(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ ‘Eternal Values For a Changing Society’ ગ્રંથમાંથી ગ્રંથકારની પરવાનગીથી પ્રકાશિત કરી રહ્યા છીએ. – સં.)

(ગતાંકથી ચાલુ)

ઉછરતો યુવાન બાલપણની સ્વાર્થવૃત્તિને વળગી રહેવાની ભૂલ કરીને જે સામાજિક નિષ્ફળતા ભોગવે છે તેવી રીતે પૂર્વાહ્નો કાનૂન અર્થાત્ પ્રકૃતિના હેતુઓ અપરાહ્નમાં લઈ જનારે તેમ ક૨વા માટેની કીંમત પોતાના આત્માને ધક્કો પહોંચાડીને ચૂકવવી પડે છે. પૈસો પેદા કરવો, સામાજિક અસ્તિત્વ, કુટુંબ અને વંશજો કેવળ પ્રકૃતિ છે, સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ પ્રકૃતિના હેતુથી ૫૨ છે. જિંદગીના બીજા તબક્કાના હેતુ અને અર્થ કદાચ, સંસ્કૃતિ નહીં હોય?

વેદાંત પ્રમાણે, જીવનના પહેલાં અને બીજા અડધિયાં વચ્ચે કોઈ ખાઈ નથી. સિદ્ધિ પરના ભારવાળી પ્રથમ ભાગમાં શરૂ થતી આધ્યાત્મિક કેળવણીને બીજા ભાગમાં વધારે તીવ્રતાથી લઈ જવાની છે અને ત્યારે, વ્યક્તિત્વ તથા આત્માના ઘડતર ૫૨ વિશેષ ભાર દેવાનો છે તેમ જ, આત્મસાક્ષાત્કાર માટે વધારે સીધી રાહ લેવાની છે.

યુગે પશ્ચિમમાં કેવળ સિદ્ધિ માટેનો, વધારે સિદ્ધિ માટેનો સંઘર્ષ જોયો. જિંદગીના અંત સુધી, બાહ્ય જગતમાંની એક યા બીજી સિદ્ધિ માટે લોકો સતત મથે છે. આ સિદ્ધિનો ત્રાસ માનવીના આંતર જીવનને રંકતર બનાવે. ‘મૉડર્ન મૅન ઈન સર્ચ ઑફ અ સોલ’ (આત્માની ખોજ કરતો આધુનિક મનુષ્ય) પુસ્તકના શીર્ષકનો એ અર્થ છે.

આ બધા ખૂબ વિકસિત અને સમૃદ્ધ સમાજોમાં મનુષ્યનું ભાવિ શું છે? ચિંતા અને નિરાશા, કંટાળો અને માનસિક અસ્થિરતા સિવાય કશું નહીં. સિદ્ધિઓની ઉચ્ચ કક્ષાઓ છતાં ત્યાં ક્યાંક કશુંક ખૂટે છે. વેદાન્ત માને છે કે માનવ ભવિતવ્ય એટલે બાહ્ય મહત્તાનાં વિવિધ સ્વરૂપો નહીં: ‘જગતમાં મેં કંઈ હાંસલ કર્યું છે, જગત તરફથી મને પ્રશંસા મળે છે’, પણ ‘મારી આધ્યાત્મિક શક્યતાઓના વિકાસમાંથી ઉદ્ભવે છે તે આંતરિક મહત્તા.’ જીવનની એ આધ્યાત્મિક પૂર્ણતા છે.

પશ્ચિમને આજે એની ગરજ સમજાય છે. માનવ જીવનનું સાચું ભવિતવ્ય મુક્તિમાં છે, નિર્ભીક થવામાં છે, પૂર્ણ થવામાં છે. આજની દુનિયામાં સ્ત્રી પુરુષોમાં આટલો ભય અને આટલી ચિંતા શાનાં છે? બધી ચિંતા એક પ્રકા૨નો ભય છે અને, આપણે આપણી સાચી પ્રકૃતિ તરફ પ્રગતિ કરીશું ત્યારે નિર્ભયતા પ્રગટશે એમ, ઉપનિષદો કહે છે. આત્માના સાક્ષાત્કારથી જ નિર્ભયતા પમાય. નિર્ભયતા માટે સંસ્કૃતમાં ‘અભય’ શબ્દ છે અને ડર માટે ‘ભય’ શબ્દ છે. આપણે દુન્યવી મહત્તા હાંસલ કરીશું પણ તે, દરેક મનુષ્યના અપેક્ષિત વિરાટ આધ્યાત્મિક ભવિતવ્યને ભોગે નહીં જ. એ ભવિતવ્ય પ્રત્યેક પુરુષને, સ્ત્રીને અને બાળકને પોકારી કહે છે તમે મુક્ત થઈ શકો છો; તમે નિર્ભય બની શકો છો; તમે આનંદના સર્વોચ્ચ શિખરે પહોંચી શકો છો ને તે અહીં ને હમણાં જ, મૃત્યુ પછીની સ્થિતિમાં નહીં, ભય વિના તમે મૃત્યુનો સામનો પણ કરી શકો છો.

