વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન – ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન – બ્રહ્મસૂત્રો (ન્યાયપ્રસ્થાન) સંબંધી સ્વામીજીના વિચારો દર્શાવવાનો આ ઉપક્રમ છે, પણ આ ત્રણ પ્રસ્થાનો પૈકી ઉપનિષદોના પ્રથમ પ્રસ્થાન અને ભગવદ્ગીતાના ત્રીજા પ્રસ્થાન (સ્મૃતિપ્રસ્થાન) વિશે સ્વામીજીએ જેટલું કહ્યું કે લખ્યું છે, એના પ્રમાણમાં બ્રહ્મસૂત્રો વિશે ઘણું ઓછું કહ્યું છે. તેમની લખાયેલી પ્રકીર્ણ નોંધો, અંતેવાસીઓ સાથે થયેલા તેમના વાર્તાલાપો, તેમણે લીધેલા વર્ગો, હાર્વર્ડ યુનિ.માં આપેલ એકાદ પ્રવચન અને એના પર થયેલી પ્રશ્નોત્તરીમાંથી થોડી ઘણી સામગ્રી મળી રહે છે અને એમાંથી એમના બ્રહ્મસૂત્ર વિશેના વિચારો સદ્ભાગ્યે ઠીક ઠીક રીતે તારવી શકાય છે. જો કે શરદચંદ્ર ચક્રવર્તીના બંગાળી જીવનચરિત્રમાંથી એવું જાણવા મળે છે કે સ્વામીજીએ શરદચંદ્રને આખું બ્રહ્મસૂત્ર પોતાની મૌલિક રીતે સમજાવ્યું હતું, તે તેમણે સ્વામીજીની ઈચ્છાનુસાર એકાદ હજાર પાનામાં લખીને એને ‘વિવેકભાષ્ય’ એવું નામ આપ્યું હતું. એ પુસ્તકનું સ્વામી શુદ્ધાનંદે પરિમાર્જન-પરિષ્કરણ પણ કર્યું હતું, પણ દુર્ભાગ્યે ગમે તે કારણસર તે હજુ સુધી અપ્રકાશિત જ રહ્યું છે. એ પ્રકાશિત થયું હોત તો આપણને પૂરી સુવિધા રહેત.

બ્રહ્મસૂત્રો વિશે સ્વામીજીના ઓછા વક્તવ્યનાં સ્પષ્ટ કારણો છે. એક તો બ્રહ્મસૂત્રો લોકોને ઉપનિષદો અને ગીતા જેટલાં સુપરિચિત નથી. બીજું શ્રુતિઓ પર જ આધારિત બ્રહ્મસૂત્રોમાં શ્રુતિગત પરસ્પર દેખાતા વિરોધાભાસો દૂર કરી, સર્વ શ્રુતિઓનો સમન્વય કરીને સાધનામાર્ગ બતાવ્યો છે અને મોક્ષનો ખ્યાલ આપ્યો છે. આમ બ્રહ્મસૂત્રો શ્રુતિમૂલક જ હોવાથી શ્રુતિઓ વિશે કહ્યા પછી બ્રહ્મસૂત્રો પર ઝાઝું કહેવાની જરૂર સ્વામીજીને જણાઈ નહિ હોય. વળી ભગવદ્ગીતામાં પણ સ્વામીજીને ઉપનિષદોનું જ ભાષ્ય દેખાયું છે. તદુપરાંત, જનસામાન્યનું વલણ સીધો સંદેશ પચાવે છે તેટલું ઉપપત્તિ કે તર્કોને પચાવતું નથી અને બ્રહ્મસૂત્રો તો ઉપપત્તિઓ અને તર્કોથી ભરપૂર છે. એટલે જ એ ‘ન્યાયપ્રસ્થાન’ કહેવાય છે.

