(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધિયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલું વ્યાખ્યાન)

મિત્રો, આ સમાવર્તન વ્યાખ્યાન માટે કોઈ વધારે સમર્થ વ્યક્તિને બોલાવવી જોઈતી હતી એમ હું ધારું છું. મને હતું કે મારું કામ તો આજે અહીં ટૂંકું વ્યાખ્યાન આપવાનું છે. તે દ્વારા આ વિષયમાં મારો ઊંડો રસ વ્યક્ત કરવાનું અને આપણા પર્યાવરણની જાળવણી માટે જે પગલાં ભરાયાં છે તે બદલ મારી ખુશી વ્યક્ત કરવાનું છે. આ આઠેય દહાડા હું બહારગામ હતો. કોટ્ટયમથી હું કાલ મધરાતે આવ્યો. ત્યાં ‘મલાયલી મનોરમા’ની સંસ્થાની શતાબ્દીના અવસરે હું ગયો હતો. એટલે, અહીં થયેલી ચર્ચા વિચારણા અને રજૂઆતોથી હું પરિચિત નથી. તેમજ મને જે સાહિત્ય મોકલાવેલું તે પણ હું વાંચી શક્યો નથી. મેં માત્ર એક કામ કર્યું છે: ‘સ્ટેટસ ઑફ એન્વાયરન્મેન્ટ ઈન આન્ધ્રપ્રદેશ, સીટીઝન્સ રિપોર્ટ; ૧૯૯૦’ નામનું જે અંગ્રેજી પુસ્તક ઍકૅડેમી ઑફ ગાંધિયન સ્ટડીઝે પ્રકાશિત કર્યું છે તેનું અધ્યયન મેં કર્યું છે.

એણે મને અસર કરી છે. આવા માહિતીપૂર્ણ પુસ્તકના પ્રકાશન માટે હું લેખકોને ધન્યવાદ આપું છું ને એની તેલુગુ આવૃત્તિ હું જોઈ ગયેલ છું. તે વધારે વિસ્તૃત છે. આ અગત્યનો પણ અઘરો વિષય લોકોને સમજાવવામાં આ બેઉ પુસ્તકો સહાયરૂપ છે. અહીં મારે જેની ઉપર ભાર દેવાનો છે તે બાબત એ છે કે, આ બાબતમાં સરકાર કે બીજું કોઈ સંસ્થાકીય માળખું જે કંઈ કરે, તે વિશે લોકોને શિક્ષણ આપવાની જરૂર છે. ને મને કહેવામાં આવ્યું છે કે આખા આન્ધ્રપ્રદેશમાં આવી ચર્ચા મંડળીઓ લોકશિક્ષણમાં કાર્યરત રહેશે અને પોતાના પર્યાવરણના રક્ષણ દ્વારા પોતાના જીવનને રક્ષવાના આ મહાકાર્યમાં એ રીતે જોડાશે તે જાણી મને આનંદ થયો છે.

પોતાની જરૂરિયાત કરતાં લોકો વધારે વસ્તુઓ વાપરે છે. બીજું શું કરવું તે તેઓ જાણતાં નથી. વાસ્તવિકતાની ઈન્દ્રીયકક્ષા પૂરતી તેમની ફિલસૂફી મર્યાદિત છે. એટલે એથી વધારે એ કરી પણ શું શકે? સમૃદ્ધ અને વધારે સમર્થ દેશો વધારે ચીજવસ્તુઓ વાપરે છે અને રંક અને નબળા દેશોનો વપરાશ ઘણો ઓછો છે. એ દેશો પાસે બીજું કશું કરવાની શક્તિ જ નથી. પર્યાવરણના સૌથી મોટા વપરાશકાર તરીકે બીજા દેશોની આગળ અમેરિકા છે. એમની પાસે એમ કરવાની શક્તિ છે. પરંતુ ભવિષ્યને લાગે-વળગે છે ત્યાં સુધી તેમ કરીને તેઓ પોતાના જીવન સાથે બીજા લોકોના જીવનને પણ નાશ કરી રહ્યા છે. મને આનંદ છે કે પશ્ચિમમાં હવે નવી જાગૃતિ આવી છે. પણ ભારતમાં આપણે શું કરીશું?

