(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન રાખી એમને આપ્યું હતું. તેમના ઉત્તરાર્ધ જીવનની પ્રેરક કથા તેમની જન્મતિથિ ૨૮ જુલાઈ નિમિત્તે શ્રી જ્યોતિબહેનની રોચક શૈલીમાં રજૂ કરીએ છીએ.)

“ના આ કળશ હું નહીં આપું.” જ્યારે ઠાકુરના ભસ્માવશેષ રામચંદ્ર દત્તના યોગોદ્યાનમાં લઈ જવાની વાત આવી ત્યારે શશીએ તીવ્ર વિરોધ કરતાં કહ્યું.

“હા, શશીની વાત સાચી છે. આ તો સાક્ષાત્ ઠાકુર છે. એમને અહીંથી ક્યાંય લઈ જવાય નહીં.”નિરંજને શશીની વાતનું જોરદાર સમર્થન કરતાં કહ્યું.

“પણ અહીં આપણું તો રહેવાનું ઠેકાણું નથી. એવું કોઈ નિશ્ચિત સ્થળ નથી. તો પછી કળશની નિત્યપૂજા, ભોગ, આરતી બધું કેવી રીતે કરીશું? ક્યાં કરીશું? નરેન્દ્રે શશીને અનેક રીતે સમજાવ્યા અને આખરે તેઓ માન્યા ખરા. પણ પછી એમણે અને નિરંજને એ કળશમાંથી કોઈનેય ખબર ન પડે તેમ છાનામાના અર્ધાથી પણ વધારે ભસ્માવશેષ કાઢીને એ બલરામબાબુના ઘરે નિત્યપૂજા માટે મોકલી આપ્યા.જે પાછળથી બેલુડ મઠમાં સ્વામી વિવેકાનંદના હાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ત્યારે સહુ ગુરુભાઈઓએ શશીના આ કાર્યની પ્રશંસા કરી હતી. બાકીના ભસ્માવશેષનો તામ્રકળશ શશી પોતે પોતાના મસ્તક પર મૂકીને કાંકુડગાંછી લઈ ગયા હતા. ત્યાં એ કળશ જ્યારે ભૂમિમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો અને તેના ઉપર માટી નાખવામાં આવી, ત્યારે શશી પોતે રડી પડ્યા અને બોલી ઊઠ્યા, “અરે, ઠાકુરના દેહ પર ભારે દ્યા લાગી રહ્યા છે.!” શશીના આ ઉદ્ગારે ત્યાં હાજર રહેલા સહુની આંખો ભીની કરાવી દીધી.સહુના અંતરમાં પ્રતીતિ થઈ કે સાચે જ ઠાકુર હાજર છે. તેઓ સચેતન છે. મૃણ્મય હોવા છતાંચિન્મય છે.

ત્યાર બાદ શશી પોતાના ઘરે પાછા ગયા અને અભ્યાસમાં મન પરોવવા લાગ્યા. પણ ઠાકુરમાં ઓગળી ગયેલું મન હવે સંસારની કોઈપણ બાબતમાં લાગતું ન હતું. આથી તેઓ પાછા વરાહનગર મઠમાં ચાલ્યા ગયા. ત્યાં સહુ ગુરુભાઈઓની સાથે તેમણે પણ સંન્યાસ ગ્રહણ કર્યો અને રામકૃષ્ણાનંદ નામ ધારણ કર્યું. સ્વામી વિવેકાનંદને પોતાને આ નામ ધારણ કરવું હતું, પણ એમણે શશીની સેવા અને ભક્તિની તીવ્રતા જોઈને એ નામ એમને પ્રદાન કર્યું અને શશી સાચા અર્થમાં રામકૃષ્ણાનંદ બની રહ્યા.