ગમે ત્યાં બ્રહ્મસૂત્રો વિષે વાત કરતાં, સ્વામીજીએ એને ‘વ્યાસસૂત્રો’ જ કહ્યાં છે. એથી બ્રહ્મસૂત્રો વ્યાસરચિત હોવાનું એમનું મંતવ્ય ફલિત થાય છે. તેમના મતે ભારતમાં થઈ ગયેલા વ્યાસ નામના એક મહાન ઋષિએ બ્રહ્મસૂત્રો રચ્યાં છે. શ્રુતિ સિવાયના આપણા બધા મહાન ગ્રંથોના પ્રણેતા તરીકે વેદવ્યાસ અથવા કૃષ્ણદ્વૈપાયનને માનવાની આપણી પરંપરા સ્વામીજી જાણતા હતા. અને સાથોસાથ એ પણ સમજતા હતા કે આ ‘વ્યાસ’ શબ્દનો વ્યુત્પત્તિ લભ્ય અર્થ ‘વ્યવસ્થાપક’ કે ‘ગોઠવનાર’ થાય છે. વેદવ્યાસે મહાભારત, ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્રો વગેરેની વ્યવસ્થા કરી હતી. એટલે એ ‘વ્યાસ’ કહેવાયા. સ્વામી વિવેકાનંદે પોતે જ કહ્યું હતું, ‘એવી ઘણી વ્યક્તિઓ થઈ ગઈ છે કે જે ‘વેદવ્યાસ’ને નામે ઓળખાય છે.’ વ્યાસ શબ્દ તો એક સામાન્ય સંજ્ઞા છે. નવું પુરા રચનાર ગમે તે ‘વ્યાસ’ કહેવાતા. ગમે તે પરાક્રમી પુરુષને જેમ ‘વિક્રમાદિત્ય’ કહીએ, તેવું આ બિરુદ છે. સ્વામીજીના આ વિધાનથી સ્પષ્ટ થાય છે કે તેઓ જ્યારે બ્રહ્મસૂત્રોને ‘વ્યાસસૂત્રો’ કહે છે, ત્યારે એનો અર્થ એવો નથી થતો કે કોઈ એક ચોક્કસ ‘વ્યાસ’ નામની વ્યક્તિએ જ બ્રહ્મસૂત્રો રચ્યાં છે અને બીજી વ્યક્તિએ નહિ જ. દેખીતી રીતે જ સ્વામી વિવેકાનંદ જાણતા હતા કે શંકરાચાર્યે અને તેમના અનુગામી વાચસ્પતિ મિશ્ર આનંદગિરિ વગેરેએ પણ બ્રહ્મસૂત્રકારને ‘બાદરાયણ’ નામ આપ્યું છે. અને ‘બાદરાયણ’ અને ‘વ્યાસ’ને એક માનીને તેમને બ્રહ્મસૂત્રકાર ઠરાવ્યા છે. રામાનુજે કેવળ ‘વ્યાસ’ શબ્દ જ વાપર્યો છે. આ માહિતીથી સુપરિચિત સ્વામીજીનું આ વિધાન હોવાથી એનું વજૂદ વધી જાય છે. જો કે હાલના ઘણા વિદ્વાનો પણ આવું જ માને છે. પણ બ્રહ્મસૂત્રોમાં આઠેક વખત એક અલગ મતવાદી તરીકે ‘બાદરાયણ’નું નામ આવેલું હોવાથી ‘બાદરાયણ’ અને ‘વ્યાસ’ જુદા હોવાની શંકા ઊભી થાય છે. પણ આ શંકા યોગ્ય નથી, કારણ કે સંસ્કૃત વાડ્મયમાં એવાં ઘણાંય ઉદાહરણો છે કે જેમાં ગ્રંથકર્તાએ પોતાના નામનો ત્રીજા પુરુષ તરીકે ઉલ્લેખ કર્યો હોય’

આ બધાનો નિષ્કર્ષ એ છે કે સ્વામી વિવેકાનંદ ભલે મૅક્સમૂલરની ૧૮૯૦માં પ્રકાશિત ‘સૅક્રૅડ બુક્સ ઑફ ઈસ્ટ’ની ગ્રંથમાળાના ૩૪મા ભાગમાંના થિબોના બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યના અનુવાદની ભૂમિકાના વિચારોથી કે એવા બીજા ભારતીય વિદ્યાના નિષ્ણાત પશ્ચિમી વિદ્વાનોના વિચારોથી વાકેફ હોય પણ આવી બાબતોમાં એવા વિચારોને બદલે ભારતીય પરંપરાગત વિચાર પ્રણાલિને જ પ્રમાણભૂત ગણતા અને એથી જ તેમણે બ્રહ્મસૂત્રોને ‘વ્યાસસૂત્રો’ કહ્યાં છે.

