(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

ભગવત્-કૃપાને ઘણી વાર લોકો અવગણે છે કે ભૂલી જાય છે. પોતાની તાકાતમાં વધુ પડતો વિશ્વાસ રાખીને તેઓ લાપરવા બને છે; ઘમંડ ને ઉદ્ધતાઈનું તેઓ પ્રદર્શન કરે છે. આ સંદર્ભમાં આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં એક સુંદર બોધકથા છે:

એક સંતના તપોવનમાં નાનકડો ઉંદર રહેતો હતો. એક વાર એક મોટી બિલાડીએ તેની ઉપર તરાપ મારી. આ જોઈને બાબાજીનું હૃદય દ્રવી ઊઠ્યું. સાધુએ મંત્ર ભણીને ઉંદ૨ પ૨ પાણી છાંટ્યું કે ઉંદરમાંથી બિલાડી બની ગઈ. થોડા સમય પછી તપોવનમાં કેટલાક શિકારી કૂતરાઓ બિલાડીને ફાડી ખાવા ક્યાંકથી આવવા લાગ્યા, ફરીથી સ્વામીજીએ તેને ડાઘિયો કૂતરો બનાવ્યો. થોડા દિવસો ગયા ને ફરીથી એક દીપડો જંગલમાંથી શિકારની શોધમાં આવી ચડ્યો. કૂતરાને મારીને તેને લોહીથી તરસ છીપાવવી હતી. કૂતરો ડરીને દોડ્યો સંતની પાસે. હવે સાધુએ તેને વાઘ બનાવ્યો. પણ વાઘે તો મુનિના પ્રાણ લેવા આતંક મચાવ્યો. એટલે મુનિજી ફરીથી મંત્ર ભણ્યાઃ ‘જા, પાછો ઊંદર થઈ જા!’

અધ્યાત્મના ઉપાસકોને પોતાના જીવનકાળમાં જ આવા પ્રસંગ બને છે. ઈશ્વરની દિવ્ય કૃપા સાધકની ઉપર વરસવાથી સાધક આત્મશુદ્ધિ ને નિર્મળતાના ભાવ અંતરમાં ઉદ્ભવતાં અનુભવે છે. અંતઃકરણમાં એકાગ્રતાની માત્રા સતત વધતી જણાય છે ને જીવનમુક્તિના આનંદનો આભાસ થાય છે. પરંતુ આ ઘડીએ તેઓ અભિમાનથી છકી જઈને ઊંચા મિનારાઓ ગગનમાં બાંધે છે. પોતાની સિદ્ધિઓ વિષે બહુ જ ઊંચા ખ્યાલ ધરાવે છે; બેપરવાઈથી ઊંચા આસને બેસી જાય છે ને ‘હું જગતની કાયાપલટ કરનાર મહાન સુધારક છું’ એમ માની બેસે છે. ત્યાર પછી અચાનક દિવ્યકૃપા અંતર્ધાન થઈ જાય છે – તેઓ એકલવાયા બને છે, રઘવાયા બની જઈને સૂકી ભઠ્ઠ – ભેંકાર મરુ-ભૂમિમાં આથડતા-ભટકતા ફરે છે. (આનાથી અન્ય કોઈ પરિણામની આશા પણ ન રાખવી.)

જેઓ સહૃદયતાથી, અંતરની સચ્ચાઈથી આધ્યાત્મિક સાધના કરે, તેઓ અભિમાન ઓછું કરતા જાય છે – વધુ ને વધુ નિઃસ્વાર્થ થતા જાય છે. લોકવ્યવહાર ને વર્તનમાં તેઓ સદ્ભાવી, શાંત ને પ્રેમાળ હોય છે. આપણે દાતાનું સ્થાન લઈએ – ભિખારીનું નહિ. ભૌતિક જગતમાંથી આપણે કેટલી બધી વસ્તુઓ ભિક્ષુકની જેમ બીજાઓ પાસે હાથ લંબાવીને માગતા રહીએ છીએ. પરંતુ, વાસ્તવિકતાનો સ્વીકાર કરીને અહંકાર ઓછો કરવાને બદલે, મિથ્યાભિમાની બનીએ છીએ! આ મિથ્યાભિમાન જેટલું ઓછું થતું જાય તેટલે અંશે આપણે વધુ ને વધુ આનંદ અનુભવશું, વધુ ને વધુ શાંતિનો અનુભવ આપણને થશે; વળી, જે કાર્યક્ષેત્રમાં કાર્ય ક૨શું, તે પણ વધુ ને વધુ દીપી ઊઠશે. તમને મળેલ આધ્યાત્મિક ઈશ્વરીય આશિષ વિષે હળવાશથી વિચારશો નહિ, – હલકી ભાવનાઓ સેવશો નહિ. તમારી નિર્બળતાઓ ને ભૂતકાળની ભૂલો વિષે સતત વાગોળવાની જરૂર નથી. પરંતુ તમારા મનમાં સક્રિય જાગૃતિ કેળવવી ખૂબ જરૂરી છે. ભક્તિયોગના પથ પર પણ નિરંતર નિત્યાનિત્ય વસ્તુ વિવેક – સત્ ને અસત્ના વિવેકની અત્યંત આવશ્યકતા છે. ઈશ્વરના આશીર્વાદ આપણી ઉ૫૨ વરસે તે પૂરેપૂરા ઝીલવા માટે અને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે મનને સતત જાગ્રત ને હરહંમેશ સબળ રાખવાની બહુ જરૂર છે. જુઓ, શ્રીરામકૃષ્ણદેવ કહે છે: ‘જો ઈશ્વ૨ ત૨ફ તમે એક ડગલું આગળ વધો, તો તે દસ ડગલાં તમારી નજીક આવશે.’

ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.