(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજરામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત યુવ-શિબિરમાં પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન તેમણે યુવા ભાઈ – બહેનોએ પૂછેલા વિભિન્ન પ્રશ્નોના સચોટ અને સુંદર ઉત્તરો આપ્યા હતા. તેનો સારસંક્ષેપ અહીં યુવા વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. – સં.)

(ગતાંકથી ચાલુ)

પ્રશ્ન મનુષ્ય પોતાની સમસ્યા જાણે છે, સમસ્યાનો ઉકેલ પણ જાણે છે છતાં અમલ કેમ નથી કરતો?

ઉત્તર: દુર્યોધને આ જ વાત શ્રીકૃષ્ણને કહી હતીઃ

જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મં ન ચ મે નિવૃત્તિઃ।
ત્વયા હૃષિકેશ હૃદિ સ્થિતેન યથાનિયુક્તો સ્મિ તથા કરોમિ।।

અર્થાત્, હે હૃષિકેશ, હું ધર્મ જાણું છું છતાં પણ તેનું આચરણ કરી શકતો નથી. અધર્મ સમજું છું છતાં પણ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. તમે હૃદયમાં બેસીને મને જે રીતે ચલાવો છો એમ કરું છું.

આપણે સૌ પોતપોતાની પ્રકૃતિ, સંસ્કાર, સ્વભાવ દ્વારા પરિચાલિત થઈએ છીએ. એ જ કારણ છે કે ઈચ્છા હોવા છતાં આપણે શુભ કરી શકતા નથી. શ્રીકૃષ્ણને અર્જુને પૂછ્યું હતું હે કૃષ્ણ, મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બળાત્કારે જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? એના ઉત્તરમાં શ્રીકૃષ્ણે કહ્યું હતું કે રજોગુણથી ઉત્પન્ન કામ અને ક્રોધ જ આ બાબતમાં અનર્થનું મૂળ છે. જો આપણે બધા અમલ કરવા લાગી જઈએ તો સંત બની જઈએ. અને આપણો સમાજ, આપણો દેશ સ્વર્ગ બની જાય. પ્રત્યેક વ્યક્તિએ સમાજમાં શું થઈ રહ્યું છે એ વિચાર્યા વગર પોતે સન્માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પ્રશ્ન: મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે, જે માટે હું પ્રાયશ્ચિત્ત કરવા ઈચ્છું છું, પરંતુ પ્રાયશ્ચિત્ત કરતાં ડર લાગે છે. કૃપા કરી માર્ગદર્શન આપશો.

ઉત્તર: ભૂલો બધા જ કરે છે. ભૂલોને સ્વીકારવી અને ફરી તે ન કરવી એ જ સૌથી મોટું પ્રાયશ્ચિત્ત છે. જો પ્રાયશ્ચિત્ત કર્યા પછી ફરીને ભૂલો કરવામાં આવે તો પ્રાયશ્ચિત્તથી શું લાભ? ભૂતકાળના શુભ-અશુભને ભૂલીને એક નૂતન જીવન પ્રારંભ કરો. વળી, જો પ્રાયશ્ચિત્ત કરવા જ ઈચ્છો છો તો શા માટે ડરો છો? ડરવાથી કશું વળશે નહીં. ભય બધા જ અનર્થોનું મૂળ છે, એને દૂર કરી દો અને વીરતાપૂર્વક મુશ્કેલીનો સામનો કરો.

પ્રશ્નઃ મને જરૂર કરતાં વધુ બોલવાની આદત છે, એ મારા માટે હાનિકારક છે એમ જાણવા છતાં હું તેને નિયંત્રિત કરી શકતો નથી. કૃપા કરી માર્ગદર્શન કરશો.

