૧ સપ્ટેમ્બર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે

ધર્મગ્રંથોમાં રથ :

સૂક્ષ્મ આધ્યાત્મિક સત્યોને પ્રાય: દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ તથા રૂપકોની મદદથી સમજાવવામાં આવે છે. રથ પણ આવું જ એક રૂપક, એક અર્થાલંકાર છે, જેનો ઉપયોગ આધ્યાત્મિક સાહિત્યમાં પૂરતો કરાયો છે. કઠોપનિષદમાં જ દેહની તુલના રથ સાથે કરી છે અને એની મદદથી જીવાત્માનું સ્વરૂપ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
बुद्धिं तुं सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥
इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनो युक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥ (१, २, ३, ४)

અર્થાત્ “આત્માને રથી અને શરીરને રથ જાણો. બુદ્ધિને સારથિ અને મનને લગામ જાણો. ઇન્દ્રિયો ઘોડા કહેવાય છે, જે વિષયરૂપી માર્ગો પર દોડતા રહે છે. ઇન્દ્રિયો મન અને બુદ્ધિથી યુક્ત આત્માને ભોક્તા અર્થાત્ જીવ કહે છે.”

રામચરિતમાનસના વાચકો લંકા-કાંડમાં વર્ણવેલા ધર્મરથથી પરિચિત જ છે.

રાવનુ રથી બિરથ રઘુબીરા ।
દેખિ વિભીષણ ભયઉ અધીરા ॥
અધિક પ્રીતિ મન ભય સંદેહા ।
બંદિ ચરન કહ સહિત સનેહા ॥
નાથ ન રથ નહિં તન ૫દત્રાના ।
કેહિ વિધિ જિતબ બીર બલવાના ॥
સુનહુ સખા કહે કૃપાનિધાના ।
જેંહિ જય હોઈ સો સ્પંદન આના ॥
સૌરજ ધીરજ તેહિ રથ ચાકા ।
સત્ય શીલ દૃઢ ધ્વજ પતાકા ॥
બલ વિવેક દમ પરહિત ઘોરે ।
છમા કૃપા સમતા રજૂ જોરે ॥
ઈસ ભજનુ સારથિ સુજાના ।
વિરતિ ચર્મ સંતોષ કૃપાના ॥

(૬, ૭૯, ૧-૪)

અહીં, નૈતિક આદર્શોથી યુક્ત એક સુંદર રથનું વર્ણન કર્યું છે, જેમાં શૌર્ય અને ધીરજ પૈડાં છે, સત્ય અને શીલની ધજા અને પતાકા છે. બળ, વિવેક, દમ અને પરહિત ઘોડા છે અને કૃપા, ક્ષમા અને સમતાની લગામથી બંધાયેલા છે. ઈશ્વરનું ભજન આ ધર્મ-રથનો સારથિ છે.

વળી, શ્રી જગન્નાથ મહાપ્રભુનો પણ એક પ્રસિદ્ધ રથ છે, જેને વૈષ્ણવો અતિ પવિત્ર માને છે. એવી માન્યતા છે કે, એમાં બિરાજેલા ભગવાનનાં દર્શન કરવાથી જન્મ-મરણના ચક્કરમાંથી મુક્તિ મળે છે. ‘रथे च वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते’ । પરંતુ બીજા લોકો આ કથનને દેહરૂપી રથમાં બિરાજેલા શુદ્ધ ચૈતન્ય આત્માનાં દર્શનના અર્થમાં લે છે.