આ ખાલી શબ્દો નથી. મહાપુરુષો આ આદર્શો જીવી ગયા છે. પાશ્ચાત્ય ઈતિહાસમાં, નમ્રતા, શાંતિ અને અભયની આ ભાવનાને મૃત્યુને ભેટતી વખતે પણ મૂર્તિમંત કરતો એક મહાન નર હતો, સૉક્રૅટિસ પોતે ઝેર પીતો હતો ત્યારે, સૌથી પ્રશાંત અને નિર્ભીક એ હતો ત્યારે, એને વીંટળાઈને બેઠેલા એના યુવાન શિષ્યો મૂંઝાઈ ગયા હતા. પોતે મૃત્યુથી ૫૨ છે એ જ્ઞાન સૉક્રૅટિસને લાધ્યું હતું, નાશ તો શરીરનો જ થાય છે. આત્માનું, ઈશ્વરનું આ જ્ઞાન સર્વ અભયનું મૂળ છે. એના અભાવે મનુષ્યને એક અથવા બીજા પ્રકા૨નો ભય પીડશે. પોતે ભયનો ભોગ બનશે એટલું જ નહીં, એ બીજાંને પણ ભયનો ભોગ બનાવશે. આત્માના જ્ઞાનથી માનવી નિર્ભય બને છે ત્યારે, અન્ય સૌ માટે પણ એ નિર્ભયતાનું કેન્દ્ર બને છે. નીડરતાથી મૃત્યુનો સામનો કરતા સૉક્રેટિસનું ચિત્ર પોતાના ‘ડાયલોગ્ઝ’ (સંવાદો)માં પ્લેટો આપે છે. ક્રિટો સૉક્રેટિસને પૂછે છેઃ ‘અમે તમને કેવી રીતે દફવાનીએ?’ સૉક્રેટિસ હસતાં હસતાં જવાબ વાળે છે:

‘આ પ્રશ્ન પૂછતાં પહેલાં તમારે મને, મારા સાચા ‘હું’ને પકડવો જોઈએ. તું લહેર કર, ક્રિટો, કારણ તું શરીરની વાત કરે છે; એ દેહની બાબતમાં તો સૌનું કરો છો એમ કરજો.’

૧૦. ભયગ્રસ્ત જગત અભય ઝંખે છે.

આજ જગત આ અભયને ઝંખે છે, એ માટે ઝૂરે છે. ઘણાં પાશ્ચાત્ય રાષ્ટ્રો ભયના જે ઓથાર-અણુયુદ્ધના મહાભય નીચે જીવે છે તેનો સંદર્ભ આપણે કલ્પી પણ નહીં શકીએ. આ શક્યતા ભયાનક છે. એ ગમે ત્યારે ટપકી પડે તેનો સતત ભય છે. ભારતમાં આપણે એનાથી દૂર છીએ પણ, વિશ્વ વિનાશમાંથી કોઈ બચી શકે નહીં, ગંભીર ચિંતન કરનાર પુરુષો આ વિનાશને અટકાવવાનું વિચારી રહ્યા છે જેથી, માનવજાત શાંતિ અને આનંદથી જીવી શકે અને વૈયક્તિક તથા સામુહિક માનવ ભવિતવ્ય માટે યત્ન કરી શકે તેમ જ તેને હાંસલ કરી શકે તથા આંતરરાષ્ટ્રીય સમજૂતી તથા સહકાર સાધી શકે. ગયે વરસે, રાજાજી એન્ડાઉમેન્ટ લેક્ચરિંગ મિશનના ઉપક્રમે, ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી મિ. જેમ્સ કૅલને દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. આંતરરાષ્ટ્રીય એકમની, શસ્ત્રત્યાગ અને શાંતિની સમસ્યા બાબત મને એ ખૂબ ચિંતિત જણાયા હતા. આંતરરાષ્ટ્રીય અણુવિનાશ શી રીતે અટકાવવો? વળી, થોડા જ દિવસ પૂર્વે વિખ્યાત અમરિકી અર્થશાસ્ત્રી અને ભારતમાંના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત મિ. જૉન કેનેથ ગૅલબ્રેથ દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈના એવા જ પ્રવચન પ્રવાસે આવ્યા હતા. પોતાનાં પત્ની સાથે એમણે હૈદરાબાદના અમારા રામકૃષ્ણ મઠની મુલાકાત લીધી હતી અને, શહે૨માંના એમના જાહેર વ્યાખ્યાનમાં હું અધ્યક્ષસ્થાને હતો. અણુયુદ્ધની આ સમસ્યા બાબત એમણે પણ પોતાની ગંભીર લાગણી વ્યક્ત કરી હતી અને, અણુશસ્ત્રોના પ્રસારને અટકાવવાની પોતાની પ્રતિબદ્ધતા તેમણે પ્રગટ કરી હતી તથા, આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવા તે પ્રયત્નશીલ હતા. આજે વધારે ને વધારે લોક આ પ્રમાણે વિચારી અને કાર્ય કરી રહ્યા છે – વિશ્વને નિર્ભય અને સુખી કરવું જ રહ્યું.

