(ગતાંકથી આગળ)

શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ

ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કલકત્તાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની મા’ના નામથી ઓળખે છે.) એક દિવસ રાત્રે ત્રણેક વાગ્યે જપમાં બેઠેલા છે. જપ પૂરા થતાં ઇષ્ટદેવતાને જપ સ્મરણ કરતાં પહેલાં તેમણે પ્રાણાયામની શરૂઆત કરી અને તે વખતે જોયું કે શ્રીરામકૃષ્ણદેવ તેમની ડાબી બાજુમાં બેઠેલા છે અને તેમનો હાથ મૂઠી વાળેલો હોય એવો દેખાય છે! દર્શન એટલા સ્પષ્ટ, જીવંત હતા કે અઘોર- મણિદેવી વિચારવા લાગી કે’આ ટાણે એઓ અહીં ક્યાંથી આવ્યા?’ આ દર્શનની વાત કરતા તેમણે કહ્યું હતું : “હું તો અવાક્ બનીને એમને જોઉં છું અને આવો વિચાર કરું છું. આ બાજુ ગોપાલ (શ્રીરામકૃષ્ણદેવને તેઓ ‘ગોપાલ’ કહેતા) બેઠો બેઠો મરક મરક હસે છે! ત્યાર પછી હિંમત ભેગી કરીને ડાબે હાથે જેવો ગોપાલનો (શ્રીરામકૃષ્ણનો) ડાબો હાથ પકડવા જાઉં છું, તેવી એ મૂર્તિ ક્યાંય જતી રહી અને એની અંદરથી એક દસ મહિનાનો ખરેખરો ગોપાલ, (હાથ વડે બતાવીને) આવડો મોટો બાળક બહાર નીકળીને ભાંખોડિયા ભરતો એક હાથ ઊંચો કરીને મારા મોઢા સામું જોઈને (શું તો એ રૂપ અને શું એ નજર!) બોલ્યો, ‘મા, માખણ દેને!’ હું તો જોઈ સાંભળી સાવ હેબતાઈ જ ગઈ, એવો તો અજબનો કાંડ! ચીસ પાડીને રડી ઊઠી… રડતાં રડતાં બોલી, ‘બેટા, હું તો દુખણી કંગાળ, હું તને શું ખવડાવું? માખણ ખીર-ક્યાંથી લાવું, બેટા!’ પણ એ અદ્ભુત ગોપાલ કંઈ તે સાંભળે? કેવળ ‘ખાવા દે’ બોલ્યા કરે. શું કરું, રડતાં રડતાં ઊભી થઈને શીકેથી સૂકો નાળિયેરનો લાડુ ઉતારીને હાથમાં દીધો અને બોલી, ‘બેટા, ગોપાલ, મેં તને આવી તુચ્છ ચીજ ખાવાને દીધી એટલે તું મને એવું ખાવાનું ના દઈશ.’ ત્યાર બાદ એ દિવસે જપ પછી કરે કોણ? ગોપાલ આવીને ખોળામાં બેસે, માળા તાણી લે, કાંધે ચડે, આખી ઓરડીમાં ઘમ્મર ઘમ્મર ફરે! જેવી સવાર પડી કે ગાંડાની જેમ દોડતી દોડતી દક્ષિણેશ્વર જવા લાગી. ગોપાલ પણ કેડે ચડીને સાથે ચાલ્યો ખભે માથું ઢાળીને” ૧૨

આવી રીતે ભાવપ્રેમે ઉન્મત્ત બનીને “ગોપાલની મા” બીજે દિવસે સવારે કામારહાટીથી ચાલતાં ચાલતાં લગભગ સાત વાગે દક્ષિણેશ્વર પહોંચ્યા. શ્રીરામકૃષ્ણ ત્યારે પોતાના ઓરડામાં નાની પાટ ઉપર બેઠેલા હતા. ગોપાલની માને જોઈને તેમને પણ ભાવાવેશ થઈ ગયો અને તેમના ખોળે ચડી બેઠા! ગોપાલની માની આંખોમાંથી દડદડ કરતાં આંસુ વહી જવા લાગ્યાં અને જે ખીર-મલાઈ-માખણ લાવેલાં તેને શ્રીરામકૃષ્ણના મોંમાં મૂકીને ખવડાવવા લાગ્યાં. આ એક અદ્ભુત ઘટના હતી. સામાન્ય રીતે તો શ્રીરામકૃષ્ણ સ્ત્રીઓનો સ્પર્શ પણ સહન કરી શકતા નહિ. અલબત્ત, તેમનાં ગુરુ ભૈરવી બ્રાહ્મણીને ક્યારેક ક્યારેક જશોદાનો ભાવાવેશ થતો ત્યારે તેઓ ગોપાલભાવે એમના ખોળે ચઢીને બેસતા. આ દિવસથી અઘોરમણિ દેવી ખરેખરાં ‘ગોપાલની મા’ બની ગયાં અને શ્રીરામકૃષ્ણ પણ એમને એ નામે બોલાવવા લાગ્યા!