બીજો પણ એક રથ છે, જેનાથી બધા જ હિંદુઓ પરિચિત છે – અર્જુનનો એ રથ, જેના પર બેસી ભગવાન શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ આપેલો. શ્રીમદ્ ભગવદ્-ગીતા એટલી બધી લોકપ્રિય છે અને એના ઉપદેશો એટલા બધા મહત્ત્વપૂર્ણ છે કે, એને લીધે જે રથ પર બેસી એ ગીતાનું ગાન થયેલું, એનું મહત્ત્વ ગૌણ થઈ જાય છે. સામાન્ય રીતે, આ રથ એક વાહનમાત્ર છે એમ મનાય છે, અને એની એથી વધુ કોઈ સાર્થકતા પણ હોઈ શકે એના તરફ કોઈની નજર નથી જતી. ગીતાગાયક શ્રીકૃષ્ણનાં અનેક ચિત્રો અંકાયાં છે, પણ વર્તમાન કાળમાં સ્વામી વિવેકાનંદે જ એના આધ્યાત્મિક મહત્ત્વ તરફ સંકેત કર્યો છે. સ્વામીજી કહે છે, ‘શ્રી કૃષણનું ચિત્ર એવું હોવું જોઈએ કે, જેવા તેઓ હતા – ગીતાનું મૂર્તસ્વરૂપ! શરીરનું એકેએક અંગ કાર્યરત છે અને છતાં મુખ પર નીલ ગગનની ગંભીર શાંતિ અને પ્રસન્નતા વ્યાપ્ત છે. આ જ તો છે ગીતાનું મૂળ તત્વ. બધી પરિસ્થિતિમાં શાંત અને સ્થિર અનુદ્વિજ્ઞ રહીને શરીર, મન અને આત્માને ઈશ્વરનાં ચરણમાં સમર્પિત કરી દેવાં.’ અસલમાં આ રથ એક અત્યંત ઉપયોગી ધ્યાનચિત્ર છે જેમાં કઠોપનિષદનાં દાર્શનિક તત્ત્વો તથા રામચરિતમાનસના ધર્મરથના નૈતિક આદર્શોનો સમાવેશ તો છે જ. તે ઉપરાંત એ પોતાનામાંથી એથી પણ ઉચ્ચતર આદર્શ પ્રકટ કરે છે.

રથનું આધ્યાત્મિક મહત્વ :

રથનું વર્ણન કરતાં સ્વામીજી કહે છે, ‘શ્રીકૃષ્ણ ઘોડાઓની લગામ એવી રીતે પકડી છે એવી ખેંચેલી છે કે, ઘોડાઓ પોતાના પાછલા પગ પર ઊભા છે. એમના આગલા પગ હવામાં ઉચકાયેલા છે અને મોં ખૂલી ગયાં છે. શક્તિશાળી, ચંચળ, દોડવા માટે આતુર ઘોડા તીક્ષ્ણ અને પ્રબળ ઇન્દ્રિયોના પ્રતીક છે, જેને મનરૂપી લગામથી કાબૂમાં રાખ્યા છે.’

ઈન્દ્રિયો સ્વાભાવિક રીતે બહિર્મુખી હોય છે. બહારના વિષય તરફ દોડવાની ઈન્દ્રિયોની આ પ્રવૃત્તિ, એને અંતર્મુખી કરી આત્મદર્શન કરવાના ઈચ્છુક સાધકની સૌથી મોટી સમસ્યા છે. જેમ કઠોપનિષદમાં કહ્યું છે –

पराम्चि खानि व्यतृणत् म्वयम्मूस्तस्मात्परा ङ पश्यति नान्तरात्मन् ।
कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्त्वमिच्छन् ।

(क.उ. २/४/१)

અર્થાત્, પરમાત્માએ ઇંદ્રિયોને બહિર્મુખી બનાવી જાણે એની હત્યા જ કરી નાખી છે, તેથી એ બહાર જુએ છે, અંદર નહિ. અમૃતત્વની ઇચ્છા કરનાર કોઈ ધીર પ્રયાગાત્માને જોવા માટે આંખોને અંતર્મુખી બનાવે છે.

