(બલરામ બોઝના જીવન પ્રસંગો)

(ગતાંકથી આગળ)

બલરામ રથયાત્રા પ્રસંગે દરેક વર્ષે જગન્નાથપુરીમાં જ રહેતા. ભગવાનના રથને ખેંચવામાં પોતાનું યોગદાન આપતા. પણ હવે તેમણે વિચાર્યું કે, પુરીધામ જવાની જરૂર નથી. જ્યાં શ્રીરામકૃષ્ણ ત્યાં જ તીર્થક્ષેત્ર. એટલે એમણે શ્રીરામકૃષ્ણને રથયાત્રાના દિવસે પોતાના ઘરે આવવા વિનંતી કરી અને શ્રીરામકૃષ્ણની હાજરીમાં રથયાત્રાનો મહોત્સવ યોજાયો. ભગવાન જગન્નાથનો એક નાનકડો રથ ભક્તોએ ખેંચ્યો. પછી ભજન-કીર્તનો થયાં. ભગવાનને ભોગ ધરાવીને શ્રીરામકૃષ્ણે પ્રસાદ લીધો. ત્યાર બાદ સહુ ભક્તોએ પ્રસાદ લીધો. બલરામના ઘરે જાણે નાનકડું પુરીધામ ખડું થઈ ગયું. પછી તો દરેક વર્ષે બલરામને ત્યાં જ શ્રીરામકૃષ્ણની હાજરીમાં રથયાત્રાનો મહોત્સવ યોજાવા લાગ્યો. એ દિવસે ત્યાં ભક્તોનો આનંદમેળો ભરાતો. શ્રીરામકૃષ્ણ જ્યારે જ્યારે કલકત્તા જતા ત્યારે ત્યારે બલરામને ત્યાં અચૂક જતા. ઘણી વાર એમને ભક્તોને મળવાની ઇચ્છા થતી ત્યારે પણ તેઓ બલરામના ઘરે કલકત્તા જતા અને ત્યાં ભક્તોને બોલાવતા. ભવનાથ, બાબુરામ, રાખાલ, નરેન્દ્ર, બધાને તેઓ બલરામને ત્યાં બોલાવતા. ત્યાં વાર્તાલાપ કરતા. ભજન-કીર્તનો થતાં. આમ, બલરામનું ઘર એ શ્રીરામકૃષ્ણની કલકત્તાની લીલાભૂમિ હતું. શ્રીરામકૃષ્ણને બલરામને ત્યાં જવામાં કે તેમના ઘરે ભોજન લેવામાં કશો બાધ ન હતો. તેમણે ભક્તોને કહ્યું હતું, “બલરામનું અન્ન શુદ્ધ છે. એમના વંશમાં ઠાકુરસેવા, સાધુસેવા અને અતિથિસેવા થતી આવી છે. એમના પિતા સઘળું છોડીને વૃંદાવનમાં જઈને હરિનામ જપે છે. તેમનું અન્ન આપણે ઉત્તમ માનીને ખાઈ શકીએ છીએ. મોઢામાં મૂકતાં જ જાણે આપોઆપ નીચે ઊતરી જાય છે.”

