[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ લેખનો પ્રથમ અંશ સપ્ટેમ્બરના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ કરીએ છીએ.]

પરંતુ જો ખરેખર સ્વામીજીનો એવો જ આશય હતો તો પછી તેઓ સમાજવાદ ભણી કેમ ઢળ્યા? આપણે જેનો પહેલાં ઉલ્લેખ કરી ગયા છીએ તે આમ-પ્રજા માટે એમની ઊંડી સહાનુભૂતિ આ પ્રશ્નનો એક ઉત્તર છે. દરિદ્રનારાયણોની સેવા કરવાનું જે તત્ત્વજ્ઞાન તેઓ શ્રીરામકૃષ્ણ પાસેથી વારસામાં પામ્યા હતા તે પણ આ માટે સરખું જ જવાબદાર હતું; એટલું જ નહીં આપણે એમ પણ દલીલ કરી શકીએ કે સ્વામીજીની સહાનુભૂતિ આ આધ્યાત્મિક માન્યતાને જ સહજ ફલિતાર્થ હતી. જો કે જીવનમાં જટિલ પ્રશ્નો અંગે સ્વામીજીના બુદ્ધિવાદી વલણે પણ કાંઈ ઓછો ફાળો આપ્યો ન હતો. લોકો પોતાની મર્યાદામાંથી કાંઈ એકદમ કૂદકો મારી શકે નહીં, એમ તેઓ જાણતા હતા. વૈયક્તિક શક્તિમર્યાદા અને ધીમી પ્રગતિ જેવી બાબતો પણ હસ્તીમાં છે. અસ્તરાની ધાર જેવા સર્વોત્તમ આધ્યાત્મિક માર્ગ પર સૌ કોઈ ચાલી શકે નહીં. એ માટે મોટી પૂર્વતૈયારી જરૂરની છે. વિશાળ અર્થમાં વાત કરતાં, બેકાળજી અથવા આળસને તજી પહેલાં તો મનુષ્યે કાર્યમાં રસ લેવા અને કાર્ય કરવામાં લાગી જવું જોઈએ અને પછી જ કાર્યોમાંથી વિરક્તિ લઈ ઈશ્વરેચ્છા આધીન થવાને પગથિયે ચડવું જોઈએ. બૌદ્ધધર્મના પતનકાળમાં અજાણતાં એવી એક ભૂલ-ભરેલી માન્યતા ફેલાઈ ગઈ હતી કે ત્યાગ દ્વારા સાર્વત્રિક મોક્ષ શક્ય છે, અને આમ કરી તેણે સાધુતાનાં દ્વાર સૌને માટે ખોલી નાખ્યાં. પણ સ્વામીજીનો મત એથી જુદો હતો. એમણે પરિસ્થિતિનો ક્યાસ કાઠ્યો અને એક સૂચક પ્રશ્ન પૂછ્યો: “આખા ભારતવર્ષમાં ધારો કે એક લાખ સ્ત્રી-પુરુષો સાચા આધ્યાત્મિક હશે તો એ એક લાખની આધ્યાત્મિકતા ખાતર ત્રીસ કરોડ લોકોએ શું જંગલિયતમાં અને ગરીબીમાં ડૂબેલા રહેવું?”9 અન્યત્ર એમણે કહેલું કે; દેશનો છેલ્લો કૂતરો પણ ભૂખ્યો હશે ત્યાં સુધી મારી પ્રથમ ફરજ એની ભૂખ ભાંગવાની છે.

