(૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રી સ્વામી રંગનાથાનંદજીએ કરેલ ઉદ્‌બોધન)

વહાલા મિત્રો,

આ યુવ સંમેલનમાં તમારી વચ્ચે ઉપસ્થિત રહેતાં હું ખૂબ આનંદ અનુભવું છું. મેં જોયું છે કે જ્યાં-જ્યાં આવાં સંમેલનો યોજાય છે ત્યાં-ત્યાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, અસંખ્ય યુવા ભાઈબહેનો ઉત્સાહથી ભાગ લે છે. આમ શાથી થાય છે? કારણ કે ક્યાંક કશું ખૂટે છે અને તે મેળવવા તેઓ આવે છે.

હાલમાં આપણો દેશ જાણે વિનાશ તરફ જઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર અને હિંસા ઉત્તરોત્તર વધી રહ્યાં છે. આ પરિસ્થિતિમાંથી દેશને યુવાનો જ બહાર લાવી શકશે જેઓ આ દુરાચારથી ખરડાયેલા નથી. તમારે આપણા દેશને શુદ્ધ, મજબૂત બનાવી, તેને હિંસા, અરાજકતાના પાશમાંથી છોડાવી માનવીય ગરિમાનું સ્થાપન કરવાનું છે. તમે મને પૂછશો કે આ મહાન કાર્ય અમારા જેવા ઉંમરમાં અને અનુભવમાં નાના લોકો કઈ રીતે કરી શકે? તો હું કહીશ કે આ કાર્ય જરાયે કઠિન નથી. ગઈ સદીનો વિચાર કરો, જ્યારે આપણો દેશ અંગ્રેજોના હાથમાં હતો ત્યારે મોટા ભાગના લોકો મહિને ૩૦ રૂપિયાની કારકુનગીરી કરી ખૂબ ખુશ હતા. પણ અમુક લોકો આમાં ખુશ નહોતા. આ લોકો અંગ્રેજોના તાબામાં રહેવા માગતા નહોતા, તેમને સ્વતંત્રતા જોઈતી હતી. આવું વિચારનારા લોકો ભલે ખૂબ ઓછા હતા, તેઓએ જ વધારે ને વધારે લોકોને અસર કરી અને અંતે સ્વતંત્રતાનો આ જુવાળ સમગ્ર દેશમાં પ્રસરી ગયો અને આપણે આઝાદ થયા. દરેક મહાન વિચારની બાબતમાં આમ જ બને છે. જો એ વિચારોમાં દૃઢ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એમાંથી મહાન શક્તિ ઉત્પન્ન થાય છે. જે બીજા અનેકોને અસર કરી શકે છે, તેમને એકઠા કરી શકે છે. આ હકીકતને બરાબર મનમાં રાખી તમે એવું આયોજન કરો, એવો નિશ્ચય કરો કે જ્યારે તમે ભણી-ગણીને રાજકારણ, શિક્ષણ, વહીવટ, મૅનેજમેન્ટ, વેપાર ગમે તે ક્ષેત્રમાં જવાબદાર જગ્યાએ આવશો ત્યારે તમે નવી તરાહનો પ્રામાણિક અહિંસક દૃઢલોકશાહીયુક્ત સમાજ બનાવશો. આવા ભાવિ સમાજનું સ્વપ્ન તમારે અત્યારથી જોવાનું છે. આ ભવિષ્ય ફક્ત તમારું જ નહીં, દેશનું ભવિષ્ય છે. દેશના ૮૫ કરોડ લોકોનું; જેમાં ૩૦ કરોડથી પણ વધારે આદિવાસી, પછાત છે તેવા લોકોનું ભવિષ્ય છે. તમારી યુવાનીમાં તમારાં સ્વપ્નોનો વિષય આ પ્રકારનો હોવો જોઈએ, આ આશ્રમ જેમાં તમે એકત્રિત થયા છો એ ખરેખર શું છે? એ શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી વિવેકાનંદ અને મા શારદાદેવીનાં સ્વપ્નોનું મૂર્તિમંત સ્વરૂપ છે, તેમના મહાન વિચારોને પૂરા દેશમાં ફેલાવવા માટેનું કેન્દ્ર છે. અહીંથી મહાન વિચારો દરેક દિશાઓમાં જશે અને યુવા વર્ગે તો ખાસ આ વિચારોને પચાવવાના છે. આ વિચારો, આ આદર્શોને આત્મસાત્ કરવાથી તમારામાં આર્થિક શ્રદ્ધા, રાજકીય શ્રદ્ધા, નૈતિક શ્રદ્ધા, આધ્યાત્મિક શ્રદ્ધા આવશે અને જ્યારે આવા શ્રદ્ધાવાન મનુષ્યો એક સાથે કાર્યરત થશે ત્યારે નવો સમાજ, નવો દેશ ઉદ્ભવશે.

