સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા ઈંડાનાં કોચલાંઓને વીંધવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. સ્વામીજી સ્મિતપૂર્વક તેઓને જોઈ રહ્યા. તેમાંના એક યુવકે આ જોયું એટલે સ્વામીજીને આ કાર્ય કરવા પડકાર ફેંક્યો અને કહ્યું કે આ કોઈ જેવું તેવું કાર્ય નથી. સ્વામીજીએ બંદૂક પોતાના હાથમાં લઈ લીધી અને ઉપરાઉપરી એક ડઝન કોચલાંને વીંધી નાખ્યા! યુવકો તો આભા જ બની ગયા. તેઓએ વિચાર્યું સ્વામીજી જરૂર બંદૂક ચલાવવામાં કુશળ હશે. પણ સ્વામીજીએ તેઓને જણાવ્યું કે તેમણે ક્યારેય હાથમાં બંદૂક લીધી નહોતી અને સમજાવ્યું કે આ સફળતાનું રહસ્ય તો મનની એકાગ્રતામાં છે.

સ્વામીજીની એકાગ્રતા વિશે તેમના શિષ્ય શ્રી શરતચંદ્ર ચક્રવર્તી એક મહત્ત્વના પ્રસંગનું વર્ણન કરે છે. સ્વામીજી બેલુડ મઠમાં નિવાસ કરી રહ્યા હતા. મઠ માટે વિશ્વકોશ (Encyclopaedia Britannica)ના ગ્રંથો મંગાવવામાં આવ્યા હતા. એક દિવસે શિષ્ય આ ચળકતાં પુસ્તકો જોઈને કહ્યું, ‘એક જિંદગી દરમ્યાન બધા ગ્રંથો વાંચવા અશક્ય છે.’ શિષ્યને ત્યારે ખબર ન હતી કે સ્વામીજીએ દસ ભાગ તો વાંચી કાઢ્યા હતા, અને અગિયારમો શરૂ કર્યો હતો! સ્વામીજીએ ત્યારે કહ્યું – ‘શું બોલ્યા? આ દસ ભાગમાંથી તમે મને ગમે તે પૂછો; હું બધાના જવાબો આપીશ.’ શિષ્ય સ્વામીજીની પરીક્ષા કરી ત્યારે તેમણે માત્ર ભાવ સમજાવ્યો એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો દરેક ભાગમાંથી ચૂંટી કાઢેલા કઠિન વિષયોની ભાષા પણ જેમની તેમ બોલી બતાવી. આશ્ચર્યચકિત બનેલ શિષ્યે પુસ્તકો પાછાં મૂક્તાં કહ્યું, ‘આ માનવશક્તિના ગજાની વાત નથી. સ્વામીજીએ અલૌકિક શક્તિના આવિર્ભાવને નકારીને એકાગ્રતાનું રહસ્ય કહ્યું, ‘તમને ખબર તો છે કે કડક બ્રહ્મચર્યના પાલનથી તમામ વિદ્યા ઉપર અલ્પ સમયમાં પ્રભુત્વ મેળવી શકાય છે. એને પરિણામે એક જ વાર સાંભળેલી કે એક જ વખત જાણેલી વાતની અચૂક સ્મૃતિ માણસને રહે છે. બ્રહ્મચર્યના અભાવે આ દેશમાં બધું વિનાશને આરે આવીને ઊભું છે.’

સ્વામીજી પરિવ્રાજકરૂપે દેશમાં પરિભ્રમણ કરતા હતા ત્યારનો પ્રસંગ છે. એકવાર મીરઠના પુસ્તકાલયમાંથી એમણે સર જોન લબકના ગ્રંથોનો આખો સેટ મંગાવ્યો અને બીજે દિવસે એ પુસ્તકો એમણે પાછાં મોકલી દીધાં. ગ્રંથપાલને વિશ્વાસ ન આવ્યો કે આટલાં બધાં પુસ્તકો સ્વામીજીએ આટલી ઝડપથી વાંચી લીધાં હશે. સ્વામીજી જાતે પુસ્તકાલયમાં ગયા અને કહ્યું, ‘ભાઈ! મેં આ બધાંય વાંચી નાખ્યાં છે. જો તમને શંકા હોય તો એ વિષયમાં કોઈ પ્રશ્ન પૂછી શકો છો.’ થોડા પ્રશ્નો પૂછ્યા પછી ગ્રંથપાલે પોતાની ભૂલ કબૂલ કરી. સ્વામીજીએ ત્યારે એકાગ્રતાનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું, ‘હું કંઈ પુસ્તકનો શબ્દેશબ્દ વાંચતો નથી; હું તો કેલીડોસ્કોપની જેમ વાંચી જાઉં ને કોઈવાર ફકરાનું મથાળું વાંચી ભાવાર્થ સમજી લઉં.’