ઉત્તરઃ તેનો અર્થ તો એ છે કે તમને એ નિશ્ચય નથી કે તે હાનિકારક છે. જો એક વખત કોઈ ખાદ્યપદાર્થ વિશે દૃઢ નિશ્ચય થઈ જાય કે તે ઝેરયુક્ત છે તો પછી ભલે તે ગમે તેટલું સ્વાદિષ્ટ કેમ ન હોય, કોઈ ખાશે નહીં. એથી સર્વ પ્રથમ વિચાર અને વિવેકપૂર્વક તમારી ખરાબ આદતના અનર્થકારી સ્વરૂપનો સારી રીતે વિચાર કરીને એ વિશે મનમાં વિતૃષ્ણા ઉત્પન્ન કરી લો. પછી તેને છોડવાનું સરળ થઈ જશે. કેટલાક લોકો બીજાની ભૂલોથી જ શીખી લે છે. બીજા પ્રકારના લોકો એક વાર ભૂલ કરીને તેનાં ખરાબ પરિણામો ભોગવીને શીખે છે. પરંતુ કેટલાક લોકો વારંવાર ભૂલો કરે છે, દુઃખો ભોગવે છે અને શીખતા નથી. તમે કઈ શ્રેણીના થવા ઈચ્છો છો?

પ્રશ્ન: સારપને બદલે આપણે ખરાબીઓને વધુ સરળતાથી કેમ ગ્રહણ કરી લઈએ છીએ?

ઉત્તરઃ તમારા પ્રશ્નમાં સારપ અને ખરાબીને સ્થાને શ્રેય અને પ્રેય શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો પ્રશ્નનો ઉત્તર આપવો સરળ થશે. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે બે પ્રકારની વસ્તુઓ મનુષ્યની સમક્ષ પ્રસ્તુત થાય છે. પ્રથમ તો એ કે જે પ્રિય અથવા રમણીય લાગતી હોય અને બીજી જે શ્રેયસ્કર અથવા કલ્યાણકારી હોય. પ્રિય વસ્તુને સ્વીકા૨વાવાળો લક્ષ્યમાંથી ભટકી જાય છે પરંતુ શ્રેયસ્કરને સ્વીકારવાવાળાનું કલ્યાણ થાય છે. ગીતામાં પણ ભગવાન બે પ્રકારનાં સુખોનું વર્ણન કરતાં કહે છે કે રાજસિક સુખ પ્રારંભમાં અમૃતસમ પરંતુ અંતમાં વિષસમ હોય છે. જ્યારે સાત્ત્વિક સુખ પ્રારંભમાં વિષસમ પરંતુ અંતમાં અમૃતતુલ્ય હોય છે. તાત્પર્ય એ છે કે અદૂરદર્શી માનવ ખરાબીની તત્કાલીન રમણીયતાને કારણે તેને સરળતાથી ગ્રહણ કરી લે છે.

એક કારણ એ પણ છે કે આપણે ખરાબીને ખરાબી નહીં પરંતુ સારપ સમજી લઈએ છીએ અને સ્વીકાર કરી લઈએ છીએ. એમાં સામાજિક વાતાવરણનો પણ દોષ છે. ટી.વી. ઉપર મદિરાપાનને સારું બતાવવામાં આવે તો સૌથી ખરાબ બાબત હોવા છતાં પણ આપણે તેને સારી સમજીને સ્વીકારી લઈએ. એ કારણે જ ખરાબીઓથી બચવા માટે સત્સંગની આવશ્યકતા છે જેથી સારપ અને ખરાબીનો ફરક સમજમાં આવી શકે.

પ્રશ્નઃ બ્રહ્મચર્યને આટલું મહત્ત્વ શા માટે આપવામાં આવે છે? બ્રહ્મચર્ય પાલન માટેના ઉપાય બતાવશો?

