(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધીયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલું વ્યાખ્યાન.)

(માર્ચ ૧૯૯૩થી ચાલુ)

‘સ્ત્રીઓ, પ્રકૃતિસંરક્ષણ અને વૈજ્ઞાનિક ક્રાંતિ’ના ઉપશીર્ષકવાળા પોતાના પુસ્તક ‘પ્રકૃતિનું મૃત્યુ’ (હાર્પર રો, ન્યુયૉર્ક, ૧૯૯૦ની આવૃત્તિ)ની પ્રસ્તાવનામાં શ્રીમતી કૅરૉલાઈમ ચર્ચંટ કહે છે:

‘પ્રકૃતિનું મૃત્યુ’ પહેલી વાર પ્રસિદ્ધ થયું ત્યાર પછીના દાયકામાં, એની મુખ્ય વાતો વધારે સુદૃઢ બની છે. ૧૯૭૦ની પર્યાવરણની કટોકટીની પાર જતી, આ આખી પૃથ્વીના સ્વાસ્થ્ય માટે ભયપ્રદ એવી વૈશ્વિક પ્રકૃતિના અનારોગ્યની કટોકટી ઊભી થઈ છે. ઓઝોનની ઘટ, કાર્બન ડાયોક્સાઈડમાં વધારો, ક્લોરો ફલુરા કાર્બનનું મોટા પ્રમાણમાં બહાર ફેંકાવું, અને તેજાબની વૃષ્ટિ, વાતાવરણ રસાયણશાસ્ત્રી જ્યેમ્સ લવસ્ટૉકે જેનું નવું નામ ‘ગેઈયા’ પાડ્યું છે તેમણે ધરતીના શ્વાસોચ્છ્વાસને અનિયમિત કર્યો છે અને તેનાં રુંવાડાં તથા ફેફસાંને બંધ કરી દીધાં છે. કારખાનાઓમાંથી ફેંકાતા દૂષિત નકામા પદાર્થો, જંતુનાશકો અને તૃણનાશકો જમીનના તળનાં અભિસરણ તંત્રને દૂષિત કરે છે. કઠિયારાઓ ગેઈયાના કેશ કાપે છે તેની સાથે વિષુવવૃત્તીય વર્ષારણ્યો અને ઉત્તરનાં વિકાસારણ્યો ભયાનક વેગે અદૃશ્ય થતાં જાય છે. રોજ કેટલીય જાતની વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિ નાશ પામે છે. મનુષ્યજાત અને પૃથ્વી વચ્ચે નવી ભાગીદારીની જરૂર છે.

સંસ્કૃતમાં પૃથ્વીને ભૂદેવી અને સૂરજને સૂર્યદેવ કહે છે તે રીતે, પૃથ્વી અને પ્રકૃતિના સજીવ અને ચૈતન્યમય તંત્રો તરીકેના વર્ણન માટે, પશ્ચિમમાં વૈજ્ઞાનિકો ખ્રિસ્તપૂર્વ નામો અને નમૂનાઓ તરફ વળી રહ્યા છે.

લેખિકા પોતાના પુસ્તકનું સમાપન આ શબ્દોમાં કરે છે (એજન, અંત્યવચન પૃ.૨૯૫):

‘ભવિષ્યમાં પ્રાકૃતિક સમૃદ્ધિ અને શક્તિસ્રોતો ઘટતા જશે તેમ, બધા પ્રકારના વિકલ્પોની ખોજ આવશ્યક બનશે જેથી, નવી સામાજિક જીવનરીતિ અપનાવીને, પર્યાવરણની ગુણવત્તા બરાબર જળવાઈ રહે. વિકેન્દ્રીકરણ, ચડઊતરી પાયરી વિનાની સંસ્થા, બગાડના પુનરુપયોગ, પ્રદૂષણ ઓછું કરે તેવી વધારે સાદગીભરી જીવનરીતિ, સોફ્ટ ટૅક્નૉલોજીઓ અને મૂડીકેન્દ્રિત નહીં પણ શ્રમકેન્દ્રિત આર્થિક પદ્ધતિઓની શક્યતાઓ વિશે હજી તો વિચાર થવા લાગ્યો છે. માનવીય અને પ્રાકૃતિક પર્યાવરણ તંત્રોના સુમેળ પર આધારિત હોય તે રીતે ભવિષ્યમાં શક્તિ અને પ્રાકૃતિક સમૃદ્ધિની વહેંચણી થવી જોઈએ. લોકો અને પ્રકૃતિએ જીવંત રહેવું હોય તો, અગ્રતાક્ર્મની આવી વ્યવસ્થા એકદમ જરૂરની છે.’