આમ લગભગ બે મહિના સુધી અઘોરમણિદેવીએ ગોપાલરૂપી શ્રીકૃષ્ણને દિવસરાત છાતીએ-પીઠે વળગાડીને એક સંગે વાસ કરેલો!

વારંવાર શ્રીરામકૃષ્ણના દેહમાંથી બાલગોપાલ નીકળવાથી અને એમાં સમાઈ જવાથી અઘોરમણિદેવી સમજી ગયેલાં કે ગોપાલનાં દર્શન, તેનાં તોફાનો આ બધા શ્રીરામકૃષ્ણદેવના જ ખેલ છે. શ્રીરામકૃષ્ણદેવ જ બની ગયા એમને માટે ‘નવીન- નીરદ શ્યામ નીલેન્દીવર લોચન’ ગોપાલ રૂપ શ્રીકૃષ્ણ!

શ્રીરામકૃષ્ણદેવને તંત્રવિદ્યામાં પારંગત કરનાર ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર મંદિરથી બે માઈલ દૂર આવેલ દેવમંડલઘાટમાં રહેતા એક વાર વાત્સલ્યભાવના આવેશમાં તેઓ હાથમાં માખણ લઈ દિવ્ય પ્રેમાશ્રુ વહાવતા ‘ગોપાલ’ ‘ગોપાલ’ પોકારવા લાગ્યા. આ તરફ એ જ વખતે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવને ભૈરવી બ્રાહ્મણીને મળવાની અદમ્ય ઇચ્છા થઈ. તેઓ દેવમંડલઘાટ સુધી બે માઈલ દોડતા ગયા. જાણે કે એક બાળક પોતાની માતાને મળવા દોડી રહ્યું હોય! અને ત્યાં પહોંચી ભૈરવી બ્રાહ્મણીની પાસે બેસીને તેના હાથેથી માખણ ખાવા લાગ્યા. આમ ભૈરવી બ્રાહ્મણી પણ શ્રીરામકૃષ્ણને બાળગોપાલ રૂપે જોતા.

શ્રીરામકૃષ્ણની બાળલીલા હતી – જાણે કે શ્રીકૃષ્ણની બાળલીલાનું પુનરાવર્તન. બાળક ગદાધર કામારપુકુર ગામમાં બધાંનો લાડીલો હતો. ગામના આબાલ-વૃદ્ધ-વનિતા તમામની જોડે એ ભળી ગયેલો. ભાગવત વગેરે પુરાણકથાનું વાચન કે ધર્મ તત્ત્વોની ભક્તિપૂર્ણ આલોચના કરવામાં ગામમાં એનો જોટો નહોતો. કીર્તનવેળાની એના જેવી ભાવની ઉન્મત્તતા, એની જેમ ભજનની કડીઓને નવા નવા ભાવપૂર્ણ ઊથલા દેવાની શક્તિ અને એના જેવો મધુર કંઠ અને રમણીય નૃત્ય બીજા કોઈનામાં જોવા મળતા નહિ. વિદુષકવેડા કરવામાં, સ્ત્રી પુરુષોના તમામ હાવભાવોની નકલ ઉતારવામાં અને પ્રસંગને અનુરૂપ નિતનવાં ટૂચકાને ગાયનો જોડીને સહુનાં દિલ બહેલાવવામાં પણ એની બરાબરી કોઈ કરી શક્યું નહિ. આ બધાને કારણે બધા ગામવાસીઓ તેના ઉપર બહુ વહાલ રાખતા. શ્રીકૃષ્ણની જેમ જ નટખટ ગદાધર નિશાળેથી મિત્રોની સાથે માણેકરાજાના આંબાવાડિયામાં જઈ શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણલીલાના નાટ્યાભિનયથી સમસ્ત આંબાવાડિયું ગજવી દેતા. ગદાધરની દેવભક્તિ, તેના જન્મ સમયે તેનાં માતાપિતાને થયેલાં અદ્ભુત સ્વપ્નો અને દિવ્ય દર્શનો, ગદાધરની મધુર લીલા આ બધાથી કામારપુકુરની સ્ત્રીઓના હૃદયમાં તેના પ્રત્યે અપૂર્વ ભક્તિ અને પ્રીતિ ઉપજેલી. ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી ધર્મદાસ લાહાની પુત્રી પ્રસન્નમયી અને બીજી મોટી ઉંમરની મહિલાઓ બાળક ગદાધરની અંદર બાળગોપાલનો દિવ્ય પ્રકાશ અનુભવીને તેના ઉપર પુત્રથીયે અધિક પ્રેમ રાખતી અને એમનાથી નાની વયની સ્ત્રીઓએ તેને શ્રીકૃષ્ણના અંશભૂત ગણીને તેવી શ્રદ્ધા રાખીને એની સાથે સખ્ય ભાવે સંબંધ બાંધેલો.