સ્વામીજીના આ અભિપ્રાય સાથે મૅક્સમૂલરનો મત સરખાવવા જેવો છે કે ‘આપણે બાદરાયણ, જૈમિનિ, કપિલ વગેરે નામોને વિવિધ દર્શનપદ્ધતિઓના પૌરાણિક અધિનાયકો તરીકે ઓળખવાની ટેવ પાડવી જોઈએ.’ સ્વામીજી અને મૅક્સમૂલરના અભિપ્રાયોના સમન્વયનો ફલિતાર્થ એ છે કે ‘વ્યાસ’ પધારી ‘બાદરાયણ’ નામના કોઈ પુરાકલ્પિત અધિનાયકની દર્શનપદ્ધતિનું સૂત્રાત્મક રૂપ જ આ ‘બ્રહ્મસૂત્રો’ છે. શ્રીરામકૃષ્ણ સંઘના ત્રણ વિદ્વાન સંન્યાસી દ્વારા સંપાદિત બ્રહ્મસૂત્રોની અંગ્રેજી આવૃત્તિઓમાં પણ આ વાતનું જ સમર્થન છે. સ્વામી ગંભીરાનંદજીના બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યના અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનામાં શ્રી ટી.એમ.પી. મહાદેવને આ જ વાત કહી છે. સ્વામી વીરેશ્વરાનંદ પણ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્યાનુસારી અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં આ જ રીતે સ્વામી વિવેકાનંદને અનુસર્યા છે.

બ્રહ્મસૂત્રો સિવાયનાં બાકીનાં બે પ્રસ્થાનોમાં આવી ગ્રંથકર્તૃત્વની ચર્ચાની જરૂર નથી. કારણ કે ઉપનિષદો અને ગીતા વિશે આપણે ઠીક ઠીક જાણીએ છીએ પણ બ્રહ્મસૂત્રનું એવું નથી. એ બહુ જાણીતાં નથી અને તો પણ એને ‘પ્રસ્થાન’નું પદ મળ્યું છે. ઉપનિષદો ‘વેદાન્તનો પિંડ’ છે અને ભગવદ્ગીતા પણ ‘અંતિમ ઉપનિષદ’ લેખાઈ છે, છતાં બ્રહ્મસૂત્રો વેદાન્તના પાયાના ગ્રંથ તરીકે મનાયાં છે. એના રચનાકાળથી જ એ ઉપનિષદ્વિચારોના સૂત્રાત્મક રૂપ તરીકે- ઉપનિષદોના જ એક ઘટક તરીકે સ્વીકારાયાં છે. ભારે ભાતીગળ સ્વરૂપનાં ઉપનિષદોમાં દેખાતાં પરસ્પર વિરોધાભાસી વિધાનોના સમાધાન માટે કાળાન્તરે ઉપનિષદોના સકલજ્ઞાનના સારરૂપ ગ્રંથની આવશ્યક્તા ઊભી થઈ હતી. આમ ઉપનિષદોના રસાયન રૂપે ‘બ્રહ્મસૂત્રો’ (ઉત્તરમીમાંસા) બન્યાં અને વેદો-બ્રાહ્મણોના રસાયનરૂપે જૈમિનિનાં પૂર્વમીમાંસા કે કર્મમીમાંસાનાં સૂત્રો બન્યાં. સમયની માગ સંતોષાઈ. મીમાંસા એટલે ‘સમાધાનકારી શોધ’, બ્રહ્મસૂત્રો જ વ્યાસસૂત્ર, વેદાન્તસૂત્ર, શારીરકસૂત્ર, બ્રહ્મમીમાંસા કે ઉત્તરમીમાંસા કહેવાય છે. શરીરસ્થ નિરપેક્ષ ખોજનું શાસ્ત્ર હોવાથી એને ‘શારીરકસૂત્ર’ કહે છે.

