(રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ પછી શિબિરમાં હાજર રહેલાં વિદ્યાર્થી ભાઈ-બહેનો સાથે થયેલી પ્રશ્નોત્તરીનો એક અંશ અહીં આલેખીએ છીએ.)

પ્રશ્ન: આજનો યુવાન લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યો છે, આનું કારણ શું? એનો ઉપાય શું?

ઉત્તર: આપણી ઘણી મુશ્કેલીઓનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ, કારણ કે તેનું સર્જન બાહ્ય પરિસ્થિતિ કે અન્ય કોઈ વ્યક્તિએ નહીં, બલ્કે આપણે પોતે જ કરેલું હોય છે. એકવાર એક વિદ્યાર્થીનો મારા ૫૨ ૫ત્ર આવ્યો. બી.એ.માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થવા માટે એણે પત્રના પ્રથમ પેરેગ્રાફમાં ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો. બીજા પેરેગ્રાફમાં નોકરી મેળવવા માટેના એના સધળા પ્રયત્નો નિષ્ફળ ગયા અને એમાં કેવી લાગવગ ચાલે છે એની વાત કરી. ત્રીજા પેરેગ્રાફના પ્રારંભમાં એણે લખ્યું કે આ દુનિયામાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં ! આમ માત્ર ત્રીજા પેરેગ્રાફમાં જ એની શ્રદ્ધાનું બાષ્પીભવન થઈ ગયું. આથી આપણું મુખ્ય કાર્ય તો આત્મશ્રદ્ધા રાખવાનું છે. અને એના દ્વારા સામર્થ્ય મેળવવાનું છે. શ્રદ્ધા એટલે જ જીવન. આત્મશ્રદ્ધા એટલે જ નવચેતન. અશ્રદ્ધા તે નિર્બળતાનું બીજું રૂપ.

લઘુતાગ્રંથિનું એક અન્ય કારણ ઈર્ષ્યા, પ્રમાદ અને વિચારોની કૂપમંડૂકતા છે. આજનો યુવાન એની આંતરિક શક્તિ ખીલવવાને બદલે અન્યની સિદ્ધિઓની ઈર્ષ્યા કરે છે. ‘ચ્યુઇંગ ગમ’ની માફક ટેલિવિઝન આંખથી અને પછી મનથી સતત મમળાવ્યા-ચગળાવ્યા કરે છે. હલકી વાતોમાં રસ લે છે અને એ રીતે હલકી વૃત્તિઓમાં દોરવાય છે. જીવનની મહત્તા અને વ્યાપકતાના ખ્યાલના અભાવે એ કોઈપણ એકાદ આઘાત લાગતાં લઘુતાગ્રંથિથી ઘેરાઈ જાય છે. વળી ક્યારેક ચોપાસની પરિસ્થિતિ પણ યુવકની નિરાશાને વધુ ગાઢ બનાવે છે – આથી લઘુતાગ્રંથિથી પીડાતા યુવાનને સૌથી વધુ જરૂર આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ અને આત્મસન્માનની છે. લઘુતાગ્રંથિથી છૂટવા માટે સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહ્યું છે તેમ યુવાનના હૃદયમાં આ શબ્દો એની પ્રાર્થનારૂપે ગૂંજવા જોઈએ-

ઓ સનાતન સત્ય! અમને આધ્યાત્મિક બનાવ,
ઓ સનાતન શક્તિ! અમને બળવાન બનાવ,
ઓ સામર્થ્યશાળી આત્મા! અમને સામર્થ્યશાળી બનાવ.

પ્રશ્ન: આજના સમયમાં યુવાન ભ્રષ્ટાચારનાં દૂષણોનો સામનો કરવાને બદલે પોતાની નાકરી કે વ્યક્તિગત સુખ માટે લાંચ-રુશ્વત આપે છે તેનું કારણ શું?

