સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે માનવ – માનવ વચ્ચે ભેદ પાડવામાં આવતા નથી. જ્યાં ધર્મ અને બ્રાહ્મણત્વનો અત્યાચાર નથી. જ્યાં લોકોને પોતાના વિકાસ માટે સમાન તકો મળી રહે છે. પોતાના આ સ્વપ્નને વાચા આપતાં તેમણે કહ્યું: “સમાજની બધી વ્યક્તિઓને ધન, વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવા એકસરખો અવસર મળવો જોઈએ… દરેક વિષયમાં સ્વતંત્રતા એટલે કે મુક્તિ તરફ પ્રગતિ જ મનુષ્ય માટે શ્રેષ્ઠ લાભ છે. જે સામાજિક નિયમો આ સ્વતંત્રતાના વિકાસ માર્ગમાં બાધક છે તેને જડમૂળથી ઉખાડી નાખવાના ઉપાયો તાત્કાલિક કરવા જોઈએ. જે સંસ્થાઓ દ્વારા મનુષ્ય સ્વતંત્રતાને માર્ગે આગળ વધે છે તેને પ્રોત્સાહિત કરવી જોઈએ.”

સ્વામી વિવેકાનંદે આપણને યાદ કરાવ્યું છે કે, “રાષ્ટ્ર ઝૂંપડીઓમાં વસે છે.” એટલે જે ઉચ્ચ વર્ણના લોકોએ વધારેમાં વધારે સગવડો પોતાને માટે સુરક્ષિત રાખી અને નીચલા વર્ગના લોકોનું સતત શોષણ કર્યું, તેમને ચેતવણી આપતાં કહ્યું છે, “ભારતવર્ષના ખેડૂતો, ચમારો, મહેતર અને એવી બીજી નિમ્ન જાતિના લોકોમાં તમારા કરતાં વધારે કાર્યશક્તિ અને આત્મવિશ્વાસ છે. યુગોથી તેઓ ચૂપચાપ કામ કરતા આવ્યા છે અને જરાય વિરોધ કર્યા વગર દેશને માટે બધી સંપત્તિ કમાતા આવ્યા છે… આ સહનશીલ જનતાનું તમે અત્યાર સુધી દમન કર્યું છે. હવે તેનો પ્રતિકાર કરવાનો સમય પાકી ગયો છે… જો મજૂરો કામ કરવાનું બંધ કરી દેશે તો તમને અન્નવસ્ત્ર નહીં મળી શકે… તમે તેમને નીચ જાતિના મનુષ્ય માનો છો અને પોતાની સંસ્કૃતિનાં બણગાં ફૂંક્યા કરો છો. આજીવિકાના સંગ્રામમાં વ્યસ્ત રહેવાને કારણે તેમને જ્ઞાન માટેની જાગૃતિની તક પ્રાપ્ત થઈ નથી. આટલા દિવસો સુધી તેઓ માનવ-બુદ્ધિથી ચાલતા યંત્રની જેમ સતત કામ કરતા રહ્યા છે અને ચતુર શિક્ષિત સમુદાયના લોકોએ તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ પડાવી લીધો છે… પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે… હવે ઉચ્ચ જાતિના લોકો ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ વધારે સમય સુધી નીચ જાતિના લોકોને દબાવી શકશે નહિ. તેમનું કલ્યાણ હવે એમાં જ છે કે તેઓ નીચ જાતિના લોકોને તેમના યથોચિત અધિકારો મેળવવામાં મદદ કરે.”

સ્વામી વિવેકાનંદ એમ માને છે કે પ્રકૃતિમાં અસમાનતા છે. તો પણ બધાંને સમાન તકો પ્રાપ્ત થાય તેના એ પક્ષપાતી છે. જો કોઈને વધારે અને કોઈને ઓછી તકો દેવી જ હોય, તો સબળ કરતાં નિર્બળોને વધારે તકો આપવી તે ઉચિત છે. બીજા શબ્દોમાં કહીએ તો ચંડાલને શિક્ષણની જેટલી જરૂર છે તેટલી બ્રાહ્મણને નથી. જો બ્રાહ્મણપુત્રને એક શિક્ષકની જરૂર હોય તો ચંડાલપુત્રને દસ શિક્ષકની જરૂર છે. સ્વામીજીનું માનવું એવું છે કે પ્રકૃતિદત્ત જન્મથી જેને કુશાગ્રબુદ્ધિ નથી મળી તેને વધારે સહાય મળવી જોઈએ.