આ બધું હોવા છતાં બીજા અનેક સમાજશાસ્ત્રીઓથી સ્વામીજી પાયમાંથી જ જુદા પડતા હતા. એમનું મંતવ્ય હતું કે લોકોની ભૂખ તો ભાંગવાની જ છે અને એમનું જીવન-ધોરણ પણ ઊંચે લઈ જવાનું છે; પણ એ બધું ધર્મને ભોગે તો નહીં જ. વળી આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિ વચ્ચે તેમને કશી વિસંગતતા લાગતી ન હતી. પોતાના આધ્યાત્મિક વારસાને અકબંધ જાળવીને જ લોકો ઊભા થાય એમ તેઓ ઇચ્છતા: “લોકોની જન્મજાત આધ્યાત્મિકતાને અકબંધ જાળવીને તેમણે ગુમાવેલા વ્યક્તિત્વને શું તમે આપી શકશો?”10 ‘લોકોના ધર્મને આંચ આવ્યા સિવાય તેમનું ઉત્થાન’, એ એમનું સૂત્ર હતું.11 સ્વામીજી વિશેષમાં એમ પણ માનતા કે આમજનતાને ઊંચે લઈ જવામાં ધર્મ અગત્યનો ભાગ ભજવી શકે, વેદાંતનું જે જ્ઞાન મોક્ષ મેળવી આપી શકે તે લોકોને પોતાનું અનાજ અને જીવનજરૂરિયાતની બીજી જણસો પેદા કરવા પૂરતી શક્તિ પણ આપી શકે એમ તેઓ માનતા. ઇતિહાસના માર્કસના ભૌતિકવાદી અર્થઘટનને કે હેગલના આદર્શવાદી અર્થઘટનને સ્વામીજી સ્વીકારતા ન હતા; સ્વામીજીના અર્થઘટનને આધ્યાત્મિકવાદી કહી શકાય. માર્કસની માફક તેઓ ભૌતિક પદાર્થોની સર્વોપરિતાને માનતા ન હતા, તેમ જ એક નિરપેક્ષ વિચાર, અનંતકાળ સુધી વિસ્તરતો રહે છે એમ હેગલની સાથે પણ તેઓ સંમત થતા ન હતા. સામાજિક પરિવર્તનો અંગે સ્વામીજીનો પોતાનો સિદ્ધાંત હતો; તેઓ માનતા કે સામાજિક ઉત્ક્રાંતિનું ધ્યેય ભલે પ્રગતિ હોય એ પ્રગતિ સીધી રેખામાં નથી થતી; પણ એની પ્રગતિ તરંગ જેવી હોય છે. કોઈ પ્રગતિ સીધી રેખામાં થતી નથી. બધી પ્રગતિમાં ઊર્ધ્વ અને નિમ્ર બંને ગતિઓ હોય છે અને સંસ્કારિતા એ માનવીમાં દિવ્યતાની અભિવ્યક્તિ છે; સંસ્કૃતિ આધ્યાત્મિક્તાની અભિવ્યક્તિ છે. અને તેમ છતાં હકીકત એ છે કે એકલી આધ્યાત્મિક્તા કે એકલી ભૌતિક્તા પૃથ્વી પર કદાપિ સાર્વભૌન બની શકે નહીં. ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ સમાજમાં વારાફરતી આવે છે. બાહ્ય પ્રગતિ અને આંતરિક પ્રગતિ વારાફરતી આવીને સામાજિક પરિવર્તનો નિર્માણ કરે છે. અસ્તિત્વ માટેના યુદ્ધમાં સૌથી બળવાનના જ જીવતા રહેવાની શક્યતાના સિદ્ધાંતવાળી નિમ્ર કક્ષાની જીવનશ્રેણીમાં પ્રવર્તતી જૈવિક પ્રક્રિયાઓ પર મનુષ્ય સમાજ-આધારિત છે; એમ માની લેવું તો અતાર્કિક છે. કારણ કે હકીકતો તો એથી ઊલટી દેખાય છે. માનવસમાજમાં પ્રગતિનું નિર્માણ પ્રેમ, સહાનુભૂતિ અને સહકારથી થાય છે.