આવું સંવાદી દર્શન આપણો સાંસ્કૃતિક વારસો છે. માણસ કેટલું લાંબું જીવી શકે તેના પાયા ઉપર પશ્ચિમે સંસ્કૃતિ વિકસાવી ત્યારે, માણસ કેટલું ઓછું જીવી શકે તેના પાયા ઉપર ભારતે સંસ્કૃતિ વિકસાવી તે એક સત્યને સમજીને મનુષ્ય જીવન પ્રત્યેના પૂર્વ અને પશ્ચિમના અભિગમો વચ્ચેનો તફાવત સમજી શકાય છે તેમ, વિવેકાનંદે બરાબર કહ્યું છે. પશ્ચિમમાં લોકો પૂર્ણ જીવન જીવવા માગે છે ને એને પૂર્ણતર બનાવવા ચાહે છે. ઈન્દ્રિય કક્ષાએ માલ અને સેવાના ઉત્પાદન અને વપરાશ ઉપર એ પૂર્ણ અને પૂર્ણતર જીવનનો ખ્યાલ કરવામાં આવ્યો છે. વપરાશવાદની ફિલસૂફીનો વિકાસ આમાંથી થાય છે. ભારતમાં સ્વાતંત્ર્ય પછી આપણી પ્રજાએ પણ એ ફિલસૂફી સ્વીકારી છે. ને આપણું ટેલીવિઝન આપણા લોકોને એ ખોટી ફિલસૂફી તરફ જોરથી ધકેલી રહ્યું છે. ઈન્દ્રિયોનો વધારે ને વધારે પરિતોષ, ચીજવસ્તુઓ અને સેવાઓની વધારે ને વધારે ખપત એટલે પૂર્ણ જીવન નહીં. માનસિક અને આધ્યાત્મિક જીવનની સમૃદ્ધિનો સમાવેશ પૂર્ણ અને પૂર્ણતર જીવનમાં થવો ઘટે; માનવજીવનમાં એ તો ગુણવત્તા આપે છે. પેલા બીજા પ્રકારમાં માત્ર જથ્થો છે. પૂર્ણ જીવનને નામે નિરકુંશ બનીને આપણે ઉડાઉપણે જથ્થા પર ભાર મૂકીશું તો, થોડીક સદીઓમાં આપણે સઘળી પ્રકૃતિનો નાશ જ કરીશું. ઈન્દ્રિય તૃપ્તિ પર અંકુશની વાત અત્યાર સુધી માત્ર ધર્મે જ કરી હતી. પરંતુ, આ વીસમી સદીમાં, પાશ્ચાત્ય વિજ્ઞાને પણ પોતાનો સૂર આ સત્યમાં પુરાવ્યો છે. ૧૯૫૯માં, શિકાગો યુનિવર્સિટીમાં, ડાર્વિન શતાબ્દી સ્મારક વૈજ્ઞાનિક પરિષદને સંબોધતા, એ કાળના જીવવિજ્ઞાન શાસ્ત્રીઓના ગુરુ, સર જુલિયન હકસલેએ (એવોલ્યૂશન આફટર ડાર્વિન. વૉ.૩ શિકાગો યુનિવર્સિટી પ્રેસ. પૃ. ૨૫૮) કહ્યું છે:

‘એક વેળા આપણે સ્વીકારીએ કે… વધારે લોક માટે જીવનની વધારે સિદ્ધિઓ અને માનવ સમાજો માટે પણ વધારે સિદ્ધિઓ શક્ય બનાવવી એ માનવીનું નિર્માણ છે તો, શબ્દના રુઢ અર્થમાં ઉપયોગિતા ગૌણ બની જાય છે. માણસની પ્રાથમિક જરૂરિયાતો માટે જથ્થો કે ભૌતિક ઉત્પાદન ચોક્કસ આવશ્યક છે – પણ તે કેટલેક અંશે જ. અમુક સંખ્યા કરતાં વધારે પ્રમાણમાં વ્યક્તિ દીઠ કૅલરીઓ કે આસવો, ટી.વી. સેટ કે ધોલાઈ યંત્રો કેવળ બિનજરૂરી જ નથી પણ નુકસાનકારક છે. ભૌતિક ઉત્પાદનનો જથ્થો બીજા સાધ્ય માટેનું સાધન છે અને પોતે સાધ્ય નથી જ.’

એ જ પરિષદમાં ‘ઉત્ક્રાન્તિ દર્શન’ના પોતાના વ્યાખ્યાનમાં (એજન, પૃ.૨૬૧-૬૨) એ કહે છે:

‘પદાર્થ કરતાં મનના ચડિયાતાપણાને, જથ્થાને ગુણવત્તાથી ગૌણ તરીકે, તે (ઉત્ક્રાંતિ-દર્શન) આપણને દર્શાવે છે.’ આપણા બધા પ્રયત્નો છતાં, દુનિયામાં ચારે કોર, રોજબરોજ, પર્યાવરણ નાશ પામી રહ્યું છે. સૌથી ખરાબ પરિસ્થિતિ ભારતમાં છે. આવું વધારે વખત ચાલવા દેવાય નહીં. પરંતુ આજે આપણે કરી રહ્યા છીએ તેવી ગોષ્ઠિઓ લોકોને કેળવી, કંઈક અયોગ્ય થઈ રહ્યું છે તેવું ભાન જગાડે છે. એક ગામડાના બધા લોકો સમજે કે કંઈ ખોટું થઈ રહ્યું છે તો, એના ઈલાજ માટે એ લોકો પગલાં ભરી શકે.

વપરાશની ઘેલછાને આપણે અંકુશમાં રાખીશું અને ગુણવત્તા માટે પ્રયત્ન કરીશું ત્યારે, મનમાં વિચાર જાગશે! ‘મારા ટોપામાં મારે પંખીનું પીંછું શા માટે ખોસવું જોઈએ? એ માટે પંખીને મારવું પડે છે, જે પ્રકૃતિના નાશ બરાબર છે. આ રીતે, અત્યાર સુધીમાં કેટલાં પંખીઓ મરાયાં હશે?’ આ પ્રકારનું ચિંતન લોક સમક્ષ રજૂ થવું જોઈએ. જાતને પહેલી કહેવાની વાત એ છે કે જાતે કેટલીક ચીજો વિના ચલાવવું જોઈએ. મારે અમુક વસ્તુની આવશ્યકતા શી છે? આપણી મહાન સાંસ્કૃતિક પરંપરાએ, આપણા આધ્યાત્મિક ગુરુઓએ આપણી ઈન્દ્રિયસુધા પર અંકુશ મૂકવાની વાતનો વિચાર આપણને આપ્યો છે. તમારી જરૂરિયાતોને પૂરી પાડીને જીવો; પણ તમારા જીવનની આંતરિક ગુણવત્તાને વધારવા માટે તમારી જરૂરિયાતો પર અંકુશ મૂકો. જેટલી ઓછી ચીજોથી ચાલી શકે એટલીથી ચલાવો. વધારે પડતું ભેગું ન કરો. ઈશ ઉપનિષદ્‌ના આ શ્લોકે ગાંધીજીને પ્રેરણા આપી હતી:

ईशावास्यं इदं सर्वं यत् किंच जगत्यां जगत्।
तेन त्यक्तेन भूंजीथाः मा गृधः कस्यस्वित् धनम्॥

‘ચર અને અચર આ સઘળું વિશ્વ ઈશ્વર વડે વ્યાપ્ત છે; એ ત્યાગ વડે જીવન માણો; બીજાનું ધન પચાવી નહીં પાડો.’