૧૧. વિશ્વને કેવી રીતે ભયમુક્ત કરવું.

વિશ્વને આપણે કેવી રીતે ભયમુક્ત કરીશું? ઉત્તર છે: માણસના હૃદયમાં માનવતાનો થોડો વધારે ભાવ જાગ્રત કરો. માનવતાના આ ભાવ વિના, આપણે હાથ આવેલી સત્તા અને શક્તિ વડે આપણે રમ્યા કરીએ છીએ, એને આમતેમ ફેંક્યા કરીએ છીએ અને ચોમેર ભય અને અશાંતિ સર્જીએ છીએ. ટ્રેન કે બેંક પર હલ્લો કરતો લૂટારો શું કરે છે? ભડાકા કરીને એ લોકોને ગભરાવે છે અને પછી, લૂંટવાનું કામ કરે છે. આખી દુનિયા આજે એવી જ ગભરાયેલી છે. આ અટકવું જ જોઈએ અને લાખો ને લાખો લોકોનો આધ્યાત્મિક વિકાસ સાધીને જ એ અટકાવી શકાય. એ જ માનવ અંતરમાં શાંતિ અને આનંદ આણશે; અને માનવી એનું બહાર પ્રતિફલન કરશે. આપણા મહાન ફિલસૂફ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણના શબ્દોમાં (‘ઈસ્ટર્ન રિલિજિયન્સ એન્ડ વૅસ્ટર્ન થૉટ’, પૃ. ૧૧૩):

‘વસ્તુના મૂળમાં આપણે જઈશું તો, આપણને જણાશે કે વૈશ્વિક પરિસ્થિતિઓનો નિર્માતા વ્યક્તિગત આત્મા છે. માનવીને ઊંચે લઈ જનાર કે નીચે પછાડનાર બધું આપણી આંતરિક પ્રવૃત્તિમાંથી જ ઉદ્ભવે છે. દિલની લાગણીઓ, મનની સમતોલતાને અને જગતના રાહને પણ અસ્તવ્યસ્ત કરી નાખે છે.’

માનવજાતના ભવિતવ્ય અને એની સિદ્ધિ તરફની માનવજાતની એકધારી કૂચ આપણે પછી જ જોઈ શકીશું. પરંતુ, કાચી માનવશક્તિના શુદ્ધીકરણ થયા વિના આ શક્ય નથી. આજ માણસની બહાર ચાલી રહેલો પુષ્કળ આર્થિક અને તાંત્રિક વિકાસ આપણી પાસે છે પણ માણસની અંદર કંઈક ખૂટે છે. માણસ શાંતિનું, પ્રેમનું, કરુણાનું કેન્દ્ર બની શક્યો નથી. એ બીજા વિજ્ઞાનની અને તંત્રવિદ્યા-ટૅક્નૉલૉજીની પેદાશ છે. આપણે એને ધર્મનું વિજ્ઞાન અને ધર્મની કલા કહીએ છીએ જેને માટે ‘ભગવદ્ગીતા’, ‘યોગ’ નામનો ખોટો શબ્દ પ્રયોજે છે.