આધ્યાત્મિક્તાની અગ્રતાને જ વળગી રહેવા છતાં સ્વામીજી ભૌતિક બાબતોને એનાથી દૂર નહોતા રાખતા. આધ્યાત્મિક્તા અને ભૌતિક્તા એ બે વલણો સદા સમાન્તરે જ વર્તતાં હોય છે. માનવસ્વભાવ તો જેવો છે તેવો જ હોય. સામાજિક પ્રગતિને તબક્કે એ બંનેમાંથી એકને બળપૂર્વક હડસેલી મૂકવાનું તો અતાર્કિક જ થશે. પણ દુર્ભાગ્યે વર્તમાન હિંદુસમાજ માત્ર આધ્યાત્મિક મનુષ્યો માટે વ્યવસ્થા વિચારે છે અને બાકીના બધાંને નિર્દય રીતે હડસેલી કચડી નાખે છે. શા માટે? તો દુનિયાના ક્ષણિક સુખોપભોગમાં રાચવા ઇચ્છતા લોકો ક્યાં જશે? અંતમાં બધાંને માટે એકમાર્ગીપણાની વાતો લાંબી છે. ખરી રીતે તો વિવિધતામાં એકતાનો નિયમ અપનાવવો એ જ બહેતર છે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ બધા મનુષ્યો એ રીતના એક થવાના જ નથી. મનુષ્યો તફાવત સાથે જ જન્મે છે; કેટલાકમાં બીજાના કરતાં વધારે શક્તિ હોય છે, કેટલાકમાં કુદરતી શક્તિ હોય છે કેટલાકમાં નહીં. કેટલાંકનાં શરીર સંપૂર્ણ હોય છે, તો વળી બીજાનાં નથી હોતાં,  આ ભૂલ-ભૂલામણીમાંથી માર્ગ શો છે? મનુષ્ય સંઘર્ષ વિના તો આવી વિવિધ અસંગત પ્રાકૃતિક સંરચનાને વશ થઈ શકે નહીં. કારણ કે તેના પોતાનામાં જે પૂર્ણતા નિહિત છે તેને અભિવ્યક્ત કરવા માટે આ વૈવિધ્યભરી પ્રકૃતિની પાર જવામાં જ મનુષ્યનું લાક્ષણિક મનુષ્યત્વ રહેલું છે. પોતે ધર્મપુરુષ હોઈ સ્વામીજી વર્ગવિગ્રહના પુરસ્કર્તા ન બની શકે; જો કે ઉચ્ચ વર્ણોની સહાનુભૂતિ ચાલુ રહી તો તે વર્ગવિગ્રહ એમને મતે અનિવાર્ય લાગતો હતો. એથી આમ-પ્રજાની પ્રત્યક્ષ જરૂરિયાતો પ્રત્યે પ્રત્યક્ષ ધ્યાન દેવાની સલાહ ઉપલા વર્ણોના લોકોને તેઓ આપતા. સંઘર્ષના નિવારણ માટે, એ ઉચ્ચ વર્ણોએ જનસામાન્યના આધ્યાત્મિક અને બૌદ્ધિક ઉત્થાન માટે પ્રયત્નો કરવા જોઈએ. ક્રાંતિકારી શબ્દના સામાન્ય અર્થમાં સ્વામીજી ક્રાંતિકારી જ ન હતા. અલબત્ત પોતાની જાતને આમૂલ સુધારક તરીકે તેઓ ઓળખાવતા, પરંતુ આ સુધારો આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત હતો અને ઉત્ક્રાંતિની પ્રક્રિયાને માર્ગે આગળ ધપવાનો હતો. તેમણે કહ્યું હતું: “હું જેમાં માનું છું તે ઉત્ક્રાંતિ છે. વિશેષમાં, લોકોએ જાતે તે હાંસલ કરવાની છે. અને તે ઉપરથી ઠાંસવાની નથી. એમને વિચારો આપવાના છે. એમની આસપાસના જગતમાં જે ચાલી રહ્યું છે તેની પ્રત્યે તેમની દૃષ્ટિ ઉઘાડવાની છે. અને ત્યારપછી તેઓ પોતાની મુક્તિ હાંસલ કરશે. આપણું કાર્ય રસાયણોને ભેગા કરવાનું છે. ઘાટ પ્રકૃતિના નિયમ મુજબ ઘડાશે. એમના મગજમાં વિચારો આપવા તે આપણું કર્તવ્ય છે, બાકીનું તેઓ જાતે કરશે.”

