(ગતાંકથી આગળ)

યોનિઓની સંખ્યા :

આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે ત્યાં સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે જીવ ૮૪ લાખ યોનિઓમાં ભટકતો ભટકતો છેવટે માંડ મનુષ્યયોનિ પામે છે. યોનિઓની સંખ્યાનો આ ભેદ, બે કારણોને લીધે હોઈ શકે. એક તો એ કે એ વખતે આપણી પાસે આજે છે તેવાં સૂક્ષ્મ યંત્રો ન હોય. બીજું એ કે આપણે જેને એક યોનિ માનતા હોઈએ, એને જીવશાસ્ત્ર ભાગ પાડીને એક કરતાં વધારે યોનિ ગણતું હોય. જેમણે વિજ્ઞાનની ફક્ત બે-ચાર ચોપડીઓ વાંચી નાખી હોય, એવા લોકો, આ ૮૪ લાખ યોનિઓની વાતને એક મજાક માત્ર સમજે છે. આવા લોકોએ વિજ્ઞાનની આધુનિકતમ શોધખોળોનું અધ્યયન કરવું જોઈએ. વિજ્ઞાનની બે-ચાર ચોપડીઓ વાંચી નાખવાથી કોઈ કંઈ વૈજ્ઞાનિક બની જતો નથી. જે વૈજ્ઞાનિક બનવા ઇચ્છે છે, એણે Scientific Temper- વૈજ્ઞાનિક મનોવૃત્તિનો વિકાસ કરવો જોઈએ. જ્યારે સૂક્ષ્મ અણુદર્શક યંત્રોનો આવિષ્કાર થયો ન હતો, ત્યારે, ‘જીવ ૮૪ લાખ યોનિઓમાંથી પસાર થતાં થતાં છેવટે માંડ મનુષ્યયોનિને પામે છે’ એવી હિન્દુ ધર્મની ઘોષણા, એ ખરેખર એક અદ્ભુત ચમત્કાર છે. અને એ ઘોષણા ભારતની પ્રતિભાનું સૂચન કરે છે.

જીવનપ્રવાહનું લક્ષ્ય : પૂર્ણતાની પ્રાપ્તિ :

પહેલાંનું વિજ્ઞાન, આ જીવનપ્રવાહનું કોઈ લક્ષ્ય માનતું ન હતું. પણ આજનો વૈજ્ઞાનિક નિરુદ્દેશ્ય કહેવામાં સંકોચ અનુભવે છે. આપણે કંઈ પ્રવાહપતિત તણખલાં નથી કે જ્યાં પ્રવાહ વહાવી લઈ જાય, ત્યાં વહેતા રહીએ. આજે કોઈપણ વ્યક્તિ પોતાના જીવનને લક્ષ્યહીન માની શકતી નથી. પરન્તુ ખાલી પૈસા કમાવા, ધનસંચય કરવો, કુટુમ્બનું ભરણપોષણ કરવું, સમાજમાં પ્રતિષ્ઠા મેળવવી – આ બધું કંઈ જીવનનું લક્ષ્ય હોઈ શકે નહિ. આવું તો પશુપક્ષીઓ પણ કર્યા કરે છે. જીવનનું લક્ષ્ય તો આવા પશુભાવથી ઊંચે ઊઠવાનું છે. પશુ પોતાના મનનું નિયંત્રણ કરી શકતું નથી; એ પોતાના મનની ક્રિયાઓને સમજી શકતું નથી; એ પોતાના મનની ગતિવિધિઓનું સાક્ષી બની શકતું નથી. કારણ કે એ પોતાના મનની સહજ વૃત્તિઓ દ્વારા જ પરિચાલિત થાય છે. પણ માણસનું મન એટલું વિકાસ પામેલું છે કે તે પોતાની ક્રિયાઓને સમજવામાં અને પકડવામાં સમર્થ હોય છે. જાણે કે અલગ ઊભો રહીને એ પોતાની ક્રિયાઓને જોઈ શકે છે. એ જ એની વિશેષતા છે. પણ આજે એ વિશેષતા એનામાં સંભાવનારૂપે છુપાયેલી છે. જેટલે અંશે આ સંભાવના પ્રગટ થાય એટલે જ અંશે મનુષ્ય પોતાના વિકાસક્રમનો સ્વામી બની રહે છે. અને જે દિવસે આ સંભાવનાને એ પૂરેપૂરી પ્રગટ કરી દેશે, તે દિવસે એ પૂર્ણ બની જશે, કૃષ્ણ બની જશે. બુદ્ધ બની જશે, ઇસુ બની જશે, રામકૃષ્ણ બની જશે. ત્યારે એ સત્યનો સાક્ષાત્કાર કરી લે છે. આ વિષયમાં સ્વામી વિવેકાનંદ કહે છે : “Each soul is potentially divine. The goal is to manifest this divine within, by controlling nature, external and internal’ પ્રત્યેક આત્મા અવ્યક્ત બ્રહ્મ છે. બાહ્ય અને આંતરિક પ્રકૃતિને વશ કરીને આ અંત:સ્થ બ્રહ્મભાવને પ્રગટાવવો એ જ જીવનનું લક્ષ્ય છે.