આવી શ્રદ્ધા કેળવવા માટે વિચાર-શક્તિની ખીલવણીની જરૂર છે અને આ કરવા માટે સારામાં સારો સ્રોત છે સ્વામી વિવેકાનંદનું સાહિત્ય. ગુજરાતીમાં અને હિન્દીમાં તેના દશ ભાગો અને અંગ્રેજીમાં આઠ ભાગો પ્રસિદ્ધ થયા છે. આ ખરેખર અદ્‌ભુત સાહિત્ય છે. તેમાં માનવજાત માટે ઉચ્ચ મૂલ્યો માટે કેટલો પ્રેમ વ્યક્ત થયો છે! કેટલી શક્તિ, જોમ, નિર્ભયતા તેમાંથી મળે છે! આથી તેનો અભ્યાસ કરો, ખરેખર આ જ સારામાં સારું શિક્ષણ છે.

વળી, ભારત જેવા વિશાળ દેશના લોકોનાં મન વિશાળ હોવાં જોઈએ. આપણામાં રહેલી સંકુચિતતા સ્વાર્થ દૂર થવાં જોઈએ. ‘હું મારું કરું, બીજાની ચિંતા મારે શા માટે કરવી જોઈએ?’ આવો અભિગમ દૂર થવો જોઈએ અને એકબીજા માટે શ્રદ્ધા અને વિશ્વાસનું વાતાવરણ ઉત્પન્ન થવું જોઈએ. મહાભારતમાં એક સુંદર પ્રસંગ છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતિ હસ્તિનાપુર છોડીને વાનપ્રસ્થ માટે અરણ્યમાં જઈ રહ્યાં છે. એક પછી એક પાંડવ માને હસ્તિનાપુરમાં રહી જવા માટે સમજાવી રહ્યા છે, પણ માતા માનતાં નથી. જ્યારે યુધિષ્ઠિરે તેમને પ્રણામ કર્યા ત્યારે તેમણે કહ્યું: “હે કુરુશ્રેષ્ઠ! તારા ભાઈઓની સાથે રાજધાનીમાં પાછો ફર. હું આશીર્વાદ આપું છું કે તારું મન ધર્મમાં સ્થિર થાય, તારું હૃદય ખૂબ વિશાળ બને.” મહાભારતના જ એક બીજા પ્રસંગમાં યુધિષ્ઠિરને આદર્શ રાજાનું કર્તવ્ય સમજાવતાં વિદુર કહે છે, ‘જે રાજ્યમાં અલંકારો પહેરેલી એકલી સ્ત્રી નિર્ભયતાથી ફરી શકે તે આદર્શ રાજ્ય છે.’ આ સ્થિતિએ પહોંચવા માટે આપણે લાંબો માર્ગ કાપવાનો છે. આ લોકશાહીનાં મૂલ્યો છે જેને અનુસરવા માટે વેદાંતના મૂલ્યોનું આચરણ થવું જોઈએ. “હું કોઈને કઈ રીતે છેતરું? કારણ હું પણ આત્મા છું, એ પણ આત્મા છે.” સ્વામીજી આવા જ માનવતાવાદી મૂલ્યોવાળો, “સેવા માટે તત્પર મદદ માટે તૈયાર” ‘વેદાંતિક સમાજ’ ઇચ્છતા હતા. આથી આપણી સમસ્યાઓના ઉકેલ માટેનો આવો ‘વેદાંતિક સમાજ’ સ્થાપવા સ્વામીજીના સાહિત્યનું અધ્યયન કરો. તેમનું સાહિત્ય ‘વિચાર બોમ્બ’ ધરાવે છે જેમાંથી વધુ ને વધુ લોકો પ્રેરણા લઈ સમાજમાં, દેશમાં પરિવર્તન લાવશે અને એક વિશિષ્ટ સંસ્કૃતિની સ્થાપના કરશે. ફ્રેન્ચ મનીષી રોમાં રોલાં કહે છે, “વિવેકાનંદના શબ્દો એ મહાન સંગીત છે. મારા શરીરમાં વિદ્યુત આંચકો અનુભવ્યા વગર હું તેમના શબ્દોનો સ્પર્શ કરી શકતો નથી”