જગતમાં પરિવર્તન તો કરવાનું જ છે. પણ તે કરવું કેમ કરીને? આપણે એમને જ સાંભળીએ: “આ યુવાનોને સંગઠિત કરવા મારો જન્મ થયો છે… અને હું તે યુવાનોને અધમમાં અધમ તથા સૌથી વિશેષ પીડિતને દ્વારે જઈ તૃપ્તિ, નીતિ, ધર્મ અને શિક્ષણ આપવા માટે અજેય તરંગોની જેમ તેમને ધસમસતા મોકલવા માગું છું ને હું આ કરીશ યા મરીશ.” પોતાનું ભાગ્ય સુધારવા માટે દરેકને સમાન તક મળવી જોઈએ. સમાજની બધી જ વ્યક્તિઓને, સમૃદ્ધિ, શિક્ષણ અને જ્ઞાન મેળવવાની સમાન તક મળવી જ જોઈએ. બધા સમાજો આવી તક પૂરી પાડે છે એવું નથી. સ્વામીજીના સમયના ભારતમાં તો તેમ ન જ હતું. એટલે તેઓ દૃઢપણે માનતા કે મુક્તિના માર્ગમાં અવરોધ કરતા નિયમો નુકસાનકારક છે; એમનો ધ્વંસ કરવાના ઉપાયો તરત જ હાથ ધરવા જોઈએ, કારણ કે વિકાસનું પ્રથમ પગથિયું મુક્તિ છે. પ્રગતિની આ પૂર્વશરત સમાજવાદ સંતોષી શકશે એમ શું સ્વામીજીને ખાતરી હતી ખરી? સંભવતઃ નહીં, એમ સમાજવાદની એમની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે. સમાજને અગ્રતા આપી વ્યક્તિ-સ્વાતંત્ર્યનો ભોગ માગે તેવો સિદ્ધાંત એ સમાજવાદ અને વ્યક્તિના હિતને આગળ ધરે તે વ્યક્તિવાદ કહેવાય.13 સમાજમાં વ્યક્તિનું સ્થાન, જીવન-નિર્વાહ એનાં સાધનો, એની પત્નીની પસંદગી અને એની બીજી અનેક બાબતોને નિર્ણીત કરવાનું સમાજના હાથમાં છે. એ લક્ષમાં લેતાં એ તેટલે અંશે હિંદુસમાજ સમાજવાદી છે એમ સ્વામીજી માનતા હતા. વ્યક્તિસ્વાતંત્ર્યના આ હ્રાસથી ચોમેરથી હિન્દુસમાજ બંધિયાર બની ગયો છે એમ સ્વામીજી સ્પષ્ટ ભાળી શકતા. જે સામાજિક સમાનતાનો અર્થ, વૈચારિક નિયમન થતો હોય તેનું સ્વામીજીને આકર્ષણ ન હતું. સામાજિક સમાનતા અને આધ્યાત્મિક સ્વાતંત્ર્ય – ઈસ્લામના બહિરંગ અને વેદાંતના અંતઃસ્રાવના મિલનવાળા ભાવિ સમાજ પ્રત્યે એમનો પક્ષપાત હતો. પૂર્વ અને પશ્ચિમનાં વલણોનું પૃથક્કરણ કર્યા પછી એમણે ઘોષણા કરી હતી કે, “અમારે ત્યાં ભારતમાં ‘સામાજિક સામ્યવાદ’ છે. પણ તેના પર તથા તેની ચોપાસ અદ્વૈતનો પ્રકાશ રમમાણ થઈ રહ્યો છે તેથી અહીં આધ્યાત્મિક રીતે વ્યક્તિવાદ છે અને યુરોપમાં તમે સામાજિક રીતે વ્યક્તિવાદી છો, પણ તમારી વિચારણામાં દ્વૈત છે. એટલે તમારે ત્યાં આધ્યાત્મિક રીતનો સામ્યવાદ છે. આમ એકમાં વ્યક્તિવાદી વિચારણાથી ખચિત સમાજવાદી સંસ્થા છે ત્યારે સામ્યવાદી વિચારણાથી ખચિત વ્યક્તિવાદી સંસ્થાઓનો બીજો સમાજ બનેલો છે.”14

