જગતનો ઇતિહાસ એવા અલ્પ સંખ્યક માનવીઓનો ઇતિહાસ છે કે જેમને પોતાનામાં આત્મશ્રદ્ધા હતી. શ્રદ્ધાના આત્મશ્રદ્ધાના આ દ્યુતિ-કિરણને છોડનાર માનવ કે રાષ્ટ્ર પોતાનું પતન-પોતાનો અંત નોતરે છે. આત્મશ્રદ્ધાવાળો જ માનવી દૃઢ મનોબળ કેળવી શકે છે. દૃઢ મનોબળ માનવીના જીવનને સ૨ળતાના ઉચ્ચ શિખરે મૂકી દે છે. મનની શક્તિવાળો માનવ અશક્યને શક્ય બનાવી દે છે. સ્વામી વિવેકાનંદનું જીવન એટલે જ આ દૃઢ મનોબળ અને અદ્‌ભુત આત્મશક્તિની અમર કથા.

‘બળ એ જ જીવન અને નિર્બળતા એટલે મૃત્યુ’ના જીવન સંદેશને પોતાનો જીવનમંત્ર માનનાર સ્વામી વિવેકાનંદને એમના કુટુંબના સહૃદ્દજને સ્વામી વિવેકાનંદને પોતાને ઘેર આવવાનું અને ભોજન લેવાનું નિમંત્રણ આપ્યું હતું. આ સજ્જન સી.આઇ.ડી. વિભાગના ખ્યાતનામ વડા હતા, અને તેમની અંગ્રેજ સરકાર પ્રત્યેની વફાદારીને કારણે ઘણાં માન-અકરામ મળ્યા હતા. સ્વામીજી આમંત્રણને માન આપીને એમનાં ઘેર મળવા ગયા. સાંજના એ સદ્દગૃહસ્થને નિવાસ સ્થાને ઘણા માણસો મળવા આવ્યા હતા. થોડો સમય રાહ જોવી પડી. બધા ચાલ્યા ગયા પછી સ્વામીજી અંદર ગયા તો જમવાની તો જાણે વાત જ ન હતી. યજમાને થોડા આમતેમ ગપાટા માર્યા પછી જરા ધીરા ગંભીર અવાજે સાશંક દૃષ્ટિએ વાત કરી, ‘તમે મને સાચી વાત ક૨જો. તમે મારા સન્મિત્ર છો; અને મને તમારામાં વિશ્વાસ છે. અને એક વાત કહી દઉં છું કે તમારી વાતોથી હું ભ૨માવાનો નથી. મને તમે મૂરખ બનાવી શકશો નહિ. મારે આપના જેવા ઘણાં સાથે પનારો પડ્યો છે. મને તમારા બધાના ગોરખધંધાનો ખ્યાલ છે જ. તમે અને તમારી ટોળકી સાધુ હોવાનો ઢોંગ ૨ચો છો પણ મને ચોક્કસપણે બાતમી મળી છે કે તમે સરકાર સામે છૂપાં કાવતરાં રચો છો. તમે છદ્મવેષી ષડ્યંત્રકારી છો.’ – આ બધો બકવાસ સાંભળીને સ્વામી વિવેકાનંદના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે મક્કમ અવાજે કહ્યું : ‘ભાઈ, તમે તમારા મનમાં સમજો છો શું? ક્યા કાવતરાની વાત કરો છો? અને અમારે એવા ષડ્યંત્ર સાથે શી લેવાદેવા છે?’

અમને તો સપનામાંય આવો ખ્યાલ નથી આવ્યો ને તમને આ બધું ક્યાંથી સૂઝી આવ્યું?’ – પોલિસ અધિકારીએ ખંધાઇભરી શાંતિથી કહ્યું, ‘હું એ જ કહેવા માગું છું કે તમે આ ષડ્યંત્ર વિશે જાણો છો – મને ખાતરી થઇ છે કે તમારી ટોળકીએ કંઇક છૂપું કાવતરું આ અંગ્રેજ સરકાર સામે કર્યું છે અને તમે એ ટોળકીના સરદાર છો.’ -થોડીવાર શાંત રહ્યા પછી ધીમા અવાજે કહ્યું, ‘જો બધી વાત ખુલ્લા દિલે કહી દો તો તાજના સાક્ષી તરીકે – મુખ્ય બાતમીદાર તરીકે હું તમને છોડાવી દઈશ – એટલે પેટ છૂટી સાચી વાત કરશો તેવી મારી નમ્ર વિનંતી છે., નહીં તો અમારું ખાતું તમને છોડી નહિ.’