ગીતામાં કહ્યું છે કે, જે રીતે કાચબો પોતાનાં અંગોને પોતાના દેહમાં ખેંચી લે છે. એ રીતે ઈંદ્રિયોને વિષયોથી અલગ કરી લેવી જોઈએ. પણ મનુષ્યોની જ્ઞાનેન્દ્રિયો કાચબાના પગ જેવી નથી કે જેને અંદર ખેંચી લઈ શકાય. વધુમાં વધુ આંખો બંધ કરી લઈ શકાય, અથવા કાનોમાં પૂમડાં ખોસી બંધ કરી શકાય, પણ નાક અને ચામડી જો પોતાના વિષયોના સંપર્કમાં આવે તો સંવેદનો પ્રાપ્ત થતાં જ રહેશે. કેટલાક લોકો વિષયના સંસ્પર્શથી બચવા માટે નિર્જનમાં ચાલ્યા જાય છે. બીજા કેટલાક મૂર્ખતાપૂર્વક કઠોર તપ કરી શરીરને કૃશ કરી ઇન્દ્રિયોને દુર્બળ કરવાની કોશિશ કરે છે. આ તો જાણે ઘોડાને મારી મારીને અધમૂઆ કરવા જેવું છે. પણ આ કંઈ ઇન્દ્રિયસંયમની સાચી રીત નથી. અસલમાં બહિરિન્દ્રિય તો મસ્તકમાં રહેલી વાસ્તવિક ઇંદ્રિયનું બાહ્ય ગોલકમાત્ર છે, જેનાથી એ જ્ઞાનતંતુઓ (NERVES) દ્વારા જોડાયેલી છે. તેથી મસ્તિષ્કમાં રહેલી અંતરિન્દ્રિયોનું નિયમન જ વાસ્તવિક ઇન્દ્રિયસંયમ છે. આધ્યાત્મિક મહાપુરુષોમાં પણ આ જ વાત જોવા મળે છે. ચૈતન્ય મહાપ્રભુની જીભ પર સાકર મૂકવા છતાં એમને સાકરનો સ્વાદ અનુભવાયો નહિ, અને લાળના અભાવને લીધે એ હવાથી ઊડી ગઈ. શ્રીરામકૃષ્ણના પ્રચલિત ચિત્રમાં એમની આંખો ખૂલેલી છે, પણ વાસ્તવમાં એ ચિત્ર એમની ઉચ્ચ સમાધિ અવસ્થાનું છે, જ્યારે એમની બાહ્ય ચેતના પૂર્ણરૂપે લુપ્ત થઈ ગઈ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે, તીક્ષ્ણ અને સબળ હોવા છતાં ઇન્દ્રિયોનો આંતરિક નિરોધ કરી શકાય છે, અને એ જ વાસ્તવિક નિરોધ છે.

લગામ દ્વારા અહીં સુચવાયેલું મન કેવું હોવું જોઈએ? ગીતા અનુસાર જ્યારે મનુષ્ય મનની સઘળી કામનાઓનો ત્યાગ કરે છે ત્યારે એ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. મનમાં અસંખ્ય વિચારો એક પછી એક ઊઠતા રહે છે, પણ કામનાઓ ત્યારે પેદા થાય છે, જ્યારે વિષયોમાં એ આસક્ત થાય છે,

‘સંગાત્ સંજાયતે કામ:’ – એથી આસક્તિ અને રાગદ્વેષથી રહિત વ્યક્તિ વિષયોની વચ્ચે પણ અવિચલિત રહી શકે છે. મનમાં ઉઠતા અસંખ્ય વિચારોનો પ્રવાહ હાનિકારક નથી, પણ આસક્તિ અને રાગદ્વેષથી પ્રેરાઈને વિષયોને પ્રાપ્ત કરવાની તથા કર્મોનાં ફળોની ઇચ્છા, જે કામના કહેવાય છે, એ બંધનનું કારણ છે. ગીતામાં એને ‘સંકલ્પ પ્રભવાન્ કામાન્’ કહ્યું છે અને સંકલ્પ પરિત્યાગનો વારંવાર આદેશ દીધો છે. શ્રેષ્ઠ ભક્ત અથવા ગુણાતીત મુનિ પોતાના મનમાં ઉઠતા વિચારોને ઇચ્છામાં પરિણમવા નથી દેતો. એ સર્વ આરંભ અને સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે.

