પ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના આ લેખમાં, પારસમણિ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવીને બંગાળનાં સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશ ઘોષના જીવનમાં કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવ્યું, તેની કથા સુંદર રીતે રજૂ કરે છે.

માતા યશોદા આક્રંદ કરવા લાગ્યાં : “નહીં અક્રૂર, નહીં! જોઈએ તો મારા પ્રાણ લઈ જાઓ, પણ મારા લાલને નહીં. એના વગર હું જીવી શકીશ નહીં. કૃષ્ણ મારો પ્રાણ છે, મારું જીવન છે, મારું સર્વસ્વ છે.” માતા હૈયાફાટ વિલાપ કરતાં રહ્યાં, ગોપીઓ આક્રંદ કરતી રહી, ગાયો ભાંભરતી રહી અને અક્રૂરે ક્રૂર બનીને કૃષ્ણને મથુરા લઈ જવા રથ હાંકી મૂક્યો.

‘હેં દાદીમા, પછી કૃષ્ણ પાછા ક્યારે આવ્યા?’

‘ના, બેટા, કૃષ્ણ પછી ક્યારેય ગોકુળમાં યશોદામા પાસે આવ્યા નહીં.’

‘ક્યારેય ન આવ્યા?’

‘ના.’

‘યશોદામાએ પછી કૃષ્ણને જોયા જ નહીં?’

‘ના.’

દાદીમાના મુખે ત્રણ વખત સ્પષ્ટ ‘ના’ સાંભળીને પાંચ વરસના એ બાળકનું હૃદય આઘાતથી જડ જેવું થઈ ગયું. એના કોમળ હૃદય પર એવો તીવ્ર આઘાત લાગ્યો કે એ ત્રણ દિવસ સુધી ગૂમસૂમ રહ્યો અને દાદીમા પાસે બીજી વાત સાંભળવા ગયો જ નહીં. ત્રણ દિવસે એનો આઘાત શમ્યો.

શૈશવમાં જ આવું સંવેદનશીલ હૃદય ધરાવનાર એ બાળકે મોટા થઈને બંગાળની પ્રજાનાં હૃદયને પોતાનાં નાટ્યસર્જન અને અભિનયથી મુગ્ધ કર્યાં. એ હતા ગિરીશચંદ્ર ઘોષ.

સાત વર્ષની વયે માતા અને ચૌદ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવીને ગિરીશ યૌવનના પ્રારંભમાં જ સ્વચ્છંદી બની ગયા હતા. પ્રવેશિકા પરીક્ષામાં નાપાસ થતાં વિદ્યાલયનું શિક્ષણ પૂરું થઈ ગયું. પણ એમનામાં સાહિત્ય સર્જન અને સાહિત્ય વાચનનો શોખ નાનપણથી જ હતો. ઘરે બેઠાં ઉત્તમ અંગ્રેજી પુસ્તકોનું વાચન તેમ જ ઉત્તમ અંગ્રેજી કવિતાનો અનુવાદ કરતા રહેતા. પણ આ સાથે આ ગાળામાં એમનામાં ઉદ્ધતાઈ, શરાબપાન, સ્વેચ્છાચારીપણું, જિદ, નાસ્તિકતા, વગેરે દુર્ગુણોનું પ્રમાણ પણ વધ્યું હતું. તેમને ધર્મમાં બિલકુલ શ્રદ્ધા ન હતી. પિતાનું શ્રાદ્ધ કરવાનું હતું પણ તેમાં તેમને જરા પણ શ્રદ્ધા ન હતી. પરંતુ પિતામાં તેમને શ્રદ્ધા હતી. એટલે કહે કે, ‘આ જલ હું પિતાને એટલા માટે આપું છું કે, એથી જો એમને કંઈ લાભ થતો હોય તો!’

તે દિવસે પડોશીઓ એમના આંગણામાં દુર્ગાની પ્રતિમા નાંખી ગયા હતા. આથી ફળિયામાં શોરબકોર થવા લાગ્યો. ગિરીશબાબુ ઉપલે માળે હતા. એમણે જોયું કે, કશોક કોલાહલ થઈ રહ્યો છે. દારૂના નશામાં ઉન્મત્ત બનેલા ગિરીશબાબુ હાથમાં કુહાડી લઈને નીચે ઊતર્યા અને એ દુર્ગાની પ્રતિમાના ટુકડેટુકડા કરી નાંખ્યા. મોટીબહેન કૃષ્ણકામિનીનું આક્રંદ કે પડોશીઓનો વિરોધ એમને અટકાવી શક્યાં નહીં. આટલું ઓછું હોય તેમ તેમણે ઊંડો ખાડો ખોદીને એમાં એ ટુકડાઓ ભંડારી પણ દીધા! આવા ઘોર કૃત્યથી ભાઈનું અમંગલ ન થાય એ માટે બહેન આર્ત સ્વરે મા દુર્ગાને આજીજી કરતી રહી.