વૈજ્ઞાનિક નિબંધોના પ્રસિદ્ધ લેખક લિંકન બાર્નેટ, મનુષ્યની આવી સંભાવના સ્વીકારે છે. અને પોતાના પ્રસિદ્ધ ગ્રંથ, “The universe and Dr. Einstein” માં લખે છે કે મનુષ્ય પોતાની આ સંભાવનાથી અજાણ હોવાને કારણે જ અશાન્તિ અને દુ:ખનો શિકાર બન્યો છે. તેમના કહેવા મુજબ મનુષ્યની noblest and most mysterious faculty (સૌથી ઉદાત્ત અને રહસ્યમય ક્ષમતા) છે – The ability to transcend himself and perceive himself in the act of perception (પોતાને ઓળંગીને નીરખવાની ક્રિયામાં ખુદને જોવાનું સામર્થ્ય), મનુષ્યના આ સામર્થ્યને જ ધર્મની ભાષામાં ‘સાક્ષીભાવ’ કહેવામાં આવે છે. અને એ જ મનુષ્યમાં રહેલ પૂર્ણતાનું, બ્રહ્મભાવનું પ્રકટીકરણ છે. જ્યાં સુધી એ પૂર્ણતા સંપૂર્ણરીતે પ્રગટ ન થાય, ત્યાં સુધી મનુષ્ય વારંવાર જન્મ ધારણ કર્યા કરે છે. અને એક દિવસ, જ્યારે પોતાની અંદર રહેલા પશુત્વનું પૂરેપૂરું દમન કરીને મનનો સ્વામી બની જાય છે, ત્યારે એ મહાપુરુષોના જેવો જ બની રહે છે. બસ, અહીં જ વિકાસક્રમની પૂર્ણતા સિદ્ધ થઈ જાય છે. અને જે જીવનપ્રવાહ, ‘અમીબા’માંથી જીવાણુકોશમાંથી નીકળીને લાખ લાખ યોનિઓમાંથી પસાર થતો થતો વહી રહ્યો હતો, તે પોતાનું વર્તુળ પૂરું કરી લે છે. અને પોતાના લક્ષ્ય – પૂર્ણતાના સાગર – ને પામીને એમાં વિલીન થઈ જાય છે. આને જ ‘મુક્તિ’ અથવા ‘મોક્ષ’ની અવસ્થા કહેવામાં આવે છે.

વિકાસક્રમની પૂર્ણતા :

વિકાસવાદીઓની પેઠે જ હિન્દુદર્શન એ સ્વીકારે છે કે વિકાસક્રમ ‘અમીબા’થી શરૂ થાય છે. પણ આપણે ઉપર જોયું તેમ વિકાસવાદી એ વાત સમજાવી શકતા નથી કે વિકાસક્રમની પૂર્ણતા શેમાં છે. તે એ નથી સમજાવી શકતા કે પૂર્ણતા પ્રાપ્ત કરેલો કે વિલક્ષણ પ્રતિભાસંપન્ન માનવ વિકાસક્રમમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેઓ ‘ચેતના’ની ઉત્પત્તિનું પણ કોઈ તાર્કિક કારણ આપી શકતા નથી. હિન્દુદર્શન આ બધા પ્રશ્નોના ઉત્તર આપતાં કહે છે કે મનુષ્યની જે આ પૂર્ણતા છે અથવા તો વિકાસક્રમમાં અચાનક કોઈ કાળે પ્રગટ થઈ જતી આ ચેતના છે, તે બધી જ આ ‘અમીબા’માં ક્રમસંકુચિત સ્વરૂપે છે. મનુષ્યનાં માધ્યમથી પ્રકટતું આ બ્રહ્મત્વ, આ દિવ્યતા, એ ‘અમીબા’માં જ વિદ્યમાન છે. ‘અમીબા’માં પહેલેથી રહેલી પૂર્ણતા પોતે પોતાને જ પ્રકટ કરવાનો પ્રયાસ કરે, એ જ વિકાસક્રમનો અર્થ છે. આ પ્રયાસમાં જ જીવનપ્રવાહ એક યોનિમાંથી બીજી યોનિમાં સંચરિત થાય છે. જ્યારે એ પહેલાંની યોનિમાં પણ પૂર્ણતા પૂરી રીતે પ્રકટ થઈ શકતી નથી, ત્યારે એનાથી પણ વધુ ઊંચી યોનિમાં એ પ્રયાણ કરે છે. આ રીતે લાખો યોનિઓમાં પસાર થતાં થતાં છેવટે આ જીવનપ્રવાહ મનુષ્યયોનિમાં પ્રવેશે છે. અહીં પણ જ્યારે એ પૂર્ણતા, પોતાને પૂરી રીતે પ્રકટ કરી શકતી નથી ત્યારે એ મનુષ્યજીવન નાશ પામતાં, આ જીવનપ્રવાહ બીજું મનુષ્યજીવન ધારણ કરે છે. આ રીતે આ પૂર્ણતા અનેક મનુષ્યજીવનના માધ્યમથી પોતાને વધુ ને વધુ પ્રકટ કરતી રહે છે. અને એક દિવસ આ જીવનપ્રવાહ એવી મનુષ્યયોનિ પ્રાપ્ત કરે છે કે જ્યાં અભિવ્યક્તિનાં બધાં જ અવરોધક તત્ત્વો નાશ પામી જાય છે. અને જે પૂર્ણતા પેલા ‘અમીબા’માં કેદી થઈ પડી હતી, તે પૂરી રીતે આ મનુષ્યજન્મમાં પ્રકટ થઈ જાય છે. લાખો-કરોડો વર્ષોથી વહેતો આવતો જીવનપ્રવાહ પોતાનું લક્ષ્ય પામીને સાર્થક થઈ જાય છે. આ જ મુક્તિ કે મોક્ષની અવસ્થા છે.