રથની લગામ સારથિના હાથમાં હોય છે, જે બુદ્ધિનો પ્રતીક છે. બુદ્ધિ એકનિષ્ઠ અને ભગવાનમાં નિવિષ્ટ હોવી જોઈએ. વસ્તુત: આપણા પ્રત્યેનો અને બાહ્ય જગત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ જ બુદ્ધિ કહેવાય છે. ગીતામાં વિશેષત: બીજા અધ્યાયમાં, જ્યાં સાંખ્ય-બુદ્ધિ અને યોગ-બુદ્ધિનું વર્ણન છે, ત્યાં આ શબ્દનો ઉપયોગ એ અર્થમાં કર્યો છે. (ગીતા ર-૩૯) મોટા ભાગના લોકોને દેહ પ્રત્યે આત્મબુદ્ધિ તથા સંસાર તરફ મમત્વબુદ્ધિ રહે છે, ‘હું દેહ છું અને જગતના વિષય-પદાર્થ મારા છે.’ આ જ છે અહં અને મમતા, જે બંધનનું કારણ છે. એને લીધે મન ઇન્દ્રિયોના માધ્યમથી વિષયો તરફ ભાગવા માંડે છે. પણ જ્યારે એ અનુભવ થાય છે કે, હું નશ્વર દેહ નથી પણ નિત્ય અમર આત્મા છું અને બાહ્ય જગત અસ્થાયી અને ક્ષણભંગુર છે, ત્યારે મન શાંત થઈ જાય છે અને ઇન્દ્રિયો પણ સહજ રીતે જ અંતર્મુખી થઈ જાય છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે, ઇન્દ્રિયો સતેજ અને બળવાન પણ સંયત હોય, મન કામના, રાગદ્વેષ તથા સંકલ્પોથી રહિત હોય, તથા બુદ્ધિ અહં-મમતાથી રહિત થઈ પરમાત્મામાં નિવિષ્ટ હોય. આવાં મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોવાળો સાધક લક્ષ્યને પ્રાપ્ત કરે છે, જેને કઠોપનિષદમાં વિષ્ણુપદ કહ્યું છે.

विज्ञान सारथिर्यस्तु मनःप्रगहवान्नरः ।
सोडध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ।। (१-३-९)

શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર, કામનાઓનો ત્યાગ કરનાર જે વ્યક્તિ અહંતા-મમતારહિત થઈ નિ:સ્પૃહભાવે વિચરણ કરે છે, તે શાંતિ પામે છે.

विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥ (२-७१)

આને જ બ્રાહ્મી સ્થિતિ પણ કહે છે અને એને પ્રાપ્ત કરનાર જ્ઞાની સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આ રીતે આ રથ સાંકેતિક રૂપે ગીતાનો મૂળ સંદેશ ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ને પ્રકટ કરે છે.

પાર્થસારથિ શ્રીકૃષ્ણ :

ઉપર્યુક્ત વર્ણનથી આપણે ગીતા અને કઠોપનિષદની મદદથી રથના આધ્યાત્મિક મહત્ત્વને સમજવાની કોશિશ કરી છે. પરંતુ સારથિના સ્થાન પર ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિ સમગ્ર ચિત્રને જે વિશેષ મહત્ત્વ પ્રદાન કરે છે, એની તરફ સ્વામી વિવેકાનંદે વિશેષરૂપે આપણું ધ્યાન ખેંચ્યું છે. વિષાદગ્રસ્ત અર્જુનના રૂપમાં આલેખાયેલા બદ્ધ જીવનું માર્ગદર્શન શ્રીકૃષ્ણ કરી રહ્યા છે. ‘ધર્મરથ’માં કહ્યું છે કે, ‘ઈસ ભજનુ સારથિ સુજાના’ જો હોય તો કોઈ ચિંતાનું કારણ નથી. જે જીવનો ભગવાન સ્વયં સારથિ હોય, એના સૌભાગ્યની તો પછી વાત જ શી?