એ मा गृधः- ‘પચાવી નહીં પાડો’ – મહાન વાક્ય છે. તમારે ખરેખર જેની જરૂર છે, તેનાથી જ જીવતાં શીખો. ‘શ્રીમદ્ ભાગવત્’ આમાં ઉમેરો કરીને કહે છે કે ‘તમારી જરૂરિયાતોથી વધારે ઇચ્છાઓની તૃપ્તિ સૂક્ષ્મ પ્રકારની ચોરી છે. આઝાદી પછીથી ભારતમાંથી આ પ્રકારની જીવનરીતિની ફિલસૂફીની અસર લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. આઝાદીએ આપણને ઉડાઉ બનવાની આઝાદી આપી છે. પ્રજા તરીકે આજે આપણે ઉડાઉ બની ગયા છીએ: એ દૃષ્ટિએ, આ સ્વાતંત્ર્ય નથી. ચીજવસ્તુઓ માટેની એ બીજા પ્રકારની ગુલામી છે. આ મહાન બોધને આપણે સમજ્યા નથી; એની પર આધુનિક પર્યાવરણીય પ્રશ્નોએ સ્વીકારની મહોર મારી છે.

એટલે, ગાંધીજીના સંદેશની વિગતોને બાજુએ રાખીને – એ સંદેશ આપણને સૌને ગમે કે નહીં – આ પ્રશ્ન પરત્વેનો ગાંધીજીનો અભિગમ એવો છે જે ભારતીય સંસ્કૃતિના સમગ્ર અભિગમ સાથે અને કેટલાયે પાશ્ચાત્ય યુદ્ધોત્તરકાલીન ચિંતકોના અભિગમ સાથે સુસંગત છે. આમ આપણે બને તેટલી ઓછી ચીજવસ્તુઓથી ચલાવતાં શીખવું જોઈએ; પરંતુ આપણું જીવન સભર હોવું જોઈએ : અહીં વપરાશમાં આપણે જીવનનાં ભૌતિક, કલાત્મક તેમજ આધ્યાત્મિક પાસાંઓનો સમાવેશ કરવો જોઈએ. એ માટે જે યુક્તિ પ્રયુક્તિઓની જરૂર લાગે તે આપણે ઊભી કરવી જોઈએ. એ ડહાપણનું કામ છે. આપણા માનવસ્રોત વિકાસને સિદ્ધ કરવા માટે આપણે આર્થિક વિકાસનાં પગલાનું આયોજન કરીએ ત્યારે, એ શાણપણથી આપણે દોરાવું જોઈએ. ના, પર્યાવરણીય સ્વાસ્થ્યને આપણા દેશમાં આપણે પ્રાથમિક અગત્યનું ગણી, તે હાંસલ કરવાના પગલાં ભરવાનાં છે.

યુનાઇટેડ સ્ટેટ્સના યુદ્ધોત્તર કાળનાં અદ્યતન આર્થિક વલણોને લગતા યુ.ઍસ.એ.ના ફૅડરલ કમિશનના અહેવાલમાંના એક વાક્યનો હાર્વર્ડના સ્વ. સોરોડિન ઉલ્લેખ કરે છે. એ અહેવાલ જણાવે છે તે મનુષ્યની કામનાઓ અગણિત છે અને નવી જાગેલી કામનાઓ સંતોષાયા પછી નવતર કામનાઓ જાગવાની જ છે. એક પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકમાં વણાયેલા પુરાણા શાણપણનો પડઘો આ કથન પાડે છે:

यत् पृथिव्यां व्रीहीयवं हिरण्याः पशवः स्त्रियाः।
एकस्यापि न पर्याप्तं इति मत्वा शमं व्रजेत्॥

“આખી પૃથ્વી ઉપર જે કંઈ સમૃદ્ધિ જળ, સુવર્ણ, પશુઓ અને સ્ત્રીઓ છે તે બધુંયે એક વ્યક્તિની તૃષ્ણાને સંતોષી શકે તેમ નથી. આ જાણી લોકોએ સંયમ અપનાવવો જોઈએ.”