ઉત્તરઃ પ્રત્યેક વ્યક્તિમાં માનસિક શક્તિનો એક ભંડાર છે, જેને કુંડલિની કહેવામાં આવે છે. આને જ ફ્રોઈડે લિબિડો નામ આપ્યું છે. પરંતુ ફ્રોઈડ આ શક્તિના કામ સાથેના સંબંધને જ જાણે છે. આધ્યાત્મિક જીવન યાપન કરવા માટે, મનને સૂક્ષ્મ આત્મતત્ત્વ પર એકાગ્ર કરવા માટે, મહાન માનસિક શક્તિની આવશ્યકતા હોય છે. પરંતુ તેનો કામોપભોગમાં જ ઉપયોગ કરવામાં આવે તો ઉચ્ચ આધ્યાત્મિક ચિંતન કે અનુભૂતિ માટે, કોઈ શક્તિ બાકી ન રહે. આ વાતને એક દીવાના દૃષ્ટાંતથી ખૂબ સરળ રીતે સમજી શકાય છે. દીવામાં તેલ પૂર્યું છે તે વાટના માધ્યમથી સળગીને પ્રકાશ આપે છે. પરંતુ દીવાની નીચે કાણું કરી દેવામાં આવે તો બધું જ તેલ તેમાંથી વહી જશે અને વાટના માધ્યમથી સળગીને પ્રકાશ નહીં આપી શકે. બરાબર આ જ વાત બ્રહ્મચર્યના વિષયમાં છે. બ્રહ્મચર્યનો અર્થ ફક્ત યૌનસંયમ જ નથી, પરંતુ બધી જ ઈન્દ્રિયોનો સંયમ છે. બ્રહ્મચર્ય પાલન માટે મનને સદાય શુભ વિચારોથી ભરી રાખવું ખૂબ જ આવશ્યક અને મહત્ત્વપૂર્ણ ઉપાય છે. સર્વ પ્રકારની કામનાઓ, રોચક વાતો, ચિત્રો, ઘટનાઓ, કથાવાર્તાઓથી દૂર રહેવું જોઈએ. એકાગ્ર મનથી ભગવન્નામનો જપ કરવાથી બ્રહ્મચર્ય સરળતાથી સાધી શકાય છે. એ શ્રીરામકૃષ્ણ દ્વારા સ્વામી યોગાનંદજીને બતાવવામાં આવેલ ઉપાય છે.

પ્રશ્નઃ એક બિન્દુ પર ધ્યાન કરવાનો ઉપાય બતાવશો.

ઉત્તરઃ એક બિન્દુ પર ધ્યાન કરવાને બદલે કોઈ દિવ્ય મહાપુરુષ જેવા કે શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ આદિ પર ધ્યાન કરવું અધિક સરળ અને લાભકારી છે. કારણ કે એ મહાપુરુષોનું એક રૂપ છે, અનેક સદ્ગુણ પણ છે. તથા તેઓએ પોતાના સચ્ચિદાનન્દ સ્વરૂપનો સાક્ષાત્કાર પણ કર્યો છે. જમીન પર એક ચટાઈ અથવા આસન બિછાવીને એના પર પલાંઠી લગાવીને અથવા સુખાસન અથવા પદ્માસનમાં બેસી જાઓ. આસન સુખકારી અને સ્થિર હોવું જોઈએ. ૨૦-૨૫ મિનિટ સુધી બિલકુલ ન ડગવું. સામે કોઈ મહાપુરુષનું ચિત્ર રાખો. ૫ મિનિટ સુધી આંખો ખોલીને ચિત્ર જોતા રહો. એ પછી આંખો બંધ કરીને એ ચિત્રની કલ્પના કરતા રહો તથા અન્ય વિચારોને મનમાં ઊઠવા ન દો. આ જ ધ્યાનની સરળ પદ્ધતિ છે.

પ્રશ્ન: ધ્યાન કરવા બેસવાથી બહુ જ ખરાબ વિચાર આવે છે. આ વખતે શું કરવું જોઈએ?