પ્રસ્તુત બ્રહ્મસૂત્રો કંઈ ઉપનિષદ પરનો એક માત્ર પ્રાચીનતમ સારગ્રંથ નથી. પણ એવા અનેક સારગ્રંથો માંહેનો સર્વશ્રેષ્ઠ પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રસ્તુત બ્રહ્મસૂત્રોમાં જ આત્રેય, આશ્મરથ્ય, ઔડુલુમિ, કાશકૃત્સી, જૈમિનિ અને બાદરિનાં નામો છે. સ્પષ્ટ છે કે બાદરાયણે ઉક્ત લોકોના ગ્રંથો વાંચીને સ્વમતના સંદર્ભમાં એમને ટાંક્યા છે. એટલે બાદરાયણનાં બ્રહ્મસૂત્રો, ઉપનિષદ્ વ્યાખ્યાનના પહેલા તબક્કાના અંતિમ અને સર્વમાન્ય સૂત્રો બન્યાં અને ઉપનિષદ વ્યાખ્યાનનો બીજો તબક્કો નવમી સદીના શંકરથી શરૂ થયો.

બાદરાયણના જીવન વિશે આપણે સાવ અજાણ છીએ. એક આદરણીય પ્રાચીન ઋષિરૂપે જ આપણે એને જાણીએ છીએ. એમનો કાલનિર્ણય મુશ્કેલ છે. રાધાકૃષ્ણન્-ને મતે બ્રહ્મસૂત્રોમાં લગભગ બધી જ દર્શનપદ્ધતિઓનો સંદર્ભ હોવાથી એ બહુ પ્રાચીન નથી, તો મૅક્સમૂલરે કૃતિ અને કર્તાને વધુ પ્રાચીન ઠરાવ્યાં છે. આર.વી. ફ્રેગરે એને ઈ.પૂ. ૪૦૦માં મૂકેલ છે. તો કીથે એને ઈ.સ. ૨૦૦થી મોડા ન ગણવાનું સૂચવ્યું છે. જૅકૉબીએ ઈ.સ. ૨૦૦થી ૪૫૦નો સમયગાળો દર્શાવ્યો છે. વિદેશી વિદ્વાનોથી અભિભૂત દેશી વિદ્વાનોએ પણ પ્રાચીનતાની પરવા વગર ઈ.પૂ. ૫૦૦થી ઈ.સ. ૨૦૦ સુધીનો ગાળો બતાવ્યો છે.

પરંતુ, સ્વામીજીનું આવી બાબતોમાં વિદેશી વિદ્વાનોને ન માનવાનું અને પરંપરાનુસરણનું વલણ આપણે જાણ્યું છે. વિદેશી પ્રભાવથી મુક્ત તળ ભારતના વિદ્વાનોની પરંપરાનુકૂલ સત્યશોધને જ તેઓ આવકારતા. સદ્ભાગ્યે રામકૃષ્ણસંઘના જ બ્રહ્મલીન પરમાધ્યમ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે એવો વિવેકાનંદાનુસારી મત આપ્યો કે ઘણાં કારણોસર પ્રસ્તુત બ્રહ્મસૂત્રો બુદ્ધના સમય પહેલાંના તરતના કાળે રચાયાં અને ઘણી સદીઓ સુધી અકબંધ રહેલી એની ‘વાચના’ પણ ઈ.પૂ. ત્રીજી સદીથી પછીની તો નથી જ. આ જ ‘વાચના’ બાદરાયણની રચના છે અને બાદરાયણ અને વ્યાસને એક જ માનવાની પરંપરા ન માનીએ તો પણ સૂત્રોની પ્રવર્તમાન ‘વાચના’માં વ્યાસનો હાથ હશે જ. કેટલે અંશે એ કહેવુ કઠણ છે. કાં તો એમણે બાદરાયણસૂત્રોનો પરિષ્કાર કર્યો હશે અથવા અક્ષરશઃ એ સ્વીકાર્યાં હશે!