માણસ નરક ઊભું કરી શકે તો તે સ્વર્ગ પણ રચી શકે. અર્વાચીન વિજ્ઞાન અને આપણાં પ્રાચીન દર્શનો અનુસાર માણસ પાસે એ શક્તિ છે. કોઈ માનવપૂર્વ યોનિએ પોતાના પ્રાકૃતિક પર્યાવરણમાં કંઈયે પરિવર્તન કર્યું નથી: એમનામાં એ શક્તિ જ ન હતી. પણ મનુષ્યમાં આત્મભાનનું જે કેન્દ્ર છે તેમાંથી એ પ્રગટે છે. ઘોડા કે હાથી જેવાં, પોતાના કરતાં ક્યાંય મોટાં પ્રાણીઓને એક માનવબાળ વશમાં રાખી શકે છે તે એનામાં આ રીતની રહેલી નવીન પ્રકારની શક્તિને કારણે. એટલે, હાલ સામાજિક અને રાજકીય દૃષ્ટિએ આપણે નરક સર્જી રહ્યા છીએ તો દેશમાં આપણે પર્યાવરણનું નરક પણ ખડું કરી જ શકીશું ને એ દિશામાં આજે આપણે ધપી રહ્યા છીએ. અને તેથી જ આપણા લોકોને આપણે કહેવાનું છે: ‘ના!’ આ બધું બદલવાની શક્તિ આપણી પાસે છે, આરોગ્યપ્રદ પર્યાવરણ ઘડવાની, સ્વર્ગસમું પર્યાવરણ અહીં આ દુનિયામાં ઘડવાની શક્તિ આપણી પાસે છે. વેદાન્તનો આ સંદેશ આપણા સૌ લોકો પાસે આજે જ પહોંચવો જોઈએ.

તમારી આસપાસનાં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિનો તમે વિનાશ કરો અને, તમારે વધારે મોજ કરવી છે માટે, તમારે વપરાશ વધારવો છે માટે, તમે ધરતી, હવા અને પાણીને દૂષિત કરો તો, તમે જ તકલીફમાં આવી પડશો. તો તમે નરકનું સર્જન કરશો ને પછી તમારે જ એમાં રહેવું પડશે. આમ થવા દેવું જોઈએ નહીં. એને સુધારવાની કોશિશ કરો. તમારે માટે સ્વર્ગ રચો. તમે અને હું, સાથે કામ કરીએ. લોકો સમક્ષ આ ભાષામાં આપણે વાત કરીએ. એ જવાબદારી તમારી છે. તમારું સ્વર્ગ રચો કે નરક.