હિન્દુદર્શન : અધિક વૈજ્ઞાનિક :

હિન્દુદર્શને વિકાસનું આ જે કારણ બતાવ્યું, તે વિકાસવાદીના કરતાં વધુ વૈજ્ઞાનિક છે. આપણે એ તો કહી ચૂક્યા છીએ કે ‘અમીબા’માં રહેલી પૂર્ણતાનો પોતાને પ્રકટ કરવાનો પ્રયાસ જ હિન્દુની દૃષ્ટિએ વિકાસનું કારણ છે. મહર્ષિ પતંજલિ પોતાના યોગસૂત્રમાં કહે છે : ‘जात्यन्तरपरिणाम: प्रकृत्यापूरात्’ ‘એક યોનિમાંથી બીજી યોનિમાં જવારૂપ આ ‘જાત્યન્તરપરિણામ’, પ્રકૃતિની આપૂરણ ક્રિયાથી થાય છે. પ્રકૃતિની આપૂરણ ક્રિયાનો અર્થ, પ્રકૃતિનો સ્વભાવ એવો થાય છે. જેમ આડશને લીધે પાણી રોકાયેલું રહે છે પાણીને વહેતું કરવા માટે આપણે બીજું કશું કરવું પડતું નથી. ફક્ત એની અવરોધક આડશને જ હટાવી દેવી પડે છે. પછી પાણી તો પોતાના સ્વભાવથી વહી જ જાય છે. એવી જ રીતે વિકાસક્રમમાં પણ વહેવાનો સ્વભાવ છે. એ પૂર્ણતામાં પોતે પોતાને અભિવ્યક્ત કરવાનો સ્વભાવ છે. એ માટે ફક્ત એની અભિવ્યક્તિનાં અવરોધોને જ હઠાવવા પડે છે. એ સમજાવતાં પતંજલિ પોતાના સૂત્રમાં કહે છે : ‘निमित्त्प्रयोजकं प्रकृतीनां करणभेदस्तु ततः क्षेत्रिकवत्’

‘સત્ અને અસત્ કર્મ પ્રકૃતિના પરિણામ (પરિવર્તન)નાં પ્રત્યક્ષ કારણો નથી પણ તે એનાં અવરોધોને હટાવતાં નિમિત્ત કારણો છે.’ જેમ ખેડૂત જ્યારે પાણીના વહેવામાં અવરોધરૂપ બનતી આડશને તોડી નાખે છે, ત્યારે પાણી પોતાના સ્વભાવ મુજબ વહી જાય છે. આ પુનર્જન્મની જ વ્યાખ્યા છે. જીવનપ્રવાહને એ જ યુક્તિપૂર્ણ ટેકો આપે છે. પુનર્જન્મની સ્થાપના વગર જીવનની કશી સાર્થકતા રહેતી નથી. મનુષ્યને જો ફક્ત આ એક જ જન્મ મળ્યો હોય, તો એનામાં અને પશુમાં ભેદ પાડવાનું કોઈ પ્રભાવક કારણ રહેતું નથી.