ગિરીશને ભગવાનમાં કે મૂર્તિઓમાં શ્રદ્ધા કે વિશ્વાસ જ ક્યાં હતાં? તે નિર્જન સ્થાનમાં આવેલા શિવમંદિરમાં જઈ શિવલિંગનું અપમાન કરતા, પછી જોતા કે શિવ એમને સજા કરે છે કે કેમ! આવા ઉદ્દંડ અને નિરંકુશ હૃદયમાં ભક્તિનાં ઝરણાં વહેતા કરવાં, શ્રદ્ધા અને સમર્પણના ભાવ જાગૃત કરવા અને આ હૃદયને પ્રભુ માટે આનંદ અને પોકાર કરતું કરવું, એ ભગવાન શિવ અને મા દુર્ગાને માટે પણ જાણે કસોટીરૂપ હતું. અને એટલે જ ભગવાન તારકનાથે એમને શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં મૂકી દીધા.

તે દિવસે ગિરીશબાબુ કુતૂહલવશ પરમહંસદેવને જોવા જ ગયા હતા. એમણે વર્તમાનપત્રમાં કેશવચંદ્રનો પરમહંસદેવ પરનો લેખ વાંચ્યો હતો. ત્યારે મનમાં વિચાર્યું કે, બ્રહ્મસમાજે વળી કોઈ નવો પરમહંસ ઊભો કરી દીધો! પણ એ પરમહંસને જોવાની જિજ્ઞાસા તો એમના મનમાં જાગી જ ગઈ. આથી જ્યારે શ્રીરામકૃષ્ણ કલકત્તા આવ્યા અને એમને સમાચાર મળ્યા ત્યારે તેઓ એમને જોવા ગયા. ભક્તો એમનો ઉપદેશ સાંભળતા હતા. સાંજ પડવા આવી હતી. આથી કોઈ ભક્ત દીવો લાવ્યો. દીવો ત્યાં મૂક્યો ત્યારે પરમહંસદેવે પૂછ્યું, “શું સંધ્યા થઈ ગઈ?” આ સાંભળીને ગિરીશને આશ્ચર્ય થયું કે, આ પરમહંસ કેવા? અંધારું થવા આવ્યું છે, એટલીય ખબર પડતી નથી ને પૂછે કે, સંધ્યા થઈ ગઈ? ચાલો, જોઈ લીધા પરમહંસને! અહીં બેસવું હવે નિરર્થક છે! એમ માનીને તેઓ ચાલ્યા ગયા. આમ, દૂરથી જ જોઈને એમણે માની લીધું કે, આમાં કંઈ નથી. છતાંય અંતરમાં કંઈક કુતૂહલ હજુય બાકી રહી ગયું હતું. આથી એમને હવે નજીકથી જોવા હતા.

અને એ પ્રસંગ પણ ગિરીશને મળ્યો. બલરામ બોઝે આમંત્રણ મોકલાવ્યું કે, પરમહંસદેવ એમને ત્યાં પધારવાના છે, તો જરૂર આવો. ગિરીશબાબુ બલરામને ત્યાં પહોંચ્યા. એમની માન્યતા હતી કે, પરમહંસ યોગીઓ કોઈનેય નમસ્કાર કરતા નથી અને કોઈનેય ચરણસ્પર્શ કરવા દેતા નથી. બહુ આજીજી કરવામાં આવે તો જ કોઈ કોઈ ભક્તોને ચરણસેવા કરવા દે છે. ત્યારે અહીં તો એમણે સર્વને નમસ્કાર કરતા, બધાંની સાથે વાતો કરતા, પ્રેમથી સર્વની ખબરઅંતર પૂછતા પરમહંસને જોયા અને તેમની અત્યાર સુધીની માન્યતાના ચૂરેચૂરા થઈ ગયા! તેઓ તેમની વાતો સાંભળવા લાગ્યા. પણ આજેય એમના નસીબમાં પરમહંસદેવનાં પ્રત્યક્ષ સન્મુખ દર્શન ન હતાં! અમૃતબજાર પત્રિકાના શિશિરકુમાર ઘોષ એમની બાજુમાં જ ઊભા હતા. એમણે કહ્યું : “ચાલો અહીંથી. હવે વધારે અહીં શું જોવું છે?” પણ ગિરીશબાબુને તો હજુ વધારે જોવું હતું. પણ તે દિવસે તો શિશિરબાબુ સાથે એમને પરાણે જવું પડ્યું. હજુ ગિરીશનો ભાગ્યોદય થયો ન હતો.

