એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર સ્ફૂર્યો કે આ ચીનના કલાકાર અને તેની પાસે આવતા સૂફી-કલાકાર બન્નેને હરિફાઈમાં ઉતારવાથી તેના ઓરડાની દિવાલોમાં બે સુંદર ચિત્રો પ્રાપ્ત થઈ જશે. બન્ને કલાકારોને સમાન સંખ્યામાં સહાયકો આપવામાં આવ્યા. ઓરડાની વચ્ચે એક પરદો રાખવામાં આવ્યો. સૂફીએ શરત રાખી કે રાજા સિવાય કોઈએ કલાની તુલના ન કરવી અને રાજાએ કાર્ય સમાપ્ત થયા પહેલાં ત્યાં આવવું નહિ. થોડા દિવસો પછી ચીનના કલાકારે સંદેશો કહેવડાવ્યો કે તેનું ચિત્ર તૈયાર છે. રાજાએ તરત જ દિવસ નક્કી કર્યો અને પહેલાં સૂફી કલાકાર પાસે આવ્યો. ત્યાં જઈને રાજા તો સ્તબ્ધ થઈ ગયો. કારણ કે સૂફીએ તો ચિત્ર દોરવાનું પ્રારંભ પણ નહોતું કર્યું, હજુ તો એ સહાયકોની સહાયતાથી દિવાલની સફાઈમાં લાગ્યો હતો. સૂફીએ રાજાને ચિંતા કરવાની ના પાડી અને પરદો ઉઠાવી લેવાનો અનુરોધ કર્યો. પરદો હટાવતાંની સાથે જ ચીની કલાકારે બનાવેલ સુંદર ચિત્રની આબેહુબ પ્રતિચ્છાયા આ સ્વચ્છ દિવાલ પર ઉપસી આવી! રાજાએ સૂફીને આશ્ચર્યથી આવી અનેરી સૂઝનું કારણ પૂછ્યું, ત્યારે સૂફીએ જણાવ્યું કે તેના હૃદયને પરિશુદ્ધ કરીને તેમાં ઈશ્વરની પ્રતિચ્છાયા જોઈ હતી એટલે તેને પ્રતીતિ થઈ હતી કે દિવાલ પરિશુદ્ધ કરવાથી સામેની દિવાલના ચિત્રની પ્રતિચ્છાયા તેમાં જરૂર ઉપસી આવશે.

આ વાર્તા દર્શાવે છે કે આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું ધ્યાન સારું થશે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે ભાવો જ્યાં સુધી આપણા મનમાં છે ત્યાં સુધી ઇચ્છનીય વસ્તુ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું અને અનિચ્છનીય વસ્તુ પરથી ધ્યાન હટાવી લેવું આપણા માટે દુષ્કર જ રહેશે. એટલું જ નહિ, મનની શુદ્ધિ વગરની એકાગ્રતા ખતરનાક પણ નીવડી શકે. જેમ તીક્ષ્ણ ધારવાળું શસ્ત્ર દર્દીના ઓપરેશન માટે પણ સહાયરૂપ નીવડી શકે અને કોઈનું ખૂન કરવામાં પણ સહાયરૂપ નીવડી શકે. રાવણ, કુંભકર્ણ વગેરે અશુદ્ધ મનની એકાગ્રતાનાં પરિણામોના ઉદાહરણરૂપ છે.

એટલા માટે જ પતંજલિ પોતાના યોગસુત્રમાં ધ્યાનને સાતમા સોપાન તરીકે વર્ણવે છે અને યમ, નિયમને પ્રથમ બે સોપાનો તરીકે વર્ણવે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલાંને યમ કહેવામાં આવ્યાં છે અને (બાહ્ય અને આંતર) શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજન આને નિયમ કહેવામાં આવ્યાં છે. આ બધાંની વિસ્તૃત ચર્ચા સ્વામી વિવેકાનંદજીએ ‘રાજયોગ’ નામના ગ્રંથમાં કરી છે.

ધ્યાન માટે મનની શુદ્ધિ અત્યાવશ્યક છે પણ એનો અર્થ એ નથી કે જ્યાં સુધી મન પૂર્ણ શુદ્ધ નથી થતું, મન પર પૂર્ણ નિયંત્રણ નથી આવતું ત્યાં સુધી આપણે ધ્યાનનો અભ્યાસ જ પ્રારંભ ન કરીએ. પ્રભુનું નામ અને પ્રભુનું ધ્યાન મનને શુદ્ધ કરવાનો અને મન પર નિયંત્રણ લાવવાનો સરળતમ ઉપાય છે. જેમ જેમ આપણે ધ્યાનનો અભ્યાસ કરતા જઈશું તેમ તેમ મન શુદ્ધ થતુંજશે અને જેમ જેમ મન શુદ્ધ થતું જશે તેમ તેમ ધ્યાન વધુ સારું થતું જશે. એટલા માટે શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ સલાહ આપતા કે ધ્યાન કરવું અને મનને વશ કરવું આ બન્નેનો અભ્યાસ એકીસાથે થવો જોઈએ.

