૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા.

પાંચ વર્ષની ઉંમરે તેમને માતૃવિયોગ થયો તેમજ બાર વર્ષની ઉંમરે તેમના પિતાએ દેહત્યાગ કર્યો. તેમને બે મોટાભાઈ હતા તેમજ તે બન્ને હરિનાથને ખૂબ પ્રેમ કરતા. મોટાં ભાભીઓએ હરિનાથને પુત્રની જેમ સ્નેહથી મોટા કર્યા. તેઓ શાળામાં એન્ટ્રન્સ સુધી ભણ્યા હતા. નવ વર્ષની ઉંમરે તેમનું યજ્ઞોપવિત થયું ત્યારથી તેઓ બ્રહ્મચારીની જેમ જીવન વિતાવતા. તેઓએ સારી રીતે સંસ્કૃત શીખીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું.

નાનપણથી જ તેમને શંકરાચાર્યના ગ્રંથો પ્રત્યે આકર્ષણ હતું. ‘હું આત્મા છું, હું દેહ નથી,’ એવા શંકરાચાર્યના ઉપદેશની તેમના મન પર ઊંડી અસર થઈ. ગીતા વગેરે શાસ્ત્રોમાં સ્થિતપ્રજ્ઞ જીવનમુક્તનાં લક્ષણો વાંચીને તેઓ ખૂબ પ્રભાવિત થયા અને એ પ્રમાણે બનવાની ઇચ્છા થઈ. સત્યાનુભૂતિ જ તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું.

બ્રહ્મચારીની જેમ તેઓ હંમેશાં ગંગાસ્નાન કરતા અને પોતે જ ભોજન બનાવીને જમતા. એક દિવસ ગંગા કિનારે સ્નાન કરતી વખતે લોકો મગરને જોઈને ઝડપથી પાણીમાંથી નીકળી ગયા. તેઓ પણ નીકળવા જતા હતા પરંતુ બીજી જ ક્ષણે તેમના મનમાં થયું, ‘મગરની વળી શું બીક ? હું હંમેશાં કહું છું – ‘શિવોહમ્ શિવોહમ્’ અને અત્યારે હું શરીર બચાવવા ઇચ્છું છું કે જે વાસ્તવમાં નથી.’ આવી રીતે પોતાના મનને ઠપકો આપીને તેઓ ચિંતા કર્યા વિના સ્નાન કરવા લાગ્યા. અવશ્ય, મગરે તેમના પર આક્રમણ ન કર્યું.

પછીથી તેઓએ શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશના માધ્યમથી પોતાનું જીવનઘડતર કર્યું. હરિ મહારાજે અમેરિકામાં તથા શાંતિ આશ્રમ (સાનફ્રાન્સિસ્કો)માં લગભગ ત્રણ વર્ષ અમને શિક્ષણ આપ્યું હતું. ત્યાર પછી તેઓ ભારત પાછા ફર્યા. હું જ્યારે પહેલી વાર ભારતમાં બેલુર મઠ આવ્યો ત્યારે તેઓ ઉત્તરકાશીમાં તપસ્યારત હતા. આઠ મહિના પછી મને માયાવતી આશ્રમમાં મોકલવામાં આવ્યો; ત્યાં હું બે વર્ષ હતો. ત્યારબાદ મેં કાશીમાં આવીને સાંભળ્યું કે હરિ મહારાજ ખૂબ જ અસ્વસ્થ છે. સ્વામી કલ્યાણાનંદ તેમને કનખલમાં સારવાર માટે લઈ ગયા. સ્વામી પ્રેમાનંદ સાથે હું તેમને કનખલમાં જોવા ગયો. તેઓ ધીરે ધીરે સ્વસ્થ થતા હતા. એક દિવસ તેમની સાથે રાજઘાટ પર ફરવા ગયો. ત્યાં અનેક મંદિરો જોઈને મેં કહ્યું, ‘મહારાજ! મંદિરની અંદર જશો ?’ તેઓ બોલ્યા, ‘ના, મારો અત્યારે મંદિરમાં જવાનો મનોભાવ નથી.’ અમેરિકામાં પણ તેઓને અલગ અલગ ભાવમાં રહેતા જોયા છે.