કામારપુકુરના શ્રી સીતાનાથ પાઈનના પરિવારની અને વણિકશેરીની બીજી સહુ નારીઓને તો ગદાધરનું એટલું ઘેલું લાગી ગયું હતું કે થોડાક દિવસો ગદાધર જો તેમને ઘરે ન આવ્યો હોય તો કોઈકને તેડવા મોકલતા. સીતાનાથ પાઈનના ઘરમાં કથાપાઠ કરતાં કે ભજનકીર્તન કરતાં ગદાધરને ક્યારેક ભાવસમાધિ થઈ જતી. આ જોઈને તેમની ગદાધર પ્રત્યે ભક્તિ ઓર વધી જતી. આવા એક પ્રસંગે ઘણી સ્ત્રીઓએ ગદાધરને શ્રીકૃષ્ણની જીવતી જાગતી મૂર્તિ ગણીને પૂજા કરેલી અને અભિનય કરવામાં મદદરૂપ થશે એમ વિચારીને એને માટે એક સોનાની મુરલી અને જુદાં જુદાં સ્ત્રીપુરુષ – પાત્રોની વેશભૂષા પણ તૈયાર કરાવી દીધેલી.

એક વાર શ્રીરામકૃષ્ણદેવે શ્રી મહેન્દ્રનાથ ગુમ (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક)ને પૂછ્યું : ‘વારુ, આ જે માણસો આટલા બધા આકર્ષાઈને અહીં આવે છે, તે એનો અર્થ શો?’ શ્રી મહેન્દ્રનાથે જવાબ આપ્યો : ‘મને તો વ્રજની લીલાનો ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણ જ્યારે ગોવાળિયા અને વાછડાંઓ રૂપે પોતે થયા, ત્યારે ગોવાળિયાઓ ઉપર ગોપીઓને, અને વાછરડાંઓ ઉપર ગાયોને વધુ આકર્ષણ થવા લાગ્યું. શ્રીરામકૃષ્ણે જાણે કે આનું સમર્થન કરતાં કહ્યું, ‘એ ઈશ્વરીય આકર્ષણ. એ શું ખબર છે? મા એ પ્રમાણે નજરબંધી લગાડી દે, અને આકર્ષણ થાય.’ ૧૩

બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘આપનાં બધાં કાર્યો શ્રીકૃષ્ણની જેમ. શ્રીકૃષ્ણ યશોદાની પાસે ઢોંગ કરતા.’ શ્રીરામકૃષ્ણદેવે જાણે આ વાતનું સમર્થન કરતાં કહ્યું, ‘હાં, શ્રીકૃષ્ણ તો અવતાર. નરલીલામાં એમ થાય. આ બાજુ ગોવર્ધન ગિરિ ધારણ કર્યો હતો અને નંદરાયની પાસે દેખાડે છે કે પાટલો ઉપાડીને લઈ જતાં મહેનત પડે છે!’ ૧૪