આવા સાહિત્યમાંથી પ્રેરણા મેળવો. તમારા લોહીમાં, તમારા ચેતાતંત્રમાં તેને ફેલાવી દો અને તમે પોતે શક્તિસ્વરૂપ બની જશો. પછી તમે વિચારશો કે, “હું પૈસા બનાવીશ પણ મારા દેશને મારી સાથે રાખીને; કારણ હું સ્વતંત્ર ભારતનો નાગરિક છું.” આ પ્રકારના શાંત સામાજિક વિચારને આકાર આપવાનું રામકૃષ્ણ મિશને શરૂ કરી દીધું છે. મિશન બસ્તરના આદિવાસી વિસ્તારમાં અને અરુણાચલ પ્રદેશના પછાત વિસ્તારોમાં સ્તુત્ય કાર્યો કરી રહ્યું છે. શારદા મઠની સંન્યાસિનીઓ પણ અરુણાચલ પ્રદેશમાં શિક્ષણના અને લોકોના ઉદ્ધાર માટેના બીજા કેટલાંક કાર્યો કરી રહ્યાં છે. હવે તમારે વિચારવાનું છે કે આવાં કાર્યોમાં તમે કઈ રીતે મદદ કરી શકો?

સ્વામીજીએ કહ્યું હતુ, “હંમેશાં કંઈક આપવાનો પ્રયત્ન કરો.” આ જ વેદાંત છે. વેદાંતનો આ બોધ ‘દરેક મનુષ્યમાં દિવ્યતા છે’ એ સાંભળીને પશ્ચિમના યુવાનો ખૂબ આકર્ષાય છે. પણ અહીં આનાથી પરિચિત હોવાને કારણે આ સામાન્ય વસ્તુ બની ગઈ છે. પણ આપણો અભિગમ એવો હોવો જોઈએ કે, “જો આ સાચું છે તો હું તેને પુરવાર કરીશ, તે પ્રમાણે જીવન બનાવીને જગતને બતાવી દઈશ.” આ કરવું યુવાનો માટે ખૂબ આસાન છે. તાજેતરમાં (ઈ.સ. ૧૯૮૫માં) બેલુર મઠમાં યુવા ભાઈ-બહેનોનું એક સંમેલન યોજાઈ ગયું. ભારતના નજીકના ઇતિહાસમાં આ એક મહત્ત્વપૂર્ણ બનાવ કહી શકાય જેમાં ૧૦,૦૦૦ યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને તેઓએ ખૂબ સરસ રીતે દેશની વિવિધ સમસ્યાઓ અને તેમના ઉકેલની છણાવટ કરી હતી. હવે તેઓ બધા દેશના ઉદ્ગારના કામમાં જોડાઈ ગયા છે. તમે લોકો પણ આ કરી શકો એ માટે મારી શુભકામનાઓ અને મારો પ્રેમ તમારી સાથે જ છે. સાથે-સાથે એ પણ ઇચ્છું કે તમે શક્તિશાળી, સુદૃઢ વ્યક્તિત્વવાળા બનો અને સ્વામીજીના વિચારોમાં દૃઢ આસ્થા રાખી આપણા દેશના ભલા માટે કાર્યરત થાઓ.

ભાષાંતર: ડૉ. ચેતના માંડવિયા

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.