ઉત્તર: એક તો આપણી આસપાસ એવું મૂલ્યવિહીન વાતાવરણ સર્જાયું છે કે જેમાં ખોટી રીતે કમાણી કરનાર, રાજકીય વગથી આગળ વધનાર કે પ્રપંચથી પૈસાદાર બનનારને વધુ પ્રસિદ્ધિ મળે છે. એના મુકાબલે પ્રમાણિક વ્યક્તિનાં જીવન અને કાર્યો એટલાં જાણીતાં થતાં નથી, આથી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર છે એવો ખ્યાલ યુવકના મનમાં પેસી જાય છે. ક્યારેક બેકારીને કારણે, ક્યારેક સામાજિક દરજજો મેળવવા અથવા તો આર્થિક મૂંઝવણને કારણે એ લાંચરુશ્વત આપવા પ્રેરાય છે. જે યુવાન દ્વારા દેશની આવતીકાલનું ઘડતર થવાનું છે એ જ આ માર્ગે ચાલે તો દેશનું ભાવિ કેટલું બધું ધૂંધળું બની જાય! ભારતમાં મહાન વિભૂતિઓ થઈ. અનેક ધર્મો ફૂલ્યા-ફાલ્યા, એમ છતાં એ જ ભારતમાં નાની અને સામાન્ય બાબતોમાં પણ પ્રમાણિકતાનો અભાવ દેખાય છે તેનું કારણ આજે સર્વ ક્ષેત્રોમાં વ્યાપેલું રાજકારણ, મૂલ્ય વિચ્છિનતા અને થોડી મહેનતે વધુ મેળવવાની વૃત્તિ છે. બીજી બાજુ આજનો યુવાન પણ અન્યાય કે અનાચાર સામે લડવાની હામ ગુમાવી બેઠો છે. સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહ્યું છે કે ભૂખે મરવાના વખત આવે તે પણ વ્યાપારમાં અપ્રમાણિકતા કરવી નહીં. જે દેશમાં ભૂખે મરવાની તૈયારી સાથે કાર્ય કરતા યુવાનો હશે તેઓ ક્યારેય લાંચરુશ્વતનો માર્ગ અખત્યાર કરશે નહીં.

“વ્યક્તિગત સુખ”ની વાત તો વ્યક્તિ પોતે કોને સુખ માને છે એ ખ્યાલ સાથે સંકળાયેલી છે. ઘણીવાર ભૌતિક સંપત્તિની પ્રાપ્તિમાં ઈતિશ્રી માનવામાં આવે છે, જે પ્રાપ્ત થતાં એ સુખને બદલે દુ:ખનું કારણ બને છે. આપણી સંસ્કૃતિએ ત્યાગના સુખની વાત કરી છે, ભાવનાના આનંદની વાત કરી છે, સેવા-સમર્પણના સંતોષની વાત કરી છે. આજના યુવાનમાં ત્યાગ, ભાવના અને સમર્પણશીલતા આવશે તો એનું સુખનું આખુંય ગણિત બદલાઈ જશે. એના જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રકાશ ફેલાતાં એની જીવનદૃષ્ટિ અને જીવનશૈલી પલટાઈ જશે. સુખની વાત સાપેક્ષ છે અને તેથી જ વધુ વિચારણા માગે છે.

પ્રશ્ન: દેશની નેતાગીરી નિષ્ફળ નીવડી છે, શિક્ષણ સંસ્કાર આપતું નથી તો પછી વ્યક્તિએ કઈ રીતે પોતાના જીવનનું ધ્યેય નિશ્ચિત કરવું જોઈએ?

ઉત્તર: આજે રાજકારણે રાષ્ટ્રની દુર્દશા કરી છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણમાં જે કંઈ થોડુંઘણું થાય છે તે માત્ર ભણતર છે, ઘડતરની તો વાત જ નથી. જીવન અને શ્રમ સાથેનો સંબંધ શિક્ષણ ગુમાવી બેઠું છે. આવે સમયે સ્વાભાવિક રીતે જ વ્યક્તિને પોતાના જીવનધ્યેય વિશે વિચાર થાય. મહાનપુરુષોના જીવનચરિત્ર પરથી ચારિત્ર્ય ઘડતરની ચાવી મળી શકે. મહાનપુરુષોનાં વિચારોમાંથી એ જીવનપાથેય મેળવી શકે, વિશ્વ અને વિજ્ઞાનના જ્ઞાન સાથે અનુસંધાન સાધીને એ એનું જીવનધ્યેય શોધી શકે છે.