ભગવાનનું સારથિ હોવું બીજી એક દૃષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે. ભગવાન સ્થિતપ્રજ્ઞ અથવા વિષ્ણુપદ પ્રાપ્ત કરનાર કોઈ યોગી નથી. એ તો સ્વયં વિષ્ણુ જ છે. એથી ભગવાનની ઉપસ્થિતિ સ્થિતપ્રજ્ઞ દર્શનથી પણ ઉચ્ચતર આદર્શ તરફ ઈશારો કરે છે. સ્થિતપ્રજ્ઞની અવસ્થા પામ્યા પછી એક મુનિએ બંધનમાં પડેલા – બંધાયેલા બીજા જીવોને લક્ષ્ય તરફ જવામાં, આગળ વધવામાં મદદ કરવી જોઈએ. આ જ વાત શ્રીરામકૃષ્ણે નિર્વિકલ્પ સમાધિમાં ડૂબી રહેવા ઇચ્છતા સ્વામી વિવેકાનંદને કહી હતી. તેઓ ચાહતા હતા કે, સ્વામીજી એક વિશાળ વટવૃક્ષ જેવા બની અસંખ્ય પીડિત અને સંતપ્ત નર-નારીઓને આશ્રય આપે. આ ભાવ નિમ્નલિખિત શ્લોકમાં સુંદર રીતે વ્યક્ત થયો છે.

दुर्जनः सज्जनो भूयात्सज्जनः शान्तिमाप्युनात् ।
शान्तो मुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान्विमोचयेत् ॥

એટલે કે, ‘દુર્જન સજ્જન થાય, સજ્જન શાંતિ પામે. શાંત બંધનમાંથી મુક્ત થાય અને મુક્ત બીજા લોકોને મુક્ત કરે.’

ચિત્રમાં અર્જુન સજ્જનનું પ્રતીક છે અને શ્રીકૃષ્ણ એને મોક્ષ તરફ લઈ જનાર મુક્તનું પ્રતીક છે.

શ્રીકૃષ્ણનું વર્ણન કરતાં સ્વામીજી કહે છે, ‘શ્રીકૃષ્ણના એક હાથમાં ચાબૂક છે અને બીજા હાથેથી લગામ ખેંચી છે, અને તેઓ અર્જુન તરફ થોડા ફરીને, વળીને ઊભા છે. એમનું શિશુ- સરળ મુખ અપાર્થિવ પ્રેમ અને સહાનુભૂતિથી દેદીપ્યમાન છે.’

શ્રીકૃષ્ણના ચહેરાની પ્રથમ વિશિષ્ટતા છે એમની શિશુ-સુલભ સરળતા. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ કિશોરાવસ્થા અને યૌવનમાં પદાર્પણ કરે છે, ત્યારે એની બાલ્યકાળની સરળતા સમાપ્ત થઈ જાય છે અને એની જગ્યાએ સમજણ અને પુખ્તતા આવી જાય છે. વય વધતાં સરળતા અને પુખ્તતા એકીસાથે તો કેવળ આધ્યાત્મિક મહાપુરુષોમાં જ જોવા મળે છે. જ્ઞાની અને પરમહંસ ‘બાળક જેવા’ કહેવાય છે. શ્રીકૃષ્ણ પણ એવા જ એક જ્ઞાની-બાળક હતા. જે યાદવ-રાજકુમાર, યોદ્ધા, સેનાનાયક, વગેરેની ભૂમિકા નિભાવતા હોવા છતાં સદા વૃંદાવનના ક્રીડાપ્રિય ગોપબાળ જ બની રહેલા. એમના વ્યક્તિત્વની આ વિશેષતા એમના ચહેરા અને નેત્રોમાંથી રાજદરબારો અને રણક્ષેત્રમાં, અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં પણ પ્રકટ થતી હતી. રણાંગણમાં અર્જુનને અચાનક મોહગ્રસ્ત થતો જોઈ, એવી વિષમ પરિસ્થિતિમાં પણ એમના ચહેરા પર બાળક સુલભ હાસ્ય રમતું હતું, જેનો ઉલ્લેખ મહાભારતકારે ‘પ્રહસન્નિવ’ શબ્દથી કર્યો છે.

