(ગતાંકથી આગળ)

નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ

પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય પોતાનાં કર્મો પ્રમાણે પોતાનાથી હલકી યોનિમાં પણ જઈ શકે છે. હવે, માની લો કે કોઈ મનુષ્ય પોતાનાં પ્રારબ્ધ પ્રમાણે કૂતરાની યોનિ પ્રાપ્ત કરે છે. તો, કૂતરાની યોનિમાંથી જ્યારે એ છૂટશે ત્યારે સીધો મનુષ્યની યોનિમાં જ આવી જશે કે પછી કૂતરા અને મનુષ્ય વચ્ચે જેટલી યોનિઓ છે તે બધીમાંથી એણે ફરી વખત પસાર થવું પડશે?” આ પ્રશ્નનો ઉત્તર એ મનુષ્ય કૂતરાની યોનિ પછી તરત જ પાછો સીધો મનુષ્યની યોનિમાં આવી જશે અને પોતાની ભૂતકાલીન મનુષ્ય યોનિમાં જ્યાં સુધી એ પહોંચ્યો હતો, ત્યાંથી જ સૂત્ર ૫કડીને આગળ વધતો રહેશે. રાજા ભરતની કથાથી આ વાતને પુષ્ટિ મળે છે. તેમણે પોતે બચાવી લીધેલા હરણના બચ્ચામાં એ એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે મરણ વખતે ઈશ્વરનું ચિંતન કરવાનું ભૂલી ગયા અને પેલા હરણના બચ્ચાનું જ ચિંતન કરવા લાગ્યા. એનું પરિણામ એ આવ્યું કે, એમને હરણની યોનિમાં જન્મ લેવો પડ્યો. આ હરણની યોનિમાં પોતાનાં કર્મનું ફળ ભોગવીને તેઓ પાછા મનુષ્ય યોનિમાં ચાલ્યા ગયા અને જડભરતના નામથી પ્રસિદ્ધ થયા. મનુષ્ય આવી જ રીતે પોતાનાં તીવ્ર કર્મનાં ફળો ભોગવવા માટે નીચી કે ઊંચી યોનિઓમાં જાયા કરે છે. કેટલાંક કૂતરાં એવાં હોય છે કે જેઓ બિસ્કિટ-ડબલ રોટી ખાય છે, મેમ સાહેબની સાથે સુંવાળી શય્યામાં સૂએ છે, મોટરકારમાં ફરવા જાય છે, જેમને માટે મોટા મોટા ડોક્ટરોના ઈલાજો ચાલ્યા કરે છે. મેં એક આલ્સેશિયન કૂતરી જોઈ. એ ઘરમાં ભજન-આરતીને વખતે પાસે આવીને ચૂપચાપ બેસી જતી; પણ એ સિવાયને વખતે તો કોઈ અજાણ્યાની મજાલ ન હતી કે એ ઘરમાં પગ મૂકી શકે. પણ પ્રાર્થના-ભજન વગેરેને સમયે તો ગમે તે અજાણ્યો માણસ એ ઘરમાં આવે તોય એ કૂતરી ચૂપચાપ જ બેસી રહેતી હતી! એટલે એ કૂતરી પોતાની જાતિવાળાં કૂતરાંથી જુદી તો તરી આવીને? તો આ જુદાપણું આવ્યું ક્યાંથી? પોતાના પૂવર્જન્મમાં એ મનુષ્ય હોવી જોઈએ. આ પ્રમાણે અનુમાન પ્રમાણથી એ સિદ્ધ થાય છે કે જીવનો પુનર્જન્મ નીચી યોનિઓમાં પણ થયા કરે છે. જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ Atavism પૂર્વજોદ્‌ભવના સિદ્ધાંતને માન્યતા મળી છે. એમાં પણ એવી સંભાવનાનો અસ્વીકાર કરવામાં આવ્યો નથી કે જીવમાં પાછળ હટવાની – પાછળ જવાની પ્રવૃત્તિ વિદ્યમાન છે.

