(ગતાંકથી આગળ)

૩. કૌશલ વિશે ઉપનિષદો :

કૌશલ આજની સંસ્કૃતિનો શિરમોર છે; એ શબ્દ ફરી ફરી વાપરવામાં આવે છે. હજારો વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલા ભારતીય પ્રાચીન સાહિત્યનાં ઉપનિષદો તરફ વળતાં ‘છાંદોગ્ય ઉપનિષદ’માં આપણને કૌશલની સુન્દર વ્યાખ્યા સાંપડે છે. (૧-૧-૧૦)

यदेव विद्यया करोति, श्रद्धया, उपनिषदा, तदेव वीर्यवत्तरं भवति

‘વિદ્યા, શ્રદ્ધા અને ઉપનિષદથી જે કંઈ કરવામાં આવે છે તે જ કેવળ ઉત્તમ કૌશલયુક્ત બને છે.’

આ ત્રણ મૂલ્યો ક્યાં છે? विद्या એટલે શાસ્ત્ર અથવા જ્ઞાન. તમારે કુશળ થવું હોય તો તમારી પાસે જ્ઞાન હોવું જ જોઈએ. આજની પરિભાષામાં એને તકનીકી જાણકારી કહી શકાય. પરિચારિકા નર્સ પાસે પરિચર્યા-નર્સિંગ-ની તકનીકી જાણકારી હોવી જ જોઈએ. દાક્તર, અધિકારી, ઇજનેર, વહીવટદાર વ. સૌ માટે એમ જ છે, પરંતુ માત્ર એટલું જ પૂરતું નથી. એકલું વિષયનું જ જ્ઞાન હોય તેથી તમે પ્રવીણ નથી બની જતા. એટલે બીજું એક મૂલ્ય ઉમેરાય છે : श्रद्धा અહીં એનો અર્થ કોઈ બાબાવાક્યમાં, સાંપ્રદાયિકતામાં કે દૃઢતાપૂર્વક પકડી રાખેલા મતમાં વિશ્વાસ એવો એવો નથી; પરંતુ પોતાની જાતમાં, અંતરથી ઊઠતી સ્ફુરણામાં શ્રદ્ધા, એવો અર્થ છે. ‘હું શક્તિમાન છું,’ ‘હું શક્તિમાન છું,’ એ ભાવ અને તમે જે કાર્ય હાથ ધર્યું છે તે કરવા યોગ્ય છે અને એ વડે જીવન અને જગત સાર્થ છે એવો પ્રબળ વિશ્વાસ અને એ શ્રદ્ધા આપણા કાર્યના અન્ય સાથી કાર્યકરો સુધી વિસ્તરે છે. श्रद्धाની વ્યાખ્યા આપતાં શંકરાચાર્ય તેને ‘આસ્તિક્ય બુદ્ધિ’ કહે છે. આપણો ભાવાત્મક વલણોનો સરવાળો આપણી શ્રદ્ધા અને વિશ્વાસ, આ બધાં આપણા કાર્યકૌશલ્યની વૃદ્ધિ કરે છે. ‘મહાન કાર્યોની જનેતા મહાન શ્રદ્ધા છે,’ એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. દરેક મહાન કાર્ય પાછળ શ્રદ્ધાનો આ શક્તિસ્રોત રહેલો છે.

શ્રદ્ધાવાન નરનારીઓએ જ જગતને ઘાટ આપ્યો છે અને ખળભળાવી મૂક્યું છે. આપણે જેને ‘મત’ કહીએ છીએ તેથી આ ઊલટું છે. ગમે તેટલી બાબતો વિશે આપણને ‘મત’ હોઈ શકે. પરંતુ તેના વડે કંઈ સમાજ ઉપર અસર પહોંચાડે તેવી શક્તિ પેદા થતી નથી. કિન્તુ ‘મત’ જ્યારે ‘શ્રધ્ધા’માં પલટાય ત્યારે જ અસરકારક શક્તિનો આવિષ્કાર આપણને જોવા મળે છે. ‘હોમ યુનિવર્સિટી લાઈબ્રેરી’માંના ‘ઇન્ટ્રોડક્શન ટુ સાયન્સ’ (વિજ્ઞાન પ્રવેશિકા) નામના આર્થર ટોમ્સનના પુસ્તકમાંથી થોડો ખંડ અહીં ટાંકું છું :