શ્રીરામકૃષ્ણ બલરામબાબુની નિષ્ઠા અને ભક્તિને આટલું ઉચ્ચ સ્થાન આપતા હોવાથી શ્રીરામકૃષ્ણના શિષ્યો-ભક્તો પણ તેમનો અત્યંત સ્નેહાદર કરતા. કલકત્તામાં શ્રીરામકૃષ્ણ એમના ઘરે આવ્યા હોય ત્યારે તો સર્વ ભક્તજનો માટે બલરામનું ઘર દક્ષિણેશ્વર જ બની જતું. પણ એ સિવાયના દિવસોમાં પણ ભક્તો, શિષ્યો અને સાધુજનો માટે બલરામના ઘરના દરવાજા હંમેશાં ખુલ્લા રહેતા. કલકત્તામાં જ નહીં પણ વૃંદાવન અને જગન્નાથપુરીમાં આવેલાં બલરામનાં નિવાસસ્થાનોમાં પણ શ્રીરામકૃષ્ણના ભક્તો, શિષ્યો, સંન્યાસીપુત્રો વિના સંકોચે રહી શકતા. બલરામની આવક એટલી વિપુલ ન હતી છતાં શ્રીરામકૃષ્ણ અને તેમના શિષ્યો માટે ખર્ચ કરવામાં તેઓ કદી સંકોચ કરતા નહીં. પોતે અત્યંત સાદાઈથી રહેતા હતા. નાની પાટ પર સાદી પથારીમાં સૂતેલા જોઈને એક દિવસ લાટુએ એમને પૂછ્યું, “આપ ગાદલાવાળી પથારીમાં કેમ સૂતા નથી?” ત્યારે એમણે કહ્યું, “માટીનું શરીર માટીમાં મળી જશે. પણ ગાદલાના પૈસા સાધુજનોની સેવામાં વપરાશે તો એ પૈસાનો સદુપયોગ થયો ગણાશે.” આમ, તેમણે કદી પોતાની સુખસગવડ માટે પૈસા વાપર્યા જ ન હતા. શ્રીરામકૃષ્ણની સેવા એ જ એમનું જીવનધ્યેય બની ગયું હતું. ફક્ત બલરામબાબુ જ નહીં પણ એમનાં પત્ની કૃષ્ણભાવિની દેવી પણ શ્રીરામકૃષ્ણનાં અનન્ય ભક્ત હતાં. તેમના પર પણ શ્રીરામકૃષ્ણની અહૈતુકી કૃપા ઊતરેલી હતી. બલરામના ઘરના બધા જ સભ્યો, નોકરચાકર સુધ્ધાં શ્રીરામકૃષ્ણના ભક્ત હતા. આથી શ્રીરામકૃષ્ણને બલરામના ઘરમાં સઘળે આત્મીયતા જણાતી. કૃષ્ણભાવિનીના ભાઈ બાબુરામ શ્રીરામકૃષ્ણના અંતરંગ પાર્ષદોમાંના એક હતા, જેઓ શ્રીરામકૃષ્ણના લીલા સંવરણ પછી પ્રેમાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ બન્યા. પોતાના પિતાને શ્રીરામકૃષ્ણનો કૃપાસ્પર્શ મળે અને એમના જીવનનો પણ ઉદ્ધાર થઈ જાય એ હેતુથી બલરામે વૃંદાવનમાં ભક્તિ કરી રહેલા પિતા રાધામોહનબાપુને પણ કલકત્તા બોલાવી લીધા. તેમણે પિતાને કહ્યું કે, “અહીં જ છે વૃંદાવન અને અહીં જ છે પુરીધામ. શ્રીરામકૃષ્ણના શરણમાં સાક્ષાત્ સ્વર્ગ પણ અહીં જ છે. ક્યાંય જવાની જરૂર નથી.” શ્રીરામકૃષ્ણની દિવ્ય કૃપાથી રાધામોહનના સંશય પણ ટળી ગયા અને એમનું જીવન સાર્થક બન્યું.