બીજા એક દિવસે હરિ મહારાજની સાથે ફરવા જતાં જોયું કે એક મોટો વાંદરો દીવાલ પર છે. તેઓએ વાંદરા સામે જોતાં તે ગુસ્સે થઈને, મોઢું બગાડીને દાંતિયાં કરવા લાગ્યો. મેં કહ્યું, ‘મહારાજ ! જલદી આવતા રહો નહિતર વાંદરો તમને કરડી શકે છે.’ તેઓ બોલ્યા, ‘ના, તે આક્રમણ નહિ કરે. તે મને ભય દેખાડે છે.’ આ પ્રસંગે સ્વામીજીની બે વાતો યાદ આવી. કાશીમાં દુર્ગા દેવીના મંદિર પાસે વાંદરાઓએ સ્વામીજી ઉપર આક્રમણ કરતાં તેઓ દોડીને ભાગી રહ્યા હતા ત્યારે એક સાધુએ કહ્યું હતું, ‘ભાગો નહિ, દોડશો તો તેમનાથી બચી નહિ શકો. આવાં પશુઓનો સામનો કરો. કયારેય ડરશો નહિ.’ આ ઉપદેશ આપણા બધા માટે ઉપયોગી છે. જીવનમાં ગમે તેટલી વિપત્તિઓ કેમ ન આવે, આપણે હંમેશાં તેનો સામનો કરવો જોઈએ.

ઈ.સ.૧૯૧૭માં સ્વામી તુરીયાનંદ સ્વામી બ્રહ્માનંદજી સાથે પુરીમાં હતા. ત્યાં તેઓ અત્યંત અસ્વસ્થ થઈ ગયા અને મને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલે હું પુરી ગયો. ડૉ. દુર્ગાપદ તથા બીજા ડાૅક્ટર કલકત્તાથી તેમની સારવાર માટે પુરી આવ્યા. તે સમયે સ્વામી તુરીયાનંદે મને કહ્યું, ‘તારા આવ્યા પહેલાં મેં જોયું કે મારા શરીરમાંથી બે મૂર્તિ બહાર આવી. તેઓ જીવન અને મૃત્યુ હતાં. તેઓ એક બીજા સાથે લડાઈ કરવા લાગ્યાં. બન્ને સમાન રીતે બલવાન. એક આમ જાય, બીજો તેમ જાય. છેલ્લે જીવને મૃત્યુને પરાજિત કર્યું. મને ખબર પડી કે આ વખતે હું મૃત્યુ પામીશ નહિ, ભલેને મારું જીવન સંકટમય હોય.’

સ્વામી તુરીયાનંદજી પુરીમાં સ્વસ્થ થતાં અમે બધા તેમને કલકત્તામાં ઉદ્‌બોધનવાળા મકાનમાં લઈ આવ્યા. તેમના હાથ પર થોડા ફોલ્લા નીકળ્યા. ડાૅક્ટરે જ્યારે તે ફોલ્લાઓનું આૅપરેશન કર્યું, ત્યારે સ્વામી તુરીયાનંદજીના મુખ પર જરા પણ દુ :ખની નિશાની જોવા ન મળી. મનમાં થયું કે તેઓએ દેહથી સંપૂર્ણપણે મનને અલગ કરી દીધું છે. મેં તેમને વારંવાર અસ્વસ્થ થતા જોયા છે. મેં તેમને એક વાર પૂછ્યું, ‘મહારાજ ! તમે શું પોતાને આ વખતે દર્દથી મુક્ત ન કરી શકો ?’ તેઓ જવાબમાં બોલ્યા, ‘હા, યોગાભ્યાસ દ્વારા દેહને દર્દમુક્ત કરી શકાય.’ ત્યારબાદ થોડી મિનિટો પછી બોલ્યા, ‘કોણે કહ્યું કે હું દુ :ખી છું ? તું કહે છે કે હું અસ્વસ્થ છું. હું કહું છું કે હું અસ્વસ્થ નથી. હું શરીર નથી – હું અજર, અમર આત્મા છું. હું મારા દેહથી અલગ છું.’ આમ બોલીને તેઓ ગીતામાંથી આ શ્લોક બોલવા લાગ્યા :