પ્રાચીન યોગીઓનો વિકાસવાદ :

ઉપર્યુક્ત સૂત્રની વ્યાખ્યા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે : ‘પ્રાચીન યોગીઓનો વિકાસવાદ આધુનિક વિજ્ઞાનની શોધથી આજે પ્રમાણમાં વધુ સારી રીતે સમજાશે. છતાં પણ યોગીઓની વ્યાખ્યા, આધુનિક વ્યાખ્યા કરતાં ઘણી શ્રેષ્ઠ છે. આધુનિક મત કહે છે કે વિકાસનાં બે કારણો છે – યૌન નિર્વાચન (sexual selection) અને બલિષ્ઠ અતિજીવિતા (Survival of the fittest) પણ આ બે કારણો કંઈ પૂરાં કારણો જણાતાં નથી. માની લો કે માનવજ્ઞાન એટલું ઉચ્ચ થઈ ગયું કે શરીરધારણ અથવા પતિ કે પત્ની મેળવવાની પ્રતિયોગિતા હટી ગઈ. આવે વખતે તો આધુનિક વિજ્ઞાનવિદોના મત મુજબ માનવીય ઉન્નતિ પ્રવાહ અટકી જશે અને એ જાતિ મૃત્યુ પામશે. વળી, આ મતને પરિણામે તો દરેક અત્યાચારી વ્યક્તિ પોતાના વિવેકથી છૂટકારો મેળવવાની એક યુક્તિ સાધી લે છે. દુનિયામાં એવા માણસોની ઓછપ નથી કે જે આ દાર્શનિક નામધારી બનીને જેટલા દુષ્ટ અને અનુપયોગી લોકો છે, તે બધાને મારી નાખીને માનવજાતની રક્ષા કરવા ઇચ્છે છે! જાણે કે ઉપયોગિતા અનુપયોગિતાનો એ પોતે એકલા જ વિચાર કરનારા ન હોય! પરન્તુ પ્રાચીન વિકાસવાદી મહાપુરુષ પતંજલિ કહે છે કે દરેક વ્યક્તિમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની જ અભિવ્યક્તિ અથવા એનો જ વિકાસ થવો, એ જ પરિણામ કે વિકાસનું વાસ્તવિક રહસ્ય છે. તેઓ કહે છે કે આ પૂર્ણતાની અભિવ્યક્તિમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. આપણામાં આ પૂર્ણતાની અનન્ત ભરતી પોતાને પ્રકાશિત કરવા સંઘર્ષ કરી રહી છે. આ સંઘર્ષ અને દાવપેચ કેવળ આપણા અજ્ઞાનનાં ફળ છે. એ એટલાં માટે થાય છે કે દરવાજો કેમ ખોલવો અને પાણી અંદર કેમ લાવવું, તે આપણે જાણતા નથી. આપણી પાછળ જે અનન્ત ભરતી છે; તે પોતાને પ્રકાશિત તો અવશ્ય કરશે જ. એ જ સમસ્ત અભિવ્યક્તિઓનું કારણ છે. કેવળ જીવનધારણ કે ઇન્દ્રિયસુખોને ચરિતાર્થ કરવાની ચેષ્ટા જ કંઈ આ અભિવ્યક્તિનું કારણ નથી. આ બધાં સંઘર્ષો તો વાસ્તવમાં ક્ષણિક છે, બિનજરૂરી છે. બાહ્ય આધારમાત્ર છે. આ બધા અજ્ઞાનથી ઉત્પન્ન થયા છે. એ માટેની બધી દોડધામ બંધ થઈ જાય તોપણ જ્યાં સુધી આપણામાંની દરેક વ્યક્તિ પૂર્ણ નહિ બની જાય ત્યાં સુધી આપણામાં રહેલ આ પૂર્ણસ્વભાવ, આપણને ક્રમે ક્રમે ઉન્નતિ તરફ આગળ વધારતો રહેશે. એટલે એવું માની લેવાની કશી જરૂર નથી કે દોડધામ, હરીફાઈ, ઉન્નતિ માટે આવશ્યક છે. પશુમાંય મનુષ્ય ગૂઢભાવે રહેલો છે. જેવો દરવાજો ખોલી દેવામાં આવે કે તરત જ, અર્થાત્ જેવો અવરોધ હટી ગયો કે તરત જ એ મનુષ્ય પ્રકાશિત થઈ ઊઠે છે. આ રીતે મનુષ્યમાં પણ દેવતા અવ્યક્તભાવે વિદ્યમાન હોય જ છે. ફક્ત અજ્ઞાનનું આવરણ જ એને પ્રકાશિત થવા દેતું નથી. જ્યારે જ્ઞાન, એ આવરણને ચીરી નાખે છે ત્યારે ભીતરનો એ દેવતા પ્રકાશિત થઈ રહે છે.’ (વિવેકાનંદ સાહિત્ય, પ્રથમ ખંડ, પૃષ્ઠ ૨૦૫-૨૦૭)

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.