આ પ્રશ્નને આપણે બે દૃષ્ટિબિંદુઓથી હાથ ધરવો જોઈએ. એ, બીજો મુદ્દો છે. આ વિષયના કેટલાંક પાસાં વિવાદથી પર છે. અને કેટલાંક વિવાદાસ્પદ છે. આ પ્રકારના વિવાદમાં, સામો પક્ષ પર્યાવરણ વિરોધી છે એમ નહીં માની લેવું. તેઓ પણ એ જ ચાહે છે. પણ અભિગમો ભિન્ન છે. કોઈને એક બાબત જેટલી ભયાનક લાગે તેટલી બીજાને ન લાગે. આપણે સંસ્કૃતમાં કહીએ છીએ તેમ, આ જુદા અભિગમો – મત – છે અને, કોઈ પ્રશ્ન વિશેનું સત્ય તત્ત્વ છે. પર્યાવરણને લગતા પ્રશ્નોમાં કેટલીક બાબતો તત્ત્વ છે અને કેટલીક મત છે. માત્ર તત્ત્વની બાબતો જ સાર્વત્રિક છે. શું ખરાબ છે તે આપણે સૌ સમજીએ છીએ. ઉ.ત., યંત્રોદ્યોગોના બગાડને નદીઓ અને સરોવરોમાં વાળી તેમને દૂષિત કરીએ છીએ અને વાતાવરણને વિવેકમર્યાદા વિના પ્રદૂષિત કરીએ છીએ તે ખરાબ જ છે. આ બધું ખરાબ છે ને તે અટકવું જ જોઈએ એમ સૌ કોઈ કહેશે. પરંતુ અમુક ઉદ્યોગ અહીં ઊભો કરવો કે તમુક બંધ નહીં બાંધવો તે તત્ત્વ હેઠળ નથી આવતું; આ અંગેના નિર્ણયો હંમેશાં તટસ્થ હોતા નથી. આમાં ઠીક ઠીક પ્રમાણમાં આત્મલક્ષિતા, મત પ્રવેશી જાય છે. આથી આપણે એ બંનેને જુદાં કરવાં જોઈએ: શંકરાચાર્ય પોતાના ‘બ્રહ્મસૂત્ર ભાષ્ય’માં ‘મત’ને પુરુષ-તંત્ર-જ્ઞાન, વ્યક્તિના વલણ પર આધારિત જ્ઞાન ‘તત્ત્વ’ને વસ્તુ-તંત્ર-જ્ઞાન, વસ્તુ, સત્ત્વ પર આધારિત જ્ઞાન કહે છે. તત્ત્વાધારિત જ્ઞાન તટસ્થ, ને તેથી, સાર્વત્રિક હોય છે. વ્યક્તિના સ્વભાવ કે વલણ પર આધારિત જ્ઞાન, માનવજીવન માટે અતિ મૂલ્યવાન હોવા છતાં, સાર્વત્રિક હોઈ શકે નહીં. લોક કલ્યાણની બાબતોમાં વસ્તુ – તંત્ર – જ્ઞાન ઉપર વિશેષ ભાર દેવો જોઈએ અને, ભિન્ન ભિન્ન હોઈને, પુરુષ – તંત્ર – જ્ઞાનને સ્વસ્થ અને શાંત ચર્ચાની એરણે ચડાવ્યા પછી સ્વીકારવું જોઈએ.

તેથી કોઈ નદી કે સરોવરનાં જળ પ્રદૂષિત થતાં હોય તો, આપણે સૌએ સાથે મળી તેમ થતાં અટકાવવું જોઈએ. પરંતુ કોઈ ઉદ્યોગ ક્યાં ઊભો કરવો, નદી પર બંધ ક્યાં બાંધવો કે એવી કોઈ મોટી યોજના કરવી હોય તો, લાગણીના ઉન્માદ વિના શાંતિપૂર્વક, કાળજીપૂર્વક અને અનાસક્તિપૂર્વક તે વિશે વિચાર કરવો પડશે. ભારતમાં દરેક રાષ્ટ્રીય પ્રવૃત્તિ માટે લાગણીનાં ઉન્માદભરી વિચારણા અને એવા જ ઉન્માદભર્યા પ્રતિભાવ દાખવવાનું જોરદાર વલણ પ્રવર્તે છે, આ બિલકુલ ખરાબ છે; કારણ કોઈ વ્યક્તિ કે સમૂહ એમ કહી શકે નહીં કે પોતે જે વિચારે છે તે જ સત્ય છે; એનો કેવળ મત છે. બીજા લોકોના મત પ્રત્યે પણ આપણે આદર દાખવવો જોઈએ. આમ, લાગણીનાં ઉન્માદ, મતાંધતા કે હિંસામાં ફસાયા વિના આપણા પર્યાવરણની સુરક્ષામાં આપણને ફતેહ મળે તે માટે આપણે કાર્ય કરવું જોઈએ. લોકો આવું ઉન્માદી વલણ કે અભિગમ અપનાવી બેસે છે ત્યારે, દરેક વેળા, સારા આશયથી ભરાયેલાં પગલાંનું પરિણામ, દુર્ભાગ્યે, હિંસામાં આવે છે.