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।।2.23।।

અર્થાત્ આ આત્માને શસ્ત્રો કાપતાં નથી, અગ્નિ બાળતો નથી; વળી આને પાણી ભીંજવતું નથી, વાયુ સૂકવતો નથી.

હું તેમની વાતોથી ખૂબ જ મુગ્ધ થયો. આ જ હતી તેમની સાથેની મારી છેલ્લી મુલાકાત. તેના થોડા સમય પછી હું અમેરિકા પાછો ગયો. ‘હું દેહ નથી, હું મન નથી, હું આત્મા છું,’ તેમના આ જ દૃઢ વિશ્વાસે મને ઉત્સાહિત કર્યો. હરિ મહારાજ પોતાના વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવની વાત ખૂબ જ ઓછી કહેતા. એક વાર શાંતિ આશ્રમમાં એક વ્યક્તિએ હરિ મહારાજની પાસે ફરિયાદ કરી કે તેનું ધ્યાન અને આધ્યાત્મિક ઉન્નતિ અટકી ગયાં છે. હવે શું કરવું ? હરિ મહારાજે કહ્યું, ‘આધ્યાત્મિક ઉન્નતિ ક્યારેય સીધી રેખા જેવી ન હોય. તે માર્ગ શંખની જેમ ગોળ ગોળ હોય છે. એ ક્રમશ : ઉપર-નીચે થાય. જેવી રીતે એક વ્યક્તિ હિમાલયના એક પહાડ પર ચડ્યો, ત્યારબાદ નીચે ઊતર્યો; ફરી તે બીજા પહાડ પર ચડવા લાગ્યો. ચડ્યા પછી ભલેને તે ઊતરે છે, છતાં હંમેશાં તે ઉચ્ચ ગંતવ્ય સ્થાન તરફ આગળ વધે છે. આધ્યાત્મિક જીવનમાં પણ તે પ્રમાણે હોય છે.’ ત્યારબાદ તેઓએ પોતાનો આધ્યાત્મિક અનુભવ કહ્યો, ‘હું જ્યારે યુવાન હતો અને વરાહનગર મઠમાં રહેતો હતો એ સમયે મારા મનમાં એક વાર અત્યંત હતાશાનો ભાવ આવ્યો. હું ધ્યાન ન કરી શક્યો. મારી દશા ત્યારે તારા મનની દશા જેવી હતી. હું રાત્રે મઠની અગાશીમાં એકલો ફરવા લાગ્યો.

ચારે બાજું મેઘાચ્છાદિત ગાઢ અંધકાર હતો. અચાનક પવનની લહેરથી વાદળો દૂર થઈ ગયાં અને પૂર્ણચંદ્ર આપોઆપ વિકસિત થઈ ગયો. અંધકાર દૂર થયો અને ચાંદનીથી બધું પ્રકાશિત થઈ ઊઠ્યું. આ દૃશ્યે મારા અંતરમાં એક આંદોલન જગાડ્યું. એક ઝલકથી મને અનુભૂતિ થઈ – હું આ પૂર્ણચંદ્રની જેમ જ્યોર્તિમય આત્મા છું. તો મારા આત્મપ્રકાશથી સમગ્ર જગત પ્રકાશિત છે – ત્યારે મારો બધો હતાશાભાવ દૂર થઈ ગયો.’

