દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની સંસ્થાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જે સંસ્થા કેળવણી મારફત જીવનના આદર્શો ઊભા કરવા માગતી હોય તે સંસ્થાનું ધ્યેય અને તેનો અમલ એકધારાં હોવાં જોઈએ. દક્ષિણામૂર્તિ સંસ્થા પાસેથી સૌ કોઈ એક પ્રકારના ઉચ્ચ જીવનની આશા રાખતું હતું. અમે પોતે પણ ‘ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યાસ્તુ છિન્નસંશયાઃ’ એ અમારા ધ્યાનમંત્રથી એ જ વસ્તુને અમારા ધ્યેય તરીકે સ્વીકારી હતી. આવી સંસ્થાઓમાં જ્યારે જ્યારે નવા કાર્યકરોને લેવામાં આવે ત્યારે આ બધા કાર્યકરોનાં જીવન સંસ્થાના ધ્યેયની સાથે બરાબર બંધબેસતાં છે કે કેમ તે તપાસવું જોઈએ. દક્ષિણામૂર્તિની શરૂઆતનાં વર્ષોમાં હું એક જ કાર્યકર્તા હતો અને અમે સૌ મહાત્મા શ્રીમાન નથુરામ શર્માના શિષ્યો હતા. એટલે અમારાં જીવન લગભગ એક રંગે રંગાયેલાં હતાં. પાછળથી જ્યારે ગિજુભાઈ સંસ્થામાં દાખલ થયા ત્યારે તેમને દાખલ કરતી વખતે ઉપરનો વિચાર કરીને જ તેમને દાખલ કર્યા એવું નહોતું થયું; પણ સામાન્ય રીતે ગિજુભાઈ સદ્ગત મોટાભાઈના ઘરમાં લાંબો કાળ રહેલા એટલે મારા અને તેમના પાસા બંધબેસતા થઈ જશે એવી શ્રદ્ધાથી અમે ચાલ્યા. પણ પાછળથી હરભાઈ આવ્યા, માધવજી આવ્યા, દાણીભાઈઓ આવ્યા ત્યારે નવીન કેળવણીનો ઉલ્લાસ એ એક વસ્તુમાં અમે સૌ તલ્લીન હતા. એટલે બીજી કોઈ વાતનો વિચાર કરવાનું અમને સૂઝ્યું પણ નહીં. મેં પોતે કોઈ પણ મોટી સંસ્થા આજ સુધીમાં ચલાવી નહોતી એટલે સંસ્થાના સંચાલનમાં કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે, આશ્રમ જેવી સંસ્થાઓમાં દાખલ કરવાનાં જીવનધોરણ કેવાં કેવાં હોવાં જોઈએ, જીવનમાં વૈવિધ્ય હોવા છતાં એ દેખીતા વૈવિધ્યની પાછળ એકતા કેવી રીતે છુપાઈને રહે છે, એ બધી વસ્તુઓ તે દિવસે મારા ખ્યાલમાં ક્યાંથી હોય? ભલભલા મિત્રો પણ જ્યારે એકબીજાની સાથે ખભેખભો અડાડીને કામ કરવા બેસે છે ત્યારે સ્વભાવભેદે, પદ્ધતિભેદે, ઉછેરભેદે એકબીજાની સાથે ગોઠવાઈ શકતા નથી, અને એકબીજાની સાથે અથડાવાને લીધે લાંબા વખતની મૈત્રીને પણ ગુમાવી બેસે છે. એવા અનુભવોમાંથી હું પસાર જ થયો ન હતો; એટલે આ વખત અમે વેગથી વહ્યા જતા હતા, પણ વર્ષો પછી જ્યારે અમારા વેગની નીચે છુપાયેલી આ વિષમતાઓનો મને ખ્યાલ આવ્યો ત્યારે જ મને થયું કે અમે લોકો – ખાસ તો હું – આવડી મોટી સંસ્થાનું સંચાલન કરવા માટે જે લાયકાત જોઈએ તે લાયકાત ધરાવતા ન હતા.