પ્રશ્ન: આજનો યુવાન ઝડપી નિર્ણય લઈને પસ્તાય છે તો પછી કઈ રીતે વિચાર કરીને એણે નિર્ણય લેવો જોઈએ?

ઉતર: નિર્ણય લેવામાં પૂરતો વિચાર કરવો જોઈએ. માત્ર એનો અમલ ઝડપથી કરવો જોઈએ. ઘણીવાર આપણે નિર્ણયો કરતી વખતે આપણી રૂઢ માન્યતાઓને આધારે ચાલતા હોઈએ છીએ. ક્યારેક કઈ ગોખેલું સૂત્ર પકડી (એનો મર્મ ભૂલીને) દોડતા હોઈએ છીએ. જીવનના વ્યાપક અને સમગ્ર સંદર્ભમાં એ નિર્ણયના આધાત પ્રત્યાઘાતોનો વિચાર કરવો જોઈએ. કોઈ સંકુચિત દૃષ્ટિબિંદુનો ભોગ બનીને નહીં, બલ્કે ખુલ્લા મનથી અને ખુલ્લા દિલથી નિર્ણય લેવો જોઈએ. આજનો યુવાન નિર્ણય લેવામાં જેટલું ‘જોશ’ દાખવે છે એટલું ‘હોશ’ એના પાલન માટે દાખવતો નથી. આથી નિર્ણય સો ગળણે ગાળીને લેવો પણ અમલ એક ધડાકે કરવો.

પ્રશ્ન: આપણા દેશમાં આટલાં બધાં મંદિરો, મસ્જિદો તથા ધર્મસ્થાનકો છે, પરંતુ એમાં ઝઘડાઓ કેવા જોવા મળે છે?

ઉતર: ધર્મ નહીં પણ સાંપ્રદાયિકતાને કારણે દેશમાં કોમ-કોમ વચ્ચે ઝઘડા જોવા મળે છે – સાચો ધર્મ – પછી તે ઈસ્લામ હોય કે હિંદુ – જોડવાનું કહે છે, તોડવાનું નહીં. ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા એ એની સમન્વયધારા છે. હિંદુ દર્શનોએ ચાર્વાકની નાસ્તિકતાને પણ એક દર્શન તરીકે સ્થાન આપ્યું છે. જરા વ્યાપક સંદર્ભમાં વિચારીએ તો બીજા દેશોમાં એક જ ધર્મના બે ફાંટા એકબીજા સામે લડે છે, જ્યારે ભારતમાં બે હજાર જેટલા સંપ્રદાયો છે તે ભૂલવું જોઈએ નહીં. સર્વધર્મસમન્વયનો સંદેશ પણ વિશ્વને ભારતે જ આપેલો છે. મૂળ પ્રશ્ન લોકોને ભૂતકાળની ઘેલછા, ધર્મની જડ માન્યતા, વર્ષો જૂના પૂર્વગ્રહો, અકર્મણ્યતા અને રૂઢિચુસ્તતામાંથી બહાર લાવવાનો છે. આને માટે સ્થૂળ અને સૂક્ષ્મનો ભેદ કરવો જોઈએ. શબ્દ અને અર્થના અંતરને પારખવું જોઈએ. ચિત્તશુદ્ધિનો પ્રયાસ કરવો જોઈએ. આમ થશે તો પ્રજા સંકુચિત સાંપ્રદાયિકતામાંથી બહાર આવશે. ધર્મની વિશાળતા અને સમન્વયાત્મકતાનો એને ખ્યાલ આવશે.

પ્રશ્ન: આજનો યુવાન ધર્મ તરફથી વિમુખ થતો જાય છે, તેના તરફ સૂગ ધરાવે છે. તેનું કારણ શું?