બીજે હોય તેવી જાતની સંસ્થા ભારતમાં ઊભી કરવાના પ્રયત્ન વિશે સ્વામીજી સભાન હતા. આનું પરિવર્તન એમને પ્રકૃતિથી સ્વીકાર્ય ન હતું એમ છતાં ભારતીય અને યુરોપીય આદર્શોમાં જે ઉત્તમ છે તેના મિશ્રણની તેઓ તરફદારી કરતા. “ભારતના ધર્મ સાથેનો યુરોપીય સમાજ તમે ઊભો કરી શકો?” એમ પૂછતા અને ઉત્તરમાં કહેતા: “એ શક્ય છે, અને થવું જ જોઈએ એમ હું માનું છું”15 પણ એ વાત એમણે ત્યાં જ પડતી મૂકી. ભાવિની આદર્શ વ્યક્તિમાં બુદ્ધના હૃદયનું અને શંકરની બુદ્ધિપ્રતિભાનું મિલન થાય એમ તેઓ વિચારતા પરંતુ હજુ અહીં સુધી એમના ધ્યેયની સ્પષ્ટ રૂપરેખા એમણે દોરી ન હતી. આ વિચારો એની અંશતઃ અભિવ્યક્તિરૂપે જ હતા. જ્ઞાતિપ્રથા વિશે વિચારતાં એક નવી યોજના એમના મનમાં આવી; પુરોહિતનું જ્ઞાન, રણસુરની સંસ્કારિતા, વણિકની વહેંચણીની ભાવના અને અંત્યજ (શ્રમિક)નો સમાનતાનો આદર્શ અકબંધ રાખીને એમના દોષો વિના રાજ્ય રચના કરી શકાય તો એ આદર્શ રાજ્ય બને પણ એ શક્ય છે? એ પ્રશ્ન એમની પોતાની શંકાનો દ્યોતક હતો. આ સંદર્ભમાં વિકલ્પ તરીકે એક વાર પુનઃ સમાજવાદ એમના ચિત્તમાં ઝબક્યો હતો અને આપણે જોઈ ગયા તેમ રોટલાના સાવ અભાવ કરતાં અર્ધો રોટલો સારો એ ન્યાયે તેઓ આ વાતને સ્વીકારવા તરફ વળ્યા હતા. જનસમુદાયના ભૌતિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે બીજું કંઈ વધારે સારું હાથ ન લાગે તો પછી એક પ્રયોગ તરીકે સમાજવાદને અજમાવવો આવકાર્ય બને ખરો, પણ જો એ આધ્યાત્મિક્તાથી સુદૃઢ બની રહે તો.

આમ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગોઠવણીની શક્યતાઓની મદદ વડે મનુષ્યસમાજની સુધારણા માટે તેઓ ચિંતનરત રહેતા પણ એમને ખાતરી હતી કે સંસદો પાર્લમેન્ટો માનવીનું ઘડતર કરી શકે નહીં. ઉલટું મનુષ્ય જ સંસદને ઘડે છે એટલે જનકલ્યાણ પ્રસ્થાપિત કરવા માટેની સુવ્યવસ્થિત પ્રવૃત્તિનો તેઓ વિચાર કરતા ને છતાં, ધર્મપુરુષ તરીકે સમાજની પ્રત્યેક વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ જ એમનું અંતિમ લક્ષ્ય હતું. આ દૃષ્ટિકોણથી સામાજિક પ્રગતિનો પોતાનો અંતિમ હેતુ તેમણે આ પ્રમાણે ઘડ્યો હતો: “સત્યુયુગમાં એક જ વર્ણ હતો અને એ બ્રાહ્મણોનો એમ આપણે વાંચીએ છીએ. આપણે મહાભારતમાં વાંચીએ છીએ કે સમગ્ર પૃથ્વી બ્રાહ્મણોથી વસેલી હતી… અને ચક્ર પૂરું થશે ત્યારે સૌ પોતાના બ્રાહ્મણ-મૂળ પ્રત્યે વળશે, આ ચક્ર અત્યારે જ ફરી રહ્યું છે.”17 “આ સાચું જ માનજો. યુવાનો ઊઠો અને કામે લાગો… પુરાતન હિન્દુ ધર્મ સદા જીવંત રહો… ઊઠો મારા યુવોનો ઊઠો! વિજય આપણો જ છે.”18 બ્રાહ્મણની વિવક્ષા એમને મન સર્વોત્કૃષ્ટ માનવતા હતી – આધ્યાત્મિક, પ્રશાંત, પ્રેમમય અને તે સાથે સર્વોચ્ચ બુદ્ધિમત્તા ધરાવતી. આ અર્થમાં જ એમણે કહ્યું હતું: “મારા શિષ્યો બધા બ્રાહ્મણો છે.”