છલોછલતાના ચરમ બિંદુએ પહોંચેલા પશ્ચિમના કરતાં ઊલટું, જ્યાં એની વિશાળ વસતિના અર્ધભાગનો વપરાશ સાવ ઓછો છે એવા અર્ધવિકસિત ભારતમાં, આપણે વધારે ઉદ્યોગો સ્થાપવા જોઈએ અને માલસામાનની પેદાશ વધારવી જોઈએ એવી પ્રથમ છાપ આપણને પડશે. બંધની વાત કરીએ તો થોડાક મોટા અને ખર્ચાળ બંધોને સ્થાને અનેક નાના બંધની વાતમાં ઘણું તથ્ય છે. સ્વાતંત્ર્ય પછીનાં વર્ષોમાં, ૯૦ ટકા નીતિઓ, કાર્યક્રમો અને નાણાં સમાજની ઉપલી કક્ષાના, માલદાર, વીસ ટકા લોકોને અનુલક્ષીને આયોજેલ છે. રાષ્ટ્રની હાર્દ સમી બાકીની એંશી ટકા પ્રજાને ઉવેખવામાં આવી છે. આ ઉપલી વીસ ટકા પ્રજામાંથી જ વપરાશવાદનો કોયડો અને ભય જન્મે છે. બાકીની એંશી ટકા કોઈ પર્યાવરણીય પ્રશ્ન ઊભો કરતી નથી કેમકે, મનુષ્ય તરીકેનું ગૌરવ એમની પાસે નહીં હોઈ, વપરાશની કક્ષાથી એ લોકો ઘણા નીચે છે. આ અસમતોલતા સુધારવી જોઈએ અને આ બાબતને યોગ્ય માનવીય પરિપ્રેક્ષ્યમાં મૂકવી જોઈએ અને કોઈ ઉદ્યોગની સ્થાપના કે બંધ બાંધવા જેવો પ્રશ્ન હોય તો, આપણા દેશમાં માનવતાના સંપર્કની મોટી ખોટ જણાય છે; કોઈ ઉદ્યોગ કે બંધનું સ્થાન નક્કી થતાં લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડે તો, તેમને વચનો ખૂબ આપવામાં આવે છે પણ, તેમનો અમલ નથી થતો; એ લોકોની ઉપેક્ષા કરવામાં આવે છે ને પછીથી એમને ભૂલી જવામાં આવે છે. આપણી લોકશાહીને અને આપણા વિકાસ કાર્યક્રમોને દૂષિત કરતો આ સામંતશાહી અભિગમ છે. આ બદલાવવો જ રહ્યો; પહેલાં અને પછીથી, વિકાસનાં ફળ બધી કક્ષાની આપણી પ્રજાને પહોંચવાં જોઈએ.

આરંભમાં મેં કહ્યા પ્રમાણે, પ્રદૂષણ નિયમનનો આ વિષય ખૂબ શાસ્ત્રીય છે. દરેક વ્યક્તિ એમાં માથું મારી શકે નહીં. આ કે તે ક્યો ઉદ્યોગ પ્રદૂષણ ફેલાવે છે તે આપણે જાણતા નથી. એ વિશે જે જાણતા હોય તેમણે આપણને તે સમજાવવું પડશે. આપણે અજ્ઞજનો એનાં માઠાં પરિણામો જાણીએ અને અનુભવીએ છીએ. પ્રશ્નોની શોધ તો એ લોકોએ કરવી પડશે. નાગરિક તરીકે આ બધું ખોટું થઈ રહ્યું છે, તેવી લાગણી વ્યક્ત કરવાનો એ સુધારવાનાં પગલાં ભરવા માટેની માગણી કરવાનો અને લોકોને એ વિશે સતેજ કરવાનો આપણને પૂરો અધિકાર છે. આવી સંગોષ્ઠિ દ્વારા આપણે તે કરી રહ્યા છીએ અને, આરંભમાં મેં કહ્યું હતું તે પ્રમાણે, આ કાર્ય રાજયના બધા ભાગોમાં અને બધા જિલ્લા મથકોમાં ચાલુ રહેશે તે જાણી, મને ખૂબ ખુશી ઉપજે છે. પંચાયત રાજયની આપણી સંસ્થાઓએ સારું કાર્ય કરવું હશે તો, પર્યાવરણીય સ્વાસ્થ્યના આ મોટા પ્રશ્નને હલ કરવામાં એમણે સૌથી વિશેષ કાર્યરત થવું પડશે.

