન હતું. રામને કોઈ ચીજ જોઈએ તો હનુમાનજી પહેલેથી જ હાજર હોય. રામને પ્રિય કાર્ય હનુમાનજી તરત જ આટોપવા લાગ્યા. રામ-કાજ અર્થે આદેશ થતા પહેલાં જ કાર્ય સંપન્ન થઈ જતું. સાચા સેવકનું લક્ષણ શું છે? સેવ્યના મનને જાણી લેવું અને તદ્‌અનુસાર સત્વરે કાર્ય કરવું.

હનુમાનજીની સેવા-તત્પરતાને કારણે લક્ષ્મણ-શત્રુઘ્ન-ભરતાદિ બંધુઓ રામ-સેવાથી વંચિત રહેવા લાગ્યા. બધા સેવાની તક શોધતા, પરંતુ હનુમાનજીના સ્વત:ઉદ્યમ સમક્ષ તેઓ અસહાય હતા.

તે ભાઈઓએ શ્રીસીતામાતા અને રામચંદ્રને એકાંતમાં મળીને યોજના બનાવી. હનુમાનજી આ યોજનાથી અજાણ હતા. તેઓએ હનુમાનજીને કહ્યું, ‘જુઓ, સેવા સુવ્યવસ્થિત રીતે થાય, તેથી સેવાકાર્યની વહેંચણી કરાઈ છે. જેના માટે જે સેવા નિશ્ચિત કરાઈ છે, તે સેવા તે કરશે.’

હનુમાનજીએ કહ્યું, ‘બોલો, શી વ્યવસ્થા થઈ છે. મારે ભાગે કઈ સેવા આવી છે?’ સેવાની યાદી વાંચી સંભળાવવામાં આવી, તેમાં હનુમાનજીનું કયાંય નામનિશાન ન હતું. તેમને કોઈ સેવા સોંપવામાં આવી ન હતી. યાદીની વિગતો સાંભળ્યા બાદ હનુમાનજી બોલ્યા, ‘આ યાદી સિવાયની જે સેવા હોય તે મારી.’ બધા ભાઈઓ એક સ્વરે બોલ્યા, ‘હા, તે તમારી’ હનુમાનજીએ સાગ્રહ કહ્યું કે એ માટે રામજીની સ્વીકૃતિ આવશ્યક છે. રામજીની સ્વીકૃતિ મેળવવામાં આવી.

હનુમાનજીએ કહ્યું, ‘પ્રભુને બગાસું આવશે ત્યારે હું સામે ઊભો રહીને ચપટી વગાડીશ.’ આ સાંભળીને ઉપસ્થિત જનો સ્તબ્ધ થઈ ગયા. આ સેવા પ્રત્યે કોઈનું લક્ષ ગયું ન હતું. પરંતુ પ્રભુની સ્વીકૃતિ પણ મળી ચૂકી હતી.

પ્રભુ રાજ-દરબારમાં બિરાજ્યા એટલે હનુમાનજી પ્રભુનાં ચરણોમાં શ્રીમુખ તરફ નેત્રો કરીને બેઠા રહ્યા. રાત્રે પ્રભુ અંત:પુરમાં પધાર્યા ત્યાં પણ હનુમાનજી પાછળ પાછળ ! દ્વાર પરથી તેમને પાછા કાઢવામાં આવ્યા. હવે શું થાય? રામજી નિરુત્તર, જાનકીજી વ્યાકુળ, બંધુઓ વિમાસણમાં, માતાઓ ચિંતાતુર, રાજદરબારીઓ વ્યગ્ર. કોઈને કંઈ પણ સૂઝતું નથી. અંતે ગુરુ વસિષ્ઠને આમંત્રણ અપાયું. તેમણે આવીને પૂછ્યું, ‘હનુમાનજી ક્યાં છે?’

શોધતાં શોધતાં હનુમાનજી મળી ગયા—રાજમહેલના મિનારા પર બેઠા બેઠા ચપટી વગાડે છે. નેત્રોમાંથી અસ્ખલિત અશ્રુધારા વહે છે, શરીર રોમાંચિત! મુખેથી અવિરત—‘શ્રીરામ જય રામ જય જય રામ’ કીર્તન ચાલી રહ્યું છે. શત્રુઘ્ને આવીને હનુમાનજીને કહયું કે તમને ગુરુદેવ બોલાવે છે. હનુમાનજી ઊભા થયા અને ચપટી વગાડતા પહોંચ્યા ગુરુદેવ પાસે.

ગુરુદેવે પૂછ્યું, ‘શું કરો છો?’ હનુમાનજીએ કહ્યું, ‘ચપટી વગાડવાની સેવા લીધી ત્યાર બાદ મને અંત:પુરમાં જતો રોક્યો. પ્રભુને ક્યારે બગાસું આવે એની શી ખબર? એટલે સતત ચપટી વગાડ્યે જાઉં છું, જેથી સેવાથી વંચિત ન રહું.

વસિષ્ઠે કહ્યું, ‘હનુમાનજી! તમે ચપટી વગાડ્યા કરો છો એટલે રામજીએ સામે પક્ષે બગાસાની મુદ્રામાં તત્પર રહેવું પડે છે.’