એ દિવસો હતા મઠના પ્રારંભના. તંગીના અભાવના અને આર્થિક વિટંબણાઓના એ દિવસો હતા. પણ, સાધનાનો વેગ પ્રબળ હતો. આધ્યાત્મિક ભાવધારાનાં પૂરો વહેતાં હતાં. તેમ છતાં દેહને ટકાવવા પૂરતું બે કોળિયા અન્ન પણ આ યુવાન સાધુઓને મળતું ન હતું. શાક મળે તો ભાત ન મળેઅને કયારેક કશું ય ન મળે એવી પરિસ્થિતિ સર્જાતી. આવી વિકટ પરિસ્થિતિમાં રામકૃષ્ણાનંદ મઠની અન્નપૂર્ણા માતા બની રહ્યા અને ગમે તેમ કરીને સહુને બે કોળિયા અન્ન ખવડાવવાનો ભાર તેમણે સ્વેચ્છાએ પોતાના હસ્તક લઈ લીધો. એ દિવસે ભિક્ષા માગવા ગયેલા સંન્યાસીઓ સાવ ખાલી હાથે પાછા ફર્યા. હવે તો ભોજનની આશા જ નરહી. આથી બધા ઉન્મત્ત બનીને કીર્તન કરવા લાગ્યા અને ખાવાનું મળ્યું જ નથી એ ભુલાઈ જ ગયું. પણ શશી મહારાજ એથી વ્યથિત થઈ ગયા!“શું ઠાકુર આજે તમને ભોગ નહીં ધરાવાય? તમારે પણ ઉપવાસ કરવો પડશે? એ કેમ બને?” આમ વિચારીને તેઓ ચૂપચાપ બહાર નીકળી ગયા અને એક ઓળખીતા પાડોશીને ત્યાં ગયા. એ પાડોશીને તો આ યુવાન સાધુઓ ઉપર ભાવ હતો પણ એના ધરનાં સહુ વિરોધી હતાં. આથી એણે શશી મહારાજને બારીએથી અર્ધો શેર ચોખા, ઘી, લોટ અને થોડાં બટેટાં આપ્યાં. શશી મહારાજે મઠમાં આવીને જાતે જ એ સામગ્રીની રસોઈ બનાવી. ઠાકુરને ભોગ ધરાવ્યો અને પછી એ પ્રસાદના ગોળગોળ લાડુ બનાવીને કીર્તનમાં ઉન્મત્ત બનીને નાચી રહેલા બધા જ ગુરુભાઈઓના મુખમાં એક-એક લાડુ મૂકી દીધો! આ અદ્ભુત પ્રસાદથી અત્યંત તૃપ્ત થઈ તેઓ બધા આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “ભાઈ, શશી, આ અમૃત તને ક્યાંથી મળ્યું?”આવી તંગીના, કટોક્ટીના દિવસોમાં શશી જ સર્વ ગુરુભાઈઓની સ્નેહાળ માતા બની રહ્યા હતા. સહુને તેઓ આનંદવિનોદ કરાવતા રહેતા.‘ઈનોસેન્ટ એટ હોમ’ અને ‘ઈનોસેન્ટ એબ્રૉડ’ નામનાં હાસ્યરસનાં અંગ્રેજી પુસ્તકો મોટેથી વાંચીને તેઓ સહુને એટલો આનંદવિનોદ કરાવતા રહેતા કે કોઈપણ પ્રકારના અભાવનું દુ:ખ કોઈને જણાતું જ નહીં.