જે લોકો પાસે ખૂબ વાપરવા નાણાશક્તિ છે તેવા લોકો ભારતમાં છે. એ લોકો સૌથી ઊંચે બેઠા છે. એ લોકો ખૂબ વાપર્યે જાય છે જ્યારે, માનવી તરીકે સરખી રીતે જીવવા માટે જેટલું આવશ્યક છે તેટલુંયે વાપરવાની ત્રેવડ જેમની પાસે નથી તેવા કરોડો લોકો નીચેના થરમાં છે. આમ, આપણે નાણાશક્તિવાળા ટોચના લોકો અને સામાન્ય જનતા વચ્ચે વપરાશ સમાન કરવા માગીએ છીએ ત્યારે, સમાજમાં થોડા ન્યાયની આવશ્યકતા રહે છે, પણ એ ન્યાય આપણે ત્યાં નથી. આપણા રાષ્ટ્રીય જીવનના દરેક પાસામાં ઊડીને આંખે વળગે તેવો અન્યાય છે ને બે પક્ષો વચ્ચેની ખાઈ વરસોવરસ વધતી જાય છે. નૈતિક માનવતાની જાતિથી સમાજમાં ન્યાય જન્મે છે, સરકારે લાદેલા કાયદાકાનૂનથી નહીં. આપણે ત્યાં ઘણા કાયદાઓ અને નિયમો ઘડાયેલા છે, પણ પરિણામ શૂન્ય છે, લોકોને વધારે ને વધારે પીડા ભોગવવી પડે છે. ‘મારે દેશ પ્રત્યે, દેશની પ્રજા પ્રત્યે મારી ફરજ છે,’ એવું ભાન ભારતનાં દરેક સ્ત્રીપુરુષમાં થાય નહીં ત્યાં સુધી પ્રતિભાવ જન્મવાનો નથી, એવું તંદુરસ્ત વલણ જન્મ્યું નથી, પણ એ પેદા થવું જ જોઈએ; અને મનુષ્યના આધ્યાત્મિક વિકાસનું એ આરંભનું પગથિયું છે.

દુર્ભાગ્યે, દેશના પ્રત્યેક ક્ષેત્રમાં એ પ્રવર્તી રહ્યું છે. ઉદાહરણ તરીકે, તમે અદાલતોમાં ન્યાય લો. અદાલતોમાં આપણને ઈન્સાફ ભાગ્યે જ મળે છે. જેમની પાસે પૈસા અથવા રાજકીય સત્તા છે અથવા એનું પીઠબળ છે તે સિવાય, બીજાને ભાગ્યે જ ઈન્સાફ મળે છે. કાયદો છે, ન્યાય નથી. વકીલ, ન્યાયાધીશ અને અસીલોના હૃદયમાં ન્યાયની ભાવના જાગે ત્યારે જ, કાયદો ન્યાય આપી શકે. આ મુશ્કેલીઓના ગંજ સામે, જે ભયનો સામનો કરવાનો છે તે માટે લોકોને જાગૃત કરવાનું કાર્ય આપણે કરવાનું છે.

આપણા પ્રાકૃતિક અને માનવીય પર્યાવરણ પ્રત્યેના આપણા અભિગમ બાબત આપણને દર્શન વારસામાં મળેલું છે. માનવીના પર્યાવરણ સાથેના સંબંધ બાબત દરેક સંસ્કૃતિને એનું પોતાનું દર્શન હોય છે. પશ્ચિમમાં, ખાસ કરીને આજના પશ્ચિમમાં, જે ફિલસૂફી પ્રવર્તે છે તેથી આપણું દર્શન જુદા પ્રકારનું રહ્યું છે. આપણા પર્યાવરણ સાથે શાંતિથી રહેવાનું અને, આપણા વિકાસ તથા કલ્યાણ માટે એ જે આપે તે વાપરવાનું આપણી ફિલસૂફી આપણને શીખવે છે. માતાને ધાવતા શિશુની જેમ એ શોષણ કરતી નથી. શિશુને તેમજ માતાને, બન્નેને માટે, એ સારું છે. આપણને પ્રકૃતિની સહાયની આવશ્યકતા છે જ, તેથી, પ્રકૃતિ પાસેથી આપણી જરૂરિયાતો આપણે લેશું. આપણી ફિલસૂફી કહે છે કે આપણે આપણો લોભ વધારી પ્રકૃતિનો વિનાશ કરવાની હદ સુધી એનું શોષણ કરવું જોઈએ નહીં.

માનવી અને પ્રકૃતિ વચ્ચેના આ સંવાદના વૈદિક દર્શનનું નિરૂપણ સંસ્કૃત સાહિત્યમાં અનેક સ્થળે વ્યક્ત થયું છે. પ્રકૃતિ પ્રત્યે આદરથી જોવા પર સર્વત્ર ભાર મુકાયો છે. થોડાં દૃષ્ટાંતો આ રહ્યાં. (શુકલ યજુર્વેદ, ૩૬.૧૭)

ॐ द्यौः शांतिः, अन्तरिक्षं शान्तिः, पृथिवी शान्ति: आपः शान्तिः, औषधयः शांतिः वनस्पतयः शांतिः, विश्वदेवाः शांतिः, ब्रह्म शांतिः, सर्वं शांतिः

‘ૐ આકાશમાં શાંતિ હો, વાતાવરણમાં શાંતિ હો, પૃથ્વી પર શાંતિ હો, જલમાં શાંતિ હો, વનસ્પતિમાં શાંતિ હો, દેવોમાં શાંતિ હો, બ્રહ્મમાં શાંતિ હો, સર્વત્ર શાંતિ હો, શાંતિ હો!’