કેટલીકવાર આપણું મન આપણને છેતરે છે અને કહે છે ‘અત્યારે હું જે માનસિક અવસ્થામાં છું, અત્યારે મનની જે અશુદ્ધ અવસ્થામાં છું એ અવસ્થા ભગવાનનું નામ લેવા માટે કે ભગવાન પર ધ્યાન કરવા માટે યોગ્ય નથી. જ્યારે મન પૂર્ણ શુદ્ધ થશે ત્યારે ધ્યાન કરવાનો પ્રારંભ કરીશ.’ આ બધાં મનનાં બહાનાં છે. આ સંસારમાં એટલી અધ:પતિત અને દુર્મતિ કોઈ વ્યક્તિ નથી કે જે ઈશ્વરના ચિંતનને યોગ્ય ન હોય. ખરેખર તો મનની આ નિમ્ન અવસ્થાને ઊંચી લાવવા માટેનું સર્વશ્રેષ્ઠ સાધન ઈશ્વરચિંતન-ઈશ્વરસ્મરણ છે. આપણે જ્યારે શીતળ હોઈએ ત્યારે અગ્નિની પાસે જવાની ના પાડીને કહીએ કે ‘હું ઉષ્ણ થઈશ ત્યારે જ અગ્નિ પાસે જવા યોગ્ય થઈશ’ એના જેવી બેહુદી આ વાત છે.

મન ધ્યાન ન કરવા માટે અનેક બહાના શોધતું ફરે છે. ક્યારેક કહે છે આ બધી સંસારની જંજાળમાંથી મુક્ત થઈશ, કામકાજ ઓછાં થશે પછી નિરાંતે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીશ. આવી નિરાંત ક્યારેય આવવાની નથી. સાગરના કિનારે કોઈ રાહ જોઈને બેસી રહે કે સાગરનાં મોજાં બંધ થશે પછી નિરાંતે સ્નાન કરીશ તો તો તેનું સ્નાન થઈ રહ્યું! તેવી જ રીતે સંસારનાં કામકાજાની વચ્ચે જ થોડો સમય કાઢીને ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરી દેવો પડશે. જેમ જેમ મોડું કરીશું તેમ તેમ ધ્યાનનો અભ્યાસ વધુને વધુકઠિન થતો જશે.

શ્રીરામકૃષ્ણ કહેતા કે યુવાવસ્થાથી જ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. એક કૉલેજના વિદ્યાર્થીને તેમણે આનું કારણ સમજાવતાં કહ્યું હતું, “જો ઈંટ બનાવવાવાળા ઈંટ જ્યારે કાચી હોય ત્યારે જ પોતાની કંપનીની છાપ અંકાવી દે છે. ઈંટ પાકી જાય પછી આ છાપ અંકાવવી શક્ય નથી. તેવી જ રીતે યુવાવસ્થામાં મનની કાચી અવસ્થામાં જ જો ઈશ્વરની છાપ ચિત્તમાં પડી જાય તો ધ્યાનનો અભ્યાસ સરળ બની જાય છે”, બીજું ઉદાહરણ આપતાં શ્રીરામકૃષ્ણદેવ કહેતા- “માણસનું મન રાઈની પોટલી જેવું છે. જો એક વખત પોટલી છૂટી ગઈ અને રાઈના દાણા વેરાઈ ગયા તો પછી જેમ તેને ફરી ભેગા કરવા મુશ્કેલ થઈ પડે છે તેમ એકવાર સંસારના જુદા જુદા પદાર્થોમાં મન વહેંચાઈ ગયું તો પછી તેને સ્થિર કરવું બહુ મુશ્કેલ પડે છે.”

“હું છોકરાઓ ઉપર આટલો બધો ભાવ શું કરવા રાખું છું તે જાણો છો? તેનું કારણ એ છે કે જ્યાં સુધી તેઓ નાના છે ત્યાં સુધી તેમનું મન સોળે સોળ આના પોતાની પાસે જ છે, પણ પછી તેમાં ભાગ પડતા જાય છે. તેઓ પરણે છે એટલે આઠ આના મન સ્ત્રી ઉપર જાય છે અને છોકરાં થાય એટલે ચાર આના મન તેમના ઉપર જાય છે અને બાકીના ચાર આના મા-બાપ, માન અકરામ અને ટાપટીપમાં ચાલ્યા જાય છે,” માટે બની શકે એટલા જલદી ધ્યાનનો અભ્યાસ દરેકે શરૂ કરી દેવો જોઈએ. નાનપણમાં થયો હોય તો બહુ સારું, મોટી વયની વ્યક્તિએ પણ નિરાશ થવાની જરૂર નથી, ‘જાગ્યા ત્યારથી સવાર’ અને વધુ ખંત, દૃઢ ઈચ્છાશક્તિ અને ઉત્સાહથી ધ્યાનના અભ્યાસમાં લાગી જવું જોઈએ.”

(ક્રમશ:)

Total Views: 320

One Comment

  1. Er. Bhupendra Sonigra July 7, 2023 at 7:38 am - Reply

    Very simple and useful article.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.