(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક તથા પ્રેરક લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા વખતોવખત પ્રસારિત કરવામાં આવે છે તથા ખૂબ લોકપ્રિય થયા છે. પ્રસ્તુત લેખ આકાશવાણી, રાયપુરના સૌજન્યથી હિન્દી ત્રૈમાસિક પત્રિકાવિવેક જ્યોતિમાં પ્રકાશિત થયો હતો. અત્રે પ્રસ્તુત છે તેનો ભાવાનુવાદ. – સં.)

મારા એક મિત્ર છે. તેમને વૃક્ષ-વેલાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. તેઓ એની ખૂબ સારસંભાળ લે છે. એટલી બધી કાળજી રાખે છે કે જાણે એ બધાં એમનાં બાળકો હોય. એમણે અશોકનો એક છોડ વાવ્યો. છોડ વધવા માંડ્યો. જે ડાળી એમને અનાવશ્યક લાગતી તેને તેઓ કાપી નાખતા. જો થડ નમતું લાગે તો ટેકો આપી સીધું કરી નાખતા. ઉ૫૨ની ડાળી ડાળખાંને કાપી ગોળ આકાર આપતા. થોડાંક વર્ષો પછી છોડ વધીને એક પરિપક્વ વૃક્ષ બની ગયું. કેટલું સુંદર, કેટલું મોહક! જોતાંવેંત નજર ત્યાં જ ચોંટી જાય. મેં પણ દેખાદેખીથી અશોકનું ઝાડ વાવ્યું. તે વધવા માંડ્યું અને થોડાંક વર્ષો પછી તે પણ એક મોટું ઝાડ બની ગયું. પણ તેમાં મારા મિત્રના ઝાડ જેવી ન તો સુંદરતા હતી, ન મોહકતા. એનું કારણ પૂછતાં મિત્રે જણાવ્યું કે ‘‘તમારા ઝાડનો વિકાસ આડેધડ હતો. શિસ્તબદ્ધ નહોતો.’’ મિત્રે મને પૂછ્યું: ‘‘શું તમે યોગ્ય સમયે અનાવશ્યક ડાળીઓ કાપી નાખતા હતા? થડને નમતું રોકવા માટે ટેકો બાંધતા હતાં?” મારો જવાબ નકારાત્મક હતો. તાત્પર્ય એ છે કે છોડનો વિકાસ પણ જો આપણે મનપસંદ ઢબે સાધવો હોય તો તેને શિસ્તમાં રાખવો પડે છે.

મારી આંખો ઊઘડી ગઈ. દેશ વામણો બની ગયો છે. દેશનાં અંગ-પ્રત્યંગો આડેધડ વધી ગયાં છે. કારણ સમજાઈ ગયું. દેશને આઝાદીના આ પિસ્તાળીસ વર્ષમાં શિસ્તની પ્રક્રિયામાં બાંધવામાં નથી આવ્યો. સુંદર – સુંદર છોડોને યોગ્ય દિશા અપાઈ નથી. એટલે તેઓ આડેધડ વધીને દેશની ખુશહાલીના સાધક બનવાને બદલે બાધક બની ગયા. આપણે આઝાદીની પહેલાના પાઠ સાવ ભૂલી જ ગયા કે એક સામાન્ય છોડને ઈચ્છાનુકૂળ રૂપ આપવા માટે આટલી બધી સાધનાની જો જરૂર પડતી હોય તો માનવરૂપી છોડને યોગ્ય આકાર આપવા માટે તો કેટલી બધી તપસ્યાની જરૂર પડે? અને એનું પરિણામ પ્રત્યક્ષ છે. મોટામાં મોટી સિદ્ધિની ઈચ્છા રાખીએ પણ શિસ્ત આપણને પસંદ નથી. તો આ સિદ્ધિ કેવી રીતે પામી શકાય? કોઈ પણ ક્ષેત્રમાં મહાન બનવા માટે શિસ્તનું શિક્ષણ જરૂરી છે. હું રવિશંકરના સિતા૨વાદનની પ્રશંસા કરું છું, પણ ત્યારે એ ભૂલી જાઉં છું કે આ યોગ્યતા મેળવવા માટે રવિશંકરને શિસ્તની કેવી કઠોર પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હશે.