પણ એ દિવસેય આવી પહોંચ્યો. ગિરીશના સ્ટાર થિયેટરમાં “ચૈતન્યલીલા” નાટક જોવા શ્રીરામકૃષ્ણ પધાર્યા. હવે ગિરીશના આત્માની સાથે શ્રીરામકૃષ્ણના આત્માનું અનુસંધાન થઈ ગયું. શ્રીરામકૃષ્ણ ગિરીશને સામેથી નમસ્કાર કર્યાં અને ગિરીશે વળતાં નમસ્કાર શ્રીરામકૃષ્ણને કર્યાં. ફરી શ્રીરામકૃષ્ણે કર્યાં. આમ, નમસ્કાર અને પ્રતિ- નમસ્કારની ક્રિયા ચાલી પણ એમાં ગિરીશે જોયું કે શ્રીરામકૃષ્ણના એક નમસ્કાર વધુ થયા છે! નમ્રતાની મૂર્તિ સમા શ્રીરામકૃષ્ણ ગિરીશને ગમી ગયા પણ હજુ અંતરના સિંહાસન પર ગુરુદેવના સ્થાને તેઓ તેમને બિરાજમાન કરી શક્યા નહીં. હજુ તો ગિરીશના અહંકારની મજબૂત દીવાલ હચમચી પણ નહીં, તૂટવી તો બાજુએ રહી. પણ શ્રીરામકૃષ્ણને ક્યાં ઉતાવળ હતી! એમણે તો ગિરીશના પ્રચંડ અહંકાર, ઉદ્દંડ પ્રકૃતિ અને એના દુરાચારની પાછળ જે પ્રભુને પામવાની અજ્ઞાત ઝંખના પડેલી હતી, એ જોઈ લીધી. એના આત્માની પ્રચંડ ભૂખ જોઈ લીધી અને ધીમે ધીમે એના આત્માને જાગૃત કરતા રહ્યા. એની ગિરીશને ત્યારે તો બિલકુલ ખબર પણ ન પડી.

તે દિવસે શ્રીરામકૃષ્ણ બલરામ મંદિર જતા હતા. ચોરા પર ગિરીશ બેઠા હતા. ઠાકુરે ગિરીશને જોયા એટલે એમણે ગિરીશને નમસ્કાર કર્યાં. ગિરીશે પણ ઊભા થઈને નમસ્કાર કર્યાં. પણ આજે ઠાકુરે ફરી નમસ્કાર ન કર્યાં અને તેઓ તો ચાલવા જ માંડ્યા! પણ આ શું? ગિરીશના હૃદયમાં ન સમજાય એવું કશુંક ખેંચાણ થવા માંડ્યું! જાણે કોઈ દોરી બાંધીને એમને ખેંચી રહ્યું હોય એવું તેઓ અનુભવવા લાગ્યા. શું થઈ રહ્યું છે, એની એમને બિલકુલ સમજ ન પડી. પણ થોડી વારમાં એક ભક્તે આવીને કહ્યું, “પરમહંસદેવ આપને બોલાવે છે.” આથી તેઓ બલરામ મંદિર પહોંચ્યા. ત્યાં ઠાકુરે કહ્યું : ‘હું મઝામાં છું, મઝામાં છું.’ આમ બોલતાં બોલતાં તો એમની કેવી સ્થિતિ થઈ ગઈ? તેઓ ભાવાવેશમાં સરી પડ્યા. અને એ જ સ્થિતિમાં તેમણે કહ્યું : “બહાનું નહીં, કોઈ બહાનું નહીં.” અરે, આ તો ગિરીશની જ સ્થિતિ! જાણે તેઓ એમને જ કહી રહ્યા હોય! ગિરીશની મનોદશા તેમને કેમ ખબર પડી? ગિરીશ આશ્ચર્ય અનુભવી રહ્યા. આજે તેઓ શ્રીરામકૃષ્ણ સાથે વાર્તાલાપ કરતાં પૂછી બેઠા : ‘ગુરુ શું છે?’ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘ગુરુ શું છે તે તમે જાણો છો? જેમ કે ગોરમહારાજ. અરે, તમારા ગુરુ મળી ગયા છે.’ પણ ત્યારેય ગિરીશનું અહંકારથી ભરેલું હૃદય જાણી શક્યું નહીં કે, ગુરુ સ્વયં કહી રહ્યા છે કે તેઓ આવી પહોંચ્યા છે! બીજો પ્રશ્ન ગિરીશે પૂછ્યો : ‘મંત્ર શું છે?’ ‘ઈશ્વરનું નામ.’ ઠાકુરે જવાબ આપ્યો એ પછી થોડી વાતચીત બાદ જ્યારે ગિરીશ પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું કે એમના દંભનું આવરણ જાણે ચિરાઈ રહ્યું છે અને ઊંડે ઊંડે જાણે કંઈક શાંતિ અનુભવાઈ રહી છે!