વરાહનગરનું મકાન ભૂતિયા મકાન તરીકે ઓળખાતું હતું. ત્યાં કોઈ કોઈએ તો ભૂતને નજરે જોયાં પણ હતાં. એક દિવસ અંધારી રાત્રે બધા ઊંઘી ગયા હતા ત્યારે છાપરા ઉપર જોરશોરથી અવાજ થવા લાગ્યો. જાણે ભૂતો લખોટીએ રમી રહ્યાં છે! એવો અવાજ સાંભળીને ઘણા ગભરાઈ ગયા અને શશી મહારાજને કહેવા લાગ્યા કે“તમેઅમને કેવી જગ્યાએ લાવ્યા છો?”શશી મહારાજ આ સાંભળીને દૃઢતાથી બોલ્યા, “જુઓ, તમારા ભૂતના બાપનું શ્રાદ્ધ કરું છું”અને તેઓ હાથમાં લાકડી લઈ ધમધમ કરતા સીધા છત ઉપર પહોંચી ગયાઅને ત્યાં જઈને જોયું તો કસરતનું ડમ્બેલ અને ફાનસ પડ્યાં હતાં. આથી બધાને બોલાવીને તેમણે કહ્યું, “શું ભૂત ફાનસ લઈને રમે છે?”આમ બધાના મનની ભ્રમણા એમણે તત્ક્ષણ દૂર કરી. પાછળથી જાણ્યું કે સ્વામી શારદાનંદ અને સદાનંદનું કારસ્તાન હતું. તેમણે પોતાના ઉદાહરણ દ્વારા સર્વને સમજાવ્યું કે જેમણે ઠાકુરનું શરણ લીધું છે, એમનો ભૂત-પલિત વાળ પણ વાંકો કરી શકતાં નથી. ઠાકુરના પદાશ્રિતોને વળી ભય કેવો?”શશી મહારાજની સર્વે ગુરુભાઈઓ પ્રત્યેની આવી મમતાભરી કાળજીને લઈને જ સર્વ યુવાન સાધુઓ અભાવના કપરા દિવસોમાં પણ ટકી શક્યા. એ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે એમના વિષે કહ્યું હતું,“શશી જ મઠનો મુખ્ય આધારસ્તંભ હતો. જો તે ન હોત તો આપણા બધાનો મઠવાસ શક્ય જ ન હોત. સંન્યાસીઓ તો મોટે ભાગે ધ્યાન-ભજનમાં જ હંમેશાં ડૂબેલા રહેતા. શશી તેમના માટે ભોજન પકાવીને સહુની રાહ જોતો. એટલે સુધી કે ક્યારેક-ક્યારેક તો એમને ધ્યાનમાંથી બહાર ખેંચીને પણ ભોજન કરાવતો.”

ઠાકુર દેહમાં હતા ત્યારે જે ભાવે એમની સેવા પૂજા કરતા હતા એ જ ભાવે ઠાકુરના દેહવિલય બાદ પણ શશી મહારાજની સેવાપૂજા ચાલુ જ રહી. ઠાકુરે કહેલું વાકય ‘તું જે ચાહે છે, તે આ જ છે!’ એમના સમગ્ર જીવનની ધરી બની રહ્યું અને એ જ ધરી પર એમનું સમગ્ર જીવન સંચારિત થતું રહ્યું. ઠાકુરના દેહવિલય બાદ શોકસંતપ્ત સર્વગુરુભાઈઓ તીર્થયાત્રા માટે નીકળી પડ્યા હતા, ત્યારે એકમાત્ર શશી જએવા હતા કે જેઓ ઠાકુરના શ્રી ચરણોને છોડીને ક્યાંય ગયા નહીં. એકવાર બહાર જવાનો પ્રયત્ન કર્યો પણ દક્ષિણેશ્વરથી પાછા આવી ગયા અને બીજીવાર બીમાર પડી જતાં વર્ધમાન જિલ્લાના માનકૂંડુ ગામથી જ પાછા મઠમાં આવી ગયા. પછી ઠાકુરની સેવાપૂજા છોડીને, સ્વામીજીનો આદેશ મળ્યો ત્યાં સુધી ક્યાંય ગયા ન હતા. એમની આવી ભક્તિનિષ્ઠા જોઈને સ્વામીજીએ કહ્યું હતું; “શશી કેવી રીતે સ્થળને જીવતું-જાગતું રાખીને બેઠો છે! એની દૃઢનિષ્ઠા એક મહાન આધાર રૂપ છે!”