મારા એક વેદપાઠી મિત્ર છે. આજે વેદપાઠમાં તેમનું નામ દેશભરમાં ફેલાયેલું છે. તેમને નાનપણમાં વેદપાઠ કરતા જોતો હતો. પિતા સોટી લઈને પુત્રને વેદપાઠ શીખવી રહ્યા હતા. આરોહ અને અવરોહમાં કોઈ શબ્દમાં પુત્રે ભૂલ કરી હોય તો સટ દઈને સોટીનો મા૨ તેમને સહન કરવો પડતો હતો. તે વખતે તો લાગતું હતું કે આ કઠોરતા છે. પણ એ જ કઠોરતાનું આજે કેટલું મીઠું ફળ તેમને મળ્યું છે? ત્યારે પિતા પ્રત્યે તેમને આક્રોશ હતો. આજે એ જ પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં એ થાકતા નથી. આ શિસ્ત પ્રારંભમાં તો કઠોર લાગે છે પણ તેનું ફળ મહાન બનાવનારું હોય છે.

શિસ્ત એ સરાણ છે જે હીરાના મેલને દૂર કરી તેને ચમકાવી દે છે. આપણે ચમકવા તો માગીએ છીએ, પણ સરાણની પ્રક્રિયામાંથી પસાર થવું આપણને ગમતું નથી. આપણે બધું જ સ૨ળતાથી, શોર્ટકટથી મેળવવા માગીએ છીએ. આપણે એને બુદ્ધિમાની સમજીએ છીએ. પણ એ તો છે આપણી નાદાની. અને આપણી આ નાદાની દેશને કેવી રીતે તારાજ કરી રહી છે એ દૃશ્ય તો આપણી સામે જ છે. સ્વામી વિવેકાનંદે તો આજથી એકસો વર્ષ પૂર્વે કહ્યું હતું કે, ‘ચાલાકીથી મોટું કોઈ કામ થઈ શકે જ નહિ.’ એમનું એ વિધાન આજના સંદર્ભમાં કેટલું સત્ય છે? આપણે ચાલાકીને જ મોટા થવાનું રસાયણ સમજી બેઠા છીએ અને વિડંબના એ છે કે આપણે સ્વયં તો શિસ્તબદ્ધ રહેવા નથી ઈચ્છતા પણ બીજા પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ શિસ્તમાં રહે. શું આ ક્યારેય સંભવી શકે?

શિસ્તનું પાલન પ્રારંભમાં તો બળપૂર્વક જ કરવું પડે છે, પણ પછીથી એ સહજ બની જાય છે. ભય દ્વારા લાવેલ શિસ્ત અસ્થાયી હોય છે. ભય દૂર થતાં જ એ નષ્ટ થઈ જાય છે. એનો અનુભવ આપણે આપત્તિકાળ (ઈમર્જન્સી)માં કર્યો છે. સ્થાયી શિસ્ત એ છે જે અંદ૨થી પ્રગટે છે. તેમાં નાગરિકતાનો બોધ, સમાજબોધ જોડાયેલાં હોય છે. તદ્દન સ્વાર્થી વ્યક્તિ શિસ્તનું બંધન ક્યારેય સ્વીકારે નહિ.

આપણને સામાજિક ચેતનાના કે નાગરિકતાના પાઠ શીખવાયા નથી. આપણો ધર્મ પણ પ્રચલિતપણે સ્વાર્થનો જ પાઠ ભણાવે છે. ‘પોતાના’ પુણ્ય અને ‘પોતાના’ મોક્ષની વાત ૫૨ જ જોર અપાય છે. જ્યાં સુધી આ દૃષ્ટિકોણ બદલવામાં નહિ આવે અને સામાજિક ચેતનાને સર્વોપરી સ્થાન નહીં અપાય ત્યાં સુધી શિસ્ત આપણા માટે અરણ્ય રુદન જેવું જ સિદ્ધ થશે અને આપણે એક રાષ્ટ્રના રૂપમાં વામણાં જ બની રહેશું.

ભાષાંતર: શ્રીમતી સંધ્યા લોહાણા

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.