‘આજે આમંત્રણ નથી તો ત્યાં કેમ જવાય?’ રામચંદ્ર દત્તને ત્યાં શ્રીરામકૃષ્ણ આવ્યા હતા તેના સમાચાર ગિરીશને મળતાં તેઓ વિચારી રહ્યા. બુદ્ધિ અને અહંકાર કહેતાં હતાં કે, ‘આમંત્રણ વગર ન જવાય!’ અને હૃદય કહેતું હતું કે ‘એમનાં દર્શન માટે વળી આમંત્રણની શી જરૂર?’ બુદ્ધિ અને હૃદયના સંઘર્ષમાં આખરે હૃદય જીત્યું અને તેઓ રામબાબુના ઘરે પહોંચી ગયા. સંધ્યા પહેલાનો સમય હતો. આંગણામાં ભક્તોથી વીંટળાયેલા નૃત્યમગ્ન ઠાકુરનાં દર્શન કરી ગિરીશનું હૃદય પણ અપાર આનંદની અનુભૂતિ કરી રહ્યું. “નદે ટલમલ ગૌર પ્રેમેર હિલ્લોરે!” નૃત્યાનંદમાં મગ્ન ઠાકુર થોડી ક્ષણોમાં તો સમાધિસ્થ થઈ ગયા સર્વ ભક્તજનો એમની ચરણરજ લેવા લાગ્યા ફરી ગિરીશના અંતરમાં ભક્તિ અને અહંકારનું ઘમસાણ મચી રહ્યું! આટલા બધાની વચ્ચે ગિરીશ જેવો મહાન નાટ્યકાર એક સાધુની ચરણરજ લે? પણ બધા ભક્તો તો લે છેને? મનમાં ભાંજગડ ચાલતી હતી ત્યાં તો ઠાકુરની સમાધિ છૂટી ને તેઓ તો ગિરીશની પાસે આવી પહોંચ્યા. ને ત્યાં આવીને સમાધિસ્થ થઈ ગયા! હવે શું થાય? હવે અહીંથી તો ગિરીશથી ખસાય તેમ હતું જ નહીં. એટલે નાછૂટકે પણ તેમને ચરણધૂલિ મસ્તક પર ચડાવવી જ પડી! થોડી વારે ઠાકુર જાગૃત થયા. ગિરીશને ફરી એક વધુ અનુભવ થયો કે, ઠાકુર મનના ભાવને જાણી લે છે. આથી એણે ઠાકુરને પૂછ્યું : “મનની કુટિલતા જશે ને?” ઠાકુરે કહ્યું, “જશે.” પણ આટલાથી ગિરીશને સંતોષ ન થયો. આથી એમણે ફરી ભારપૂર્વક પૂછ્યું, “મનની કુટિલતા જશે ને?” ઠાકુરે એ જ જવાબ આપ્યો. ‘જશે.’ અને ગિરીશે ત્રીજી વાર પણ એ જ પ્રશ્ન પૂછ્યો ને એમને એ જ જવાબ મળ્યો! આથી મનમોહન અકળાઈ ગયા અને ગિરીશને તેમણે ધમકાવ્યા કે, ફરી ફરીને એ જ પ્રશ્ન શું પૂછો છો? એક વાર ઠાકુરે જવાબ તો આપી દીધો! પણ મનમોહન ગિરીશના અંતરની વેદના અને મનની કુટિલતામાંથી બહાર નીકળવાની એમના આત્માની ઝંખનાને ક્યાં જાણતા હતા! એ તો એકમાત્ર રામકૃષ્ણ જ જાણતા હતા. એટલે અપાર ધીરજથી તેઓ ગરીશને ફરી ફરીને એ જ ઉત્તર આપી એના અંતરમાં વિશ્વાસ અને શ્રદ્ધાને રોપી રહ્યા હતા. તે દિવસે મનમોહનની ઠપકાભરી વાણીને ગિરીશે ચુપચાપ સાંભળી લીધી. તેનો કંઈ જ પ્રતિવાદ ન કર્યો. એ ગિરીશે મેળવેલો અહંકાર પરનો પ્રથમ વિજય હતો! અને ઠાકુરના સાંનિધ્યનો એ પ્રભાવ હતો. તે દિવસે દેવેન્દ્રબાબુએ એમને દક્ષિણેશ્વર આવવાનું આમંત્રણ આપ્યું.