બલરામના સમગ્ર પરિવાર ઉપર શ્રીરામકૃષ્ણની કૃપાધારા સતત વરસતી હતી. છતાં બલરામની વિનમ્રતા, નિરાડંબરતા અને સાદગીમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. ઊલટાના તેઓ આ કૃપાધારાને ઝીલીને પચાવીને વધુ નમ્ર બન્યા. તે દિવસે શ્રીરામકૃષ્ણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના ઘરે ગયા હતા. રાત્રે ત્યાંથી પાછા ફરતા હતા. શ્રાવણ વદ છઠ્ઠ હતી. હજુ ચંદ્રમાં ઊગ્યો ન હતો. અંધારું થઈ ગયું હતું. બત્તીના ઝાંખા અજવાળામાં બધા ચાલી રહ્યા હતા. દરવાજા પાસે પહોંચ્યા ત્યાં તો તેત્રીસેક વર્ષની ઉમરના, બંગાળી પોષાક પહેરેલા, દાઢીવાળા, ગૌર વર્ણના એક બંગાળી પુરુષે શ્રીરામકૃષ્ણને ભૂમિષ્ઠ થઈને પ્રણામ કર્યા અને પછી ઊભા થઈને તેમની સન્મુખ હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “અરે, બલરામ તમે? આટલી અંધારી રાતે અહીં?”

“હું તો ક્યારનો અહીં ઊભો છું.”

“અંદર કેમ ન આવ્યા?”

“આપ અંદર પંડિત મહાશય સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. અંદર આવું તો ખલેલ પડે અને આપનાં દર્શન કરવાં જ હતાં આથી આપના નીકળવાની અહીં પ્રતીક્ષા કરી રહ્યો હતો.” બલરામની વિનમ્રતાને સહુ વંદી રહ્યા. સ્વયં શ્રીરામકૃષ્ણ પણ બલરામની આવી નમ્રતા અને અહંકારશૂન્યતા જોઈને પ્રસન્ન થઈ ગયા અને બલરામના હૃદયને પ્રેમથી ભરી દીધું. શ્રીરામકૃષ્ણના આટલા પ્રેમભાજન હોવા છતાંય બલરામ શ્રીરામકૃષ્ણના પોતાની સાથેના નિકટ વ્યવહારની વાત કોઈની સમક્ષ કદી કરતા નહીં. પ્રારંભમાં જ્યારે તેઓ દક્ષિણેશ્વર આવતા ત્યારે શ્રીરામકૃષ્ણના ભક્ત-શિષ્યો પણ એમને પિછાણી શક્યા ન હતા. બલરામને કદી આગળ આવવાનું પસંદ ન હતું. મોટે ભાગે તેઓ પોતાની જાતને નેપથ્યમાં જ રાખતા. કથામૃતમાં માસ્ટર મોશાય લખે છે, “હવે ભક્તજનો ઓસરીમાં જ બેસીને પ્રસાદ ખાવા લાગ્યા. બલરામ નોકરની જેમ ઊભા રહ્યા. તેમને જોતાં ખ્યાલ જ ન આવે કે તેઓ ઘરના માલિક છે!” શ્રીરામકૃષ્ણ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાભક્તિ અને શરણાગતિને પરિણામે ગૃહસ્થધર્મનું પાલન કરતાં કરતાં પણ બલરામ જીવનમુક્ત બની ગયા હતા અને શ્રીરામકૃષ્ણના હૃદયમાં એમને માટે આગવું સ્થાન હતું.