સ્વામી વિવેકાનંદે પોતાના સ્વપ્નમાં જોયું કે ભારતમાં કોઈ ‘અછૂત’ નહીં હોય. તેઓ આભડછેટને ભારતનું સૌથી મોટું કલંક માને છે. એક જગ્યાએ તેમણે તેને ‘સામાજિક કોઢ’ તરીકે ઓળખાવેલ છે. બીજી જગ્યાએ તેને ‘માનસિક રોગ’ કહેલ છે. તેમને આશ્ચર્ય થતું હતું કે, “આત્મવત્ સર્વભૂતેષુ”નો પાઠ શીખવનાર દેશમાં અસ્પૃશ્યતાની ભાવના ક્યાંથી પેદા થઈ ગઈ! છૂતાછૂતની તરફદારી કરનાર એક વ્યક્તિ પર તેઓ અકળાઈ ઊઠ્યા, “શું તમે એમ માનો છો કે આપણો ધર્મ ‘ધર્મ’ કહેવડાવવાને લાયક છે? આપણો ધર્મ તો બસ ‘અડશો નહીં’માં સમાયેલો છે. – ‘મને અડશો નહીં. – ‘મને અડશો નહીં’ હે ભગવાન! છેલ્લાં બે હજાર વર્ષથી જે દેશના મોટા-મોટા નેતાઓ ભોજન જમણા હાથે લેવું કે ડાબા હાથે – પાણી જમણી તરફથી લઈને પીવું કે ડાબી તરફથી – જેવા વિવાદોમાં પડ્યા હોય, તે દેશનો વિનાશ ન થાય તો બીજા કોનો થાય? જે દેશમાં લાખો મનુષ્યો મહુડાનાં ફૂલોથી પેટ ભરતા હોય, જ્યાં દસ-વીસ લાખ સાધુ અને દસેક કરોડ બ્રાહ્મણ આ ગરીબોનું લોહી ચૂસતા હોય અને તેમની સુધારણા માટે રતીભર પણ પ્રયત્ન ન કરતા હોય, તે કોઈ દેશ છે કે નરકાગાર? આ ધર્મ છે કે શેતાનનું નગ્ન નૃત્ય?”

આ અસમાનતા તથા જાતિભેદના વિષને દૂર કરી, પોતાનાં સ્વપ્નો સાકાર કરવા માટે સ્વામી વિવેકાનંદે આપણા તરફ મીટ માંડી હતી. તેઓ ઇચ્છતા હતા કે આપણા જેવાં “લાખો સ્ત્રી-પુરુષો પવિત્રતાના જોશથી ઉદીપ્ત થઈ, ઈશ્વર પ્રત્યેના અટલ વિશ્વાસથી શક્તિમાન બનીને તથા ગરીબો, પતિતો અને પદદલિતો પ્રત્યેની સહાનુભૂતિથી સિંહ જેવાં સાહસિક બનીને, આ સંપૂર્ણ ભારત દેશમાં સર્વત્ર ઉદ્ધાર, સહાય, સામાજિક ઉત્થાન તથા સમાનતાનો સંદેશ લઈ તેના પ્રચારાર્થે ભ્રમણ કરશે.” તેમણે પોતાના સ્વપ્નમાં જોયું હતું કે ભારતના ઉચ્ચ વર્ણના લોકો પોતાના સંચિત જ્ઞાનનો ભંડાર ચંડાલ વગેરે બધા માટે ખોલી રહ્યા છે, અને આ રીતે સદીઓથી કચડાયેલા જનસમુદાયને ઉન્નતિ માટેનો અવસર પ્રદાન કરી રહ્યા છે. પોતાને ઉચ્ચ વર્ણના કહેવડાવતા અને મનાવતા લોકોને માટે કર્તવ્ય અંગેનું વિધાન કરતાં તેમણે કહ્યું હતું, “વર્તમાન સમયનું તમારું કર્તવ્ય છે કે તમે એક ગામથી બીજે ગામ જાઓ અને લોકોને સમજાવો કે હવે વધારે સમય સુધી આળસુ થઈને ફક્ત બેસી રહેવાથી તમારું કામ ચાલશે નહીં, તેમને પોતાની યથાર્થ સ્થિતિથી વાકેફ કરો અને કહો, ‘અરે ભાઈઓ, સૌ ઊઠો! જાગો! હજુ ક્યાં સુધી સૂતા રહેશો!’ અત્યાર સુધી બ્રાહ્મણોએ ધર્મ પર પોતાનું આધિપત્ય જમાવ્યું છે, પરંતુ હવે જ્યારે તે કાળના પ્રબળ પ્રવાહોની સામે પોતાનું આધિપત્ય રાખી શકે તેમ નથી. ત્યારે ચાલો અને એવા પ્રયત્નો કરો કે દેશભરમાં પ્રત્યેકને તે ધર્મ પ્રાપ્ત થઈ જાય. તેમના મનમાં એ સ્થાયી કરી દો કે બ્રાહ્મણોની જેમ તેમનો પણ ધર્મ પર એટલો જ અધિકાર છે. બધાને, ચાંડાલ સુદ્ધાંને એ જાજ્વલ્યમાન મંત્રોનો ઉપદેશ આપો. તેમને સરળ ભાષામાં જીવન માટે જરૂરી વિષયો તથા વાણિજ્ય વ્યાપાર અને ખેતી વગેરેનું શિક્ષણ પણ આપો. જો તમે એમ ન કરી શકો તો ધિક્કાર છે તમારા શિક્ષણ અને સંસ્કૃતિને. ધિક્કાર છે તમારા વેદ અને વેદાન્તના અધ્યયનને…”