‘તૈત્તિરીય આરણ્યક’ (૩૦.૨૯) બીજું દૃષ્ટાંત:

मधु वाता ऋतायते, मधु क्षरन्ति सिंधवः, माधवीर् नः सन्त्वोषधिः, मधु नक्तमुतोषसि मधुमत् पार्थिवं रजः, मधु द्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिः मधुमानस्तु सूर्यः, माध्वीर् गावो भवन्तु नः।।

‘વાયુઓ અમને સુખાકારી લાવો, નદીઓ મીઠા પાણી વહો, ઔષધિઓ સુખ આણનારી બનો, રાત અને દિવસ સુખદાયી બનો, ધરતીની ધૂળ અમારું કલ્યાણ કરો, આકાશ અમને સુખ આપો, વનસ્પતિ સુખદાતા બનો, સૂર્ય અમને સુખ આપો, પશુઓ અમને સુખ આપો!’

‘કઠ ઉપનિષદ’ની પાંચમી વલ્લીના પ્રથમ શ્લોકમાં અંતિમ સત્ય બ્રહ્મને, માનવદેહમાં વસનાર આત્મા તરીકે રજૂ કરે છે. ને, શરીરને અગિયાર દરવાજાવાળા નગર સાથે સરખાવે છે. નીચે આપેલા બીજા શ્લોકની ટીકાના આરંભમાં શંકરાચાર્ય કહે છે:

न तु एक शरीरपुर वर्तएव आत्मा किं कर्हिः? शरीरपुर वर्ती।

‘આત્મા એક જ ‘શરીરપુ૨’નો વાસી નથી, એ બધાં ‘શરીરપુરો’માં રહે છે,’ બીજો શ્લોક પ્રકૃતિ અને વિશ્વની મૂલગત એકતાનાં સત્યની માંડણી કરે છે:

हंसः शुचिषद् वसुरन्तरिक्षसद् होता वेदिषद् अतिथिर्दुरोणसत्।
नृषद् वरसद् ऋतसद् व्योमसद् अब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत्॥

‘(સૂર્યના રૂપમાં) આત્મા આકાશમાં રહેતો હંસ છે, અંતરિક્ષમાં રહેતો વાયુ છે, વેદીમાં વસતો અગ્નિ છે, ઘેર આવેલો આદરણીય અતિથિ છે; તે મનુષ્યોમાં છે, દેવોમાં છે, યજ્ઞમાં છે, આકાશમાં છે; (જળચર રૂપે) એ પાણીમાં જન્મે છે, (જંતુઓ, સરિસૃપો અને સ્તન્ય પ્રાણીઓ રૂપે) એ પૃથ્વી પર જન્મે છે, યજ્ઞલ રૂપે એ જન્મે છે, (સરિતાઓ રૂપે) એ પહાડો પર જન્મે છે: એ જ સત્ય છે, એ જ મહાન છે.’

અને ‘શ્રીમદ્ ભાગવત્’ સમસ્ત પ્રકૃતિને હરિના, પરમાત્માના શરીર તરીકે કથે છે. (૧૧-૯-૪૧):

खं वायुरग्निं सलिलं महीं च ज्योतिषि सत्त्वं दिशो द्रुमादिम्।
सरतसमुद्रं च हरेर् शरीरम् यत्किंच भूतं प्रणमेत् अनन्य॥

‘આકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વી તેજોમય નક્ષત્રો, પ્રાણીઓ, દિશાઓ, વૃક્ષો વગેરે, નદીઓ અને સાગરો જે કંઈ સત્ત્વો અને પ્રાણીઓ છે તે સર્વનો પોતાનાથી અભિન્ન જાણીને, હરિનું, સર્વવ્યાપી પરબ્રહ્મનું જ શરીર સમજીને તેમનો આદર કરવાનો છે.’