શશીમહારાજની ઠાકુરપૂજા અનોખી હતી. તેઓ ઠાકુરને પ્રત્યક્ષ માનીને જ પૂજા કરતા. ઉનાળાના દિવસોમાં ઠાકુર દેહમાં હતા ત્યારે જે રીતે અમને પંખો નાખતા એ જ રીતે તેઓ ઠાકુરને પંખો નાખતા. તેમને રોજ નિયમિત ભોગ ધરાવતા. પ્રાત:કાલે એમને દાતણનો કૂચો બનાવીને દાતણ આપતા. એક દિવસ વૃદ્ધબાબા સચ્ચિદાનંદે દાતણ બરાબર કર્યું ન હતું. આ જોઈને તેઓ અત્યંત દુ:ખી થઈ ગયા અને તુરત જ સચ્ચિદાનંદની શોધમાં નીકળી પડ્યા. તેને જોતાં જ તેમણે ઠપકો આપી કહ્યું:“આજે તેં મારા ઠાકુરના પેઢામાંથી લોહી કાઢયું.”આવી અજોડ હતી એમની ગુરુભકિત! ઠાકુરની પૂજા, તેમ આરતી કે પુષ્પાંજલી વખતે તેઓ એટલા તન્મય બની જતા અને ત્યારે ત્યાં હાજર રહેલા પ્રેક્ષકોને એવું જણાતું કે જાણે ઠાકુર પણ સાક્ષાત્ કે સ્વરૂપે આવીને એમની પૂજા ગ્રહણ કરી રહ્યા છે. એ જોનારાઓમાં પણ શશી મહારાજના ભાવનું સંક્રમણ થઈ જતું અને તેઓ પણ તન્મય બની જતા. જ્યારે તેઓ મદ્રાસ ગયા તો ત્યાં પણ એમની આ જ રીતે સેવા પૂજા ચાલુ રહી. ત્યાં એક દિવસ પૂજા પછી તેઓ ઠાકુરને પંખો નાખી રહ્યા હતા. પંખો નાખતાં-નાખતાં સદ્ગુરુના નામનું ઉચ્ચારણ કરવામાં તેઓ એટલા તન્મયબની ગયા કે તેમને મળવા આવેલા એક ઉચ્ચ કક્ષાના ઑફિસર એમની આવી ગુરુભકિત જોઈને ભાવવિભોર બની ગયા અને પછી એમને ખલેલ પહોંચાડ્યા વગર દૂરથી જ પ્રણામ કરીને ચાલ્યા ગયા. એક વખત મદ્રાસમાં મઠના નવા મકાનની છતમાં વરસાદને લઈને ચુવાક થવા લાગ્યો. પાણી પડવાથી ઠાકુરની નિદ્રામાં ખલેલ પડશે એમ માનીને તેઓ આખી રાત ઠાકુરની છબી પર છત્રી ધરીને બેસી રહ્યા અને જ્યારે વરસાદ બંધ થયો ત્યારે તેઓ તેમને અન્ય જગ્યાએ લઈ ગયા. એમને માટે ઠાકુર પ્રત્યક્ષ હતા. જીવતા-જાગતા, એમની સાથે વાતો કરતા, હાજરાહજૂર હતા.

શશી મહારાજની આવી અનન્ય ગુરુભકિત, સ્વાર્પણભાવના, સેવાપરાયણતા અને કાર્યદક્ષતાથી સ્વામી વિવેકાનંદ અત્યંત પ્રભાવિત હતા. આથી જ એમણે અમેરિકામાં પોતાનો કાર્યભાર ઉપાડી લેવા શશી મહારાજને ત્યાં બોલાવ્યા. પરંતુ તે સમયે એમને ચામડીનો રોગ થયેલો અને ડૉક્ટરોએ એમને ઠંડા પ્રદેશમાં જવાની ના પાડી. આથી સ્વામી વિવેકાનંદ એમની કાર્યદક્ષતા અને ગર્ભિત શકિતનો સંપૂર્ણ ઉપયોગ એ વખતે તો કરી શક્યા નહીં. પણ તેઓ અન્ય તકની રાહ જોતા હતાઅને એ તક પણ આવી પહોંચી. મદ્રાસના ભક્તજનોએ મદ્રાસમાં મઠની સ્થાપના કરવા સ્વામીજી પાસે માગણી મૂકી. સ્વામીજીએ આ માગણીનો સ્વીકાર કરતાં મદ્રાસના ભક્તોને લખ્યું:“હું તમારા બધાની વચ્ચે એક એવા ગુરુભાઈને મોક્લીશ કે જે તમારામાંના ચુસ્તમાં ચુસ્ત બ્રાહ્મણથી પણ વધારે ચુસ્ત છે અને તદુપરાંત પૂજા, શાસ્ત્રજ્ઞાન અને ધ્યાન ધારણામાં પણ અજોડ છે.”પોતાના પ્રિય ગુરુભાઈ શશીના સંદર્ભમાં એમણે આ લખ્યું તો હતું પણ હવે સ્વામીજીને ખરી મૂંઝવણ થઈ. મઠ છોડીને મદ્રાસ જવા માટે શશીને કહેવું કઈ રીતે? તેઓ તો કદી બહાર ગયા જ ન હતા. એમને આ માટે સમજાવવા કઈ રીતે? આખરે એક દિવસ તેમણે શશીને પૂછ્યું; “શશી તને મારા ઉપર ખૂબ જ પ્રેમ છે ને?”