ધર્મપરાયણ બલરામ એવું ચુસ્તપણે માનતા કે, જીવજંતુને મારવાથી અધર્મ થાય છે. આથી તેઓ માખી, મચ્છર જેવાં ઉપદ્રવી જંતુઓને પણ મારી શકતા નહીં. એમનો ત્રાસ સહી લેતા પણ કદી મારતા નહીં. ધ્યાનમાં અને પૂજાપાઠમાં મચ્છરોના કરડવાથી વિક્ષેપ પડ્યા જ કરતો. ચિત્ત એકાગ્ર થઈ શકતું નહીં. છતાં એને મારવાથી પાપ લાગશે એવો ભય એમને સતાવતો. પણ પછી ધીમે ધીમે એમને એ સમજાવા લાગ્યું કે, ધર્મ એક જ છે અને તે છે, હજારો વિષયોમાં રોકાયેલા ચિત્તને ભગવાનમાં પરોવવું. જો મચ્છર, માખી જેવાં જીવજંતુઓમાં ચિત્ત રોકાયેલું રહે અને ભગવાનમાં એકાગ્ર ન થઈ શકતું હોય તો એ ધર્મનું આચરણ ન કહેવાય. થોડાં જીવડાંને મારીને પણ જો ચિત્ત ભગવાનમાં એકાગ્ર કરી શકાય તો એ ધર્મ છે. આમ, એમની ધર્મ અને અહિંસા વિષેની પરિભાષા બદલાઈ ગઈ અને એમની જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગઈ. તો પણ એમના મનમાં વર્ષોથી અહિંસાના જે રૂઢ ખ્યાલો પડેલા હતા તે સંપૂર્ણપણે નિર્મૂળ નહોતા થયા. આથી ક્યારેક એમના મનમાં શંકા સળવળી ઊઠતી કે, મચ્છરોને મારવામાં તેઓ ખોટું તો નહોતા કરી રહ્યાને? આ શંકાનું સમાધાન કરવા માટે તેમણે આ બાબતમાં શ્રીરામકૃષ્ણને પૂછવાનું નક્કી કર્યું અને તેઓ દક્ષિણેશ્વર પહોંચ્યા. પણ ત્યાં તેમણે જે દૃશ્ય જોયું, એ જોઈને તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયા અને તેમને કંઈ પૂછવાપણું કે બોલવાપણું જ ન રહ્યું! તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ઓશીકામાંથી માંકડ વીણીને મારી રહ્યા હતા! બલરામે શ્રીરામકૃષ્ણને પ્રણામ કર્યા, ત્યારે શ્રીરામકૃષ્ણે એમને કહ્યું, “ઓશીકામાં માંકડ છે. તે રાતદિવસ ચટકા ભર્યા કરે છે, એટલે પછી ઊંઘમાં ખલેલ ન પડે આથી તેને મારી નાખું છું.” આમ, શ્રીરામકૃષ્ણે પ્રત્યક્ષ વ્યવહારથી બલરામની શંકાને નિર્મૂળ કરી દીધી કે ચિત્તને વિક્ષેપ કરનારાં આસુરી જીવજંતુઓને મારવામાં કોઈ અધર્મ નથી, બલરામ વિચારમગ્ન બની ગયા કે આ તે ઠાકુરની કેવી લીલા! બેત્રણ વરસથી ઠાકુર પાસે આવું છું. સવારે આવીને રાત સુધી રોકાઉં છું. કેટલીય વાર તો અઠવાડિયામાં ત્રણચાર વાર આવ્યો છું પરંતુ ક્યારેય ઠાકુરને આમ કરતા જોયા નહીં અને આજે જ જાણે મારા પ્રશ્નનો પ્રત્યક્ષ જવાબ આપવા જ એમણે આવું આચરણ કર્યું હશે! હે અંતર્યામી ઠાકુર! તમારી લીલા ન્યારી છે! એનો કોઈ તાગ પામી શકે તેમ નથી. બલરામ ભાવવિભોર થઈ શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં ઝૂકી ગયા ત્યારે શ્રીરામકૃષ્ણ મર્માળું સ્મિત કરી માંકડ મારવાનું પડતું મૂકી એમની સાથે વાતો કરવા લાગ્યા.