સ્વામીજીની એકાગ્રતાના સંબંધમાં રમૂજભર્યો પ્રસંગ પણ છે. સ્વામીજી બેલુડ મઠમાં પોતાના ઓરડામાં પુસ્તક વાંચવામાં તલ્લીન હતા. આ તરફ બપોરના જમવાનો સમય થઈ ગયો. ઘંટી વાગી એટલે સ્વામીજીના ગુરુભાઈઓ અને અન્ય અંતેવાસીઓ જમવા બેઠા પણ સ્વામીજી ન આવે ત્યાં સુધી જમાય પણ કેમ? અને સ્વામીજીના વાચનમાં ખલેલ પહોંચાડવી એટલે તેમના રુદ્ર સ્વરૂપનું ભોગ બનવું. છેવટે સ્વામી સુબોધાનંદજીએ બીડું ઝડપ્યું. તેઓ સ્વામીજીના ગુરુભાઈ હતા, લગભગ સમવયસ્ક હતા છતાં તેમના સરળ સ્વભાવને કારણે બધા તેમને ‘ખોકા’ (બાળક) કહીને બોલાવતા સ્વામીજી પણ તેમને ખૂબ ચાહતા. ખોકા મહારાજ તરીકે જ તેઓ પ્રખ્યાત થયા. ખોકા મહારાજ સ્વામીજીના ઓરડામાં ગયા અને સ્વામીજીની ખુરશીની પાછળ ઊભા રહી તેમણે સ્વામીજીના હાથની પુસ્તક બંધ કરી દીધી. સ્વામીજીએ પાછળ જોયું તો ખોકા મહારાજ હસી રહ્યા છે. તેમને જોઈને સ્વામીજીનો ગુસ્સો કંઈક શાંત થયો. ‘અરે ખોકા, આવી રીતે કરાય? મને બોલાવવો હતો તો મને પુસ્તકમાં નિશાન તો મૂકવા દેવુંતું.’ ખોકા મહારાજે હસતાં હસતાં કહ્યું ‘હું ખોકો છું, પણ કંઈ મુરખ નથી. મેં પાના નંબર બરાબર યાદ રાખ્યો છે.’ સ્વામીજી આ સાંભળી હસતાં હસતાં ભોજનશાળા તરફ ચાલ્યા.

સ્વામીજીના જીવનની સફળતાનું રહસ્ય હતું – મનની એકાગ્રતા. મહાનતાના શિખર પર પહોંચવા માટે સ્વામીજી એકાગ્રતાને અત્યંત મહત્ત્વપૂર્ણ માનતા. એકાગ્રતાની કેળવણીની હિમાયત કરતાં સ્વામીજીએ કહ્યું હતું. ‘હાલની કેળવણીની પ્રથા સાવ ખોટી છે. મનને હજી વિચાર કરતાં પણ ન આવડે તે પહેલાં તો એમાં હકીકતોને ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવે છે. પહેલાં તો એ શીખવું જોઈએ કે મનને કેવી રીતે વશ રાખવું? મને જો ફરીથી કેળવણી મેળવવાનું પ્રાપ્ત થાય, અને એમાં મારું ચાલે, તો મારા મનને વશમાં રાખવાનું હું પહેલાં શીખું અને હકીકતો જો જાણવી જ હોય તો પછીથી જાણું. લોકોને અમુક વસ્તુ શીખતાં સમય લાગે છે, તેનું કારણ એ છે કે તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે મનને એકાગ્ર કરી શકતા નથી… મેકાલેનો ‘ઈંગ્લેંડનો ઈતિહાસ’ યાદ રાખવા માટે મારે ત્રણવાર વાંચવો પડ્યો હતો, જ્યારે મારી માતા તો કોઈ પણ ધાર્મિક પુસ્તકને એક જ વાચનમાં યાદ રાખી શકતી.’

ઈમર્સન કહે છે, ‘બળનું રહસ્ય તો છે એકાગ્રતા યુદ્ધમાં, વેપારમાં, બધી જ પ્રકારની બાબતોમાં.’

ચીનના સંત ચાઉંગ ત્ઝુ એકાગ્રતાનો એક દાખલો આપે છે. એક વૃદ્ધ ૮૦ વર્ષની ઉંમરે પણ તલવારની ધાર કરવામાં અત્યંત કુશળ હતો. તેને જ્યારે તેની સફળતાના રહસ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આખી જિંદગી તેણે આ કાર્ય પર જ ધ્યાન પોતાનું એકાગ્ર કર્યું હતું.