બ્રહ્મસૂત્રોની લેખનશૈલી સ્વલ્પાક્ષરી, દુરૂહ, ગૂઢ અને કષ્ટસાધ્યવાચનવાળી છે. ઉપનિષદો અને ગીતા તો સરસ કવિત્વમય ગ્રંથો છે. બ્રહ્મસૂત્રો એવાં નથી. સ્મરણની સુલભતા માટે સૂત્રો સ્વલ્પાક્ષરી તો હોય, પણ બાદરાયણનાં સૂત્રોની સંક્ષિપ્તતા તો વાચકને મૂંઝવે તેવી છે. રાધાકૃષ્ણન્-ને મતે શબ્દોની ભારે કરકસરવાળાં આ સૂત્રો ટીકાની સહાય વિના સમજી શકાતાં નથી, અથાક મહેનતે અર્થ પમાય એવાં આ સૂત્રોના એકાદ બે નમૂના જોઈએ : ‘અથાતો બ્રહ્મ જિજ્ઞાસા’ – એ પહેલા જ સૂત્રનો ધૂંધળો અર્થ, ‘(અથ) હવે (અતઃ) આથી (બ્રહ્મજિજ્ઞાસા) બ્રહ્મની જિજ્ઞાસા’ – એવો થાય છે. પણ આમાં ‘હવે’ એટલે ક્યારે? શેના પછી? અને આથી એટલે શાથી? આ શબ્દો સમજાવવા શંકર-રામાનુજે પાનાંનાં પાનાં ભર્યાં છે! બીજું સૂત્ર જુઓ : ‘જન્માદ્યસ્ય યતઃ’ એનો શબ્દાર્થ, ‘જેનાથી આના જન્મ વગેરે થાય છે’ – એવો છે. પણ સ્પષ્ટાર્થ તો તારવવો પડે છે કે જેમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, તે જ ‘સત્’ તત્ત્વ છે.’

પણ સૂત્રકાર બાદરાયણે આવી દુર્વિજ્ઞેય-વિચિત્ર સૂત્રશૈલી કેમ પસંદ કરી? ઉપનિષદોના વિશાળ ભવ્ય જ્ઞાનરાશિને ફક્ત પાંચસો પંચાવન નાનકડાં સૂત્રોમાં રજૂ કરવાની જરૂર જ શી હતી? એથી તો ઊલટું શંકર, રામાનુજ વગેરેને લાંબાલચક ભાષ્યો દ્વારા એને સમજાવવાની મહેનત લેવી પડી! પણ ભારતીય તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે કાળબળે અહીં એક સર્વસ્વીકૃત ‘સૂત્રયુગ’ શરૂ થયો હતો. ઉપનિષદકાળ ચેતનાથી છલોછલ અંતઃસ્ફુરણાનો કાળ હતો. અને સૂત્રકાળ એવી સ્ફુરણાજન્ય ઉપલબ્ધિઓના અર્થને તર્કના સેતુથી બાંધીને બૌદ્ધિક આકાર આપવાનો હતો. આમ છતાં યે એટલું તો કહેવું જ પડે છે? પતંજલિનાં યોગસૂત્રો કરતાં બ્રહ્મસૂત્રો વધુ ધૂંધળાં તો છે જ. એનું આગવું કારણ એ લાગે છે કે દ્વૈત- અદ્વૈત – બન્નેના સમર્થનમાં ટાંકી શકાય એવાં ઉપનિષદ વાક્યો તો સગુણ-નિર્ગુણ-બન્ને બ્રહ્મસ્વરૂપોનું પ્રતિપાદન કરતાં જણાય છે, એવું બાદરાયણને લાગવાથી કદાચ એમણે પોતે તટસ્થ જ રહીને બન્ને મતવાદીઓને પોતપોતાના મતને સમર્થન માટે અનુકૂળ રહે એવાં સૂત્રો રચ્યાં હશે! બાદરાયણ કદાચ એવું ય માનતા હોય કે વિવિધ ઉપનિષદોનું વેદાન્તજ્ઞાન કંઈ ફક્ત દ્વૈત કે અદ્વૈતને જ લાગુ પાડી ન શકાય. એમાં તો એ બન્ને માટે અવકાશ છે. ડૉ. રાધાકૃષ્ણન્ ‘ઈન્ડિયન ફિલૉસૉફી’ના બીજા ભાગમાં કહે છે : ‘આ બ્રહ્મસૂત્રો એક એવો વિરલ ગ્રંથ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતાની બૌદ્ધિક કક્ષા પ્રમાણે સમજણનો પરિતોષ પામી શકે.’ આ જ કારણે નવમી સદીના શંકરથી માંડીને અઢારમી સદીના બલદેવ સુધીના આપણા બધા મધ્યયુગીન ભાષ્યકા૨ોએ પોતપોતાની તત્ત્વવિચારણા, આ બ્રહ્મસૂત્રોને પાયામાં રાખીને જ કરી છે.