બલરામ અને તેના કુટુંબીજનો માટે શ્રીરામકૃષ્ણ સર્વસ્વ હતા. શ્રીરામકૃષ્ણ પ્રત્યેની બલરામની આવી અચલ શ્રદ્ધાભક્તિ તેમનાં અન્ય સગાંસંબંધીઓથી સહન થઈ શકી નહીં. તેઓ બલરામને કોઈ પણ ઉપાયે શ્રીરામકૃષ્ણથી વિમુખ કરવા પ્રયત્ન કરવા લાગ્યાં. તેમણે બલરામ આગળ શ્રીરામકૃષ્ણની નિંદા કરવી શરૂ કરી. પણ શ્રીરામકૃષ્ણ વિષે જરાક પણ અણઘટતું બોલનારને બલરામ કાઢી જ મૂકતા હતા. આથી આ શસ્ત્ર નિષ્ફળ નીવડતાં તેમણે હવે શ્રીરામકૃષ્ણ અને બલરામ બંનેના સંબંધો વિષે નિંદા કરવી શરૂ કરી. પણ બલરામને કોઈની નિંદાનો બિલકુલ ડર ન હતો. આથી આ શસ્ત્રનું પણ ધાર્યું પરિણામ ન આવ્યું એટલે પછી તેમણે બલરામના ભાઈ હરિવલ્લભ અને પિતરાઈ ભાઈ નિમાઈચરણના કાન ભંભેરવા શરૂ કર્યા છે, જેથી નિમાઈચરણ બલરામને પોતાની જમીનદારીનું કામ સંભાળવા કોઠારમાં બોલાવી લે. તેમ જ હરિવલ્લભ પોતાનું મકાન ખાલી કરાવી લે. આથી બલરામને કલકત્તા છોડવું પડે અને તેના પરિણામે શ્રીરામકૃષ્ણ સાથેનો સંપર્ક જ તૂટી જાય. બલરામ વિષેની જાતજાતની વાતો સાંભળીને ભાઈને એ પાગલ સાધુના સકંજામાંથી છોડાવવા હરિવલ્લભ જાતે જ કલકત્તા આવી પહોંચ્યા. પણ પરિણામ તો એમના ધાર્યા કરતાં જુદું જ આવ્યું!

ભાઈને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું બલરામે ખાસ ધ્યાન રાખ્યું. પણ દક્ષિણેશ્વર જવાના પોતાના કાર્યક્રમમાં તેમણે કોઈ જ ફેરફાર પણ ન કર્યો. તે સમયે તેઓ જ્યારે દક્ષિણેશ્વર ગયા ત્યારે તેમનો ચહેરો જોઈને જ શ્રીરામકૃષ્ણે પૂછ્યું, “કેમ રે! શી વાત છે? ચિંતા કઈ છે?” પછી જ્યારે તેમણે હરિવલ્લભના આગમનની અને તેની પાછળના કારણની વાત સાંભળી ત્યારે કહ્યું, “એમાં શું? એક દિવસ એમને અહીં લાવજો ને!” પણ બલરામબાબુ તો ભાઈને દક્ષિણેશ્વર આવવાનું કહી ન શક્યા. તેથી શ્રીરામકૃષ્ણે પછી બીજી વ્યવસ્થા કરી. તેમણે ગિરીશબાબુને એ કામ સોંપ્યું. કેમ કે ગિરીશ એમના બાળપણના મિત્ર હતા. એ રીતે ગિરીશની સાથે હરિવલ્લભ પણ દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. શ્રીરામકૃષ્ણે એમનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. શ્રીરામકૃષ્ણનો સરળ અને પ્રેમભર્યો વ્યવહાર જોઈને એમને થયું કે, આમના વિષે જે સાંભળ્યું હતું તે તો સરાસર જુઠાણું હતું! કેટલો સરળ અને નિખાલસ વ્યવહાર છે એમનો! આવા સાધુ કંઈ કોઈને ભોળવી શકે? શ્રીરામકૃષ્ણની વાણી સાંભળીને એમનું અંતર પ્રસન્ન થઈ ગયું. એમના મધુર સંકીર્તનથી હૃદયમાં રહેલી શંકાનાં પડળો ધોવાઈ ગયાં. જ્યારે તેમણે સમાધિમગ્ન શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યા ત્યારે એ ઉચ્ચ ભાવસ્થિતિએ એમને ખાતરી કરાવી દીધી કે, આ કોઈ સામાન્ય પાગલ સાધુ નથી. હરિવલ્લભ પોતે પણ ભાવપ્રવાહમાં તદ્રૂપ બની ગયા. એમની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. તેઓ આવ્યા હતા તો શ્રીરામકૃષ્ણને જોવા, ચકાસવા અને બલરામને એમના સકંજામાંથી છોડાવવા, પણ હવે એમને પોતાને જ શ્રીરામકૃષ્ણ પાસેથી જવાની ઇચ્છા જ થતી ન હતી. તેઓ શ્રીરામકૃષ્ણના સ્નેહપાશમાં ઝકડાઈ ગયા હતા. તે દિવસે ગિરીશબાબુની સાથે તેઓ સાંજ સુધી શ્રીરામકૃષ્ણ પાસે રોકાયા. જે હરિવલ્લભ પોતે બલરામને શ્રીરામકૃષ્ણની ચરણરજ લેવા માટે ઠપકો આપતા હતા કે વંશ, ઉચ્ચ કુળ અને પોતાના મોભાનો ખ્યાલ રાખીને બલરામે કોઈની ય ચરણરજ લેવી ન જોઈએ તેઓ ખુદ શ્રીરામકૃષ્ણે મનાઈ કરવા છતાં એમની ચરણ રજ લઈ બેઠા! આમ, બલરામના માર્ગનો અવરોધ તો દૂર થઈ ગયો પણ સાથે સાથે હરિવલ્લભને શ્રીરામકૃષ્ણની દિવ્ય કૃપાનો પ્રસાદ મળતાં એમનું જીવન પણ ધન્ય બની ગયું.