“હા”.

“તો પછી ચિતપુરના ફોજદારી ભવનના વળાંકપરથી સારી નરમ અને તાજી પાઉં-રોટી લઈઆવ.”

કશોય વિચાર કર્યા વગર શશી મહારાજ ધોળે દિવસે બજાર વચ્ચે જઈને સ્વામીજી માટે પાઉં-રોટી ખરીદી લાવ્યા. તેમનો પોતા પરનો આવો અનન્ય પ્રેમ-ભાવ અને આજ્ઞાપાલકતા જોઈને સ્વામીજીએ એમને કહ્યું:“શશી, તારે મદ્રાસ જવું પડશે.”જેઓ ઠાકુરના શ્રીચરણોની પૂજાને છોડીને ક્યાંય બહાર જવા ઇચ્છતા ન હતા તેઓ સ્વામીજીના આદેશને શિરોધાર્ય ગણી ઈ.સ. ૧૮૯૭ના માર્ચમાં સ્વામી સદાનંદને લઈને મદ્રાસ પહોંચી ગયા.

મદ્રાસમાં શરૂઆતમાં તો ભાડાના મકાનમાં મઠની સ્થાપના કરવામાં આવી. પણ શશી મહારાજના અથાક પ્રયત્નો, અપૂર્વ ખંત અને ઊંડી, આગવી સૂઝને પરિણામે ત્યાં સંઘનો પાયો ઊંડો ને વ્યાપક બન્યો. તેમની કાર્યપ્રવૃત્તિઓ વિસ્તરવા લાગી. સાપ્તાહિક વ્યાખ્યાન શ્રેણીઓ, જુદાંજુદાં સ્થળોએ પ્રવચનો, પૂજાઉત્સવો વગેરે દ્વારા તેઓ દક્ષિણ ભારતમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાનમૃતની વર્ષા કરવા લાગ્યા. પ્રારંભમાં તો અનેક પ્રકારની મુશ્કેલીઓ હતી. આર્થિક વિટંબણાઓ પણ અપાર હતી. છતાં તેઓ અડગ રહીને કામ કરતા જ રહ્યા. એક દિવસ તેઓ કામ પૂરું કરીને પરસેવે રેબઝેબ થઈને મઠમાં આવ્યા. ત્યારે તેમણે જોયું કે ઠાકુરને ભોગ ધરાવવા માટે કાંઈ જ નથી. આથી એમણે દરવાજો બંધ કરી દીધો અને પોતાનાં કપડાં ઉતારીને તેઓ જોરથી આંટા મારવા લાગ્યા અને રોષભેર ઠાકુરને કહેવા લાગ્યા:“શું પરીક્ષા કરી રહ્યા છો? હું સમુદ્રકિનારેથી રેતી લાવીને પણ તમને ભોગ ધરાવીશ અને હું પોતે પણ એ જ ખાઈશ. મારું પેટ જો ઈન્કાર કરશે તો આંગળી ઘોંચીને પણ એ પ્રસાદ ગળાની નીચે ઉતારીશ.”પણ ઠાકુરે એમને આટલી હદે જવા ન દીધા. થોડી જ વારમાં દરવાજો ખખડ્યો. તેમણે ઉઘાડીને જોયું તો એક ભક્ત ભોગ માટેની સઘળી સામગ્રી લઈને ઊભો હતો! એ જ રીતે એક વખત ભોગ માટે કાંઈ ન હતું ત્યારે એક વિદ્યાર્થીએ કશીક સહાય કરવા ઇચ્છા દર્શાવી અને શશી મહારાજે એને ધી લાવવા કહ્યું. પછી તો એ વિદ્યાર્થી દર મહિને નિયમિત ઘી પૂરું પાડવા લાગ્યો. આમ મુશ્કેલીઓની વચ્ચે પણ ઠાકુરની અવિરત કૃપાનો અનુભવ એમને થતો જ રહ્યો. જ્યારે એક ભક્તે એમને પૂછ્યું કે, “આટલી વિટબંણાઓ અને તંગીમાં મઠ કેવી રીતે ચાલે છે?” ત્યારે એમણે કહ્યું કે “ઠાકુર જ બધું મોક્લી આપે છે. ઠાકુરનો પોતાનો જ આ મઠ છે અને તેઓ સ્વયં એ ચલાવી રહ્યા છે. હું તો એમના હાથનું યંત્ર માત્ર છું.” ઠાકુર પરની એમની અચળ શ્રદ્ધામાં કદી પણ ઓટ આવી ન હતી. એક ભક્તને એમણે જણાવેલું કે“ધારો કે ક્લમ કહે કે મેં સેંકડો પત્ર લખ્યા છે, તો શું ખરેખર એણે લખ્યા છે? એ તો એના ચલાવનારે લખ્યાં છે. આ શરીરનું પણ એવું જ છે. એને તો તેઓ જ ચલાવી રહ્યા છે!” આવાં સંપૂર્ણ સમર્પણ અને શરણાગતિથી તેઓ કાર્ય કરતા રહ્યા.