અણુશક્તિ ચાલિત પાવર પ્લાન્ટ કે નર્મદા બંધ જેવા, સમસ્ત રાષ્ટ્રને સ્પર્શતા પ્રશ્નો વિશે એ કક્ષાએ લોકોએ અને સરકારે સાથે નિર્ણય લેવો જોઈએ. પરંતુ ગ્રામપ્રજાને સ્પર્શતા રોજિંદા જીવનના પર્યાવરણીય પ્રશ્નો છે. પોતાના પર્યાવરણના પ્રશ્નોની ચિંતા અને તેમના ઉકેલ બાબત એમને જ્ઞાન આપવું જોઈએ. એમનામાં જાહેર હિતની ભાવના હોય અને સંઘર્ષ પેદા કરતી પક્ષીય ભાવનાની અસરથી તેઓ મુક્ત હોય તો જ તેઓ તેમ કરી શકશે. લોકોની સેવા કરવાની એમનામાં સાચી ઇચ્છા હોય, અપ્રસ્તુત રાજકીય નારાઓની અસરથી તેઓ પર હોય પરંતુ, આસપાસની પ્રજાની સેવાની ભાવનાથી તેઓ પ્રેરિત હોય તો, પોતાના વિસ્તારમાં તેઓ પર્યાવરણીય આરોગ્ય પ્રસ્થાપિત કરી શકશે. ગ્રામ પંચાયતો, મંડલ (તાલુકા) અને જિલ્લા પંચાયતોમાંના પોતાના ચુંટાયેલા પ્રતિનિધિઓને શિક્ષણ આપવાનું રાષ્ટ્રનું પાયાનું કાર્ય છે. સ્થાનિક સ્વરાજયની આપણી સંસ્થાઓના નૂતન માળખા દ્વારા, આન્ધ્ર પ્રદેશની આપણી પંચાયતોને પ્રાપ્ત થયેલી વધારે સત્તા વધારે નાણાં સમૃદ્ધિ સંદર્ભમાં, આપણે આ મોટું કાર્ય કરવાનું છે. આપણી મોટી ગ્રામ પ્રજાના સ્વાસ્થ્યપ્રદ પરિવર્તન માટે આ વિકેન્દ્રીકરણ પાયાની આવશ્યકતા છે. એનાથી ઉત્તરદાયિત્વનું ભાન અને કાર્યારંભવૃત્તિ વિકાસ પામશે અને મધ્યસ્થ તથા રાજ્ય સરકારો પરનો બાલિશ આધારનો અંત આણી, ગણતંત્રના આપણા વૃક્ષના મૂળને સુદૃઢ કરશે. કર્ણાટકને પણ આ લાગુ પડે છે; સ્થાનિક સ્વરાજય બાબત બંને રાજ્યોમાં આજે સારા કાયદા છે. આવા સંજોગો હેઠળ, લોકોના વિકાસના ભાનને જાગ્રત કરવાની અને તેમને જવાબદાર તથા આત્મનિર્ભર બનાવવાની શક્યતા છે.

આમ, આ સદીના અંત સુધીમાં, પોતાના પ્રશ્નોને પહોંચી વળીએ છીએ એમ આપણા રાષ્ટ્રને લાગે. વિજયનું ભાન વધારે વિજય અપાવશે. આની ગેરહાજરીમાં, જેની સારી કાળજી લેવાય છે તેવા આપણા ઉપલા વર્ગો દિશાદોર વિનાના રાજકીય વાયરાઓમાં ડોલી રહ્યા છે તેને સ્થાને આ રીતે આપણી રાષ્ટ્રીય ઈમારતનો પાયો આપણે મજબૂત કરી શકીશું. આ સદીના અંત સુધીમાં આ સર્વાંગીણ રાષ્ટ્રીય પરિવર્તનને સિદ્ધ કરવાની નેમ આપણે રાખવી જોઈએ.

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 110
By Published On: May 1, 1993Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram