શાન્તનુએ તેમની શરતનો સ્વીકાર કરી લીધો. ત્યાર બાદ તેઓ સુખેથી સાથે રહેવાં લાગ્યાં. આ રીતે અનેક વર્ષો વીતી ગયાં. એક પછી એક તેમને સાત પુત્રો પ્રાપ્ત થયા અને દેખાવમાં બધા જ દેવતાઓ જેવા સુંદર હતા. જેવો કોઈ પુત્રનો જન્મ થતો કે તરત જ મહારાણી તેને ગંગાજીમાં વિસર્જિત કરી દઈ કહેતાં, ‘તારા માટે આ જ સારું છે.’ શાન્તનુ તેમના આ કાર્યથી ભયભીત થઈ ઊઠતા પરંતુ પત્નીના જતાં રહેવાના ડરથી એક શબ્દ પણ બોલી શકતા ન હતા. અંતે જ્યારે તેમને આઠમા પુત્રની પ્રાપ્તિ થઈ અને મહારાણી તેને પણ ગંગાજીમાં પ્રવાહિત કરવા માટે ગયાં ત્યારે રાજાએ ખિન્ન મને તેનો વિરોધ કરતા કહ્યું, ‘કૃપા કરીને આ પુત્રને તો જીવતો રહેવા દો! તમે પોતાના જ સગા પુત્રોને કેમ મારી નાખો છો? તમે કયા ઉદ્દેશથી આવું ક્રૂર કાર્ય કરો છો? હકીકતે તમે કોણ છો?’

ગંગાએ ઉત્તર આપ્યો, ‘હે રાજા, તમારી ઇચ્છા પ્રમાણે હું આ પુત્રને છોડી દઈશ. પરંતુ તમે તમારું આપેલું વચન તોડ્યું છે, તેથી હું તમારાથી વિદાય લઈશ. હું જહ્નુની પુત્રી (જાહ્નવી) અને ઋષિઓ દ્વારા હંમેશાં પૂજિત ગંગા છું. દેવતાઓનું કાર્ય સંપન્ન કરવા માટે હું આટલા દિવસ તમારી સાથે રહી. આ આઠ પુત્રો ખરેખર તો આઠ વસુઓ છે, જેમણે એક શાપને કારણે પૃથ્વી પર જન્મ લેવાનો હતો. મારા સિવાય અન્ય કોઈ તેની માતા બની શકે તેમ નહોતી અને તમારા સિવાય અન્ય કોઈ પણ તેમના પિતા તરીકે સન્માન પામવાના અધિકારી નહોતા. તેના પિતા બનવાથી તમે ઘણું પુણ્ય મેળવ્યું છે.’

અષ્ટ વસુ અને વશિષ્ઠનો શાપ

શાન્તનુ વસુઓ અને તેમના શાપ બાબતે જાણવા માટે ઉત્સુક હતા. ગંગાએ તેમને વસુઓની કથા સંભળાવતાં કહ્યું,

“વશિષ્ઠ નામના એક મહાન ઋષિ હતા. તેમની પાસે નંદિની નામની એક દિવ્ય ગાય હતી. એક દિવસ આઠેય વસુઓ પોતાની પત્ની સાથે પૃથુના નેતૃત્વ હેઠળ વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા. દ્યૂ નામના એક વસુ નંદિની ગાયને જોઈ તેના પર મુગ્ધ થઈ ગયા. તેણે જોયું કે મોટી મોટી આંખોવાળી, ભરેલાં આઉવાળી, આકર્ષક પૂંછડીવાળી અને અત્યંત સુંદર ખરીવાળી આ મહિમામયી ગાય સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત છે અને પુષ્કળ દૂધ આપે છે. તેની પત્નીએ એ ગાયને મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી. દ્યૂએ પોતાની પત્નીને રાજી કરવા ભાઈઓની મદદથી એ ગાયની ચોરી કરી. તે વખતે ઋષિ તેમના આશ્રમમાં ન હતા, પરત આવીને જોયું તો નંદિની ગાય ચોરાઈ ગઈ છે. પોતાની યોગદૃષ્ટિથી તેમણે જાણ્યું કે વસુ લોકો તેને ઉપાડી ગયા છે.

તેઓએ તે વસુઓને એમ કહી શ્રાપ આપ્યો, ‘તમે બધા ધરતી ઉપર મનુષ્યનાં રૂપે જન્મ લો.’ આ શ્રાપ વિશે જાણીને વસુગણ તુરંત ઋષિ પાસે જઈ ક્ષમા માગવા લાગ્યા.

“ધર્માત્મા વશિષ્ઠને તેમના પર દયા આવી અને તેઓ બોલ્યા, ‘તમે લોકો આ શ્રાપથી તો નહિ બચી શકો. તમારામાંના સાત જણ તો મનુષ્યરૂપમાં જન્મ લેતાંવેંત જ મારા શ્રાપથી મુક્ત થઈ જશો. માત્ર દ્યૂએ તેણે કરેલાં દુષ્કર્મને કારણે ધરતી પર લાંબા સમય માટે રહેવું પડશે. તે એક ધર્મપ્રાણ વ્યક્તિ બનશે, જે પરમ વિદ્વાન અને સહુના સન્માનને પાત્ર બનશે. તે એક મહાન પ્રસિદ્ધિથી વિભૂષિત થશે.’

“તે પછી વસુઓ મારી પાસે આવ્યા. તેઓએ મારી પાસેથી એ વરદાન માગ્યું કે હું તેમની માતા બનું, તેમનો જન્મ થતાંવેંત નદીમાં વહાવી દઈને તેમને મુક્તિ પ્રદાન કરું. તેઓને મુક્તિ આપવા માટે મેં તેમ જ કર્યું. પરંતુ ઋષિના શ્રાપ પ્રમાણે આ આઠમા વસુ દ્યૂએ લાંબા સમય માટે પૃથ્વી પર રહેવું પડશે. હવે આ બાળક જ્યાં સુધી યુવાન ન બની જાય ત્યાં સુધી હું તેનું પાલનપોષણ કરીશ અને ત્યાર પછી તેને ભેટ સ્વરૂપે તમને સોંપી દઈશ.’

આટલું કહીને ગંગા એ શિશુને પોતાની સાથે લઈ અંતર્ધાન થઈ ગયાં. શોકગ્રસ્ત હૃદય સાથે શાન્તનુ પોતાની રાજધાનીમાં પરત ફર્યા.

(ભાષાંતરકાર : નલિનભાઈ મહેતા.)

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.