થોડા દિવસોમાં જ ગિરીશ દક્ષિણેશ્વર પહોંચી ગયા. એ વખતે શ્રીરામકૃષ્ણ ભવનાથ સાથે ગિરીશની જ વાત કરતા હતા અને ત્યારે જ ગિરીશ ત્યાં પહોંચ્યા. તેમણે મનમાં ‘ગુરુર્બ્રહ્મા’વાળો શ્લોક બોલીને ઠાકુરને પ્રણામ કર્યાં. ઠાકુરે એમને થોડો ઉપદેશ આપવો શરૂ કર્યો. સાંભળી ગિરીશે ચોખ્ખા શબ્દોમાં ઠાકુરને કહી દીધું : “મારે ઉપદેશ સાંભળવો નથી. મેં ઘણાય ઉપદેશ સાંભળ્યા છે અને મેં પોતે એ વિષે ઘણુંય લખ્યું છે. ઉપદેશથી કંઈ વળતું નથી, કંઈ સુધારો થતો નથી. જો તમે મને કંઈક બનાવી શકો તેમ હો તો બનાવી દો. બાકી, મારે કંઈ જ સાંભળવું નથી!” આવી ચોખ્ખી વાત તો શ્રીરામકૃષ્ણને કોઈએ કરી ન હતી કે, મારે તમારો ઉપદેશ નથી સાંભળવો! ગિરીશની નિખાલસતા અને અંતરની સચ્ચાઈ તેમ જ ખરેખર કંઈક સાચી વસ્તુ પામવા મથતું એનું હૃદય જોઈને શ્રીરામકૃષ્ણ અત્યંત પ્રસન્ન થઈ ગયા. એમણે રામલાલને એક શ્લોક બોલવા કહ્યું. એ શ્લોકનો ભાવાર્થ હતો, ‘મનુષ્ય એકાંતસેવન કરે કે ગુફામાં રહે, પણ શ્રદ્ધા વગર તે કશું જ કરી શકે નહીં.’ આ શ્લોક દ્વારા શ્રીરામકૃષ્ણ ગિરીશને શ્રદ્ધા રાખવાનું કહીને શ્રદ્ધાથી એનું બધું જ પાર પડશે એની ખાતરી આપી દીધી! ત્યારે ગિરીશના મનનો ભાર થોડો હળવો થયો. તેણે ચિત્તમાં શાંતિ, પ્રસન્નતાનો અનુભવ કર્યો. જ્યારે તેઓ કલકત્તા જવા ઊઠ્યા ત્યારે શ્રીરામકૃષ્ણના અપૂર્વ સ્નેહપાશમાં એવા તો ઝકડાઈ ચૂક્યા હતા કે તેમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું, “મેં આપનું દર્શન કર્યું છે અને હવે વળી પાછું એ જ કામ કરું કે જે હું કરતો આવ્યો છું?” ઠાકુરે જોયું કે, નાટકો દ્વારા ગિરીશ અસંખ્ય લોકોના હૃદયમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિને જગાડી શકશે. આથી એમણે કહ્યું, ‘હા, એ જ કરો.’ આમ, ઠાકુરની અનુમતિ મળતાં ગિરીશે નાટકસર્જન અને અભિનય ચાલુ જ રાખ્યો.

શ્રીરામકૃષ્ણ અને ગિરીશનો સંબંધ અનોખો હતો. તેમણે ગિરીશને ક્યારેય પછી સીધો ઉપદેશ ન આપ્યો. એના દુર્ગુણ છોડવા વિષે તેને સીધું કહ્યું પણ નહીં. પરંતુ શબ્દોથી કહ્યા વગર શ્રીરામકૃષ્ણે સાચે જ ગિરીશે માંગ્યું હતું તેમ તેને ભક્ત બનાવી દીધો!

‘ઠાકુર, ગિરીશ તો દારૂડિયા છે. દારૂના નશામાં ચકચૂર રહે છે.’ ભક્તો શ્રીરામકૃષ્ણને જ્યારે ગિરીશ વિષે કહેતા ત્યારે તેઓ ભક્તોને કહેતા, “ના, આ બાબતમાં ગિરીશને તમે કંઈ કહેશો નહીં. એ પોતાની મેળે પોતાનું સંભાળી લેશે.” આમ તો અન્ય ભક્ત-શિષ્યોને દારૂની દુકાન સામે જોવાની પણ મનાઈ કરતા છતાં, ઠાકુર ગિરીશની બાબતમાં બધું જ ચલાવી લેતા, એ જોઈને સહુને આશ્ચર્ય થતું. પણ ઠાકુરની તો લીલા જ અનોખી હતી. કોને કઈ રીતે લક્ષ્યાંકે પહોંચાડવો તે તો માત્ર તેઓ એકલા જ જાણતા હતા!