આજે સર્વત્ર યુવાનોએ આ બે વિચારો ધ્યાનમાં રાખવા જોઈએ. એક, બાહ્ય પ્રકૃતિની શક્તિને વશમાં લઈ, એ વડે ગરીબાઈ દૂર કરી લાખો લોકોનું જીવન ઊજળું કરવું; બે માણસની આંતરપ્રકૃતિ પર થોડું ધ્યાન  દઈ, એની ચૈતસિક શક્તિઓને નિયમનમાં રાખીને તથા શુદ્ધ કરીને તથા એની ગુણાત્મકતા અને બહુલતા વધારીને; આ વડે એને ચારિત્ર્યશક્તિ તરીકે, પ્રેમની, કરુણાની અને સેવાની શક્તિને રૂપે પરિવર્તિત કરી શકાશે. આપણામાં સુષુપ્ત રહેલી માનવતાની અને દિવ્યતાની શક્તિને આપણે હળવેહળવે ખીલવવી પડશે અને, આપણાં બાહ્ય, પ્રાકૃતિક તથા સામાજિક પર્યાવરણને અસર કરતાં આપણાં ચેતનાના સ્તરોને ઊંચેરી સપાટીએ લઈ જવા પડશે. આ સંદર્ભમાં મૂકતાં, માનવ ભવિતવ્યનું કેવું સુંદર ચિત્ર ઉપસશે! શક્તિથી અને સ્ફૂર્તિથી ભરેલો એક યુવાન એમાંથી અધ્યાત્મને નામે ઓળખાતી આ નવી શક્તિ વિકસાવે અને એના ફલ સ્વરૂપે ચારિત્ર્યશક્તિ પ્રાપ્ત કરે જે જગતની ગહનમાં ગહન શક્તિ છે. એની તુલનામાં વિદ્યુત શક્તિની કે અણુશક્તિની શી વિસાત? અધ્યાત્મમાંથી જન્મતી ચારિત્ર્યની ઉત્તમ શક્તિની સમીપે એ શક્તિઓ અતિ તુચ્છ છે. હાથમાં પકડેલો એક બૉમ્બ લોકો કે મિલકત ૫૨ ફેંકી આપણે તેમનો નાશ કરી શકીએ છીએ પણ આપણે મનુષ્યના હિતમાં તેને સન્માર્ગે પણ વાળી શકીએ છીએ, એક કાળમીંઢ ખડક તોડવાને, નદી માટે નવું વહેણ ઊભું કરવા માટે. આ પ્રત્યેક કાર્ય પાછળ માનવમન છે, માનવચેતના છે. પ્રથમ કાર્યની પાછળ અશુદ્ધ ચૈતસિક શક્તિ છે અને, બીજાની પાછળ શુદ્ધ કરેલી એ જ શક્તિ છે. આ શુદ્ધીકરણ ધર્મના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પેદાશ છે, મનુષ્યના આધ્યાત્મિક વિકાસનાં વિજ્ઞાન અને કલાની પેદાશ છે, આ બંને શક્તિપ્રવાહો આપણા યુવાનોમાં સાથે વહેવા જોઈએ. શિક્ષણ દ્વારા બહિર્શક્તિને વશમાં રાખવાનું સામર્થ્ય તેમણે મેળવવું જોઈએ. આંતરિક શક્તિને વશમાં રાખવાનું સામર્થ્ય ધર્મમાંથી મેળવવું જોઈએ. ધર્મના અર્થને અને એની વ્યાપ્તિને, અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેની એકતા તરીકે એક નાનકડી ઉક્તિમાં સ્વામી વિવેકાનંદે આમ સમાવી (રાજયોગ, ‘ધ કમ્પ્લીટ વર્કસ’, વૉ. ૧, પૃ. ૧૨૪).’

‘દરેક આત્મા દિવ્યતાની શક્તિ ધરાવે છે,

‘બાહ્ય અને આંતર પ્રકૃતિને વશમાં રાખી આ અંતર્નિહિત દિવ્યતાને પ્રગટ કરવી એ ધ્યેય છે.

કર્મ દ્વારા, પૂજા દ્વારા કે આત્મનિગ્રહ દ્વારા કોઈ પણ એક, કે વધારે, કે બધા દ્વારા આ કરો અને મુક્ત બનો.

‘ધર્મનું સારસર્વસ્વ આ છે. સિદ્ધાંતો, વાદો, પૂજોપચારો, ગ્રંથો, મંદિરો કે પ્રતીકસ્વરૂપો ગૌણ બાબતો છે.’

(ક્રમશઃ)

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.