બીજા એક સમયે સ્વામી તુરીયાનંદ પરિવ્રાજક જીવન વિતાવતા હતા ત્યારે એક દિવસ તેમના મનમાં એવી ચિંતા થઈ, ‘હું શું કરું છું ? હું ઉદ્દેશ્યહીન જીવન વિતાવું છું. બીજા બધા કામ કરે છે તથા કંઈ ને કંઈ તૈયારી કરે છે અને હું નિષ્ક્રિય છું.’ આ ચિંતા તેમના મનમાં ઘર કરી ગઈ, તેણે તેમને અસ્થિર કરી દીધા. ત્યારબાદ એક દિવસ તેઓ એક વૃક્ષની છાયામાં (વૃંદાવનના કાશીઘાટમાં) ભૂખથી ક્લાંત શરીરે સૂઈ ગયા. નિદ્રિત અવસ્થામાં તેમને એક અલૌકિક અનુભૂતિ થઈ. તેઓએ જોયું કે પોતાના શરીરમાંથી તેઓ બહાર નીકળીને નિદ્રાધીન શરીરનું નિરીક્ષણ કરે છે. તેઓ જોવા લાગ્યા કે તેમનું શરીર ક્રમશ : વધવા લાગ્યું તથા તેની કોઈ સીમા ન રહી. તેમનું શરીર એટલું વધ્યું કે તેણે સમગ્ર પૃથ્વીને ઢાંકી દીધી ત્યારે તેઓ પોતાને સંબોધિત કરીને બોલ્યા, ‘કેવું આશ્ચર્ય ! તું તો જગતમાં ભટકતો નથી. તું તો સમગ્ર વિશ્વની સાથે એક થઈ ગયો છે. તું પ્રકૃત સર્વવ્યાપી આત્મા છો.’ આવી ભાવનાથી તેમનો નિદ્રાભંગ થયો અને તેઓએ અનંત અપૂર્વ આનંદનો અનુભવ કર્યો. તેઓનો હતાશાભાવ દૂર થઈ ગયો.

સ્વામી તુરીયાનંદ વ્યર્થ વાતચીત કે વિવાદ કરવાનું એકદમ પસંદ કરતા ન હતા. શાંતિ આશ્રમમાં તેમની અનુપસ્થિતિમાં અમે જુદા જુદા વિષયો પર ચર્ચા કરતા. જેવું જોતા કે તેઓ અમારી તરફ આવે છે કે તરત જ અમે ચૂપ થઈ જતા. તેઓ પૂછતા, ‘શું વાતો ચાલે છે ? તમે અહીં શું કરવા આવ્યા છો ? વ્યર્થ વાતચીત તમે શહેરમાં (સાનફ્રાન્સિસ્કો) જઈને કરી શકો. અહીંયાં તમે માત્ર ‘મા’ની વાતો કે ‘મા’નું ધ્યાન-ચિંતન કરો.’ ‘મા’ કહીને તેઓ આત્માને જ સમજાવતા.

તેઓ કહેતા, ‘આધ્યાત્મિક જીવનમાં આત્મસમર્પણ અથવા પૂર્ણ શરણાગતિ જ સર્વોચ્ચ અવસ્થા છે. આત્મનિવેદન અને આત્મચેષ્ટા (સ્વપુરુષાર્થ) ખરેખર એક જ બાબત છે. મનને પવિત્ર કરવા માટે પ્રયત્ન જોઈએ. જેમની ઉંમર ઓછી છે તેઓએ પ્રચંડ સાધના કરવી જોઈએ કારણ કે મોટી ઉંમરમાં સંસ્કાર ઉત્પન્ન કરવા કઠિન છે. વૃદ્ધાવસ્થામાં તમે પૂર્વકર્મોને વાગોળી શકો અથવા પુનરાવૃત્તિ જ કરી શકો. ઊઠો અને મંડી પડૉ. યુવાની જ કર્મ-સફળતાનો એકમાત્ર શ્રેષ્ઠ સમય છે. અહીંયાં અને અત્યારે જ સિદ્ધિલાભ કરો. જીવનમાં ક્યારેય સત્યપ્રાપ્તિના માર્ગમાં સમાધાન ન કરવું.’

Total Views: 429

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.