ઉત્તર: આજના કેટલાક યુવાનો ધર્મથી વિમુખ બન્યા છે તેનું એક કારણ ધર્મને નામે ચાલતો આડંબર, ભ્રામક પ્રચાર, ઉત્સવ – મહોત્સવ અને આક્રમક-ઝનૂની ઝઘડાઓ છે. જો યુવાન ધર્મની મૂળ ભાવના સુધી પહોંચે તો ધર્મને આદર આપવા માંડે. પરંતુ છેક સાધ્ય સુધી પહોંચવાને બદલે સાધનમાં જ અટકી જાય છે. ધર્મના મર્મ સુધી જવાને બદલે માત્ર એની વિકૃતિમાં અટકી જાય છે. ધર્મના મૂળમાં રહેલી માનવતા કે આત્મવિશ્વાસ તરફ જો યુવાનની દૃષ્ટિ જાય તો જરૂર ધર્મ તરફ એનો આદર વધે. બીજી બાજુ રૂઢિચુસ્તતા, ગતાનુગતિકતા અને ક્રિયાકાંડનું પાખંડ જોઈને પણ યુવાન ધર્મથી વિમુખ બને છે. ક્યારેક ધર્મના ઓઠા હેઠળ વર્તમાન જીવનથી ભાગવાની વૃત્તિ કે વિજ્ઞાનની અવહેલના પણ યુવાનને ધર્મ વિશે સાશંક બનાવે છે. હકીકતમાં યુવાનને સ્વામી વિવેકાનંદના અર્થમાં આજે ‘આસ્તિક‘ બનાવવાની જરૂર છે. તેઓ કહે છે કે જે ઈશ્વરમાં માનતો નથી તે નાસ્તિક નથી. પરંતુ જે પોતાની જાતમાં જ શ્રદ્ધા ધરાવતો નથી તે નાસ્તિક છે. આથી યુવાનના જીવનમાં આત્મવિશ્વાસ અને અધ્યાત્મમાં આત્મશ્રદ્ધા પ્રગટાવવામાં આવે તો યુવાનની ધર્મ પ્રત્યેની સૂગ દૂર થઈ જાય છે.

પ્રશ્ન: આજના યુવાનોએ બીજાને માટે શું કરવું જોઈએ?

ઉત્તર: આમાં સૌથી પહેલી વાત આવશે દેશની ગરીબીની. એ ગરીબો તરફ મદદનો હાથ લાંબો કરવો જોઈએ. આ દેશમાં એટલી કારમી ગરીબી અને ભૂખમરો છે કે કોઈ પણ યુવાનને વ્યસન કે ફેશન પોસાઈ શકે નહીં. અજ્ઞાનમાં ડૂબેલા લોકોને જ્ઞાન આપવાનું અને નિરાધાર લોકોને આધાર આપવાનું કામ આ યુવાનોએ કરવું જોઈએ. પોતાના શક્તિ, સામર્થ્ય અને આત્મબળનો ઉપયોગ બીજાની સહાય માટે કરવો જોઈએ. ધર્મની વિકૃતિને પારખીને એના સનાતન સત્યો રજૂ કરવાં જોઈએ – વહેમ કે કુરૂઢિને અળગા કરવા માટે યુવાને કોઈપણ આફતનો પ્રતિકાર કરવાની શક્તિ કેળવવી જોઈએ. વળી અન્યને મદદ કરવા પાછળ કોઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ નહીં. નિ:સ્વાર્થ સેવા જેવી બીજી કોઈ પ્રભાવક બાબત નથી. સ્વામી વિવેકાનંદે એક સ્થળે માર્મિક રીતે કહ્યું છે કે બીજાને માટે કામ કરવું હોય તો સૌથી પહેલી આવશ્યકતા સમભાવની છે. સમભાવ. સાંપડે પછી જ સામી વ્યક્તિની પીડા પારખી શકાય. સેવા, ધર્મપ્રચાર અને જીવનસુધાર એવી અનેક પ્રવૃત્તિ કરીને યુવાન બીજાને મદદરૂપ થઈ શકે અને સ્વજીવનમાં સંતોષ પામી શકે.

Total Views: 165

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.