પ્રારબ્ધનો સિદ્ધાંત ભાગ્યવાદી નહિ, પુરુષાર્થવાદી

હજુ પણ એક વધારે પ્રશ્ન ઉપર ચર્ચા કરી લઈએ. આપણે પહેલાં પ્રારબ્ધની વાત કરી અને એવું કહ્યું હતું કે પ્રારબ્ધનો ભોગવટો અવશ્યપણે કરવો જ પડે છે. આપણું વર્તમાન જીવન સામાન્ય રીતે પ્રારબ્ધ દ્વારા જ નિયંત્રિત થયું હોય છે. તો પછી આપણે શું કેવળ પ્રારબ્ધ દ્વારા જ બંધાયેલા છીએ? જો એમ જ હોય તો તો પછી આ જન્મમાં આપણે કર્મ કરવા માટે વળી સ્વતંત્ર તો કેવી રીતે હોઈ શકીએ ભલા? જો આપણે વર્તમાન જીવનમાં પ્રારબ્ધ દ્વારા નિયંત્રિત થઈને જ, પ્રારબ્ધના ગુલામ બનીને જ કર્મ કરીએ, તો તો હવે પછીનું પ્રારબ્ધ પણ આ જન્મના પ્રારબ્ધનું જ ફળ બની રહેશે અને મનુષ્ય ફક્ત પ્રારબ્ધના હાથની કઠપૂતળી બનીને મૂક પ્રેક્ષક બની રહેશે. આના ઉત્તરમાં એવું કહેવામાં આવ્યું છે કે, મનુષ્ય પ્રારબ્ધ દ્વારા પૂરેપૂરો બંધાયેલો નથી. એ પુરુષાર્થ કરવા માટે સ્વતંત્ર છે. ભલે પ્રારબ્ધને બીજા શબ્દોમાં ‘ભાગ્ય’ એવું નામ આપવામાં આવ્યું હોય, અને આપણે જેમ હમણાં કહી ગયા તેમ ‘ભાગ્ય’ કહેવાથી તો પરવશતા જ સૂચિત થાય છે. એવું લાગે છે કે, જાણે ‘ભાગ્ય’ આપણા ઉપર ઠેકી બેસાડેલું છે. પરંતુ, ખરી વસ્તુસ્થિતિ એવી નથી. સાચી વાત તો એ છે કે, આપણે જ આપણા ભાગ્યનું નિર્માણ કરીએ છીએ. આ પ્રારબ્ધ આપણું પોતાનું જ બનાવેલું હોય છે. પ્રારબ્ધની સાચી સમજણ આપણને ક્યારેય ભાગ્યવાદી કે નિયતિવાદી નહિ જ બનાવી દે. ઊલટું, એ તો આપણને પુરુષાર્થવાદી બનવાનું બળ આપશે. જે રીતે આ જન્મનું પ્રારબ્ધ પૂવર્જન્મમાં મારું પોતાનું જ બનાવેલું હોય છે, તે જ રીતે આવતા જન્મનું પ્રારબ્ધ પણ હું જ આ જન્મમાં બનાવીશ. આ જ અર્થમાં મનુષ્યને પોતાનો ભાગ્યવિધાતા કહેવામાં આવે છે. પ્રારબ્ધ આપણને એક સીમા આપે છે, અને એ સીમાની અંદર રહીને કોઈ પણ કાર્ય કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. આ જ પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંબંધ છે. જેવી રીતે માનો કે આપણે ગંજીપત્તાની રમત રમીએ છીએ. બાજીમાં જે પત્તાં આપણા હાથમાં આવે છે, તે તો પ્રારબ્ધનાં દ્યોતક છે, પણ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને એ પત્તાંથી જે રમત રમીએ છીએ, એ પુરુષાર્થનું દ્યોતક છે.

ઈશ્વર, પ્રારબ્ધ અને પુરુષાર્થ :

શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા કે, ઈશ્વરકૃપા તો પ્રારબ્ધને પણ કાપી નાખી શકે છે. પ્રારબ્ધમાં જો પગ કપાવવાનું આવ્યું હોય, તો ઈશ્વરકૃપાથી એટલું તો સંભવિત બને છે કે પગ તો ન કપાય, પણ પગમાં કાંટો લાગીને જ એ પતી જાય. શૂળીનું પ્રારબ્ધ કાંટાથી પતી જાય. આનું તાત્પર્ય એ છે કે, ઈશ્વરની કૃપા પ્રારબ્ધના સંસ્કારોને ક્ષીણ કરી દઈ શકે છે. ઈશ્વર, પ્રારબ્ધ (અથવા ભાગ્ય) અને પુરુષાર્થનો સંબંધ બતાવતાં તેઓ એક સુંદર દૃષ્ટાંત દેતા હતા. તેમના (શ્રીરામકૃષ્ણના) સિવાય, કોઈ પણ દર્શન, ઈશ્વર (GOD), પ્રારબ્ધ કે ભાગ્ય (destiny) અને પુરુષાર્થ કે ઇચ્છા સ્વાતંત્ર્ય (Free will)નો આવો સમન્વય સિદ્ધ કરી શક્યું નથી. પણ શ્રીરામકૃષ્ણે આપેલું આ દૃષ્ટાંત કમાલની ખૂબીથી આ ત્રણેયને એક સૂત્રમાં પરોવી દે છે! જેમ કે કોઈ ગોવાળ પોતાની ગાયને દોરડાથી બાંધીને ચારવા લઈ ગયો. દોરડું લાંબું છે, એટલે ગોવાળ એને વાળીને એક વૃક્ષ સાથે બાંધી દે છે અને પછી પોતે એક બીજા વૃક્ષના છાંયડામાં જઈને આરામથી આડો પડે છે, સૂઈ જાય છે. હવે એ ગાય ઘાસ ચરવામાં એક રીતે સ્વતંત્ર પણ છે અને બીજી રીતે પરતંત્ર પણ છે. માની લો કે દોરડાની લંબાઈ જો ૨૫ ફૂટ હોય, તો એ ગાય ૨૫ ફૂટના ઘેરાવામાં ઘાસ ચરવા માટે સ્વતંત્ર છે – ભલે પછી એ વૃક્ષથી એક ફૂટ દૂર રહીને ઘાસ ચરે કે પછી ૨૫ ફૂટ દૂર રહીને ચરે. પણ એ ૨૫ ફૂટથી વધારે દૂરનું ઘાસ તો ચરી શક્તી નથી, એ એની પરતંત્રતા છે. આમ છતાં જો એ ગાય પોતાને મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરે અને પોતાનો પુરુષાર્થ પ્રકટ કરીને ૨૫ ફૂટના ઘેરાવામાં રહેલું ઘાસ ચરી લે અને પછી ભાંભરવા લાગે તો ગોવાળ આ જોઈને દોરડાની લંબાઈ વધારીને એ ગાયની સ્વતંત્રતાનો વ્યાપ મોટો કરી દે છે. પણ જો ગાય ઉદ્યમપૂર્વક ઘાસ ચરે તો ગોવાળ એનું ભાંભરવું સાંભળીને પણ ઊઠીને આવશે નહિ અને ગાયની સ્વતંત્રતાનો ઘેરાવ પહેલાંના ઘેરાવા જેટલો જ બની રહેશે.