શ્રીરામકૃષ્ણને જ્યારે સારવાર માટે કલકત્તા લાવવામાં આવ્યા, ત્યારે પ્રારંભમાં બાગબજારમાં દુર્ગાચરણ મુખરજી સ્ટ્રીટમાં ભાડાના એક નાનકડા મકાનમાં તેમને રાખવામાં આવ્યા. પણ મકાનમાં પ્રવેશ કરતાં જ તેમને ગુંગળામણ થવા માંડી એટલે તેઓ ત્યાંથી ચાલીને બલરામના ઘરે જતા રહ્યા. જ્યાં સુધી શ્યામપુકુરમાં નવું બીજું મકાન ભાડે ન મળ્યું ત્યાં સુધી તેઓ બલરામના ઘરે જ રહ્યા હતા. લગભગ એક અઠવાડિયું તેઓ ત્યાં રહ્યા હતા. શ્રીરામકૃષ્ણના આગમનથી બલરામનું ઘર મંદિર બની ગયું. અસંખ્ય ભક્તો, શિષ્યો રાતદિવસ શ્રીરામકૃષ્ણનાં દર્શને ઉમટી આવતા. શ્રીરામકૃષ્ણ પોતાના ગળાના દર્દની બિલકુલ પરવા કર્યા વગર ભક્તો, શિષ્યો, દર્શનાર્થીઓ સમક્ષ જ્ઞાનવાર્તા કર્યા કરતા. પરંતુ આથી તેમને બિલકુલ આરામ મળતો નહીં. એટલે પછી તેમને શ્યામપુકુરના મકાનમાં લઈ જવામાં આવ્યા. તે વખતે તો શ્રીરામકૃષ્ણની સેવામાં રહેલા શિષ્યો પાસે કોઈ જ આવક ન હતી. એટલે શ્રીરામકૃષ્ણે ઘરના ભાડાની જવાબદારી સુરેન્દ્રનાથ મિત્રને સોંપી અને બધાના ભરણપોષણની જવાબદારી બલરામને સોંપી. શ્રીરામકૃષ્ણના લીલા સંવરણ પછી પણ બલરામબાબુ આ સઘળા યુવાન ત્યાગી સંન્યાસીઓના કષ્ટના, અભાવના અને આર્થિક તંગીના કપરા દિવસોમાં તારણહાર બની રહ્યા હતા. તેમની પોતાની મર્યાદિત આવક હોવા છતાં તેઓ શ્રીઠાકુરની પૂજા ને ભોગ માટે દરરોજ એક રૂપિયો તો મોકલાવતા જ. પણ તે ઉપરાંત આ ત્યાગી યુવાનોને માટે અનાજ અને શાકપાન પણ મોકલાવતા. એક દિવસ તેઓ આ યુવાન સાધુઓને મળીને આવ્યા ત્યારે એમણે પોતાનાં પત્નીને કહ્યું, “હવેથી હું માત્ર શાકભાત જ ખાઈશ.”