ઉત્ત૨: મનમાં સંચિત જન્મજન્માન્તરના શુભાશુભ સંસ્કાર ધ્યાન વખતે ઉ૫૨ આવે છે. ધ્યાન કરવાથી મનનું મંથન થાય છે. આથી પ્રારંભમાં અશુભ વિચારો આવે તે અસ્વાભાવિક નથી. છતાં પણ ધ્યાન કરતા રહેવું જોઈએ અને એ વિચારોની ચિંતા ન કરવી જોઈએ. ખરાબ વિચારો આવવાથી તેના સાક્ષી બનવાનો પ્રયત્ન કરો. નિષ્પક્ષભાવથી, સાક્ષીભાવથી તેને જોતા રહેવાથી તે ધીરે ધીરે સમાપ્ત થઈ જશે.

પ્રશ્નઃ ક્યારેક ક્યારેક ધ્યાન કરી ઊઠ્યા પછી ખૂબ જ બેચેની લાગે છે. શા કારણે? તેનો ઉપાય શો?

ઉત્તર સંભવતઃ તમારી ધ્યાનની પદ્ધતિમાં કોઈ ત્રુટિ છે. શું તમે વધુ તંગ થઈને તો બેસતા નથી ને? બેચેની પ્રાણમય-કોષની ચંચળતાને કારણે થાય છે જે અન્નમય અને મનોમય બન્ને કોષોની વચ્ચે રહેલ છે તથા જે બન્ને દ્વારા પ્રભાવિત થાય છે. અને બન્ને કોષોને પ્રભાવિત કરે છે. માટે ધ્યાન કરવા પહેલાં નાડી શુદ્ધિ કરી લો. અર્થાત્ એક નાસાગ્ર વડે ચોક્કસ સમય સુધી ધીમે ધીમે શ્વાસ ખેંચો અને બીજા નાસાગ્ર વડે એટલા જ સમયમાં બહાર કાઢો. આ રીતે ૫-૧૦ વખત દરરોજ કેટલાક મહિનાઓ સુધી નિયમિત કરો. શ્વાસને રોકો નહીં. આ રીતે કરવાથી ધ્યાનના સમયની અથવા ધ્યાન બાદની બેચેની ઓછી થઈ જશે.

પ્રશ્ન: તમે પ્રાણાયામમાં કુમ્ભક (શ્વાસ રોકવા) કરવાની શા માટે મનાઈ કરી છે?

ઉત્તર: કુમ્ભકને કોઈ વિશેષજ્ઞના નિર્દેશ અનુસાર ન કરવાથી હૃદય અથવા ફેફસાના રોગ થઈ શકે છે. રેચક-કુંભક-પૂરક સાથે પ્રાણાયામ માટે ભોજન, વ્યાયામ, આદિ જીવન પદ્ધતિને પણ નિયંત્રિત કરવી પડે છે. જે સામાન્યતઃ થઈ શકતું નથી. એ માટે ફક્ત ઉપર્યુક્ત નાડી શુદ્ધિનો જ નિર્દેશ આપવામાં આવે છે.

પ્રશ્ન: અભ્યાસ કરવા માટે બેસવાથી મનમાં બીજા વિચારો આવવા લાગે છે. મન એકાગ્ર થતું નથી. કોઈ બતાવશો?

ઉત્તરઃ વાચન કરતી વખતે છાપેલા શબ્દોની લીટી પર તમારી આંગળી રાખીને મુખથી મોટેથી બોલીને વાંચો. એથી આંખોથી જોવાનું, મુખથી વાંચવાનું, કાનોથી સાંભળવાનું અને સ્પર્શેન્દ્રિય-આંગળીઓથી સ્પર્શ થશે. જ્યારે ચાર – જ્ઞાનેન્દ્રિયો આ રીતે નિયુક્ત થશે ત્યારે મનને નિયંત્રિત કરવું સરળ થઈ શકશે.