આવા મૂક, નિષ્ઠાવાન, કર્મયોગી સંન્યાસીનો યશ સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રસરી ગયો. બેંગલોર, મૈસૂર, કોઈમ્બતુર વગેરે સ્થળે જ્યાં-જ્યાં તેઓ ગયા ત્યાં-ત્યાં શ્રીરામકૃષ્ણભાવધારા વહેતી થઈ. એમના અથાક પ્રયત્નને અંતે ઈ.સ. ૧૯૦૭, ૧૭મી નવેમ્બરે મદ્રાસમાં મઠના પોતાના મકાનમાં ઠાકુરની પ્રતિષ્ઠા થઈ અને શશી મહારાજના જીવનનું મહાન કાર્ય પૂરું થયું. પણહજુ એમની ઇચ્છા હતી કે દક્ષિણ ભારત શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી બ્રહ્માનંદની ચરણરજથી પવિત્ર બને. એ ઇચ્છા પણ પૂર્ણ થઈ. એમણે શ્રીમાને મદુરા, રામેશ્વરની યાત્રા કરાવી. શ્રીમાની પાસે ૧૦૮ સુવર્ણનાં બિલ્વપત્રોથી ભગવાન રામેશ્વરની પૂજા કરાવી. આમ, આ બંને ઇચ્છાઓ પૂરી થતાં એમણે કહ્યું, “મારું અંતિમ કાર્ય પૂરું થયું.” પણ તે સમયે કોઈ જાણી શક્યું નહીં કે શશી મહારાજ હવે પોતાની ઐહિક લીલા સંકેલી રહ્યા છે. શ્રીમા કલકત્તા પહોંચ્યાં અને અહીં શશી મહારાજની તબિયત બગડી. ચૌદ-ચૌદ વર્ષના કઠોર પરિશ્રમથી આમે ય તબિયત લથડી તો ગઈ જ હતી. પણ એમાં બહુમૂત્ર, તાવ અને ખાંસીનો હુમલો થયો અને તેઓ પટકાઈ પડ્યા. એમાંથી ક્ષય લાગુ પડ્યો. ગુરુભાઈઓ એમને કલકત્તા લાવ્યા. ત્યાં સારવાર કરવામાં કોઈ કમી ન રાખી. પણ તબિયતમાં કશો ય સુધારો થતો જણાતો ન હતો.