એક દિવસ દારૂમાં મત્ત બનીને ગિરીશ દક્ષિણેશ્વર આવ્યા. ઘોડાગાડીમાંથી લથડિયાં ખાતા જ નીચે ઊતર્યા. ઠાકુરે એમને એક શબ્દ પણ કહ્યો નહીં. હાથ પકડીને પ્રેમથી પોતાના ઓરડામાં લાવ્યા ને લાટુને કહ્યું, “જા તો, ઘોડાગાડીમાં જોઈ આવ, કંઈ રહી તો ગયું નથી ને!” આ પ્રેમ તો ગિરીશને આ સ્થિતિમાંય દક્ષિણેશ્વર ખેંચી લાવ્યો હતો! ગિરીશે લખ્યું છે, “દારૂ પીને મત્ત બનીને મેં એમને ગાળોય દીધી છે, શ્રીચરણની સેવાનો ઇન્કાર પણ કર્યો છે.” છનાં શ્રીરામકૃષ્ણે એમના પર સદાય એકધારો સ્નેહ વરસાવ્યો હતો! એમણે પોતે ગિરીશને તમાકુ સળગાવીને પિવડાવી છે. લાટુને મોકલીને ફાગુ કંદોઈની દુકાનેથી ગરમ ગરમ કચોરી મંગાવીને ગિરીશને ખવડાવી છે. આ નિર્મલ સ્નેહધારાની એકધારી-અવિરત દૃષ્ટિએ તો ગિરીશના મનના સઘળા મેલ ધોઈને એમને શુદ્ધ પવિત્ર બનાવી દીધી.

તે રાત્રે ગિરીશ વારાંગનાને ત્યાં મિત્રો સાથે આનંદપ્રમોદ કરતા હતા. એવામાં એમના હૃદયમાં ન સમજાય એવું તીવ્ર ખેંચાણ થવા લાગ્યું અને યાદ આવ્યા શ્રીરામકૃષ્ણ. એમને મળવાની તીવ્રતમ ઝંખના હૃદયમાં જાગી. વારાંગનાનું નૃત્ય, મિત્રો સાથેની રંગત, દારૂ પીધેલી ઉન્મત્ત સ્થિતિ : કશું જ એમને રોકી શક્યું નહીં અને તેઓ ગાડી કરીને આવી પહોંચ્યા દક્ષિણેશ્વર. રાત્રિનું અંધારું ઘોર હતું. મંદિરનું ફાટક બંધ થઈ ગયું હતું. બધા જ સૂઈ ગયા હતા. પણ જાગતા હતા એકમાત્ર શ્રીરામકૃષ્ણ. ગિરીશનો અવાજ સાંભળતાં જ તેઓ ઊઠ્યા ને એમણે ફાટક ખોલ્યું. લથડિયાં લેતા ગરીશને હાથ પકડીને સંભાળથી અંદર લાવ્યા અને તેમનો હાથ પકડીને નૃત્ય કરવા લાગ્યા. દારૂના નશામાં ઉન્મત્ત ગિરીશ અને હરિરસના નશામાં ઉન્મત્ત ઠાકુર – બંને નૃત્ય કરતા રહ્યા અને જ્યારે ગિરીશનો નશો ઊતર્યો ત્યારે ઠાકુરની આ અપ્રતિમ સ્નેહવર્ષાથી એમનું હૃદય દ્રવિત થઈ ગયું. એમની આવી સ્થિતિમાં આટલો સ્નેહ તો એકમાત્ર ઠાકુર જ વરસાવી શકે! તેઓ લખે છે, “હું જાણી શક્યો નથી કે, ઠાકુર પુરુષ છે કે પ્રકૃતિ! તેઓ માના પ્રેમથી મને ખવડાવતા, પિતાની જેમ તેઓ જ્ઞાન અને ભક્તિનો આદર્શ દેતા. શાસ્ત્રોમાં ભગવાન કોને કહે છે, તે હું જાણતો નથી. પણ હું એવું માનતો કે જેમ હું મને ચાહું છું એવી જ રીતે કોઈ મને ચાહે તો તે ભગવાન છે. તેઓ મને મારી જેમ જ ચાહે છે. મને અત્યાર સુધી કોઈ મિત્ર મળ્યો નથી. પણ તેઓ જ મારા પરમ મિત્ર હતા. કેમ કે તેઓ મારા દોષને ગુણમાં ફેરવી નાંખતા. તેઓ મને મારા કરતાં પણ વધુ ચાહતા.”