અત્યાર સુધી તો આ બધું ચૂપચાપ સાંભળ્યું પરંતુ હવે સ્વામીજીનો પિત્તો ગયો. આંખમાંથી જાણે આગ ઝરવા લાગી અને મોટા અવાજે બોલી ઊઠ્યા, ‘ભાઇ, તારી પાસે પાકી બાતમી હોય અને અમે ખરેખર ગુન્હેગાર હોઇએ તો અમારા ઘ૨બા૨ની તપાસ કરીને જરૂર લાગે તો અમારી ધરપકડે ય કરી લો એટલે તમારી વાતની ખાતરી થઇ જાય.’ – આ કહેતાં કહેતાં સ્વામીજી ઊભા થઇ ગયા અને શાંતિથી – હળવેથી બારણું બંધ કરી દીધું. સ્વામીજી તો એક કુસ્તીબાજ મલ્લ હતા. દૃઢ મનોબળવાળા માનવી હતા. અને સામે ઊભેલો ખંધો પોલિસ અધિકારી નાના બાળક જેવો લાગતો હતો. એનું ટીટમાકડી શરીર મરિયલ ટટ્ટુ જેવું હતું. એ અધિકારી તરફ ફરીને સ્વામીજીએ સિંહગર્જના કરતાં કહ્યું, ‘મૂર્ખા, તેં મને ખોટા બહાના હેઠળ મારા કુટુંબના હિતેચ્છુ તરીકે ભોજન માટે નિમંત્રણ આપ્યું અને અમારા ઉપર આવા નિરર્થક-મિથ્યા આળ ઓઢાડે છે! મારા સંન્યાસી મિત્રો પર આવો આરોપ મુકતાં તને શરમ ન આવી? ભાઇ, મને એમાં નવાઇ જ નથી લાગતી. કારણ કે તમારાં જેવાના આવા જ ધંધા છે!! ભાઈ, આટલું તારું સદ્ભાગ્ય સમજ કે મને અને મારા સંન્યાસી બંધુઓને પ્રેમ-કરુણાનું સાચું શિક્ષણ મળ્યું છે, નહીં તો તારું આજે જ આવી બન્યું હોત! મિત્ર, જો હું ગુન્હેગાર હોત તો કે કાવતરાખોર હોત તો કોઈ તને સહાય કરે એ પહેલાં આજે તારો ટોટો જ પીસી નાખ્યો હોત! જા, જા મુરખા, સંન્યાસી હોવાથી તને આજે જતો કરું છું નહીં તો તારા આજે ક્યારનાય બાર વાગી ગયા હોત.’

આટલું કહીને સ્વામીજીએ બંધ કરેલું બારણું ખોલી દઇને ઘરની બહા૨ નીકળી ગયા.

પેલો પોલિસ અધિકારી થર થર ધ્રૂજવા લાગ્યો. અને એવો તો ગભ૨ાઇ ગયો કે એક શબ્દયે બોલી ન શક્યો. ‘આજની ઘડી અને કાલનો દી’ – ત્યારપછી આ પોલિસ અધિકારીએ સ્વામીજી અને તેના સાથી મિત્રોનું કદી પણ નામ ન લીધું.

અન્યાય અને અસત્યનો સામનો ક૨વાની હૃદયની સાચી તાકાત ન હોય, તો આ શક્ય જ ન બને. વીર-જવાંમર્દ જ આવું કાર્ય કરી શકે. સિંહ જેવી શક્તિ અને હૃદયનું અનુપમ બળ જ સચ્ચાઇનો રણકાર કરી શકે અને સાંભળી શકે – ઝીલી શકે.

સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 311

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.