પુરોહિતપણું આ બ્રાહ્મણત્વનું વિરોધી એમને લાગ્યું હતું ને એને માટે એમને ભયંકર તિરસ્કાર હતો. “પુરોહિતપણું ભારતનો મોટો શાપ છે.”19 એ ઘનીભૂત ત્રાસ છે. કેટલાક પાશ્ચાત્ય સમાજશાસ્ત્રીઓએ આમજનતાના પછાતપણા માટે ધર્મને દોષિત ગણ્યો છે. પણ ત્રાસનું આખું ષડયંત્ર ઊભું કરનાર મૂળ ગુનેગાર પુરોહિતપણું છે, એમ સ્વામીજી દૃઢપણે માનતા. તેથી જનસામાન્યના ઉદ્ધાર માટે પુરોહિતવાદને આમૂલ હટાવવો જ રહ્યો. વળી સત્યયુગના આવતાં સુધી અસમાનતા જારી રહેશે એમ એ સ્વીકારતા હતાં છતાં, કોઈ શારીરિક લક્ષણો કે મર્મગામી બુદ્ધિને કારણે કોઈને કશાં ચડિયાતાપણા માટે અધિકાર મળે એમ એ સ્વીકારતા ન હતા: “વિશેષાધિકારની વાત આપણે છોડવી જ જોઈએ. ત્યાર પછી ધર્મનો ઉદય થશે.”20 બીજાના કરતાં કંઈ વિશેષ લાભ મેળવવો એ અધિકાર છે.21 સમાજવાદીઓ અને સામ્યવાદીઓ ધનની પ્રાપ્તિ અને વહેંચણીનાં ક્ષેત્રોમાંથી આ વિશેષાધિકારને નાબૂદ કરવા માગે છે. પણ એમ કરવામાં તેને આંશિક સફળતા જ મળી છે. પરંતુ વિશેષાધિકારોના સૂક્ષ્મ પ્રકારોમાં એમને જરા પણ વિજય મળ્યો નથી. સ્વામીજીની વિચારણા વધારે પાયાની હતી, કારણ કે માનવીની આધ્યાત્મિક વૃત્તિની વધારે જાગ્રતિ દ્વારા તેઓ માનવીનું નૈતિક પરિવર્તન ઝંખતા હતા. સૌના પાયામાં દિવ્યતા રહેલી છે એમ ઘોષણા કરનાર અદ્વૈત વેદાંતમાં એમને બધા સામાજિક દૂષણોનો રામબાણ ઈલાજ લાધ્યો હતો. સત્યયુગના પ્રાક્ટય માટે શ્રીરામકૃષ્ણના આગમન સાથે એ પ્રકટી ચૂક્યો છે, એમ સ્વામીજી માનતા. તેથી, તેને સુદૃઢ કરવા માટે – અદ્વૈતવાદનો શંખધ્વનિ ફૂંકવા અને પુરોહિતવાદ તથા અધિકારવાદને દૂર કરવા ઉપરાંત સામાન્ય લોકોના અને ઉચ્ચ વર્ણના લોકોનાં વલણોમાં પરિવર્તન કરવા માટે સ્વામીજી ભાર મૂકતા. સંઘર્ષ એકેય વર્ગને મદદરૂપ નહીં થાય; એ બંનેની અધોગતિ કરશે. ઉપલા વર્ગોને ધરાશાયી કરીને નીચલા વર્ગો ઊંચે નહીં આવી શકે. પોતાના સાંસ્કારિક અને આધ્યાત્મિક ઉત્થાનમાં જ એમનો ઉદ્ધાર છે, માત્ર બીજાને દોષ દેવાથી કંઈ વળે નહીં. બીજાને મહત્તા અર્પનાર ગુણો આત્મસાત્ કરવા માટે પણ તેમણે પુરુષાર્થ કરવો જોઈએ.

“તો જ્ઞાતિપ્રથાનો આપણો ઉકેલ એ નથી કે જેઓ ઊંચે સ્થાને છે, તેમને નીચે પછાડવા, ખાનપાનમાં ગાંડા થઈ જવું કે વિશેષ સુખોપભોગ માટે હદથી ઊંચે કૂદકા મારવા, પણ આપણામાંની દરેક વ્યક્તિ વેદાંતના ધર્મનું અનુપાલન કરશે, આધ્યાત્મિકતા પ્રાપ્ત કરશે અને આદર્શ બ્રાહ્મણ બનશે તો તેથી તે હાંસલ થશે.”22