ચાર્લ્સ કિંગલી કહે છે, ‘જ્યારે હું કોઈ પણ કાર્યને હાથમાં લઉં છું ત્યારે એવી રીતે કરું છું, જાણે સંસારમાં બીજું કાંઈ છે જ નહિ. બધા પરિશ્રમી વ્યક્તિઓનું આ જ રહસ્ય છે.’

જૈન શાસ્ત્રો પ્રમાણે એકાગ્રતા દ્વારા જ મન સ્થિર થઈ શકે. જેવી રીતે એક સંગીતના વાંજિત્રને ‘ટ્યુન’ કરવું પડે છે. તેવી રીતે મનને પણ એકાગ્રતા દ્વારા ‘ટ્યુન’ કરવું પડે છે.’

સૂર્યનાં કિરણો જ્યારે એક લેન્સ પર થઈને કેન્દ્રિભૂત થાય છે ત્યારે તેની નીચેના કાગળને બાળી નાખે છે. તેવી રીતે મન જ્યારે એકાગ્ર થાય છે. ત્યારે તેમાં અદ્ભુત શક્તિ પ્રકટ થાય છે.

એકાગ્રતાની શક્તિને કારણે જ અર્જુન મહાન ધનુર્ધર બન્યો ગુરુ દ્રોણે બધાને નાપાસ કર્યા પણ અર્જુનને પાસ કર્યો કારણ કે તેણે કહ્યું કે હું ફક્ત પક્ષીની આંખ જ જોઉં છું અને ખરેખર તેણે નિશાન વીંધ્યું. તેવી જ રીતે દ્રોપદીના સ્વયંવરમાં તેણે માછલીનો પડછાયો જોઈને તેની આંખ વીંધી.

માનવ પશું કરતાં કેમ ચડિયાતો છે? એકાગ્રતાને કારણે. એક નાનકડો મહાવત મોટા હાથીને અંકુશમાં રાખી શકે છે. આ એકાગ્રતાને કારણે પશુ-પક્ષીમાં મનની એકાગ્રતા બહુ જ અલ્પ હોય છે, એટલે જ તેઓને સરકસમાં તાલીમ આપવી અઘરી પડે છે. એક સાધારણ વિદ્યાર્થી અને હોંશિયાર વિદ્યાર્થીમાં અંતર શેનું છે? એકાગ્રતાનું જ. જે વ્યક્તિમાં જેટલી એકાગ્રતા વધુ તેટલી તે મહાન બને છે. દરેક મહાન વ્યક્તિની સફળતાનું રહસ્ય છે એકાગ્રતા. એક મહાન કવિ, મહાન લેખક, મહાન કલાકાર, મહાન સંગીતકાર, મહાન વૈજ્ઞાનિક, મહાન વેપારી, મહાન વિદ્યાર્થી આ બધા મનની એકાગ્રતા દ્વારા જ મહાનતાના શિખરે પહોંચ્યા છે.

સિકંદર મહાન એકાગ્રતાથી મહાન બન્યો નેપોલિયન બોનાપાર્ટે લક્ષ્યની એકાગ્રતાથી વિશ્વવિજય પ્રાપ્ત કર્યો. મહાત્મા ગાંધીજી એકાગ્રતાથી રાષ્ટ્ર માટે આઝાદીની લડત ચલાવી ‘રાષ્ટ્રપિતા’ બન્યા. સુપ્રસિદ્ધ શહનાઈવાદક બિસ્મિલ્લાખાંએ પોતાની સફળતાનું રહસ્ય બતાવતાં દૂરદર્શનને ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ બચપણથી જ એકાગ્રચિત્રે શહનાઈવાદનની સાધના કરી મહાનતાના આટલા ઊંચે શિખરે પહોંચ્યા છે. ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન કરી વિશ્વરેકોર્ડ કરનાર સુનિલ ગાવસ્કરે પોતાની સફળતાનું રહસ્ય બતાવતાં કહ્યું હતું કે તે બચપણથી જ એકાગ્રચિત્તે ક્રિકેટ રમતો – તેનું એક જ ધ્યેય હતું મહાન ક્રિકેટ પ્લેયર બનવું. સાધનોના અભાવમાં તે શેરીમાં જ સાધારણ બેટથી રમતો, આમ રમતાં તેણે પાડોશીઓના ઘરની બારીના કેટલાય કાંચ તોડ્યા હતા!