શ્રીકૃષ્ણના ચહેરાની બીજી વિશેષતા એ છે કે તે અપાર્થિવ પ્રેમ અને સહાનુભૂતિથી દીપ્ત છે. અસલમાં એક બાળક જ સાચી સહાનુભૂતિ દેખાડી શકે છે. કેમ કે એનું સરળ સહજ મન ‘મુખમાં રામ, બગલમાં છૂરી’નો પાઠ ભણાવનાર સંસારની કૃત્રિમતાથી પ્રભાવિત થયેલું નથી હોતું. બાળક અત્યંત સંવેદનશીલ હોય છે. જો એ પોતાના કોઈ સાથી બાળકને રડતું જુએ છે, તો એ પણ રડી પડે છે અને એનાથી વિપરીત એક રડતું બાળક પોતાના હસતારમતા સાથીઓને જોઈને તરત જ ખુશ થઈ જાય છે. આવું જ એક સુંદર દૃષ્ટાંત મા શારદાના જીવનમાં જોવા મળે છે. એક મજૂરણ લગભગ હંમેશાં જ માને ઘેર, જયરામવાટીમાં સામાન વગેરે લાવ્યા કરતી હતી. એક વાર બહુ દિવસો સુધી એ ન દેખાઈ. એ પછી જ્યારે એ આવી ત્યારે માએ એને આટલા દિવસ ન આવવાનું કારણ પૂછ્યું, એટલે એ બુઠ્ઠી મજૂરણ રડી પડી અને કહે કે, થોડા દિવસ પહેલાં જ એનો જુવાનજોધ દીકરો મરી ગયો. આ સાંભળતાં જ મા શારદા પણ રડી પડ્યાં. બંને વૃદ્ધાઓ, મજૂરણ અને મા શારદા ઘણી વાર સુધી રડતાં રહ્યાં. એના પરથી સહેલાઈથી જ અનુમાન કરી શકાય છે કે, માની આવી નિષ્કપટ, સ્વાભાવિક સંવેદનશીલતા અને સહાનુભૂતિથી વૃદ્ધા મજૂરણને કેટલી સાંત્વના મળી હશે! લોકોના દુ:ખનો અનુભવ કરી સાચી સહાનુભૂતિ દ્વારા એના દુ:ખના બોજને હલકો કરવાની આવી ક્ષમતા શ્રીરામકૃષ્ણમાં પણ અતિશય હતી.

શ્રીકૃષ્ણના મુખનું ત્રીજું લક્ષણ છે એની નીલગગન જેવી ગંભીર શાંતિ. શાંતિ અને ગંભીરતાનો બાળકની સાથે મેળ નથી ખાતો. એ સ્વભાવથી જ ચંચળ હોય છે. વસ્તુત: બાળક માટે શાંત બેસવાનું અત્યંત અઘરું છે. એ તો પેલાં વાંદરાં જેવાં છે. જે ધ્યાન કરતાં હોય એવાં લાગે ખરાં પણ મનોમન ફળના બાગ પર હુમલો કરવાની પેરવીમાં હોય. દીવાલ ભણી મોં કરી ઓરડાના ખૂણામાં ચૂપચાપ બેઠા રહેવું બાળકને માટે મોટામાં મોટી સજા છે. પરંતુ જ્ઞાની એનાથી અલગ હોય છે. એનામાં સાગર જેવાં પ્રચંડ મોજાં પણ નજરે પડે છે, અને એ સાગરની જેમ ઊંડો પણ હોય છે, એટલું જ નહિ પરંતુ, સમુદ્ર જેટલો વધુ ઊંડો હોય છે, એનાં મોજાં પણ તેટલાં જ ઊંચાં ઊઠતાં હોય છે. જ્ઞાનીમાં પણ જબરજસ્ત કાર્યરતતા, કાર્યશીલતા દેખાય છે. પણ અંદર ગાઢ શાંતિ વિરાજમાન હોય છે. સ્વામી વિવેકાનંદના કથન પ્રમાણે, ગીતાનો મુખ્ય સંદેશ પણ આ જ છે :

कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्न कर्मकृत् ॥ (४-१८)

અર્થાત્‌, કર્મ કરતા હોવા છતાં પણ જેનું મન શાંત છે અને જ્યારે કોઈ બાહ્ય ચેષ્ટા થઈ રહી હોય તો પણ બ્રહ્મચિંતન રૂપી મહાન કર્મની ધારા સતત વધી રહી છે – એ જ માણસો બુદ્ધિમાન છે, એ જ યોગી છે, એ જ કર્મકુશળ છે.

સાગરમાં નિરંતર નદીઓ જળ ઠાલવે છે, છતાં એ પોતાની સીમાઓને ન ઓળંગતાં ‘અચલપ્રતિષ્ઠ’ બની રહે છે, પરંતુ શ્રીકૃષ્ણની કરુણા સાગર સમાન હોવા છતાં, પોતાના બંધને ઓળંગી અર્જુન તરફ વહી રહી છે. એવું લાગે છે, જાણે એમના હૃદયમાં આનંદ અને પ્રેમનો સાગર છલોછલ ભર્યો છે. રહસ્ય એ છે કે, કામનાઓ અને વિષયસંવેદનાઓના પ્રવાહ એમાં નદીઓની જેમ વહેતા હોવા છતાં એમને મુદ્દલ વિચલિત નથી કરી શક્તા. એમના હૃદયમાંથી પ્રેમ અને કરુણાના ઝરા નીકળીને સમસ્ત સંતપ્ત જગત ઉપર શાંતિ-જલ વરસાવે છે.

આ રીતે, આપણે જોઈએ છીએ કે, જ્ઞાનીના સ્વરૂપને સમજાવવા માટે જેટલાં પણ રૂપક વપરાયાં છે, એ બધાં જ અપૂર્ણ છે. જ્ઞાની બાળક જેવા સરળ છે પણ બાળક જેવા ચંચળ નથી. એ સાગરસમાન શાંત છે, પણ પોતાની સીમાઓથી બદ્ધ નથી. વસ્તુત: રથારૂઢ પાર્થસારથિ શ્રીકૃષ્ણનું ચિત્ર એક સંપૂર્ણ ઉચ્ચતમ આધ્યાત્મિક જીવન આદર્શનું અત્યંત સુંદર પ્રતીક છે. આ અર્જુન રૂપી શોકગ્રસ્ત જીવ માટે જેમ આશાનું સંદેશવાહક છે, એમ બ્રહ્મજ્ઞાનના જિજ્ઞાસુઓ માટે સાધનાનું રહસ્ય ઉદ્‌ઘાટક અને પથપ્રદર્શક પણ છે. એ મુમુક્ષને નિરંતર પ્રેરણા પ્રદાન કરે છે કે, એ પોતાની ઇન્દ્રિયો તેમ જ મનને સંયત અને બુદ્ધિને શુદ્ધ કરી ભગવાનની કૃપાથી મોક્ષરૂપી લક્ષ્યને પ્રાપ્ત કરે અને સંસારનાં અન્ય પ્રાણીઓની મુક્તિમાં સહાયક બને.

ભાષાંતર : ડૉ. સુકન્યા ઝવેરી

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.