આ દૃષ્ટાંતનું રૂપ એ છે કે, ગોવાળ ઈશ્વર છે, ગાય જીવ છે અને દોરડાની લંબાઈ પ્રારબ્ધ છે. જીવને પણ જે પ્રારબ્ધ મળ્યું છે, તેમાં રહીને એ કર્મ કરવામાં સ્વતંત્ર છે. પણ જો એ પોતાનો પુરુષાર્થ પ્રકટ કરે, પોતાને મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરે અને ઈશ્વરને પોકારે, તો ઈશ્વર કૃપા કરીને એની સ્વતંત્રતાનો વ્યાપ વધારી દે છે અને એક વખત એવો આવે છે કે, જ્યારે ઈશ્વર એનું દોરડું છોડી નાખીને એને બંધનમુક્ત બનાવી દે છે, પણ જે જીવ પોતાને મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ નથી કરતો, એ ભલે ગમે તેટલો ઈશ્વરને પોકારે, પણ ઈશ્વર એનું કશું સાંભળતો નથી. ઈશ્વરકૃપા, પ્રારબ્ધ અને પુરુષાર્થના પરસ્પર સંબંધની આ અનુપમ સમજૂતી છે.

ભગવદ્‌ગીતાના બીજા અધ્યાયના બાવીસમા શ્લોકમાં સમાયેલા પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતની વિવિધ દૃષ્ટિએ આ પ્રકારની વિવેચના કે વ્યાખ્યા કરી શકાય છે. આ સિદ્ધાંત જીવનપ્રવાહને સાર્થકતા અર્પે છે અને મૃત્યુની જટિલ પ્રક્રિયાને સમજવાની ચેષ્ટા કરે છે. આ સિદ્ધાંત એ પણ બતાવે છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગનો વિધાતા છે. આપણે પહેલાં કહી ચૂક્યા છીએ તેવી રીતે આ સિદ્ધાંતની સાચી સમજણ, મનુષ્યને ભાગ્યવાદી નહિ, પણ પુરુષાર્થી બનાવે છે.

ગીતાના શ્લોકમાં શરીર માટે બહુવચનનો પ્રયોગ શા માટે?

હવે એક છેલ્લો પ્રશ્ન, ગીતાના શ્લોકમાં આવેલ શબ્દો વિશે ઊભો થાય છે, એની પણ ચર્ચા કરી લઈએ. જુઓ, એ શ્લોકમાં શરીરને માટે બહુવચનનો પ્રયોગ કરતાં એમ બહુવચનમાં શા માટે કહ્યું હશે કે, ‘तथा शरीराणि विहाय जीर्णानि, अन्यानि संयाति नवानी देही’- અર્થાત, દેહધારી તો પોતાનું એક જ પુરાણું શરીર છોડે છે અને એક જ નવું શરીર ધારણ કરે છે એ કહેવા માટે તો આમ કહેવું જોઈતું હતું કે, ‘तथा शरीर विहाय जीर्णम्, नवमेव अन्यं संयाति देही’- ‘દેહધારી પુરાણું એક શરીરને છોડીને એક નવું શરીર ધારણ કરે છે.’ તો પછી આ બહુવચનનો પ્રયોગ શા માટે કર્યો હશે? આના ઉત્તરમાં એમ કહેવામાં આવે છે કે, અહીં કેટકેટલાય જન્મોની વાતને નજર સમક્ષ રાખીને શરીરને માટે બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એમાં બીજી કોઈ ખાસ વાત નથી. દેહી અસંખ્ય જન્મ લેતો રહે છે અને એટલા માટે અસંખ્ય પુરાણાં શરીરોને છોડતો પણ રહે જ છે અને અસંખ્ય નવાં શરીરને ધારણ પણ કરતો જ રહે છે.

(સંપૂર્ણ)

ભાષાંતરકાર : કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.