એ શોધી કાઢો કે વાંચતી વખતે મન ક્યાં જાય છે? તમે જોશો કે ટી.વી. વગેરે પર જોયેલા વિષયોમાં મન અધિક જાય છે. અભ્યાસને બદલે આપણી અન્ય વિષયોમાં રુચિ વધુ છે. અભ્યાસથી આપણું કલ્યાણ થશે. આ વાત વિચાર કરીને મનમાં સારી રીતે બેસાડી દેવાથી સંભવતઃ મન બીજા વિષયોનું ચિંતન નહીં કરે.

પ્રશ્નઃ આત્મવિશ્વાસ કેમ વધારવો?

ઉત્તરઃ સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારોનું વાંચન, મનન અને ધ્યાન કરીને.

પ્રશ્ન: ચરિત્ર નિર્માણ કેમ કરવું?

ઉત્તર: ટેવોના સમૂહને ચરિત્ર કહેવામાં આવે છે. વ્યક્તિમાં જેટલી વધુ સારી ટેવો હોય એટલો જ તે ચરિત્રવાન કહેવાય. ટેવ નિર્માણ કરવા માટે એ કાર્ય વધુ લાંબા સમય સુધી અટક્યા વગર પ્રતિદિન નિષ્ઠા, લગન અને રુચિપૂર્વક કરવું જોઈએ. આદત નિર્માણમાં સમય લાગે છે. ઉદાહરણ તરીકે સ્વચ્છ રહેવું, નિયમિત ધ્યાન કરવું, સત્ય બોલવું, લોકોની સહાયતા કરવી વગેરે કાર્યોને નિરંતર દીર્ઘકાળ પર્યંત કરવાથી સારી આદતોનું નિર્માણ થાય છે. ધીમે ધીમે એક એક કરીને સારી આદત પાડતા જાઓ.

પ્રશ્ન: એવું કહેવામાં આવે છે કે અક્ષમ લોકો જ આ પ્રકારના દાર્શનિક વિચારોમાં લાગ્યા રહે છે, તમારો શું મત છે?

ઉત્તર: ખોખલો બુદ્ધિવાદ, વિચાર-વિમર્શ, જેની સાથે કોઈ કર્મપ્રવૃત્તિ ન હોય તેનું કોઈ મૂલ્ય નથી. અને જેને કોઈ કામ નથી તેઓ જ દિવસભર બેસીને વિચાર કરતા રહે છે. આ વાત સાચી તો છે. પરંતુ શુભ વિચારોથી આપણા મનને ભરવું આવશ્યક છે. દાર્શનિક વિચાર-વિમર્શ તત્ત્વનિર્ણય થયા પહેલાં જરૂરી છે. તત્ત્વનિર્ણય થયા પછી તેના ક્રિયાન્વયનમાં લાગી જવું જોઈએ. શ્રીરામકૃષ્ણ આ બાબત એક સુંદર દૃષ્ટાંત દ્વારા સમજાવતા હતા. એક વ્યક્તિની પાસે એક પત્ર આવ્યો હતો. પરંતુ તે ખોવાઈ ગયો. પછી ખૂબ મહેનત કરીને એ પત્ર શોધવામાં આવ્યો. એમાં લખ્યું હતું કે એક શેર મીઠાઈ અને બે ધોતિયાં મોકલશો. બસ, હવે પત્રની કોઈ જ જરૂરત નથી. હવે ફક્ત મીઠાઈ અને ધોતિયાં ખરીદીને મોકલવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર આ રીતે જ શાસ્ત્રોનો વિચાર કેવળ ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી કર્મની દિશા પ્રાપ્ત ન થાય. આ સંમેલનો, વિચાર-વિમર્શનો ઉદ્દેશ દિશા નિર્દેશ પ્રાપ્ત કરવાનો છે. જેથી કરીને ચરિત્ર ગઠન કરી શકાય, મન એકાગ્ર થઈ શકે તથા આપણે બીજાના કલ્યાણ માટે કાર્ય કરી શકીએ.

ભાષાંતર: બ્રહ્મચારી જયસુખ

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.