સ્વામી વિવેકાનંદે ઉચ્ચ વર્ણના લોકો દ્વારા થયેલા સામાજિક અત્યાચારો તથા તેની અકર્મણ્યતા પર પ્રહાર કરીને તથા પોતાના સ્વપ્નના ભારતને પ્રકટ કરતાં કહ્યું હતું, “તમે પોતાની જાતને શૂન્યમાં ઓગાળીને અદૃશ્ય થઈ જાઓ અને ‘નૂતન ભારત’નો ઉદય થવા દો. તેનો ઉદય હળ જોતનાર ખેડૂત, માછી, મોચી કે મહેતરની ઝૂંપડીઓમાંથી થવા દો. વાણિયાની દુકાનમાંથી કે રોટી વેચનારની ભઠ્ઠી પાસેથી તેને પ્રકટ થવા દો, કારખાનાં, હાટ કે બજારોમાંથી તેને નીકળવા દો. આ નૂતન ભારત અમરાઈઓ અને જંગલો, પહાડો અને પર્વતોમાંથી પ્રકટ થાય. આ સાધારણ લોકો હજાર વર્ષોથી અત્યાચાર સહન કરતા આવ્યા છે. કંઈ પણ સળવળાટ કર્યા સિવાય તેમણે આ બધું સહન કર્યું છે, અને પરિણામ સ્વરૂપે તેમણે આશ્ચર્યકારક ધૈર્યશક્તિ પ્રાપ્ત કરી લીધી છે. તેઓ સતત વિપત્તિ સહન કરતા આવ્યા છે. જેનાથી તેમને અવિકલ જીવનશક્તિ પ્રાપ્ત થઈ છે. મુઠ્ઠીભર અન્નથી પેટ ભરીને તેઓ સંસારને ધ્રુજાવી શકે છે, તેમને તમે અડધો રોટલો આપી દો અને જુઓ કે સમસ્ત સંસારનો વિસ્તાર તેમની શક્તિનો સમાવેશ કરવા માટે પર્યાપ્ત નહીં થાય. તેમનામાં ‘રક્તબીજ’ની અક્ષય જીવન-શક્તિ ભરેલી છે. તે સિવાય તેમનામાં પવિત્ર અને નીતિપૂર્ણ જીવનથી પેદા થનારું આશ્ચર્યજનક બળ છે જે સંસારમાં બીજે ક્યાંય નથી મળતું. આવી શક્તિ, આવો સંતોષ, આવો પ્રેમ અને ચુપચાપ સતત કાર્ય કરવાની આવી શક્તિ તથા કાર્ય સમયે આ પ્રકારનું સિંહબળ પ્રકટ કરવાનું – આ બધું તમને બીજે ક્યાં મળશે? ભૂતકાળનાં નરકંકાલ જુઓ, તમારી સામે તમારા ઉત્તરાધિકારીઓ ઊભા છે – ભાવિ ભારતવર્ષ ઊભું છે પોતાના ખજાનાના પેલા પટારાઓ, … શક્ય તેટલા જલદી તેમની વચ્ચે ફેંકી દો અને તમે હવામાં ઓગળી જાઓ. ફરી કદી દેખા ન દેશો, ફક્ત પોતાના કાન ખુલ્લા રાખો. તમારા અદૃશ્ય થવાની સાથે જ તત્કાલ તમે પુન: જાગૃત ભારતવર્ષનો પ્રથમ ઉદ્‌ઘોષ સાંભળશો, જેની કરોડ ગર્જનાઓથી સમગ્ર વિશ્વમાં આ જ નાદ ગૂંજતો રહેશે … ‘વાહ ગુરુ કી ફતેહ!’ સ્વામી વિવેકાનંદની આપણી પાસેથી આ જ અપેક્ષા છે.

ભાષાંતરકાર: પુષ્પા પંડ્યા

Total Views: 452

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.