સ્વામીજીના મતે આ આધ્યાત્મિક ઉન્નતિ વિના આણેલો સમાજવાદ રહી શકશે નહીં. ધર્મ માનવીની ભલાઈ પર આધારિત ન હોય તો આ કે બીજી સંસ્કૃતિ ટકી શકશે તેની શી ખાતરી? માહિતીનો ખડકલો નહીં પણ સંસ્કારિતા જ આક્રમણને ખમી શકે છે… એ આપો નહીં ત્યાં સુધી લોકોની સુધરેલી સ્થિતિ ચિરંજીવી બની શકે નહીં અને ઉચ્ચ વર્ણોના લોકોને એમણે કહેલું: “રંક, પીડિત અને અજ્ઞાની લોકોને તમારા પ્રભુ માનો.” પોતાની પાસે છે માટે જ ઉચ્ચવર્ણના લોકોએ આપવું રહ્યું, ધાર્મિક ફરજ તરીકે એમણે જ્ઞાન અને સંસ્કારનું પ્રદાન કરવું જોઈએ, અને એમણે ચેતવણી ઉચ્ચારી હતી કે, જો એ આમ નહીં કરે તો એ વર્ણોના દહાડા ગણાઈ ચૂક્યા છે. શૂદ્રો પોતાની શૂદ્રતા સાથે ઊંચા આવશે, બ્રાહ્મણો તરીકે નહીં, અને ત્યારે તેઓ ઉચ્ચવર્ણો પાસેથી બધું છીનવી લેશે – નીચી સપાટીએ બધું સમથળ થશે; ઊંચે જવાપણું રહેશે નહીં એટલે બરાબર ચેતો!

આમ અમારું તારતમ્ય એ છે કે આજે પ્રચલિત છે તે અર્થમાં સ્વામીજી કદી કાર્યરત સમાજવાદી ન હતા. તે છતાં આમ-પ્રજા માટેનો એમનો પ્રેમ અને એની ઉન્તિ માટેની ચિંતા એટલાં પ્રબળ હતાં કે, જો તેમને પોતાની નેમ સાધવા કોઈ વધારે સારી રીત ન લાધી હોત તો અને સમાજવાદને કંઈ આધ્યાત્મિક આધાર આપી શકાયો હોત તો તેમણે સમાજવાદના રૂઢાર્થક રૂપમાં પણ એને અપનાવ્યો હોત. સમાજમાં બધાં અનિષ્ટો માટે સમાજવાદના રાજકીય મતને રામબાણ ઈલાજ તરીકે સ્વામીજીએ પ્રબોધ્યો ન હતો. એમનો સંદેશ આધ્યાત્મિક્તાનો હતો, અને બીજા સારા વિકલ્પના અભાવે સમાજવાદ તો ફક્ત એક મધ્યમ માર્ગ હતો.

પરંતુ બધા માર્ગો વિચાર્યા પછી ભારતના પુનર્જીવન માટે એકંદરે સત્યયુગના પોતાના ખ્યાલમાં સ્વામીજીએ શ્રદ્ધા જાહેર કરી હતી. આ માટે ઉચ્ચ વર્ણોના સહકાર ઉપર તેઓ આધાર રાખતા હતા; પરંતુ કદાચ એ ન સાંપડ્યો તો એમને લાધેલા ઊર્ધ્વગામી વિચારો એમના હેતુને એટલો જ બર લાવશે, કારણ કે એ સઘળા અથવા ખરેખર તો એ બધામાં ઓતપ્રોત છે તે અદ્વૈતના ખ્યાલમાં ભારતના અને વિશ્વના પુનર્જાગરણની શક્તિ છે.

ભાષાંતરકાર: શ્રી દુષ્યંત પંડ્યા

સંદર્ભ સૂચિ

  1. એજન, ભાગ-4, પૃ. 368
  2. એજન, પૃ. 29
  3. એજન.
  4. એજન, પૃ. 362
  5. એજન, પૃ. 488
  6. એજન, ભાગ-8, પૃ. 269
  7. એજન, ભાગ-4, પૃ. 368
  8. એજન, પૃ. 192, સંસદે આ કે તે કાયદો કર્યો તેથી કોઈ રાષ્ટ્ર મોટું કે સારું નથી બની જતું પણ રાષ્ટ્રના લોકો મોટા સારા છે માટે તે સારું બને છે. પૃ. 200 સંસદના કાયદાથી કોઈને નીતિમાન નથી બનાવી શકાતું એમ કહેવાય છે; ને એટલે જ રાજકારણ કરતાં ધર્મની અગત્ય વધારે ઊંડી છે, કારણ કે એ મૂળ સુધી પહોંચે છે ને ચારિત્ર્યનાં તત્ત્વોની ચર્ચા કરે છે.
  9. એજન, ભાગ-3, પૃ. 197-98
  10. એજન, ભાગ-5, પૃ. 31-32
  11. એજન, ભાગ-1, પૃ. 428
  12. એજન, ભાગ-4, પૃ. 320
  13. એજન, ભાગ-3, પૃ. 198
Total Views: 437

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.