પ્રકૃતિ પ્રત્યેના સેમિટિક અભિગમથી ઘડાયેલું પશ્ચિમનું વલણ આથી ઊલટું છે. તેઓ પ્રકૃતિ ૫૨ વિજય મેળવવા બહાર પડયા છે. માનવીની આવશ્યકતાઓ માટે, માનવીના લોભ માટે પ્રકૃતિનાં બધાં તત્ત્વોનું તેઓ શોષણ ચાહે છે. ધરતીનું પોતાનું શું થાય છે તેની તેમને પડી નથી પણ પશ્ચિમમાંયે એ ખોટી ફિલસૂફી બદલાઈ રહી છે. મનુષ્ય અને પ્રકૃતિની એકતાના અભિગમની અગત્ય હવે તેમને સમજાઈ છે અને તેઓ હવે બંને વચ્ચે સુમેળ ચાહે છે. ‘ગીતા’ના ત્રીજા અધ્યાયમાં આ વિચાર આપણને જોવા મળે છે:

परस्परं भावयन्तः श्रेयस्करं अवाप्स्यथ।

‘એક બીજાને પોષતાં તમે બંને શ્રેયને પ્રાપ્ત કરો!’

આપણે પ્રકૃતિનું પોષણ અને રક્ષણ કરવું જોઈએ; પછી પ્રકૃતિ આપણું પોષણ અને રક્ષણ કરશે. એ સામસામેનો સંબંધ છે, એક તરફી જોહુકમીના નહીં. માટે પ્રકૃતિનો નાશ ન કરવો. હિંસાયિત પ્રકૃતિ માનવજાત પ્રત્યે હિંસા આચરશે. પ્રકૃતિ પ્રત્યે હિંસા આચરશે. પ્રકૃતિ પ્રત્યેના હિંસાચારમાંથી ઉદ્ભવતા પ્રશ્નનો આપણે આજે સામનો કરવો પડે છે.

એટલે આ સંદર્ભમાં, પ્રકૃતિના આ પાગલ શોષણ પાછળ મનુષ્ય શા માટે પડ્યો છે તે અંગે એક પાયાનો પ્રશ્ન પૂછવાનો થાય છે. ભારતીય તત્ત્વદર્શન આનો ઉત્તર આપે છે: મનુષ્ય પ્રાણી ઈન્દ્રિય સુખની ઇચ્છાથી ભરેલું છે. આ અને તે ભોગવવા માનવહૃદય ઝંખે છે. સંસ્કૃતિઓના પતનકાળે મોજશોખના ભોગનું આ વલણ પ્રગટ થાય છે. માનવ પરિસ્થિતિને વિલાસિતા કેવી રીતે વિકૃત કરે છે તે એ દર્શાવે છે. ઉદાહરણ તરીકે પોતાના પતનની સદીઓમાં રોમન સામ્રાજ્યમાં વિલાસિતા પાછળની આ દોટ ફૂલી ફાલી હતી. રોમન પ્રજાની ખુશી અને ઉત્તેજના માટે, એમની જંગલી અને અમાનુષી અને પ્રાકૃત ઇચ્છાને પરિતોષવા માટે આફ્રિકાથી ખાસ અણાયેલાં હાથી અને સિંહ જેવાં અનેક પશુઓની સંહારલીલા યોજાતી. આજે પશ્ચિમમાં આપણને એવી જ પરિસ્થિતિનું આગમન જોવા મળે છે. પ્રાણીઓની કેટલીયે જાત નાશ પામી ગઈ છે અને બીજી કેટલીયે જાત નાશ પામી રહી છે. આપણા દેશમાં પણ, ઉચ્ચ વર્ગના હીનવૃત્તિના લોકોની મોજવૃત્તિના સંતોષ માટે, કેટલીયે જાતનાં પ્રાણીઓ સંહારાઈ રહ્યાં છે.

આ બધા પ્રશ્નોના ઉકેલનો એક જ ઈલાજ નથી. વિશાળ પ્રશ્નના અંશરૂપ એ છે; પુરુષો અને સ્ત્રીઓ કઈ ફિલસૂફી અનુસાર જીવે છે તેમાંથી એ ઉદ્ભવે છે. આજે આખા જગતે આ પ્રશ્ને એક થઈ કામ કરવું જોઈએ. પોતાની ઇચ્છાઓને સંતોષવામાં લોકોને શી રીતે સંયમિત બનાવવા અને તેમાં, મનુષ્ય અને પ્રકૃતિની એકતાના સમાવિષ્ટ દર્શન ભણીની માનવ ઉત્ક્રાંતિની પ્રગતિના સંદર્ભને લક્ષમાં લેવો જોઈએ. આજે પશ્ચિમના અગ્રિમ વૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ આ દર્શનને વાચા આપી રહ્યા છે. મહાન ધર્મગુરુઓની માફક એમાંના કેટલાક, પ્રકૃતિના અનારોગ્યકારક શોષણને અટકાવવા માટે, માનવીની ઇન્દ્રિયક્ષુધાઓના અંકુશ પર ભાર મૂકી રહ્યા છે.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.