મારો અનુભવ તો એવો છે કે સંસ્થામાં કોઈ પણ એક અદના માણસના મુખીપણા નીચે સૌએ ગોઠવાઈ જવું અને સંસ્થાના ગમે તેટલા વિભાગો હોય તો પણ તમામ વિભાગોએ એકબીજા સાથે ગાઢ સંબંધથી ગોઠવાઈને એક જ એકમ તરીકે કામ આપવું. એ તાલીમ અમારે માટે નવી તો હતી જ, પણ આપણા આખા દેશને માટે હજુ આજે પણ નવી છે. આપણા સમાજની આ મોટી ખામીને લઈને આપણે જીવતીજાગતી મોટી સંસ્થાઓને ઊભી કરી શકતા નથી અને પરિણામે આપણે સૌ શક્તિને છિન્નભિન્ન કરી નાખીએ છીએ.

પરંતુ તે દિવસે આ દિશામાં હું પોતે જ બાળક હતો, એટલે મેં જેમ સૂઝ્યું તેમ અમારું ગાડું ચલાવ્યું અને આડાઅવળાં પગલાં ભરવા માંડ્યાં.

એક વખત દક્ષિણામૂર્તિનો એક વિદ્યાર્થી વીજળીના કારખાનાના હોજમાં મરી ગયો. અમે સૌ આ દિવસોમાં પાવર હાઉસના હોજમાં નહાવા માટે જતા. હું પણ નહાવા તરવામાં સાથે હતો. આ બનાવના દિવસે પણ અમે સૌ સંખ્યા ગણીને ન્હાવા ગયેલા ને સંખ્યા ગણીને પાછા ફર્યા. પણ સંખ્યા-ગણતરીમાં કાં તો ભાઈ અમીચંદની ભૂલ થઈ અથવા તો હું જુદું સમજ્યો, પણ એક ભાઈ પાછળ રહી ગયો. એનું નામ હતું તુલસીદાસ. એ તરતાં તરતાં થાકી ગયો હશે. અમે ઘર તરફ ચાલ્યા ત્યારે જો અમને ખબર પડી હોત તો અમે એને તરત જ બહાર લીધો હોત ને બચાવ્યો હોત; પણ અમે તો ચાલ્યા ગયા! બીજે દિવસે સવારે તુલસીદાસનું મડદું તર્યું એટલે પાવર હાઉસથી અમને ખબર મળ્યા. હું ત્યાં દોડ્યો, પણ શા કામનો? મને ત્યાં મૂર્છા આવી, પણ શા કામની?

તુલસીદાસના અવસાનથી મને જબ્બર ધક્કો લાગ્યો, મેં ગૃહપતિ તરીકેની મારી ગેરલાયકાત સ્વીકારીને દક્ષિણામૂર્તિમાંથી છૂટા થવાનું વિચાર્યું પણ આખરે મિત્રોના અને પૂજ્ય બાપુના સાંત્વનથી મનને શાંત કર્યું. તે દિવસે પ્રાર્થનામંદિરમાં મળેલી શોકસભામાં બોલેલો: “તુલસીદાસ તો મને એનાં માબાપે સોંપેલી થાપણ હતી. એ ગયો એના કરતાં મારો પોતાનો બાબુ ગયો હોત તો મને ઓછો આઘાત થાત!” નસીબયોગે બન્યું એવું કે મારા દીકરા બાબુએ મારા ભાષણની વાત એની બાને કરી. ભાષણ પછી થોડા દિવસોમાં એ પોતે માંદો પડીને ચાલતો થયો અને મારા ભાષણના શબ્દો તો બાબુની બાના દિલમાં રહ્યા તે રહ્યા જ. હજી આજે પણ કોઈ કોઈ વાર એ મને એ શબ્દોની યાદ આપીને પોતાનો પુત્ર ગયો એનું મને નિમિત્ત ગણાવે છે જ; મારા તરફ મીઠો રોષ પણ કરે છે.

(શ્રવણ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘ઘડતર અને ચણતર’માંથી સંકલિત)

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.