પુત્રના મૃત્યુના શોકથી વ્યાકુળ બનેલા ગિરીશે થિયેટરમાં નાટક જોવા આવેલા શ્રીરામકૃષ્ણને પૂછ્યું, “આપ મારા પુત્ર બનશો?” ઠાકુરે કહ્યું કે, એમના પિતા તો શુદ્ધ સત્ત્વગુણી બ્રાહ્મણ હતા, તેથી તેઓ ગિરીશના પુત્ર કેવી રીતે બની શકે? આથી ગિરીશ અત્યંત ગુસ્સે થઈને ઠાકુરને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા ક્રોધમાં ભાન ભૂલીને ઠાકુરને ગાળો પણ બોલવા લાગ્યા. ગિરીશના આવા વર્તનથી બધા જ ભક્તો અત્યંત દુ:ખી થઈ ગયા. પણ કરુણામૂર્તિ ઠાકુરે તો ગિરીશની ગાળો ચુપચાપ સાંભળી લીધી. જ્યારે તેઓ દક્ષિણેશ્વર ગયા ત્યારે ત્યાં પણ બધા ભક્તો ગિરીશના વર્તનની ટીકા કરવા લાગ્યા અને ઠાકુરને કહેવા લાગ્યા કે, હવે તમે ગિરીશને ક્યારેય બોલાવશો નહીં. આ સાંભળી ઠાકુરે રામબાબુને પૂછ્યું, “હેં રામબાબુ, તમે જ કહો, હું શું કરું?” રામબાબુએ ઉત્તર આપ્યો : ‘હે પ્રભો, તમે જ મને ઝેર આપ્યું છે, તો હું અમૃત લાવું ક્યાંથી? તમને ઝેર જ આપું ને?’ કાલીનાગે શ્રીકૃષ્ણને આમ કહેલું. રામબાબુનો આ માર્મિક ઉત્તર સાંભળી ઠાકુર અત્યંત પ્રસન્ન થઈ ગયા અને બોલી ઊઠ્યા, “તો ચાલો રામ, તમારી જ ગાડીમાં એક વાર ગિરીશને ત્યાં જઈ આવીએ.” ઠાકુર ને રામબાબુ જ્યારે ગિરીશને ત્યાં પહોંચ્યા તો ગિરીશ તીવ્ર પશ્ચાત્તાપથી રડી રહ્યા હતા. એમણે ખાવાનું છોડી દીધું હતું. ઠાકુરને ન કહેવાના શબ્દો એમનાથી કહેવાઈ ગયા હતા એનું એમને ભાન થતાં તેઓ વેદનાની આગમાં સળગી રહ્યા હતા. ઠાકુરને આવેલા જોઈને તેઓ દોડ્યા ને સીધા એમનાં ચરણોમાં પડ્યા ને રડતાં બોલ્યા, ‘આજે જો તમે ન આવ્યા હોત તો હું માની લેત કે તમે પણ નિંદા-સ્તુતિમાં સમાન નથી. તમે સાચા અર્થમાં પરમહંસ નથી. પણ આજે હું ઓળખી ગયો કે, તમે તે જ છો. હવે તમે મને છેતરી નહીં શકો. હવે હું તમને જવા નહીં દઉં. બોલો, મારો ભાર ઉપાડશો?’ અને એમણે ઠાકુરનાં ચરણોમાં પોતાનું આત્મસમર્પણ કરી દીધું અને પછી પૂછ્યું, “હું શું કરું?” “જે કરતા હતા તે જ કરો.” શ્રીરામકૃષ્ણે કહ્યું અને તે કેવી રીતે કરવું એ પણ એમણે બતાવ્યું. તેમણે કહ્યું, “હમણાં આ બાજુ અને પેલી બાજુ બંનેનું રક્ષણ કરીને રહો. એ પછી જ્યારે એક બાજુનો ભાવ તૂટી જશે, ત્યારે જે થવાનું હશે તે થઈ જશે. તો પણ સવાર-સાંજ એનું નામસ્મરણ કરતા રહો.”

‘સવાર-સાંજ નિયમિત નામસ્મરણ?’ ગિરીશ વિચારી રહ્યા, ‘મારું પોતાનું કંઈ જ ઠેકાણું નથી. જીવનમાં કંઈ જ નિયમિત નથી. એમાં ચોક્કસ સમયે ભગવાનનું નામ લેવાનું વચન કેવી રીતે આપી શકું?’ એના મનમાં ચાલતી ભાંજગડ શ્રીરામકૃષ્ણ જાણી ગયા એટલે કહ્યું, ‘જો એ ન કરી શકો તો પછી જમતા પહેલાં ને સૂતા પહેલાં ભગવાનને યાદ કરવાના.’ પણ ગિરીશનું સૂવાનું ને ખાવા-પીવાનું પણ ક્યાં કંઈ ઠેકાણું હતું? એટલે એ નિયમનું પાલન પણ એમનાથી થઈ શકે તેમ ન હતું. આથી તેઓ ચૂપ રહ્યા. એટલે પછી શ્રીરામકૃષ્ણ જ બોલ્યા કે, “જો એય તમારાથી થઈ શકે તેમ ન હોય તો પછી રહેવા દો. જવાબદારી મને સોંપી દો. તમારે કંઈ કરવાની જરૂર નથી.”

ગિરીશને આ વાત પસંદ પડી ગઈ. સઘળી જવાબદારી ઠાકુર લઈ લેતા હોય તો પછી ચિંતા જ શી? પોતાના જીવનનો કોઈ ભાર જ ન રહે. આથી અત્યંત પ્રસન્ન ચિત્તે તેમણે કહ્યું, ‘હા, આજથી મારા જીવનની સઘળી જવાબદારી આપના પર.’ અને ગિરીશ ચિંતામુક્ત બની ગયા. પણ જેમજેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ઠાકુરને સોંપી દીધેલું જીવન એટલે શું એ તેમને ધીમે ધીમે સમજાવા લાગ્યું. પછી ‘હું’ કે ‘મારા’ નો કોઈ અધિકાર જ ન રહ્યો. પ્રત્યેક શ્વાસે સજાગ રહેવું પડે. પ્રત્યેક પગલું સાવધાનીથી મૂકવું પડે. કારણ કે હવે તો ઠાકુરને સોંપેલું જીવન હતું! એમાં કસોટીઓ પણ પારાવાર આવી. બે પુત્રીઓ મૃત્યુ પામી. પત્ની અને પુત્રનું અવસાન થયું. જીવનમાં નિરાશા અને અંધકાર ઊતરી આવ્યાં હોય એવું શૂન્ય, નીરસ જીવન બની ગયું. પણ જીવનની જવાબદારી ઠાકુર પર હતી. આથી હૃદયમાં એક જ પ્રાર્થનાનું રટણ “તમારી ઇચ્છા પૂર્ણ હો, હે કરુણામય સ્વામી.”

એ કરુણામય સ્વામીએ ઉદ્દંડ,ઉચ્છ્રંખલ, ઉન્મત્ત જીવનને એવું આકર્ષક, પ્રેમાળ અને મધુર બનાવી લીધું કે, ઠાકુરના સંન્યાસી શિષ્યો પણ ગિરીશબાબુ પાસે વારંવાર જતા અને એમને સન્માન આપતા. ઠાકુર પ્રત્યેની એમની પ્રેમભક્તિ અને નિષ્ઠા જોઈને ગદ્‌ગદિત બની જતા. જ્યારે ઠાકુરે લીલાસંવરણ કર્યું ત્યારે ગિરીશ આઘાતથી મૂઢ બની ગયા. એમનો શોકસંતાપ કેમેય શમતો ન હતો. આથી સ્વામી નિરંજનાનંદે (નિરંજને) એમને સંન્યાસ ગ્રહણ કરવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, “ભાઈ! મને તો સંન્યાસ લેવાનોય અધિકાર નથી. મારી જવાબદારી તો મેં ઠાકુરને સોંપી દીધી છે.” ઠાકુરે એમને કહ્યું હતું, “જે કરતા હતા તે જ કરો. ઠાકુરના આ આદેશને શિરોધાર્ય ગણીને એમણે સંન્યાસ તો ન લીધો પણ બિલ્વમંગલ, પાંડવગૌરવ, શ્રીરામ, શંકરાચાર્ય, વગેરે નાટકોની રચના કરી. આ નાટકોમાં એમણે શ્રીરામકૃષ્ણ ભાવધારાને વહેવડાવી અને શ્રોતાઓનાં અંત:સ્તલને એમાં તરબોળ કર્યાં! ઉત્તરાવસ્થામાં એમનું જીવન તપસ્યાપૂર્ણ હતું. ઠાકુરની ભાવધારાથી આલોકિત હતું. તેઓ કાશીમાં હતા ત્યારે સ્વામી પ્રેમાનંદજી દરરોજ એમની પાસે જતા. તેઓ એક પત્રમાં ગિરીશબાબુ વિષે લખે છે, “ગિરીશબાબુ અહીં છે. એમનું શરીર હવે ઘણું સ્વસ્થ છે. અહા! એમનો સ્વભાવ કેવો મધુર થઈ ગયો છે! તમને બધાંને જાણીને આશ્ચર્ય થશે! એમના મુખે કેવી કેવી સુંદર વાતો સાંભળું છું! જેવો ઉદારભાવ એવી જ શ્રી શ્રીપ્રભુ પ્રત્યેની નિષ્ઠા! અહંકાર અને લોકયશ તો એમને મન તુચ્છ છે. કેટલાય સાધુઓમાં પણ આવી વિનમ્રતા જોવા મળતી નથી. પારસમણિના સ્પર્શથી જાણે લોઢું સોનું થઈ ગયું, એ હું નજરે જોઈ રહ્યો છું. અમારા પર અપૂર્વ પ્રેમભાવ છે. શ્રી શ્રીઠાકુર અને સ્વામીજીની વાતો કરતાં કરતાં એવા તન્મય બની જાય છે. એમના નોકરચાકરો પણ ઠાકુરના ભક્ત બની ગયા છે. બધો પ્રભુનો મહિમા છે.”

આમ, પારસમણિના સ્પર્શે કથીર કંચન બની ગયું. ઉદ્દંડતા વિનમ્રતામાં પરિણમી. અહંકાર ઓગળી ગયો. સુરાપાન હરિરસ પાનમાં પલટાઈ ગયું. સ્વેચ્છાચાર સમર્પણમાં પરિણમ્યો અને ગિરીશના અંતરમાં દિવ્યતાનું પુષ્પ ખીલી રહ્યું, જેની સૌરભ સર્વત્ર પ્રસરી રહી.

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.