શ્રીરામકૃષ્ણદેવ તેમના અંતરંગ પાર્ષદ રાખાલ (સ્વામી બ્રહ્માનંદજી મહારાજ)ને શ્રીકૃષ્ણના સખારૂપે ગણાવતા. શ્રીરામકૃષ્ણે દિવ્યદર્શનમાં જોયું હતું કે ગંગાની ઉપર એક કમળ પર બાળ-ગોપાળ મૂર્તિ પોતાના મિત્ર રાખાલનો હાથ પકડી નૃત્ય કરી રહી છે. આ પછી રાખાલની સાથે પહેલી વાર ભેટ થતાં જ શ્રીરામકૃષ્ણ ઓળખી ગયા કે તે જ આ રાખાલ. શ્રીરામકૃષ્ણની ભવિષ્યવાણી હતી, ‘વ્રજના રાખાલના જીવનનો અંત વ્રજની ભાવાનુભૂતિમાં થશે.’ ખરેખર સ્વામી બ્રહ્માનંદજીનું મન તેમની મહાસમાધિના બે દિવસ પહેલા એક અપરિચિત જગતમાં ચાલ્યું ગયું અને તેઓ કહેવા લાગ્યા, ‘રામકૃષ્ણના કૃષ્ણ જોઈએ! ૐ વિષ્ણુ, ૐ વિષ્ણુ, ૐ વિષ્ણુ, કૃષ્ણ! આવ્યા છો ને? આપણા આ કૃષ્ણ કપટના કૃષ્ણ નહીં, આ ગોપોના કૃષ્ણ છે- કમલના કૃષ્ણ છે! હું વ્રજનો રાખાલ (ગોપ) છું. મને ઝાંઝર પહેરાવો હું કૃષ્ણનો હાથ પકડીને નાચીશ…’ દિવ્ય દર્શન પછી સ્વામી બ્રહ્માનંદજી ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા. ધ્યાનમાં જ બીજો દિવસ પણ પસાર થઈ ગયો અને પછીના દિવસે એ ધ્યાન-મહા-ધ્યાનમાં મહાસમાધિમાં લીન થયું.’ ૧૫

શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ સ્વામી શિવાનંદજી મહારાજ જ્યારે ઉટાકામંડ ગયા હતા. ત્યારે મુંબઈના એક મુસ્લિમ ડૉક્ટર સપરિવાર તેમને મળવા ગયા. ડૉક્ટરની પત્નીએ તેમને ભક્તિપૂર્વક પ્રણામ કરીને અંત:કરણની ઘણી વાતો કરી. તેઓ બાલ્યાવસ્થાથી જ શ્રીકૃષ્ણના ભક્ત હતાં. શ્રીકૃષ્ણને તેઓ બાલગોપાલભાવે ભજતાં અને વચ્ચે વચ્ચે એમનાં દર્શન પણ તેમને થતાં હતાં. ત્યાર પછી શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર અને ઉપદેશાદિ વાંચી તેમના પ્રત્યે અત્યંત ભક્તિ ઊપજી હતી. તેમની ધારણા હતી કે તેમના ઇષ્ટદેવ જ શ્રીરામકૃષ્ણ રૂપે જગતમાં અવતર્યા છે. ૧૬

આમ ગોપાલની માના અને ભૈરવી બ્રાહ્મણીના ‘ગોપાલ’ એવા શ્રીરામકૃષ્ણને કેટલીય વ્યક્તિઓએ પોતાના ઇષ્ટ શ્રીકૃષ્ણને શ્રીરામકૃષ્ણરૂપે જોયા છે અને કોણ જાણે આજે પણ જોઈ રહ્યા છે!

(ક્રમશ:)

સંદર્ભ સૂચિ

૧૨ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ-૪ (૧૯૯૦) પૃ.સં ૨૧૦-૨૧૧
૧૩ શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૨ (૧૯૮૩) પૃ.સં. ૨૫૬
૧૪ શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૨ (૧૯૮૩) પૃ.સં. ૩૮૫
૧૫ ધ્યાન,ધર્મ અને સાધના (૧૯૮૪) પૃ. સં. ૧૪
૧૬ ‘આનંદધામ કી ઓર’ શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુર પૃ.૨.૧૨૮

Total Views: 205

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.