હનુમાનજીએ ચપટી વગાડવાનું બંધ કર્યું એટલે રામજીએ મુખારવિંદ બંધ કર્યું. હવે પવનપુત્રે કહ્યું, ‘તો હું અહીં પ્રભુ સમક્ષ બેસું? પ્રભુ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં તેમની સાથે જ રહું, કેમ કે તેમને ક્યારે બગાસું આવે એનું કંઈ નક્કી નહીં.’ પ્રભુએ જનકસુતા જાનકી સામે જોયું. તાત્પર્ય એ કે હવે સેવાનું પુન:વિભાજન કરો. હનુમાનજીને સેવાથી વંચિત રાખવાનું શું ફળ છે તે જોયુંને? મહર્ષિ વસિષ્ઠે કહ્યું કે, ‘આ બધું રહેવા દો. તમે સૌ પહેલાં જેમ કરતા હતા તેવું જ કરતા રહો.’ ગુરુદેવનો આદેશ સર્વોપરી હતો- હવે હનુમાનજી પોતાનું ધાર્યું કરવા લાગ્યા. આ થયું સ્વામી વિવેકાનંદ વાંછિત સેવાનું હનુમાનજીના જીવનનું સર્વોત્કૃષ્ટ સેવા-દૃષ્ટાંત.

હવે જોઈએ હનુમાનજીનું ઇન્દ્રિયનિગ્રહ-પરક દૃષ્ટાંત. લંકામાં પહોંચ્યા બાદ હનુમાનજી વિવિધ ભવનોમાં સીતામાતાની શોધ કરવા લાગ્યા. હનુમાનજીએ રાત્રિ વેળાએ લંકામાં પ્રવેશ કર્યો હતો. તેઓને ખબર તો હતી નહીં કે સીતામાતાને ક્યાં રાખ્યાં છે. તેથી તેઓ સીતામાતાને રાક્ષસનાં ભવનોમાં શોધવા લાગ્યા. રાવણનું અંત:પુર પણ ખૂંદી વળ્યા. સીતામાતાને શોધવાં હોય તો સ્ત્રીઓનાં નિવાસસ્થાન ખૂંદવાં જ રહ્યાં. ઇન્દ્રિય-સંયમી અને નૈષ્ઠિક બ્રહ્મચારીનું વ્રત જ ખંડિત થાય! જ્યાં જાય ત્યાં અસ્ત-વ્યસ્ત વસ્ત્રોમાં, નગ્ન-અર્ધનગ્ન, સુરાપાન મત્ત, નિદ્રામગ્ન રાક્ષસીઓ જ નજરે પડી. આવી સ્થિતિમાં પરસ્ત્રી-દર્શન તો મહા-દોષ ગણાય!

હનુમાનજીને અત્યંત પશ્ચાત્તાપ થયો કે ‘અરે, મારું વ્રત ખંડિત થયું!’ અંત:વેદનામાં બળવા લાગ્યા. વ્રત-ભંગના દુ:ખથી હૃદયમાં ગ્લાનિ ઊપજી. કોઈ અનર્થ થાય, કંઈક અજુગતું કરી બેસે તે પહેલાં તેમના અંત:કરણમાં જ્ઞાન-પ્રકાશ થયો. હનુમાનજીના મનમાં જ્ઞાનોદય થયો, ‘કોઈ પર-સ્ત્રી કે સામાન્ય નારી પ્રત્યે તો મારી દૃષ્ટિ ગઈ નથી! હું તો સીતામાતાને શોધતો હતો. હું નિરંતર નિર્વિકાર જ રહ્યો હતો. મારી દૃષ્ટિમાં આવેલ સર્વ નારીઓ શબ-દેહ સમાન હતી. તો પછી મારો વ્રત-ભંગ કેવી રીતે ગણાય?’ તેમના મનમાં જાગેલો પશ્ચાત્તાપ તેમના ઇન્દ્રિય-સંયમના વ્રત પ્રત્યેની પ્રબળ નિષ્ઠા અને અખંડ જાગૃતિનો પરિચાયક છે.

હનુમાનજીના જીવનમાં જોવા મળતા સેવા અને ઇન્દ્રિય-સંયમના આદર્શો સ્વામી વિવેકાનંદને અતિ પ્રિય હતા અને તેઓ એ આદર્શો અનુસાર યુવાનોનું જીવન-ઘડતર થાય તેવું સ્વપ્ન સેવતા હતા.

હનુમાનજીની રામ-ભક્તિના સંબંધમાં શ્રીરામકૃષ્ણદેવ હનુમાનજીનું કથન વારંવાર  ટાંકતા: ‘હનુમાનજી બોલ્યા હતા કે, ‘ભાઈ! હું વાર, તિથિ, નક્ષત્ર વગેરે બધું જાણતો નથી; હું તો કેવળ રામનું ચિંતન કરું છું.

Total Views: 1,018

One Comment

  1. रोमित भट्ट April 15, 2023 at 12:58 pm - Reply

    ।। बोलो श्री सीताराम ।।

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.