એમની અંતિમ ઇચ્છા હતી શ્રીમાનાં દર્શન કરવાની. પરંતુ ત્યારે શ્રીમા જયરામવાટીમાં હતાં અને તત્કાળ અહીં આવી શકે તેમ ન હતાં. એમની અંતરની ઇચ્છા ઠાકુરે સૂક્ષ્મ દિવ્ય દર્શન દ્વારા પૂરી કરી. દેહત્યાગના બે દિવસ અગાઉ એમણે સેવકને કહ્યું, “આસન બિછાવ. જુઓ, ઠાકુર, મા, સ્વામીજી આવ્યાં છે. ત્રણ તકિયા મૂકી દે.”પછી શશી મહારાજ એ તરફ અપલક નીરખી રહ્યા. તેમણે ત્રણવાર પ્રમાણ કર્યા અને પછી કહ્યું, “હવે તેઓ ચાલ્યા ગયા છે.“આમ એમની અંતિમ ઇચ્છા આ દિવ્યાનુભૂતિ દ્વારા ઠાકુરે પૂર્ણ કરી. આ અનુભૂતિ વિષે એક કવિતા લખવા એમણે ગિરીશબાબુને કહેવડાવ્યું. એમાં એની પ્રથમ પંક્તિ દુ:ખનિશાનું અવસાન થયું તે રાખવા કહ્યું. ગિરીશબાબુએ સુંદર ગીત રચી આપ્યું:

દુઃખ નિશાનું અવસાન થયું.
હું હુંરૂપી ઘોર દુ:સ્વપ્ન તૂટી ગયું.
હવે જીવન મરણનો ભ્રમ ભાંગી ગયો.
જુઓ જ્ઞાનવિ ઉદય પામી રહ્યો છે.
મા સ્મિત કરી રહી છે.
વરદાયિની મા અભય આપી રહી છે.
ગગનભેદી સ્વરે જયગાન કરો.
યમને પરાજિત કરનાર દુંદુભિ બજાવો.
સકલ ધરાને માના નામથી પરિપૂર્ણ કરો.
મા કહે છે, ‘રડો નહીં.’
શ્રીરામકૃષ્ણના ચરણ નિહાળો.
નહીં કોઈ ચિંતા રહે, નહીં કોઈ દુ: રહે.
મારા સમીપ ચમકી રહ્યાં છે,
બે કરુણાપૂર્ણ નેત્રો
તેમનામાં રહેલી છે,
ત્રિભુવનને તારવાની શકિત.”

આ અલૌકિક અનુભૂતિ પછી બે દિવસમાં જ ૨૧મી ઑગષ્ટ ૧૯૧૧ના રોજ એમણે મહાસમાધિમાં દેહત્યાગ કર્યો. તે સમયે એમનું મુખ રક્તિમ બની ગયું. સમગ્ર શરીર રોમાંચિત થઈ ગયું. એક અપૂર્વ દીપ્તિ મુખપર પથરાઈ રહી અને શ્રીરામકૃષ્ણના આ દિવ્યબાળકે પોતાની નશ્વરકાયાને છોડીને ગુરુદેવના તેજ:પુંજમાં ભળી જવા પ્રયાણ કર્યું. ત્યારે આંસુભરી આંખે મઠના અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદે કહ્યું: “એક દિક્પાળ ચાલ્યો ગયો. દક્ષિણ દિશા અંધકારભરી થઈ ગઈ.”

શશી મહારાજે ૫૦ વર્ષ પણ પૂરાં કર્યો નહીં. પરંતુ આટલા અલ્પ જીવનકાળમાં દક્ષિણ ભારતની ભૂમિમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાનસૂર્યનો પ્રકાશ રેલાવી અસંખ્ય લોકોને ભગવદ્ભિમુખ કરવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું. અજોડ ગુરુસેવા, અનન્ય ભક્તિ, અચલ શ્રદ્ધા, અગાધ વિશ્વાસ, અસીમ ઉદારતા, કરુણાસભર ૠજુતા અને સર્વપ્રત્યેના સમાન સ્નેહભાવથી સુગ્રથિત એમનું પ્રતિભાસંપન્ન વ્યકિતત્વ શ્રીરામકૃષ્ણ સંઘમાં અવિસ્મરણીય બની રહેશે.

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.