વૈજ્ઞાનિક ગ્લેનવિલ કહે છે કે, ‘મત બાળ બુદ્ધિના ઘૂઘરા છે, પણ વિકસિત બુદ્ધિવાનો તેથી આગળ નીકળી ગયા છે.’

ટોમસ હક્સલેએ કહ્યું છે કે, ‘હું જેમ લાંબું જીવતો જાઉં છું તેમ મને વધારે સ્પષ્ટ થતું જાય છે કે માનવજીવનનું સૌથી પવિત્ર કાર્ય એમ કહેવાનું અને અનુભવવાનું છે કે, ‘ફલાણી ફલાણી વાત સત્ય છે તેમાં મને શ્રદ્ધા છે’ આ કાર્ય સાથે ઉચ્ચતમ ફળ અને સૌથી વજનદાર શક્યતાઓ સંલગ્ન છે.’

રાજકીય માન્યતાઓ, આધ્યાત્મિક શ્રદ્ધાઓ, વૈજ્ઞાનિક માન્યતાઓ, સામાજિક માન્યતાઓ – આ સર્વમાં જીવને હલાવવાની અદ્ભુત શક્તિ છે. તેથી જ સ્વામી વિવેકાનંદ શ્રદ્ધા, વિશ્વાસના મૂલ્ય ઉપર ખૂબ ભાર મૂકે છે. શ્રદ્ધાથી ઊલટા અર્થનો શબ્દ અશ્રધ્ધા છે જે દોષદર્શિતામાં પરિણમે છે. આજના યુગમાં આપણે શ્રદ્ધાના આ મહાન મૂલ્યને ગુમાવી બેઠાં છીએ જેને પરિણામે આ દોષદર્શિતાનું અનિષ્ટ વ્યાપક થતું જાય છે; તીવ્ર થતી બુદ્ધિ સાથે માનવતાલક્ષી આવેગ ન ભળે ત્યારે એ અનિષ્ટ જન્મે છે. विद्या અને श्रद्धा પણ પૂરતાં તો નથી એમ ઉપનિષદ માને છે અને સર્વોચ્ચ પ્રાવીણ્ય પ્રાપ્ત કરવા માટે એ બેમાં એક ત્રીજા મૂલ્યને ઉમેરવાનું જરૂરી ગણે છે. આ મૂલ્ય છે : उपनिषदीय લાગતાવળગતા વિષય પરત્વે ઊંડું ચિંતન, ધ્યાનપૂર્વક મનન.

જે કાર્યની પાછળ આ વિદ્યા શ્રધ્ધા અને ઉપનિષદનાં ત્રણેય મૂલ્યો હોય તે જ वीर्यवत्तरम्, ઉચ્ચ શક્તિવાળું થાય છે. સંસ્કૃતમાં वीर्यનો અર્થ શક્તિ થાય છે. तरम् ચડિયાતાપણું બતાવે છે અને तमम् સંસ્કૃતમાં શ્રેષ્ઠતાવાચક છે તો ચડિયાતું પ્રાવીણ્ય ત્યારે જ આવશે. જ્યારે આપણે જ્ઞાનશક્તિ સાથે આ બીજાં બે મૂલ્યોની શક્તિને જોડશું. શિક્ષણને પણ આ લાગુ પડે છે. આ શક્તિઓનો ત્રિવેણી સંગમ થાય છે. ત્યારે, જગતને હલાવી મૂકે તેવી શક્તિની માનવીય ઉત્કૃષ્ટતા તમે પ્રાપ્ત કરી શકો છો. આધુનિક ગણતંત્ર સંસ્કૃતિને પોષણ આપનાર સ્રોત શિક્ષિત નાગરિક છે. એ શિક્ષણમાં માત્ર જ્ઞાન જ નહીં પણ આ બે બીજાં મૂલ્યો પણ સમાવિષ્ટ કરવાં જોઈએ. શાળા, કૉલેજ, યુનિવર્સિટી અને સામાજિક આપલે દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનમાંથી વિકસિત માનવીય ઉત્કૃષ્ટતાના આ પરિભ્રમણને સ્વામી વિવેકાનંદે આત્મસાત કર્યું હતું તે પ્રમાણે સ્વામી વિવેકાનંદ જેને પૌરુષ કહેતા તે ચારિત્ર્યનું નિર્માણ એથી થાય છે. આ સમગ્ર વિકાસ મનુષ્યના સામાન્ય જીવનની પરિપાટીએ થાય છે, ઇન્દ્રિયાતીત કે આધ્યાત્મિક પરિમાણના સંદર્ભમાં નહીં.