ખેલાડી જ્યારે ચિત્તની એકાગ્રતા ગુમાવે છે ત્યારે આઉટ થાય છે અથવા કેચ ગુમાવી બેસે છે. કોઈ કોઈ વાર મહાન ખેલાડીઓ સફળતાના ઉચ્ચ શિખરો આંબીને પછી એકાએક પોતાનું ‘ફોર્મ’ ગુમાવી બેસે છે… વારંવાર અસફળ થાય છે. કોઈ કોઈ કહે છે આનું કારણ – તેનું ‘બેડલક’ (અવળું ભાગ્ય) પણ વિશ્લેષણ કરતાં માલૂમ પડશે કે તે ખેલાડી ગમે તે કારણે ચિત્તની એકાગ્રતા, સ્વસ્થતા ગુમાવી બેઠો, તેનું મન ચંચળ થઈ ગયું અને તેની અસર તેની રમત પર પડી. આવું જ મહાન સંગીતકારો, કલાકારો વિશે પણ છે. એરોપ્લેનનો પાયલોટ, ટ્રેનનો ડ્રાઈવર અથવા બસનો ડ્રાઈવર જ્યારે એકાગ્રતા ગુમાવે છે ત્યારે અકસ્માત સર્જાય છે. નેપોલિયન યુદ્ધમાં હાર્યો તે પહેલાં પોતાના ચિત્તની એકાગ્રતા ગુમાવી બેઠો હતો.

જીવનમાં સફળતાનું રહસ્ય છે એકાગ્રતા મહાન પુરુષોની મહાનતાનું રહસ્ય છે એકાગ્રતા. જીવનમાં અસફળતાનું કારણ છે એકાગ્રતાનો અભાવ.

આપણા દૈનંદિન જીવનમાં પણ એકાગ્રતાનું અત્યંત મહત્ત્વ છે. સારી રીતે ભણવા, ભણાવવા, ચિત્રકામ કરવા, ગ્રંથો લખવા, ભાષણ આપવા, હિસાબ કરવા, રસોઈ બનાવવા કે સફાઈ કરવા માટે, આ બધા માટે એકાગ્રતાની આવશ્યક્તા છે.

સ્વામી વિવેકાનંદ એકાગ્રતાની મહત્તા વિશે કહે છે – ‘જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી પાસે માત્ર એક જ રીત છે. અધમમાં અધમ માણસથી માંડીને ઊંચામાં ઊંચા યોગી સુધી બધા માટે રીત તે જ છે. આ રીત એકાગ્રતાની છે. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી પોતાના મનની તમામ શક્તિ એક બિંદુમાં કેન્દ્રિત કરીને મૂળ તત્ત્વો ઉપર પ્રયોગ કરે છે. ત્યારે તે તત્ત્વોનું પૃથકકરણ થાય છે, અને આ રીતે તેને જ્ઞાન મળે છે. ખગોળશાસ્ત્રી પણ પોતાના મનની શક્તિઓને એકાગ્ર કરીને એક કેન્દ્ર ઉપર લાવે છે અને દુરબીનની સહાયથી તેમનો આકાશી પદાર્થો ઉપર પ્રયોગ કરે છે, પરિણામે તારાઓ અને નક્ષત્રમંડળો પોતાનું રહસ્ય તેની પાસે ઊંઘાડું કરે છે. ખુરશી પર બેઠેલો અધ્યાપક કે પુસ્તક લઈને બેઠેલો વિદ્યાર્થી કે કંઈ પણ જાણવાનો પ્રયાસ કરતો હરકોઈ માણસ, સહુને માટે આ જ રીત છે. તમે મને સાંભળો છો. જો મારા શબ્દોમાં તમને રસ પડશે તો તમારું મન તેના ઉપર એકાગ્ર બનશે. તે વખતે જો ઘડિયાળના ટકોરા પડે તો પણ આ એકાગ્રતાને લીધે તમે તે સાંભળશો નહીં. તમે તમારા મનને જેમ વધારે ને વધારે એકાગ્ર બનાવશો તેમ તેમ તમે મને વધારે સારી રીતે સમજી શકશો; જેટલા પ્રમાણમાં હું મારો પ્રેમ અને શક્તિઓ વધારે એકાગ્ર કરીશ તેટલા પ્રમાણમાં તમને જે કહેવાનું છે તે હું સારી રીતે કહી શકીશ; જેટલી તમારી એકાગ્રતાની શક્તિ વધારે તેટલું તમને વધારે જ્ઞાન મળશે. કારણ કે દાન મેળવવાનો આ એક જ ઉપાય છે. હલકામાં હલકો બુટપોલિશવાળો પણ જેટલો વધુ એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે; વધારે એકાગ્રતાથી રસોઈયો વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં કે ઈશ્વરની આરાધના કરવામાં કે કોઈ કાર્યમાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. આ એક જ પોકાર છે, એક જ ટકોર તેના વડે પ્રકૃતિનાં દ્વાર ઊઘડી જશે અને પ્રકાશનાં પૂર રેલાશે જ્ઞાનના ભંડારની એકમાત્ર ચાવી આ એકાગ્રતાની શક્તિ છે.’

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.