હવે બ્રહ્મસૂત્રોની સંરચના વિશે પણ થોડુંક જોઈ લઈએ : બ્રહ્મસૂત્રોમાં ચાર અધ્યાય છે. દરેક અધ્યાયને ચાર ‘પાદો’ (ઉપવિભાગો)માં વહેંચવામાં આવેલ છે. અને દરેક ‘પાદ’ને કેટલાંક વિષયાનુસારી પ્રમાણે – ‘અધિકરણો’ છે અને દરેક ‘અધિકરણ’માં વિષયાનુકુલ કેટલાંક સૂત્રો ગોઠવ્યાં છે. ઉપનિષદોના વિવિધ દૃષ્ટિકોણોનું સંવાદી સમાધાન બ્રહ્મસૂત્રના પહેલા ‘સમન્વયાધ્યાય’માં કર્યું છે. બીજા ‘અવિરોધ’ અધ્યાયમાં ઉપનિષદોનાં પરસ્પર વિરોધાભાસી વિધાનો વચ્ચે અવિરોધ સ્થાપ્યો છે. ત્રીજા ‘સાધનાધ્યાય’માં બ્રહ્મસાક્ષાત્કાર તરફ દોરી જતાં સાધનોનાં સ્વરૂપો બતાવ્યાં છે. અને ચોથા ફલાધ્યાયમાં જ્ઞાનની ફલશ્રુતિ દર્શાવી છે.

આપણે જોયું કે આ બ્રહ્મસૂત્રોને જ પાયો ગણીને એના પર જ બધા આચાર્યોએ પોતાના તત્ત્વજ્ઞાનની ઈમારત ચણી છે. પાયો એક જ હોવા છતાં દૃષ્ટિકોણોની વિવિધતાને કારણે ભાષ્યકારોએ એમાં બ્રહ્મ, જીવ, પ્રકૃતિ વગેરેનાં સ્વરૂપો અને એના પરસ્પરના સંબંધો વિશે જુદી જુદી સમજૂતીઓ આપી. નવમા શતકમાં શંકરે પોતાના ‘કેવલાદ્વૈત’નું સ્થાપન કરવા એના પર ભાષ્ય લખ્યું. તો આશરે ઈ.સ. ૧૦૦૦માં ભાસ્કરે અને યાદવપ્રકાશે એમાં પોતાના ‘ભેદાભેદવાદ’નું સમર્થન શોધ્યું. આગળ બારમી સદીમાં રામાનુજે બ્રહ્મસૂત્રોને ‘વિશિષ્ટાદ્વૈત’નું સર્મથન કરતો ગ્રંથ ગણ્યો. તો વળી તેરમી સદીમાં મધ્યે એને ‘દ્વૈતપ્રતિપાદકશાસ્ત્ર’ માન્યું. એ પછી તેરમી સદીના ઉત્તરાર્ધમાં નિમ્બાર્કે સૂત્રોની વ્યાખ્યા કરીને પોતાનો ‘દ્વૈતાદ્વૈત’ મત રજૂ કર્યો. અને એ જ સમયગાળામાં શ્રીકંઠે પોતાના ‘શૈવવિશિષ્ટાદ્વૈત’ મતના સમર્થન માટે બ્રહ્મસૂત્રોની સહાય લીધી. ઈ.સ. ૧૪૦૦ની આસપાસ શ્રીપતિએ ‘ભેદાભેદાત્મક વિશિષ્ટાદ્વૈતવાદ’નું પણ બ્રહ્મસૂત્રો દ્વારા જ સમર્થન કર્યું, તો વળી સોળમી સદીના વલ્લભે એમાં ‘શુદ્ધાદ્વૈત’ શોધ્યું. એ જ સદીના શુકે એમાં ‘ભેદવાદ’ ભાળ્યો. ઈ.સ. ૧૬૦૦ની આસપાસના વિરજાનંદ ભિક્ષુએ આ સૂત્રો પર ‘આત્મબ્રહ્મૈક્યવાદ’ પ્રબોધતી ટીકા લખી. છેવટે અઢારમી સદીમાં બલદેવે બ્રહ્મસૂત્રો દ્વારા જ ‘અચિન્ત્યભેદાભેદવાદ’નું નિરૂપણ કર્યું. આમ આ એક જ પાયા પર ઈમારતોની લાંબી કતાર રચાઈ. આ ઘટના બ્રહ્મસૂત્રોની નિગૂઢતા, મહત્તા અને વેદાન્તની સર્વ સ્વીકૃતિ બતાવી જાય છે.