“કેમ? તબિયત સારી નથી?” ચિંતિત સ્વરે પત્નીએ પૂછ્યું.

“ના, તબિયત તો સારી છે. પણ ઠાકુરના બધા પુત્રો માત્ર શાકભાત જ ખાય છે અને ક્યારેક તો એ પણ એમને મળતું નથી.” આમ, પોતાના ઘરે હોવા છતાં જ્યાં સુધી આ સાધુઓના ભોજનની વ્યવસ્થા ન થઈ ત્યાં સુધી પોતે પણ શાકભાત જ ખાતા રહ્યા. એમણે બાબુરામ-સ્વામી પ્રેમાનંદ-ને કહ્યું હતું કે, મઠની પરિસ્થિતિ અંગે એમને જાણ કરવી. આથી જ્યારે આ સાધુઓને ક્યાંયથી ભિક્ષા ન મળી હોય અને તીવ્ર કટોકટી હોય ત્યારે તેઓ અનાજ, શાકભાજી અને રૂપિયા લઈને વરાહનગર પહોંચી જતા! એમની આ મદદ અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેની અવિચલ ભક્તિ તેમ જ શ્રીરામકૃષ્ણના ત્યાગી પુત્રો પ્રત્યેની પ્રેમભાવનાને પરિણામે શ્રીરામકૃષ્ણ સંઘમાં તેઓ અત્યંત આદરપાત્ર હતા. જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે સ્વામી વિવેકાનંદ પોતાની કાશીની યાત્રા ટુંકાવીને કલકત્તા આવ્યા હતા અને તેમણે તથા સ્વામી શિવાનંદે એમની સુશ્રુષા કરી હતી. પણ શ્રીરામકૃષ્ણના આ ખજાનચી શ્રીરામકૃષ્ણ અને તેમના ભક્તપુત્રોને ભંડાર પૂરું પાડવાનું કાર્ય પૂરું થતાં ફક્ત સુડતાળીસ વર્ષની વયે જ દેહ છોડીને શ્રીરામકૃષ્ણના શરણમાં પહોંચી ગયા.

સંસારમાં રહીને, ગૃહસ્થ ધર્મ પાળીને, દિવ્ય ગુરુનાં ચરણોમાં પોતાનું સમર્પણ કરીને જીવનમાં ભગવાનને બોલાવી શકાય છે. એટલું જ નહીં પરંતુ ભગવદીય જીવન જીવી શકાય છે અને પોતાની સાથે સંકળાયેલા પરિવારજનોને પણ દિવ્ય ગુરુના સાંનિધ્યમાં મૂકીને એમના જીવનને પણ ભગવાન પ્રત્યે વાળી શકાય છે, એનું મૂર્તિમંત ઉદાહરણ બલરામનું જીવન છે. સંસારમાં રહીને સાદું જીવન કેવી રીતે જીવવું એ માટેનું માર્ગદર્શન આપતું બલરામબાબુનું જીવન સર્વ સંસારીજનો માટે પ્રેરણારૂપ છે.

Total Views: 168

One Comment

  1. Jigar Joshi December 23, 2022 at 1:16 pm - Reply

    Jai Thakur, Jai Maa, Jai Swamiji!

    Wonderful article. Balaram Bose life is full of inspiration for household devotees of Thakur🙏🏻🙏🏻.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.