પ્રાચીન ગ્રીક-રોમન સંસ્કૃતિમાં અને અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ખેડાતા માનવવિકાસના આ પાસાને સ્વામી વિવેકાનંદ ખૂબ મહત્ત્વ આપતા હતા. માનવવિકાસમાંથી જન્મતી ચારિત્ર્યશક્તિના, ખાસ કરીને આત્મશ્રદ્ધાના મોટા મૂલ્યના, અને મનુષ્યેતર કોઈ પ્રાણી જેને માટે પ્રયત્ન કરી શકતું નથી કે જેને પ્રાપ્ત કરી શકતું નથી તે બાહ્ય પર્યાવરણ પર પોતાનું આધિપત્ય જમાવવા માટે, અને એની આડે આવતા અવરોધોને દૂર કરવાની મનુષ્યની હિમ્મતના સ્વામીજી મોટા પ્રશંસક હતા. ગ્રીક સંસ્કૃતિમાં મનુષ્યની સેવા માટે સ્વર્ગમાંથી અગ્નિ ચોરવાની હિંમત દર્શાવનાર આ પ્રોમિથિયન તત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં પણ એવા વીરપુરુષની કથા છે, ભગીરથની; આકાશગંગામાંથી પૃથ્વી પર સમૃદ્ધિ અને સંપત્તિની ગંગાનું અવતરણ એણે પૃથ્વી પર કર્યું હતું. પ્રાચીન ચીની કન્ફયુશિયન સંસ્કૃતિમાં માનવ-ઉત્કૃષ્ટતાનો ખ્યાલ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાંના ખ્યાલને મળતો છે. એરિસ્ટોટલે મનુષ્યને જે સામાજિક પ્રાણી તરીકે ઓળખાવેલ છે. પણ એવી રીતે મનુષ્યને ઓળખવાનું આ તો રાજકીય દૃષ્ટિબિન્દુ જ કહી શકાય; અર્થાત્ રાજ્યતંત્રમાં મનુષ્ય, જે દૃષ્ટિએ જોવાય છે તેવી રીતે ધર્મનો વિચારપણ રાજકીય દૃષ્ટિબિન્દુથી કરવામાં આવે છે અને આમ ધર્મનો એવો અર્થ નિખિલ માનવકુલની દૃષ્ટિએ સંકુચિત, મર્યાદિત અર્થવાળો અને કોમી બનાવાય છે. આ દૃષ્ટિબિન્દુમાંથી, એક તરફથી મનુષ્યનું ભાવિ સુધારવા માટેના બધા રાજકીય, આર્થિક અને સામાજિક સંઘર્ષો ઉદ્ભવ્યા છે તો બીજી બાજુથી આક્રમક યુદ્ધો અને સામ્રાજ્યવાદી વસાહતો અને એના જેવાં ઇતર શોષણનાં સ્વરૂપો જન્મ પામ્યાં છે.

(ક્રમશ 🙂

ભાષાંતરકાર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 188

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.