પણ આ બધામાં સૂત્રકારનો પોતાનો તાત્પર્યાર્થ સ્વામીજી શો તારવે છે, તે વિચારતાં પહેલાં વચ્ચે જ ઊભા થતા એક અતિમહત્ત્વના પ્રશ્ન પર વિચાર કરવો જરૂરી બને છે : બાદરાયણની નિગૂઢ શૈલીને કારણે બ્રહ્મસૂત્રોને આચાર્યોએ મુખ્યતઃ શ્વેત અને અદ્વૈતના બન્ને દૃષ્ટિકોણથી વિચાર્યું છે. આમ છતાં પણ વિચક્ષણ વાચકને માટે બાદરાયણનો પોતાનો તાત્પર્યાર્થ તારવવાનું વિદ્વાનોએ શક્ય માન્યું છે. આવા તાત્પર્યાર્થ તારવતા કેટલાક દાખલા જોઈ લઈએ :

ડૉ.રાધાકૃષ્ણન્ ‘ઈન્ડિયન ફિલૉસૉફી’ના બીજા ભાગમાં ‘વિશ્વ પ્રત્યેના અદ્વૈત’ના પુરસ્કર્તા માને છે, પણ ‘વિશ્વ પ્રત્યેની અદ્ભુત દૃષ્ટિ’નો ખરો અર્થ એમાંથી નીકળતો નથી. કારણ કે ‘આ અદ્વૈત જ છેવટનું પરમ સત્ છે’ આવી સૂત્રકારની સંમતિ તેમણે ક્યાંયે બતાવી નથી. ખરી રીતે તો અહીં તેમણે ‘એકેશ્વરવાદ’ અને ‘બ્રહ્માત્યૈકયવાદ’ વચ્ચેનો માત્ર ભેદ જ બતાવ્યો છે. એટલે જ તો આગળ એવું કહ્યું છે કે, ‘વાસ્તવિક રીતે પરિવર્તનશીલ અને વિવિધ વિષયો રૂપે વ્યક્ત થતું પરમ તત્ત્વ બાદરાયણને મતે સ્વગત ભેદવાળું જણાય છે. આમ છતાં કોઈ સ્પષ્ટ વિધાન કરી શકાય તેમ નથી,’ આવું કહ્યા પછી બરાબર બત્રીસ વર્ષે ૧૯૬૦માં તેમના બ્રહ્મસૂત્ર વિશેના બૃહદ્ ગ્રંથમાં તેઓ કંઈક ચોક્કસ નિર્ણય પર આવેલા જણાય છે. ત્યાં એમણે કહ્યું કે, ‘બાદરાયણ ‘કેવલાદૈતી’ કરતાં ‘ઈશ્વરાદ્વયવાદી’ વધુ જણાય છે.’ સુરેન્દ્રનાથ દાસગુપ્તા પણ આવા જ મતના છે. તેઓ ‘ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસ’ના પહેલા ભાગમાં લખે છે : ‘બ્રહ્મસૂત્રોમાં શાંકરભાષ્ય કરતાં દ્વૈતવાદી ભાષ્યો વધારે સૂત્રાનુકૂળ છે, એમ હું માનું છું… બ્રહ્મસૂત્રો મૂળ દ્વૈતવાદીઓનો પ્રમાણભૂત ગ્રંથ છે.’ ઍસ.ઍસ. રાઘવાચાર, ‘બ્રહ્મસૂત્રો બ્રહ્મનિરૂપણ કરતી વખતે જગતની વાસ્તવિકતાને નકારતાં નથી.’ એવા વેદાન્ત મત તરફ ધ્યાન દોર્યું છે. તો એ.બી. કીથે કહ્યું કે બાદરાયણનો સીધો સાદો વિચાર તો ‘પૂર્ણ, અપાર્થિવ પરમ તત્ત્વમાં જ આ જગત અને જીવો રહેલા છે’ આવો જ છે. થીબો સાથે સંમત થઈને જે. એન. ફરકવાર કહે છે કે કેટલાક પાયાના મુદ્દાઓમાં સૂત્રકારનો મત શંકર કરતાં રામાનુજને વધુ બંધબેસતો થાય છે.

(ક્રમશઃ)

Total Views: 81
By Published On: July 1, 1996Categories: Keshavlal V Shastri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram